પ્રકાશનું પર્વ ગુરુનાનક જયંતી.

દરેક સમાજમાં વિવિધ અને વિભિન્ન પ્રકારના લોકોરહે છે.વિભિન્ન ધર્મ,જાતિ,રંગ,માન્યતાઓ.આદર્શ સ્થિતી ત્યારે હોય છે જ્યારે સમાજના દરેક વર્ગમા સમાનતા જોવા મળે. પણ ભેદભાવ તો હોય જ છે જે સામાજીક બુરાઇ અને શોષણમા પરિણમે છે.

દુનિયાના દરેક દેશોના ઇતિહાસમા કેટલાયે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય છે જે સમાજના શોષિત વર્ગની પ્રગતિ માટે જ જન્મ લે છે.આ વ્યક્તિઓ માનવતા અને માણસાઇ પ્રતિ ચિંતિત થાય છે,સમાજના માહોલમા બદલાવ લાવે છે.

એક સમાજ સુધારક એક આમ ઇન્સાન હોય છે જે અસાધારણ માનવ સેવા કરે છે.

ગુરુનાનકના જન્મ સમયે ભારતમાં સામાજીક,રાજકીય,આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઇ ગયી હતી.લોકો હતાશામા હતા કારણ કે જાતિવાદ કટ્ટર હતો.ઉપરથી બહારની પ્રજાનુ આક્રમણ.એ લોકોની માન્યતાઓ અને રહેણીકરણીનો પ્રભાવ. ભારતની પ્રજા પોતાની જ સંસ્કૃતિથી વિમુખ થવા લાગી. અંધશ્રદ્ધાએ બળતામાં ઘી હોમ્યું.આવા કપરા કાળમા ગુરુનાનકને એક જ રસ્તો દેખાતો હતો કે પ્રજાને એકજુટ કરવી એક મત કરવી.દરેક ધર્મના લોકો એકબીજાનો આદર કરે.

550 વર્ષ પહેલા શિખોના પ્રથમ ગુરુ અને શિખ ધર્મના સ્થાપકનો જન્મ રાવી નદી કિનારે તલવંડી ગામ જે આજે પાકિસ્તાનમા છે.કાર્તિક પૂર્ણમાના દિવસે થયો હતો.પિતા કલ્યાણચંદ અને માતા તૃપ્તાદેવીનુ સંતાન.બહેનનુ નામ નાનકી.

તલવંડી પાછળથી નાનકાના સાહિબ તરીકે ઓળખય છે.શિખોનુ યાત્રાધામ છે.

બાળપણથી પ્રખર બુદ્ધિના લક્ષણ .સાંસરિક વિષયોમા ખાસ લગાવ ન રહેતો.

સાત વર્ષની ઉમરે સંસ્કૃતમા પ્રખરતા મેળવી. અલૌકિક અને અદભૂત જ્ઞાનથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.તેર વર્ષની ઉંમરે ફારસી ભાષામા પ્રખરતા મેળવી અને સોળમે વર્ષે તેજસ્વી વિદ્ધાન તરીકે સમાજમાં ઓળખાવા લાગ્યા. નાનક વધુ પડતો સમય આધ્યાત્મિક ચિંતન અને સત્સંગમા વ્યતીત કરતા.પંડિત અને મૌલવી સૌ કોઇ નાનકની દિવ્યતાથી પ્રભાવિત થયા હતા.લગ્ન બાદ પત્ની સુખમણિથી બે પુત્રો થયા શ્રીચંદ અને લખમીચંદ.ગુરુનાનકજીના નાનપણના મિત્ર હતા ભાઇ મરદાના.નાનકજી કરતા દસ વર્ષ મોટા અને ઉચ્ચકોટિના સંગીતકાર હતા.નાનકજીના સુખ દુ:ખના સાથીદાર હતા.નાનકજી સાથે ચાલીસ હજાર કિલોમીટરની પગપાળા યાત્રા કરી હતી.ગુરુનાનકની વાણીનો પ્રચાર પ્રસાર કરતા.

થોડા સમય પછી નાનક પોતાના ચાર સાથીઓ સાથે તીર્થયાત્રા પર નીકળી ગયા.પંજાબના વિભિન્ન સ્થાનોની યાત્રાઓ કરી.ત્યાર પછી તો કુરુક્ષેત્ર,હરિદ્વાર,જોશીમઠ,રીઠાસાહિબ, ગોરખમત્તા જે આજે નાનક મત્તા કહેવાયછે.અયોધ્યા,વારાણસી,ગયા,પટના,આસામ,ગૌહાટી,ઢાકા,પુરી,કટક,રામેશ્વર,શ્રીલંકા,આપણા ગુજરાતમાં જૂનાગઢ,દ્વારકા,ભરુચ,મધ્ય પ્રદેશમા ઉજ્જેન,અજમેર,લડાખ,તિબેટ,અમરનાથ,શ્રીનગર..આખા ભારતની યાત્રા કરી.નાનકજીએ મુસ્લિમ ધાર્મિક સ્થાનો મક્કા,મદીના,બગદાદ,તુર્કત્સાન,તહેરાન,કાબુલ,કંધાર અને જલાલાબાદ .આ યાત્રાઓ સમુદ્ર માર્ગે કરી હતી.

પ્રવાસનો મુખ્ય હેતુ એક રાષ્ટ્ર કેન્દ્રિત વિચાર અને ઇશ્વર પ્રત્યેની આસ્થા લોકોમા જાગરુકતા લાવવાનો હતો.નાનકજી મહાન ક્રાન્તિકારી,સમાજ સુધારક અને રાષ્ટ્રવાદી ગુરુ હતા.ગુરુનાનકજીના યાત્રાપ્રવાસે તેમને દુરદર્શી બનાવ્યા.યુગદ્રષ્ટા કહેવાયા.

ધર્મના નામે થતા અનાચારને કારણે ગુરુનાનકે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પર બળ આપ્યું.તેઓ કહેતા જન્મથી કોઇ હિન્દુ નથી,કોઇ મુસલમાન નથી.એકેશ્વરવાદનુ દર્શન લોકોને સમજાવ્યું. ઓમકાર નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવા જ્ઞાન આપ્યું.

1520 મા બાબરે ભારત પર આક્રમણ કર્યુ.ભારતમાતાને રક્તરંજિત કર્યા.ધાર્મિક સ્થળો તોડી પાડ્યા.મુગલ સિપાહીઓના અત્યાચારથી ગામે ગામ ઉજડી ગયા.સ્ત્રીઓ અને બાળકોની હત્યાઓ કરી.ગુરુનાનકજીએ બાબરના કૃત્યોનો કડક શબ્દોમા વિરોધ કર્યો.બાબરે નાનકજીને જેલમા પૂરી દીધા.આ બનાવે શિખ ધર્મના ઇતિહાસમાં એક સ્વતંત્રતા આંદોલનનો પ્રારંભ થયો. દક્ષિણભારતથી ઉત્તરભારતમાં ચાલી રહેલા ભક્તિ આંદોલનના ભાગ રુપે અનેક સામાજીક કાર્યની શરુઆત થઇ.

શિખ ધર્મની સ્થાપના કરી.એક સમાજ સુધારકના રુપમાં ગુરુનાનકે મહિલાઓની સ્થિતિ,ગરીબ અને પછાત જાતીના લોકોની દશા સુધારવામાં ઘણા કાર્ય કર્યા.મહિલાઓ જાહેરમા ભજન,કિર્તન અને ધૂન ગાવામા આગળ આવવા લાગી.ગુરુનાનકે જાતિ પ્રથા અને મુગલશાસનની નિતીઓનો વિરોધ કરી એક નવો રસ્તો સમાજ સમક્ષ મૂક્યો.પોતે કવિતા અને નાના નાના દોહાની રચના કરતા.947 શબ્દોની રચના કરી જે શિખ ધર્મના ગુરુગ્રંથ સાહિબમાં અંકિત છે.આજે પણ શિખ પ્રજા આ ગ્રંથનુ પઠન કરે છે.ભાઇ મરદાના સાથે મળીને ભારતીય શાસ્ત્રીય સંગીતના આધારે શબ્દ ગાયન પ્રણાલીનો વિકાસ કર્યો જે આજે પણ ગુરુદ્વારાઓમા ગવાય છે.

કરતારપૂર પાકિસ્તાનમા છે.આ શહેર ગુરુનાનકજીએ 1522મા વસાવ્યુ હતું. તેમનુ શેષ જીવન ત્યાં જ વીતાવ્યું .ત્યાં રોજ કિર્તન,ભજન,પ્રભાતફેરી,અને લંગર એટલે કે સમુહ ભોજનની પ્રથા શરુ કરી.

ગુરુમત દેશદેશાંતરમા ફેલાવ્યો.શિખધર્મના પ્રથમ ગુરુ નાનકદેવજી બન્યા.ગુરુમતનો પ્રચાર ત્યાર પછીના નવ ગુરુઓએ કર્યો.દસમા ગુરુ ગોવિંદસિંહ હતા.ગુરુગોવિંદસિંહે જ્ઞાનગુરુ ગ્રંથ સાહિબનો ઉપદેશ આપ્યો.દરેક ધર્મ ‘એક’ની આરાધના કરે છે.’એક’ની વિભિન્ન અવસ્થાઓનુ વર્ણન શ્રી ગુરુ ગ્રંથ સાહિબમા છે જે નિરાળુ છે.જીવ આત્મા નિરાકાર છે,જેની પાસે ચાર ગુણ છે

બાકી ચાર ગુણ પ્રાપ્ત કરવા જીવ આત્મા પાછો નિરંકારમા સમાઇ જાય છે.પણ જીવ આત્માને ગુરુમત જ્ઞાન સમજવુ જરુરી છે.આત્મ ચિંતન.નિરંકારી આત્માનુ સ્વંય ચિતંન કરી નિરંકારમા ભળવું.

અનેક લોકોએ શિખગુરુઓ પાસેથી દિક્ષા લઇ શિખ સંપ્રદાય અપનાવ્યો.આજે ભારતમાં શિખ સંપ્રદાય એક પવિત્ર અને અનુપમ સ્થાન ધરાવે છે.આ સંપ્રદાય સરળ, સહજ અને સાદો છે.કોઇ લેણ દેણમા નથી માનતા.મનુષ્ય ઉધમ કરતા કરતા જીવે,કમાણી કરે,પરિશ્રમ કરે,,કિર્તન ધ્યાન કરે. શિખ ધર્મ ભારતીય સંત પરંપરાનો પંથ છે જે સનાતન ધર્મનુ દર્શન કરાવે છે.આજે દુનીયામા 25 મિલિયન શિખ અનુયાયીઓ છે.અનેક જાણીતા ગુરુદ્વારા છે જેની શિખ ધર્મના અનુયાયીઓ યાત્રા કરે છે.

ભારતમાં અમૃતસરનુ સુવર્ણ મંદીર શિખ પ્રજાનુ જાણીતુ યાત્રા ધામ છે.હિમાલયમા હેમકુંડ સાહિબ છે.હેમ એટલે બરફ અને કુંડ એટલે એક પાત્ર. આ સ્થળ પર છ મહીના સુધી તો બરફ વર્ષાને કારણે જવાતુ નથી.તારાના આકારનુ આ સ્થળ શિખોનુ માનીતુ છે.

.ગુરુદ્વારા મણીકરન સાહિબ મનાલીમા છે.આ જગ્યા ગુરુનાનકના પ્રથમ ધ્યાનની છે.ચંડીગઢ પાસે આનંદપૂર સાહિબ છે જ્યા શિખ ધર્મની સંસ્થા છે.પટના સાહિબ બિહારમા છે.જે મહારાજા રણજીતસિહે બનાવ્યુ છે,ગુરુ ગોવિંદસિહની યાદમા.દિલ્હીમાં બંગલા સાહિબ છે.મહારાષ્ટ્રના નાંદેડ માં જાણીતુ તખ્ત સચખંડ શ્રી હજુર અબચલનગર સાહિબ ગુરુ દ્વારા છે જે દસમા ગુરુ ગોવિંદસિહનુ નિર્વાણ સ્થળ મનાય છે.

ગુરુદાસપુરમા ગુરુદ્વારા કંધસાહિબ છે.જ્યા ગુરુનાનકના લગ્ન થયા હતા.કપૂરથલામા ગુરુદ્વારા હાટ સાહિબ છે જ્યાં ગુરુનાનકજી શાહી ભંડારાની દેખરેખ કરતાં.અહિંયાથી જ ગુરુનાનકજીને ‘તેરા’શબ્દથી પોતાની રાહનો આભાસ થયો.કપૂરથલામા ગુરુદ્વારા કોઠી સાહિબ છે અને ગુરુદ્વારા બેર સાહિબ છે.ભાઇ મરદાના સાથે વૈન નદીના કિનારે ગુરુનાનક બેઠા હતા ત્યારે ત્રણ દિવસથી નદીમા બેઠા રહ્યા.લોકોએ ડુબી ગયા એમ માન્યું પણપાછા ફર્યા ત્યારે તેમને ઇશ્વરનો સાક્ષાત્કાર થયો.એક ઓમકાર સતિનામનુ ઉચ્ચારણ કર્યું.ત્યાં બોરનુ ઝાડ વાવ્યું જે આજે પણ છે.ગુરુદ્વારા અચલસાહિબ ગુરુદાસપુરમા છે.પોતાની યાત્રાઓવખતે ત્યાં રોકાયા હતા.નાથપંથીઓ સાથે ધાર્મિક ચર્ચાઓ કરી હતી.ઇશ્વર સુધી પ્રેમના માર્ગે પહોંચાય છે.ત્યાં જ ગુરુ દ્વારા ડેરાબાબા નાનક છે.આ સ્થળે ધણાં બધા લોકોને શિખ ધર્મના અનુયાયી બનાવ્યા.

ગુરુનાનકજી 22 નવેબંર 1539મા જ્યોતિમા વિલીન થઇ ગયા.

ગુરુનાનક દેવજીના જન્મ દિવસને ગુરુનાનક જયંતી રુપે ઉજવાય છે.કાર્તિક પૂર્ણિમાના દિવસે શિખશ્રધ્ધાળુઓ દિવાળીની જેમ ઉત્સવ ઉજવે છે.ગુરુ પર્વ અને પ્રકાશ પર્વ ના નામે મનાય છે.સવારના પ્રભાત ફેરી નીકળે છે.વાહે ગુરુ વાહે ગુરુનુ રટણ કરતા કરતા ઝાઝપખાલ સાથે જાપ ગાય છે. ગુરુદ્રારાઓમા શબ્દ કિર્તન,ગુરુબાણીના પાઠ ગવાય છે. સાંજના સમયે લંગર થાય છે.શિખ સમુદાય સમુહમા ભોજન કરે છે.આ એક્તાની ઓળખ છે.

એકઓંકાર,સતિનામ,કરતા પુરખુ નિરભઉ

નિરબૈર,અકાલ મૂરતિ,અજૂની,સૈમ ગુરપ્રસાદી.

ભગવાન એક જ છે,જે નિર્માણ કરે છે,જે નીડર છે,જેના મનમાં વેર નથી,જેનો કોઇ આકાર નથી,જે જન્મ મૃત્યુથી પર છે,જે પોતે જ પ્રકાશમાન છે.તેના નામ સ્મરણથી આર્શીવાદ પ્રાપ્ત થાય છે . ગુરુનાનકજી

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.