ભગવાનને પ્રાપ્ત કરવાની ક્રિયા કરતાં ભગવાનનું માહાત્મ્ય જાણવું વિશેષ છે.નહી તો ‘એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ અખો.કહેવત પૂરવાર કરવા જેવું છે.
ત્રણ દેવોમાં બ્રહ્મા સૃષ્ટિના સર્જક, વિષ્ણુ પાલક અને મહેશ સંહારક છે.મહેશ એટલે મહેશ્વર.મૃત્યુના દેવ નથી કે સંહારના સ્થાપક નથી.
‘શિ’ એટલે કલ્યાણકારી,પાપનાશક.’વ’એટલે મુક્તિ દાતા.શિવલિંગ જ્યોતિ સ્વરૂપ છે.સંપૂર્ણ સૃષ્ટિ બિંદુ અને નાદ સ્વરૂપ છે.બિન્દુ ઉર્જા છે નાદ ધ્વનિ છે.આ બંને બ્રહ્માંડનો આધાર છે.તેના પ્રતિક સ્વરૂપે શિવલિંગની પૂજા આરાધના કરાય છે.
આ જ્યોતિમાંથી પ્રગટ થતો પ્રકાશ સમગ્ર સંસારમાં પ્રસરી જીવ,જગત, મનુષ્યનું કલ્યાણ કરે છે.
મહેશ્વર સર્વ સમર્થ છે ,પરમ તત્વ છે.પરમશિવ છે.સ્વંય પ્રકાશિત, આત્મનિર્ભર છે.એટલે મહેશ, મહેશ્વર સદાશિવ રૂપ છે.સદાશિવ શિવ એટલે પ્રકાશ અને શક્તિ એટલે વિમર્શ.પ્રકાશ+શક્તિ=સૃષ્ટિ.
સૃષ્ટિ ૧૬ તત્વની બની છે.જેમા પાંચ તત્વ પૃથ્વી,જળ,વાયુ,અગ્નિ અને આકાશ.૬ઠુ તત્વ શિવ તત્વ છે જે આજ્ઞાચક્ર કેન્દ્રમાં સ્થિત છે.શિવ તત્વનો ઉદ્દેશ્ય મોક્ષ છે.

પરમશિવ દ્વારા ધારણ કરેલ આવરણ એ જ જીવ _જગત છે.જીવ મૂળ રૂપે ચૈતન્ય છે.સત ચિત્ત આનંદ છે.જીવ સત છે એટલે જ ચૈતન્ય રૂપે હોય છે.અર્થાત આપણે દિવ્ય, શુદ્ધ અને ચૈતન્ય રૂપે છીએ.આપણુ લક્ષ્ય મુક્તિ છે.મુક્તિ એટલે મૃત્યુ નહીં.અજ્ઞાનથી જ્ઞાન તરફ જવું.
ચૈતન્ય હોવું એ જીવનું સામર્થ્ય છે.પણ અજ્ઞાનતા અને અવિધાના ઘેરાવામાં બધ્ધ અવસ્થામાં રહે છે તે વાસ્તવમાં ‘શિવ’ જ સ્વયં છે.જીવનું અજ્ઞાનતાનું આવરણ શિવથી વિખૂટો પાડી દે છે.સત ચિત્ત સૂક્ષ્મ રૂપે રહે છે પણ સંસારની મોહ માયામાં આનંદ નથી રહેતો એટલે સત્ ચિતનો અનુભવ નથી થતો.
જીવ શિવ સાથે એકાત્મ સાધે તો આવરણ મુક્ત થઇ શકે.અજ્ઞાનનો પડદો એની સ્વતંત્રતા ઢાંકી દે છે.સામર્થ્યને પામવા અજ્ઞાનના પડદાની ભીતર ઝાંખવુ જોઇએ.
અર્જુનને વિશ્વરૂપ દર્શન કરાવા શ્રીકૃષ્ણે દિવ્ય ચક્ષુ પ્રદાન કર્યા.આ દિવ્ય ચક્ષુ અલૌકિક જ્ઞાન છે.
જીવની ત્રણ અવસ્થા છે.શુદ્ધ,બધ્ધ અને મુક્ત.જન્મ સમયે જીવ શુદ્ધ છે.સંસારની માયાજાળમાં લપેટાઈને બદ્ધ એટલે કે બંધનમાં રહે છે.દરેક જીવ મોક્ષનો અધિકારી છે.મોક્ષ પામવા શિવના મૂળ તત્વને જાણવાનું છે.
એકાત્મ સાધવા શિવ મહાત્મ્ય જાણી પરમ શિવના મૂળ તત્વ તરફ સોપાન ચઢવાના છે.
શિવ તત્વ પ્રાપ્ત કરતાં પહેલાં આપણે આપણી જાતને સમજાવું જરૂરી છે.શ્રદ્ધા અને વિશ્વાસ વગર કોઇ સિદ્ધ પુરુષ ભગવાનને પ્રાપ્ત કરી શકતો નથી.
પહેલા ત્રણ સોપાન સત્યથી જ્ઞાન અને જ્ઞાનથી જીવનું આચરણ એટલે સત્યમ
બીજું, ત્રીજું આને ચોથું સોપાન આચરણ કર્યા પછી જીવની શિવ તરફની યાત્રા એટલે શિવમ.
પાંચમું સોપાન નિરાકાર રહી છઠ્ઠા સોપાન પર એકાગ્રતા પ્રાપ્ત કરી શિવમ થવાનું અને સાતમા સોપાન પર મુક્ત થઇ સુંદરતાની ઓળખાણ.
સત્યમ શિવમ સુંદરમ.સત્ય શિવ છે.શિવ સુંદરમ છે.શિવ સત્ય છે, કલ્યાણકારી છે.અને જે કલ્યાણકારી છે તે સુંદર છે. સુંદર એટલે દૈહિક સુંદરતા નહીં.એ ક્ષણભંગુર છે.પવિત્ર મનથી કરેલા આચાર વિચાર સુંદર છે.
જીવનું શિવ થવા માટેનું પહેલું સોપાન છે સત્ય.સત્યના ધણાં અર્થ થાય છે.ઇન્દ્રિયો દ્વારા જાણવું અને અનુભવવું પણ સત્ય છે.સત્ય સનાતન છે એટલે સત્ય હંમેશા આપણાથી આગળ જ હોય છે.
અસત્ય અજ્ઞાનતા દર્શાવે છે.અજ્ઞાની જીવ અસત્યનું આચરણ કરે છે.અસત્ય એટલે ખોટું બોલવું એટલું જ નથી.વર્તન અને વ્યવહારમાં અપ્રમાણિકતા પણ અસત્ય છે.આપણી બુદ્ધિથી જ્યારે બીજાને છેતરવાનો પ્રયાસ કરીએ છે ત્યારે પહેલાં આપણે આપણી જાતને અસત્ય બોલીએ છે.કારણ કે બુદ્ધિને અસત્યની આદત નથી.આપણે આદત પાડીએ છે અને ધીમે ધીમે આ આદત અપ્રમાણિક કર્મો કરાવી જીવનમાં યુદ્ધ ઉત્પન્ન કરે છે.પણ વિજય તો સત્યનો જ થાય છે.જીવનમાથી અસત્ય દૂર કરવું જ.
બીજું સોપાન છે જ્ઞાન.આ પૃથ્વી પર કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ જ્ઞાન મેળવી જ નથી શકતો.અને જે જ્ઞાન મળ્યું હોય એનો અંહકાર ટકી નથી શકતો.રાવણ જ્ઞાની હતો.શિવનો ભક્ત હતો.પણ અહંકારની અજ્ઞાનતાએ લંકા બાળી.રામ સાથે યુદ્ધ કરાવ્યું.અસત્ય પારખી લેવું એ જ જ્ઞાન છે.સત્ય જ્ઞાનથી જ પામી શકાય છે.
ત્રીજું સોપાન છે આપણું પોતાનું જીવન.આપણે ક્યાં અને કેવી રીતે જીવન પસાર કરીએ છે એ મહત્વનું નથી.ભૌતિક સંપત્તિ આપણા જીવનના આનંદનું સ્તોત્ર હશે તો એ મોટો ભ્રમ છે.આ ભ્રમ દૂર કરવો જ રહ્યો.મુક્ત થવું જ જોઈએ આવા ભ્રમમાંથી.મનુષ્યનુ મસ્તક ૭% થી ૮%ટકા ક્ષમતા ધરાવે છે જે ફક્ત ભૌતિક દુનિયાનો અનુભવ કરી શકે છે.શિવ તત્વને જાણવા છઠ્ઠી ઈન્દ્રિયની જાગૃતિ આવશ્યક છે.જ્ઞાનથી ભ્રમ દૂર થશે.
ચોથું સોપાન છે સંસારના દરેક સુખથી ઉપર રહેવું.આપણે એવા જગતમાં જીવીએ છીએ જે સ્વ ભ્રમિત છે.પૈસાથી બધું જ ખરીદી શકાય.ધન દૌલત અને સત્તાનો મોહ પરમેશ્વરથી વિખૂટા પાડે છે.સાચો આનંદ હાથ બહારનો છે happiness comes from within not outside.મન શાંત હશે તો ભીતરથી આનંદ આવશે જ.બહાર ફાંફાં મારવા નહીં પડે.ભ્રમમાથી મુક્ત થઇ અનુભવાતા સુખ દુઃખથી પરે થવાશે.
પાંચમું સોપાન છે નિરાકાર.formlessઆપણે કોઇ એક વિચારને આકાર આપી એમાં જ સુખ અનુભવીએ છે કે દુઃખી થયા કરીએ છે.કોઇ એક ખુશીથી જ આનંદ નથી મળતો અને એક જ દુઃખમાં રડી રડીને જીવન પસાર નથી થતું.ક્યારેક બુદ્ધિથી તો ક્યારેક હ્રદયથી વિચાર કરીએ છે.એક વાર સુખ દુઃખથી ઉપર થશું તો જ એકાગ્ર થવાશે.સર્વ ઇન્દ્રીયોને એકાગ્ર કરી નિરાકાર થવું.શૂન્ય થવું.શૂન્ય એટલે મૂઢ નહીં પણ એકાગ્ર થવા માટે બુદ્ધિની સફાઈ કરવી.આજ સુધી આડું અવળું જે બુદ્ધિમાં સંગ્રહ કરી રાખ્યું હોયને કાઢી નાખવું.શૂન્ય રૂપ બુદ્ધિ નિરાકાર છે.એકાગ્ર થવા સક્ષમ હોય છે.
છઠ્ઠા સોપાન પર આવતા જ આપણી બુદ્ધિ અને હૃદય એક સાથે ચાલે છે.તન્મયતા આવે છે.સ્વ મુક્તિનો માર્ગ દેખાય છે.
સાતમા સોપાન પર અતુલિય જ્ઞાનોદયનો પ્રકાશ થાય છે.મનુષ્યમાથી શિવ થવાનું ઉચ્ચતમ સોપાન પર પહોંચી જવાય છે.સીમિતતા દૂર થાય ત્યારે મુક્તિનો આનંદ અનુભવાય છે.ઉચ્ચતમ કક્ષા એટલે પરમ ચૈતન્ય,પરમ શિવ, સંપૂર્ણ સ્વતંત્રતા.
તમસો મા જ્યોતિર્ગમય.
બધ્ધ અવસ્થામાંથી મુક્ત થઇ પરમશિવના મૂળ તત્વને પામી શકાય છે.
શિવ ઉપાસનાનો અર્થ છે ગ્રહણ કરવાનો પ્રયત્ન,શિવપથ પર અગ્રસર થવાની ચેષ્ટા.