કૃષ્ણ પ્રાગટ્ય એક સંદેશ

ભગવાન કૃષ્ણના જન્મના પ્રાગટ્યનો ઇતિહાસ આશ્ચર્યકારક લાગે તેવો હોવા છતાં પણ હકિકત છે અને સત્ય પણ છે.કૃષ્ણ જન્મ આજથી ૫૧૨૫ વર્ષથી પણ વધુ સમયનો છે પણ દર વર્ષે ધામધુમથી જન્માષ્ટમીના તહેવાર તરીકે ઉજવાય છે.કૃષ્ણનો જન્મ કોઇ ભવ્ય રાજમહેલમા કે સોનાની ચમચી મુખમા હોય એવા બાળક તરીકે નથી થયો.અને ગરીબ,પીડીત અભાવગ્રસ્ત અવસ્થામાં પણ નથી થયો.મામા કંસના કારાવાસમાં થયો છે.આ વાતતો સર્વવિદિત છે. કૃષ્ણજન્મની કથામાં આશ્ચર્યનું તત્વ જરુર જણાય છે.કૃષ્ણની માતા દેવકીનો ભાઇ કંસ જે રાજા હતો,દેવકી પોતે રાજ કુંવરી હતા,જે પ્રતિકુળ પરિસ્થિતીમા રાજા વસુદેવ સાથે કારાવાસમા રહ્યા અને પુત્રોને જન્મ આપ્યો.

કૃષ્ણ પહેલા એના છ ભાઇઓ પણ કારાવાસમા જન્મયા. કંસે દરેકને પોતાનો કાળ છે સમજીને મારી નાખ્યા.મૃત્યનો ભય માનવીની કેવી હાલત કરે છે તેનુ ઉદાહરણ કંસ છે.ઉંઘ ઉડી જાય,ભય ચિંતા વધી જાય.પણ સાથે એક ઉદાહરણ પરિક્ષિત રાજાનુ છે .મૃત્યુ નજીક છે જાણીને શુકદેવનો સંગ કરી પરમ કલ્યાણ પામ્યા.મનુષ્ય સામે બંને રસ્તા છે,મોત આવ્યુ મોત આવ્યુના ભયથી ધ્રુજતા રહો અથવા મળેલા સમયનો સદઉપયોગ કરો.ખોટા કર્મ કરતા કરતા આત્મારુપી આકાશવાણી આપણે પણ સાંભળીયે છે પણ અહંકારના ગડગડાટમાં સંભળાતી નથી.

કંસનો ત્રાસ પૃથ્વી પર વધી ગયો હતો.આકાશવાણી થઇ કે તને મારનારો જન્મ લેશે એ દેવકી પુત્ર હશે.સાતમા સંતાન તરીકે શેષજી અવતર્યા.જે વસુદેવની બીજી પત્ની રોહિણીના ગર્ભમા સ્થાપિત કરી, બલરામ રુપે પ્રગટ થયા.એ પછી શ્રીકૃષ્ણ અલૌકિક લીલા માટે પાર્થિવ પૃથ્વી પર પ્રગટ થયા.કૃષ્ણનો અર્થ કેન્દ્ર,આકૃષ્ટ કરે.

કૃષ્ણના પરમ પવિત્ર પ્રાગટ્યના સમયે રોહિણી નક્ષત્ર,તારાઓ શાંત હતા,વર્ષા ૠતુના નિર્મળ જળથી પૃથ્વી સ્વચ્છ બની ગયી હતી.ચોતરફ હરિયાળીની સુવાસથી વાતાવરણ સુવાસિત હતું.પ્રથમ અલૌકિક ચતુર્ભુજ સ્વરુપે અને પછી બીજુ સામાન્ય બાળ સ્વરુપે શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય થયું.

ભગવાનના અવતાર અને કર્મ તેમની લીલાઓનુ રહસ્ય ધેરું છે.શ્રીકૃષ્ણ પૂર્ણ અવતાર છે. સ્વંય પોતે ગીતામા કહ્યું છે કાેઇ પણ શ્રધ્ધારહિત અને અહંકારી મને જાણી નથી શકતો.શ્રીકૃષ્ણ લીલા જગતની આસક્તિથી મુક્ત થવાનો માર્ગ છે.સંસારના વિષયોનું વિસ્મરણ થાય ત્યારે જ ખરો આનંદ પ્રગટ થાય છે. જે સત ચિત્ત આનંદ રુપ છે.સર્વ રસોનો સમન્વય એ કૃષ્ણ લીલા જે સંસારના દરેક વ્યક્તિને આનંદ રસ અને અમૂલ્ય સંદેશો આપે છે.માનવ કલ્યાણર્થ સંકેત છે.શ્રીકૃષ્ણના જન્મથી એમની અસાધરણ શક્તિનો અહેસાસ મળે છે.જો એને સમજીએ તો આપણા જીવનની દરેક મુશ્કેલીઓનો અંત આણી શકીએ છે.

શ્રીગીતામાં ત્રણ માર્ગ કર્મમાર્ગ, જ્ઞાનમાર્ગ અને ભક્તિ માર્ગ જીવન જીવવાની કેડી બતાવે છે.

શ્રીકૃષ્ણનો જન્મ અંધારી રાત્રે થયો હતો.ગહન અંધકાર હતો અને માતા પિતા કારાવાસમા હતા.જે મુક્તિ આપનાર ભગવાન છે એના માતા પિતાને કારાવાસમા કેદ કરી શકાય?મુક્તિ જેની દાસી છે,જે મુક્તિના ધામ છે,એ બંધનમા હોય? જગતને પ્રકાશ આપવા,કાળી ઘેરી અંધારી રાત્રે જન્મ લેવો.અંધકારમાથી પ્રગટ થવુ એ વિભૂતિ છે.શ્રીકૃષ્ણ જગતને આજ્ઞા કરે છે કે ,યોગસ્થ થઇ કર્મ કરો,ફળની આશા છોડી પોતાના નિયત કર્મ કરો.કર્મ કરવાથી જ મોક્ષ મળે છે.કામકાજ કર્યા વગર મોક્ષનો માર્ગ મળતો નથી..સતકર્મ કરી ફળનો મોહ ન કરવો એ જ મોક્ષ છે.મોહનો ક્ષય એ જ મોક્ષ.

આ મનુષ્ય શરીર મેળવી,આપણા અંતરમનના પિંજરામા પણ વૃતિઓ મનના અંધકારમા હોય છે.જ્યાં બુદ્ધિનો પ્રકાશ પહોંચી નથી શકતો.દંભ,આડંબર,ઢોંગ વગેરે કાજળ જેવી કાળી વૃતિઓ અંતરમા ઢબુરાયેલી હોય છે.આપણી બુદ્ધિ રજોગુણ અને તમોગુણના કારાવાસમા બંધન ભોગવે છે આવી બુદ્ધિથી કરેલા કર્મોથી કારાવાસની સાંકળો માં જકડાઇ જઇએ છે. ભગવાન વિષ્ણુ અલૌકિક સ્વરુપે પ્રગટ થાય છે.કંસના ભયથી વસુદેવ દેવકી આ સ્વરુપને સંકેલી લેવાનુ કહે છે.ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે બ્રહ્મભાવથી નિરંતર મારા પર સ્નેહ રાખી મારુ મનન કરશો તો પરમ ગતિને પામશો.પરમાત્માના સ્મરણ માત્રથી હ્રદયની ગાંઠ ઉકલી જાય,કર્મના બંધન છૂટી જાય છે.વસુદેવ જીવનુ પ્રતિક છે.જીવ પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપને ભૂલી જઇ સંસારની માયાના કઠોર કારાવાસમા કેદ છે.દેવકી બુદ્ધિ અને ચિત્તની વૃતિનુ પ્રતિક છે. વૃતિ વિષયવતી બની દુ:ખનો અનુભવ કરે છે. વસુદેવ અને દેવકી જીવ સ્વરુપે પોતાના અસલ સ્વરૂપને ઓળખે છે,ચિત્તની ચંચલ વૃતિમા રહેલા વિષયોથી મુક્ત થઇ પરમાત્મામયી બનવા તૈયાર થાય તો જીવનમા ભગવાનનો અવતાર થતાં વાર ન લાગે.જીવ અને બુદ્ધિની બંધનની સાંકળ તૂટી જાય,જીવ પૂર્ણ અને મુક્ત થાય.વસુદેવ અને દેવકી સંસારના સાર રુપ છે.દેવકી અને વસુદેવ બાળકને કંસથી બચાવા માંગે છે.પણ કાળી અંધારી રાત અને મુશળધાર વરસાદ.બાળકને કાળકોટડીમાંથી કેમ બહાર લઇ જવું?કાળી રાત અજ્ઞાનતાનુ પ્રતિક છે,જીવન યાત્રા પાર કરવામા અડચણ કરે છે.દેવકી રુપી બુદ્ધિ અને ચિત્ત આત્માની પરમશાંતિ ઇચ્છે છે.વસુદેવરુપી મન અને દેવકી રુપી બુદ્ધિ એક થતા અજ્ઞાન,ભય,શંકા,સંદેહની સાંકળો તૂટી ગયી.આમ આપણે પણ મનમાં રહેલી તૃષ્ણા,મોહ,મદમાં ફસાતા રહીએ છે.મુક્ત થવાનુ સાહસ જરુરી છે.વસુદેવજી બાળકૃષ્ણને એક ટોપલીમા સુવડાવી બહાર નીકળે છે.કારાગારની રક્ષા કરતા સૈનિકો નિદ્રાધીન થઇ જાય છે.તાળા ખૂલી જાય છે.આપણી અંદર રહેલા કામ,ક્રોધ,મોહ,વાસના જેવા સૈનિકોને પણ નિદ્રાધીન કરવાન છે. ઘનઘોર રાત્રી અને મુશળધાર વરસાદમાં નવજાત શીશુને લઇને પિતા બહાર નીકળે એવું બની શકે શું? ક્યા મા બાપનુ કાળજુ આવુ કઠણ હોય?.પણ શરીર,ઇદ્રિયો,મન,બુદ્ધિથી એક શ્રેષ્ઠ આત્મા છે જે મુક્ત છે.એટલે જ શ્રીકૃષ્ણ ગીતામા કહે છે કે આત્મા જન્મતો નથી,મરતો નથી,અગ્નિ બાળતો નથી,પાણી ભીંજવતુ નથી અને પવન સુકવતો નથી.નિત્ય,બધે વ્યાપ્ત,સ્થિર અને સદાનો છે.આત્માને શ્રેષ્ઠ માની કર્મ કરવાના છે. આ શરીર પંચમહાભૂતનું બન્યુ છે, અગ્નિ,જળ,વાયુ,પૃથ્વી,આકાશનુ બનેલું છે.નાશવંત છે ફરી પંચમહાભૂતમા ભળી જશે..આત્મા અમર છે.ભય,ચિંતા,શોક કલેશ રહીત છે.જે કર્મ કરીએ ભગવાનને અર્પણ કરો.સર્મપણ કમજોરી નથી.જો એવું હોત તો અર્જુનને યુદ્ધ કરવાની ના પાડત.શ્રીકૃષ્ણ શું નહોતા જાણતા કે યુધ્ધ કેટલાય લોકોના મોત લઇને આવશે.પણ અર્જુનને વિષાદ થતાં યુધ્ધ માટે શ્રીકૃષ્ણે જ ગીતા જ્ઞાન આપી ઉભો કર્યો.
આપણને ખબર નથી ક્યાં શરણાગત થવું.
એટલે જ આખા સમાજમાં અવ્યવસ્થા છે.

વસુદેવજી બાળકૃષ્ણને ટોપલામાં સુવડાવી માથે મૂકી કારાવાસની બહાર નીકળે છે.જે સૂચિત કરે છે મગજ અને માથુ દુર્ગોણોથી મુક્ત કરો તો ભગવાન ત્યાં બિરાજશે.આજે નાની નાની વાતોમાં મગજ ગુમાવી બેસીએ છે. મનને ચિંતા,ભય,વિષાદ રહે છે કારણકે અહંતા મમતા માથા પર નાચે છે.પરમાત્માની પ્રેરણા તથા યોજના પ્રમાણે ચાલીએ તો નિર્ભય,નિશ્ચિત બની શકીએ છે.વાસુદેવજી યમુનાના ધસમસતા પાણીમા પ્રવેશ કરે છે .સામા કિનારે ગોકુળ પહોંચવું છે.અગાધ યમુના જળ પાર કરવાનુ હતુ..વસુદેવજી આગળ વધે છે.શેષનાગ પ્રભુની રક્ષા કરવા ફેલાઇને વરસાદના વરસતા જળથી રક્ષા કરે છે.શેષનાગ કાળનો અવતાર છે. બાળકૃષ્ણ મંદ મંદ મલકાય છે. દરેક મનુષ્યનુ જીવન જવાબદારીથી ધેરાયેલું છે.યમુનાના અગાધ જળ જેવો આ સંસાર છે.મુખ્ય ફરજ પરિવાર ,સમાજ અને આર્થિક ઉર્પાજન હોય છે.જેને પાર પાડવા મનુષ્ય સંઘર્ષ કરે છે,મુશ્કેલીઓનો સામનો કરે છે.જે કાળ સ્વરુપ છે. પણ પ્રભુનો શાંત અને હસતો ચહેરો ધીરજ ધરવાની પ્રેરણા આપે છે.ભગવાન વિષ્ણુ શાંત મુદ્રામા શેષનાગ પર એક હાથ પર મસ્તક રાખી બિરાજે છે.માનવજાતનુ માર્ગદર્શન કરે છે.

વસુદેવજી ગોકુળ પહોંચે છે.ગો એટલે ગાય.ગો એટલે ઉપનિષદ જેનુ સિચંન શ્રીકૃષ્ણ કરે છે અને જગતને આપે છે.ગો એટલે ભક્તિ.મનથી શ્રીકૃષ્ણનુ રટણ કરવાથી હ્રદય ગોકુળ જેવુ ર્નિમળ થાય છે.ગોકુળમા ગોપીઓ રહે છે.ગોપીઓ સતત શ્રીકૃષ્ણનુ રટણ કરે છે.નિસ્વાર્થ ભક્તિ કરે છે.ગોકુળ ગામ યોગમાયાના પ્રભાવથી ઘોર નિદ્રામાં પોઢી ગયુ હતુ. માયાનુ કામ જ પોઢાઢવાનુ છે.માનવી આંખો બંધ કર્યા વગર પણ મોહમાયામાં સુતો હોય છે. નંદ યશોદા પણ નિદ્રાધીન હતા.બાળકૃષ્ણને ત્યાં સુવાડી વસુદેવ ક્ન્યાને લઇને જેમ ગયા હતા તેમ પાછા કારાવાસમાં આવી ગયા.કન્યાને દેવકી પાસે સુવાડી.કન્યાના રડવાનો અવાજ સાંભળી સિપાહીઓ જાગી ગયા.

ગોકુળમા યોગમાયાએ બધાને સુવાડ્યા અને મથુરામા જગાડ્યા.જાગો,જાગો, પાપનો નાશ કરવા વાળો જ્ન્મી ચૂક્યો છે.

યદા યદા હી ધર્મસ્ય ,ગ્લાનિ:ભવતિ ભારત.

અભ્યુત્થાનમ અધર્મસ્ય તદા આત્માનં સૃજામિ અહમ.

પરિત્રાણય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ.

ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભાવામિ યુગે યુગે.

સંતાન જન્મની જાણ થતા કંસ આવી પહોંચે છે.કન્યાને મારવા જાય છે.કન્યા વિષ્ણુ સાથે પ્રગટ થયેલી શક્તિ છે.કન્યા કંસને કહે છે તારો નાશ કરવાવાળો પ્રગટ થઇ ગયો છે.કુકર્મ કરતા શક્તિ ક્ષીણ થાય છે.શક્તિહીન મનુષ્ય વિવેક ગુમાવી બેસે છે . શક્તિ શ્રી સ્વરુપ છે.સારા હકારાત્મક આચરણ અને વિચરણની શક્તિ આપે છે.કારણકે શક્તિ પ્રકૃતિનું સ્વરુપ છે.સત,રજ,તમ ગુણ પ્રકૃતિ છે.આ ત્રણ ગુણ આપણું વ્યક્તિત્વ બનાવે છે.શક્તિ આત્મવિશ્વાસ આપે છે.ફક્ત શારિરીક શક્તિ જરૂરી નથી.શારિરીક શક્તિ બળ કહેવાય.માનસિક શક્તિ આત્મવિશ્વાસ વધારે છે.

ગોકુળમાં નંદ અને યશોદા પુત્રજન્મથી આનંદીત થયા.સર્વને આનંદ આપે તે નંદ.વાણી,વિચાર અને વર્તનથી સૌને આનંદ.તો પરમાનંદ કૃષ્ણ આપણા જીવનમાં પ્રગટે.હ્રદયને ગોકુળ બનાવો.વસુદેવ દેવકીનો પુત્ર હોવા છતાં નંદ યશોદાને ત્યાં ઉત્સવ.વસુદેવ અને દેવકીની આકરી કસોટી હતી.પણ અર્ધમનો નાશ કરવા સ્વસ્થ રહી શાંત હતા.સમસ્ત સમાજના હિત માટે આ કાર્ય કરી રહ્યા હતા. આપણા પરિવાર કે જીવનમા આવી ઘટના થાય છે. ત્યારે વસુદેવનું વ્યક્તિત્વ સમજાય.

શ્રીકૃષ્ણનો જન્મ ભયાનક સમયે થયો.કંસનો અત્યાચાર,સતત કૃષ્ણને મારી નાખવાની યોજનાઓ.કંસના મોકલેલા અસુરો પૂતના,શકટાસુર,તૃણાવત,વત્સાસુર,બકાસુર,વ્યોમાસુર ભગવાનના અપૂર્વ બળ પાસે ટકી ન શક્યા.આજે માનવ નાની આપત્તિ સામે ટકી નથી શકતો.

શ્રીકૃષ્ણે જન્મથી કરીને મહાપ્રયાણ સુધી અનેક પડકારો જોયા પણ હંમેશા આનંદ અને પ્રેમથી જીવ્યા.કારાવાસમાં જન્મ,માતાની ગોદમાથી તરત વાંસની ટોપલીમા પિતા લઇ ગયા ત્યારે આ બાળકને માટે એક સારી ગોદડી પણ નહોતી પાથરવા.કૃષ્ણે કર્યું તે અઘરું છે પણ ગીતાજ્ઞાન વ્યક્તિ વિકાસની દીવાદાંડી છે.

શ્રીકૃષ્ણ સર્વગુણ સંપન્ન છે.ચોસઠ કળાના જાણકાર છે.બાળસ્વરુપ પારણે ઝુલતું હોય,નટખટ માખણચોર હોય,ગોપીઓની મટુકી ફોડતા હોય,ગોપીઓ સંગ રાસલીલા રમતા હોય,ગાયો ચરાવતા હોય,વાંસળી વગાડતા હોય કે કુરુક્ષેત્રના યુદ્ધમાં ગીતનો ઉપદેશ અર્જુન આપતા હોય,ધરતીના દરેક જીવના રોમે રોમમાં કૃષ્ણ વસે છે

નંદ ધરે આનંદ ભયો,જય કનૈયાલાલ કી.

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s