કુદરતની બહેતરીન રચનામાં શુભ_અશુભ કેમ?

માનવીય શરીર કુદરતની બહેતરીન રચના છે.તો આવી સુંદર રચનામાં અશુભતા હોય શકે?આપણા શરીરના દરેક કોષને લોહી પહોંચાડવા માટે હ્રદય રૂપી પંપ શરીરમાં ડાબી બાજુ છે.જે ૨૪ કલાક ૩૬૫ દિવસ ચાલ્યા કરે છે.આપણુ જીવન જ હ્રદય પર ચાલે છે એમ માની શકાય.વ્યકતિના મૃત્યુને heart failure કહેવાય છે.

આપણામાં કહેવત છે કે જમણા હાથે કરેલ શુભ કાર્યની ખબર ડાબા હાથને ન પડવી જોઈએ.બંને હાથ શરીરના જ ભાગ છે.ડાબા હાથને અશુભ માની કાપી નાખીએ છે શું?બાળકો ડાબા હાથનો ઉપયોગ કરે ત્યારે એની આદત બદલાવાની કોશિશ થાય છે.ડાબા હાથ પ્રત્યેનો અણગમો વિદેશોમાં પણ જોવા મળે છે.પણ ડાબોડી જોવા તો મળે જ છે.એલોપેથીક સારવારમાં રોગનું નિદાન કરતી વખતે ડાબી બાજુ હ્રદયનું પરિક્ષણ થાય છે.આર્યુવેદમા સ્ત્રીઓની જમણા હાથની નાડી અને પુરુષની ડાબા હાથની નાડી પરીક્ષણ થાય છે.આપણે જ્યારે ચાલીએ ત્યારે પહેલાં જમણો પગ આગળ વધે છે અને ડાબો હાથ પાછળ જાય છે.આ કુદરતી છે.કોઇ પણ વસ્તુ ઉંચકતા પહેલા જમણો હાથ આગળ આવશે.ડાબો ભાગ સંવેદનશીલ હોય છે.

હિન્દુ ધર્મમાં તો જમણો હાથ ધાર્મિક કાર્યો સાથે જોડાયેલ છે.ડાબો હાથ ધાર્મિક કાર્યોમાં નિષેધ છે.ડાબા હાથે કરેલ શુભ કાર્ય પણ અશુભ મનાય છે.

ઘરપરિવારની સુખ સમૃદ્ધિ માટે પૂજા હવન કરીએ ત્યારે ઘરના તમામ સભ્યો જોડાય છે.વિધી કરાવનાર બ્રાહ્મણ વિવિધ સામગ્રી અર્પિત કરાવે છે ત્યારે હંમેશાં જમણા હાથથી જ આહુતિ આપવાનું કહે છે.બ્રાહ્મણને દક્ષિણા જમણા હાથે આપીએ છે.પ્રસાદ ધરવો અને લેવો જમણા હાથે.નવી વહુના ઘરમાં પગલાં પડે ત્યારે પ્રથમ જમણો પગ મૂકાવીએ છે.

ધાર્મિક કાર્યોમાં નાડાછડી બાંધવામાં આવે છે.પુરૂષો અને અપરિણીત કન્યાઓને જમણા હાથના કાંડા પર નાડાછડી બંધાય છે.પરિણીત સ્ત્રીઓને ડાબા હાથના કાંડા પર નાડાછડી બંધાય છે.શાસ્ત્રો મુજબ નાડાછડી માં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીના આશીર્વાદ હોય છે.વિધી કરાવનાર બ્રાહ્મણ નાડાછડી બાંધીને સંકલ્પ લેવડાવે છે.વૈજ્ઞાનિક કારણ પ્રમાણે વાત, પિત્ત અને કફને સંતુલિત કરે છે.અસાધ્ય રોગોથી રક્ષણ કરે છે.નકારાત્મક ઉર્જાથી બચાવે છે.

પણ શુભ અશુભનુ કારણ શું છે.?

ડાબા હાથને પ્રકૃતિ અને જમણા હાથને પુરુષ તરીકે માનવામાં છે.એનો અર્થ એવો નથી કે ડાબો હાથ કે ડાબો ભાગ નબળો છે.પ્રકૃતિ એટલે શક્તિ.શક્તિને સાચવી શુભ કાર્ય કરી શકાય છે.

આપણા ૬ દર્શનમાં સાંખ્ય દર્શન મુજબ આ સૃષ્ટિ બે વાસ્તવિકતાની બની છે.

પ્રકૃતિ અનેપુરુષ.પ્રકૃતિ+પુરુષ=તત્વ.આ જગતના કારણ છે અને જે કાંઇ સત્ અને અસત્ હોય છે તે સર્વ પ્રકૃતિ-પુરૂષરૂપ જ છે.પ્રકૃતિ વ્યક્ત છે, પુરુષ અકર્તા છે.ચૈત્નય સ્વરૂપ પુરુષ શુદ્ધ અને સર્વ વ્યાપી છે.સુખ દુઃખથી પર છે.

પ્રકૃતિના ત્રણ ગુણો છે.સત્વ,રજ અને તમ.ભગવાને જગતના કારણ તરીકે પ્રકૃતિ પ્રકટ કરી છે.પ્રકૃતિ માયા રૂપે છે.પ્રધાન તેનું મુખ્ય લક્ષણ છે.પ્રકૃતિના ત્રણ ગુણોમાંથી કોઈ એક ગુણ એકલો કાર્ય કરતો નથી.આ ત્રણે ગુણોને લીધે સંસારમાં ઇષ્ટ, અનિષ્ટ અને તટસ્થ વસ્તુઓ ઉત્પન્ન થાય છે.પુરુષ પ્રકૃતિના ૨૫ તત્વો છે.પ્રકૃતિનો પહેલો વિકાર મહત્.મહતમાથી અહંકાર, અહંકારમાંથી દશ ઇન્દ્રીયો,મન, પાંચ તન્માત્રા.

પાંચ તન્માત્રામાથી પૃથ્વી, પાંચ ભૂતો મળી ૨૪ તત્વો.૨૫મો પુરૂષ સ્વતંત્રત છે.આ જ્ઞાનથી મુક્તિ.અને આજ્ઞાની જીવને બંધન.પ્રકૃતિના ત્રણ ગુણ સત્વ,રજ અને તમોગુણ સંસારના બધા વ્યાપાર છે.સંસાર આ પ્રકૃતિના ત્રણ ગુણોથી ઘેરાયેલો છે.

સૌ પ્રથમ પ્રકૃતિમાંથી મહત્ત બુદ્ધિનો પ્રાદભાવ થાય છે.બુદ્ધિ પ્રકૃતિનું પરિણામ છે જેથી જડ છે.પરંતુ પુરુષના સાનિધ્યમાં હોવાથી ચૈતન્યનો પ્રકાશ પાડે છે.બુદ્ધિમા તામસતા વધવાથી અધર્મ, અજ્ઞાનતા અને આસક્તિ થાય છે.બુદ્ધિની મદદથી પુરુષ પ્રકૃતિથી પોતાનો ભેદ પારખી દુ:ખમુક્ત થાય છે.મહત્તમાથી સાત્વિક, રાજસિક અને તામસિક અહંકાર ઉત્પન્ન થાય છે.તામસિક અહંકારમાંથી પાંચ તન્માત્રા ઉત્પન્ન થાય છે.પાંચ તન્માત્રા રૂપ,રસ, ગંધ, સ્પર્શ અને શબ્દ પર પ્રકૃતિનું રાજ્ય છે.આ તન્માત્રાઓના સંતોષ માટે આપણે કાર્ય કરીએ છે.આપણી ઘર ગૃહસ્થી,આપણા જીભના સ્વાદ, હરવું ફરવું, બોલવું ચાલવું.સાથે જ કળા,સંગીત, શારીરિક આનંદ,સુખ સંપત્તિ અને વૈભવ પર પ્રકૃતિનું રાજ્ય છે.આપણે પૈસા કમાવા પુરૂર્ષાથ કરીએ છે સાથે આપણી જરૂરિયાત વધતી જાય છે.ભૌતિક સંપત્તિનું જીવનમાં મહત્વ છે પણ ઉપલબ્ધતા સીમીત છે.આજે રાજસુખ મળે છે તો કાલે સંપત્તિનું નુકસાન ભોગવવું પડે છે.આ સઘળું માયા રૂપે છે.રજો અને તમોગુણ યુક્ત છે.સંસારનો અનુભવ કરનાર જીવને સાંખ્યમાં પુરુષ કહેવાય છે.પુરુષ પ્રકૃતિના તત્વોનો ઉપયોગ કરનાર ભોક્તાપણાનો ભાવ થાય છે.ત્રિવિધ દુઃખ અનુભવે છે અને તેને દૂર કરવાના ઉપાયને જાણવાની તેને ઇચ્છા થાય છે.દુખ સ્વરૂપ ન રહેવું તે અલગ તત્વ થવું.

પુરૂષ ચૈતન્ય અને આનંદ સ્વરૂપ છે.

સાંખ્યમાં આત્માને પુરુષ કહેછે.

કાર્યની ઉત્પત્તિ,કારણ અને કર્તાપણાના કારણ તરીકે પ્રકૃતિ છે પણ તેનાં ફળરૂપે સુખ દુઃખના ભોક્તા તરીકે પુરુષ છે.પુરૂષ આ લાગણીઓને વશમાં કરી શકે છે.ભૌતિક સુખ સંપત્તિ આનંદ આપે છે પણ જ્યારે આ સુખ નથી મળતું ત્યારે નિરાશા આવે છે.ફક્ત બૌદ્ધિક વિકાસ અને વિચારો આવી નિરાશા પર કાબૂ મેળવી શકે છે.બૌદ્ધિક વિકાસ આધ્યાત્મિકતાથી આવે છે.

હવે વિચાર કરીએ આપણા શરીરમાં ડાબી બાજુ હ્રદય છે, ત્યાં પ્રકૃતિ છે.માયાનુ પ્રતીક છે.જમણી બાજુ પુરુષ છે.જ્યારે આપણે મંદિરમા પ્રવેશ કરીએ ત્યારે જમણો પગ આગળ કરીને પ્રવેશ કરીએ છીએ. ભૌતિક સુખને બહાર છોડી આધ્યાત્મિક સુખમા પ્રવેશ કરીએ છે.મંદિરમા શાંતિથી બેસી પ્રાર્થના કરવી, સ્તુતિ કરવી, ઇશ્વરનું ધ્યાન કરવું.આ ભૌતિક સુખ(પ્રકૃતિ) અને આધ્યાત્મિક સુખ (પુરુષ),એટલે વ્યક્તિ આધ્યાત્મિકતામા પ્રવેશ કરે ત્યારે જમણા પગથી શરૂઆત કરે છે.મંદિરમા પ્રદક્ષિણા ભગવાનની જમણી બાજુથી શરૂ કરીએ છે.એવી રીતે જ દરેક શુભ કાર્ય જમણા હાથથી થાય છે.

આપણી મુર્તિ કળા અને ચિત્ર કળા પણ પુરુષ અને પ્રકૃતિનું વર્ણન કરે છે.

નટરાજની મૂર્તિમાં જમણો પગ ઉપર છે અને ડાબો પગ પૃથ્વી પર છે.જમણો હાથ અભય મુદ્રા દર્શાવે છે.ડાબો હાથ જમણા પગ તરફ છે જે મોક્ષનું સૂચન કરે છે.

શિવજી પુરુષ અને ચૈતન્યનું પ્રતીક છે.પાર્વતી પ્રકૃતિ અને શક્તિનું પ્રતીક છે.શિવજીનો જમણો પગ પૃથ્વી તરફ છે અને પાર્વતીનો ડાબો પગ પૃથ્વી તરફ છે.

ભગવાન શિવના ડાબા અંગથી સ્ત્રીની ઉત્પત્તિ તે અર્ધનારીશ્વર સ્વરૂપ.શાસ્ત્રોમા સ્ત્રીને પુરુષની વામાંગી કહી છે.

સ્ત્રીનો ડાબો ભાગ પ્રેમ અને રચનાત્મકતા દર્શાવે છે તો પુરુષનો જમણો ભાગ શુભ કાર્ય દર્શાવે છે.જ્યારે શુભ કાર્ય કરીએ ત્યારે દ્રઢતા અને રચના શક્તિ હોય તો કાર્ય અવશ્ય સફળ થાય છે.શુભકાર્યોમા પત્નીને ડાબી બાજુ સ્થાન અપાય છે.

ગણપતિની મૂર્તિમા ગણપતિની સૂંઢ પુરુષ અને પ્રકૃતિ બતાવે છે.ગણપતિની જમણી સૂંઢ સુર્યથી પ્રભાવિત ગણાય છે.સુર્ય નાડી જમણી બાજુ હોય છે.આ સ્વરૂપ સિદ્ધિ વિનાયક છે.દરેક કાર્યોમાં સફળતા આપે છે.આ સ્વરૂપ સંસારિક સુખમાંથી મુક્ત રહી મોક્ષનું સૂચન કરે છે.કહેવાય છે કે ગૃહસ્થીએ આ સ્વરૂપ ઘરમાં સ્થાપિત ન કરવું કારણકે સાંસારિક જવાબદારીઓનો ત્યાગ કરવો ઉચિત નથી.એટલે જ મોટે ભાગે મંદિરોમાં જમણી સૂંઢના ગણપતિ હોય છે.મુંબઈમાં આવેલ સિદ્ધ વિનાયક મંદિરનું મહત્વ છે.

ડાબી સૂંઢ એટલે વામમુખી ગણપતિ.વામ બાજુ ચંદ્ર નાડી છે.કોમળ અને શીતળ છે.આ મૂર્તિ ભૌતિક સુખ સમૃદ્ધિ આપે છે જે સંસારિક જીવનની જરૂરિયાત છે. છે.ડાબી સૂંઢના ગણપતિ વિધ્નહર્તા છે.વામબાજુએ બિરાજમાન માતા પાર્વતીના પુત્ર છે.ગૃહસ્થીઓને આ સ્વરૂપ પૂજન માટે યોગ્ય છે.

દેવી લક્ષ્મી,દેવી સરસ્વતી, દુર્ગા,અંબાના શક્તિ સ્વરૂપની પૂજા થાય છે.ભૌતિક સુખ સંપત્તિ આપનારા છે.પ્રકૃતિ રૂપે છે.આ મૂર્તિઓમા ડાબો પગ પૃથ્વી પર હોય છે.નવરાત્રીમા માટીના ગરબાની સ્થાપના થાય છે.જવારા ઉગાડીએ છે.આ દરેક વિધી પ્રકૃતિની પૂજા છે.સંસારના કાર્યોમાં શક્તિ અને સિદ્ધિ મેળવવા અનુષ્ઠાન થાય છે.

આપણા ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ અને શિવની મૂર્તિમા બ્રહ્મા પ્રકૃતિ છે જે ડાબો પગ પૃથ્વી પર ધરે છે, વિષ્ણુના બંને ચરણ એક સરખા છે જે પ્રકૃતિ અને પુરુષમાં સમાનતા દર્શાવે છે,મહેશ પુરુષનું વર્ણન કરે છે જેથી જમણો પગ પૃથ્વી પર છે.

પણ પ્રકૃતિની શક્તિ ત્રિદેવ પાસે છે.આપણા ઋષિમુનીઓ માનતા હતા કે મનુષ્ય જીવન સંસારમાં આસક્ત રહેશે.એના માટે શરીર માધ્યમ છે.અન્ન શરીરને પોષણ આપે છે. અન્ન જીવનની ઉર્જા છે.જેમ હવનમાં આહુતિ આપી અગ્નિ પ્રગટાવવો.આ રીતે અન્ન પવિત્ર ગણાય છે.અને જમણાં હાથે અન્ન પીરસાય છે.જમણા હાથે અન્ન ખવાય છે.

પૃથ્વી પર મનુષ્ય જ એક એવો જીવ છે જેને જીવન મરણનું જ્ઞાન છે.મૃત્યુ અંત છે એવું જાણવાથી મનુષ્ય મૃત્યુથી ડરે છે.આપણા દેવી દેવતાઓની મૂર્તિઓમાં જમણા હાથની હથેળી ઉભી રાખેલી એટલે કે આશીર્વાદ આપતા હોય એવી રીતે હોય છે.આ અભય મુદ્રા છે.અભય મુદ્રા દર્શાવે છે કે ભય ન રાખવો.ભૂખ,તરસ અને અન્નથી ઉપર પણ એક જીવનનું સત્ય છે ધીરજ અને શ્રદ્ધા.ગુરુજન અને વડીલો જમણો હાથ આગળ કરી આશિષ આપે છે.

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ડાબા હાથે લેતા અને જમણા હાથે પણ લખી શકતા.વિશ્વની કુલ વસ્તીના ૧૨% લોકો ડાબોડી છે.અમેરિકામા લેફ્ટ હેન્ડર્સ એસોસિએશન ૧૩ ઓગસ્ટના દિવસે લેફ્ટ હેન્ડર્સ ડે મનાવે છે .શુભ અને અશુભ ફક્ત માન્યતાઓ છે.સૃષ્ટિ પોતાના નિયમ પ્રમાણે ચાલે છે માન્યતાઓના આધારે નહીં.

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: