આમ તો સ્ત્રી શક્તિનું સ્વરૂપ છે પણ એનામાં પિંડ પેદા કરવાની અદભૂત શક્તિ છે.વિનાશક, સર્જક,પ્રેરક અને સહાયક એના ગુણો છે.માતૃશક્તિ દ્રારા જ જીવનની શરૂઆત થાય છે અને જીવનું પાલન પોષણ થાય છે.
ત્રિગુણ શક્તિ મહાકાળી, મહાલક્ષ્મી અને મહા સરસ્વતીની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ.
શારદીય નવરાત્રિ,વિજ્યા દશમી અને શરદપૂર્ણિમા,આ ત્રણેય પર્વો આસો મહીનાનીમા સુદ એકમથી કરી પૂનમ સુધી આવે છે.આસો મહીનાના શુક્લપક્ષને દેવીપક્ષ કહેવાય છે.આસો મહીનાની નવરાત્રીમા આઠમને દુર્ગાષ્ટમી તરીકે ઉજવાય છે.મહાઅષ્ટમી પણ કહેવાય છે.દુર્ગા એટલે દૈત્ય નાશક, વિઘ્ન નાશક,પાપરોગ નાશક.દુર્ગા દુર્ગતિ નાશીની.
દુર્ગા પૂજા સમગ્ર ભારતમાં ઉજવાય છે પણ બંગાળની પ્રજાનો મહત્વનો તહેવાર છે.ધણા મહીનાઓ અગાઉથી તહેવારની તૈયારી શરૂ થઇ જાય છે.પરદેશથી પણ લોકો આ તહેવારને માણવા અને જાણવા આવે છે.બંગાળમા કથા છે કે માતા દુર્ગા લાડકી પુત્રી તરીકે બાળકો સાથે પિયર આવે છે અને એક દીકરી પિયર આવે ને જે લાડકોડ કરાય છે એવી રીતે આ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે.દુર્ગાપૂજા શરૂ થવા પહેલાં બંગાળની સ્ત્રીઓ ‘બાઉલ’ ગીતો ગાય છે અને દેવીના આગમનને વધાવે છે.ઠેર ઠેર પંડાલમાં દુર્ગા માતાની પરિવાર સાથેની મૂર્તિ ની સ્થાપના કરી અનેક શણગાર કરવામાં આવે છે.માતાજીની મૂર્તિ દસ હાથમાં શસ્ત્રો સાથે, સુંદર આભુષણો અને વસ્ત્રોથી શણગારવામાં આવે છે.માતાજીનુ ત્રીજું નેત્ર શિવજીનું પ્રતીક છે જે ત્ર્યંબકેય કહેવાય છે.

દેવી દુર્ગા ચંડી સ્વરૂપ,દસ શસ્ત્ર ધારણ કરનાર, સિંહવાહીની,મહીષાસુર મર્દીની છે.મહીષાસુર નામના દૈત્યને કોઈ પણ હરાવી શકતું નહોતું ત્યારે દેવતાઓએ પોતાની આંતરિક શક્તિથી માતાજીને પ્રગટ કર્યા તે દુર્ગા માતા. દસ દીવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને દસમે દીવસે દૈત્યનો વધ કર્યો તે દીવસ વિજ્યા દશમી તરીકે ઉજવવામાં આવે છે.
માર્કન્ડેય પુરાણમાં દેવીને સમસ્ત પ્રાણીઓની શક્તિ, શાંતિ,ક્ષાતિ,દયા,તૃષ્ટિ, બુદ્ધિ અને માતા રૂપે કહી છે.આ પુરાણની કથા અનુસાર મહિષાસુરનો વધ કરવા માટે બ્રહ્મા, વિષ્ણુ,મહાદેવ,ગણપતિ,ઇન્દ્ર,વરૂણ, અગ્નિ,સુર્ય, ચંદ્ર, દેવતાઓના તેજમાંથી દેવીનો પ્રાદુર્ભાવ થયો.
મહીષાસુરનો નાશ કરવા દેવોએ શક્તિ સ્વરૂપાને પોતાના હથિયારો આપ્યા અને માતાજીએ દુર્ગા રૂપ ધારણ કરી મૈસુર નજીક આવેલા ચામુંડા પર્વત પર મહીષાસુરનો વધુ કર્યો.આ દસ શસ્ત્રો મનુષ્યમાં રહેલા ગુણોનું વર્ણન કરે છે સાથે આક્રમણ કરનારા અવગુણોનો નાશ કરવાનું સૂચન કરે છે.માતા દુર્ગાના દસ હથિયાર દસે દીશામાંથી એટલે કે આઠ દીશા,આભ અને ધરતી પર ભક્તોનું રક્ષણ કરે છે એવું સૂચવે છે.

૧) તલવાર.આ હથિયાર શ્રીગણપતિએ દુર્ગા માતાને આપ્યું હતું.
તલવાર બુદ્ધિમત્તા અને જ્ઞાન દર્શાવે છે.બુદ્ધિ તલવારની ધાર જેવી તીક્ષ્ણ હશે તો જ્ઞાન પણ એટલું જ બારીકાઈથી મેળવી શકાય છે.
તલવાર હાથમાં લેનાર વ્યક્તિમાં સારાનરસાનુ ભાન અને આગળ પડતી જવાબદારી લેવાની હિંમત હોવી જોઈએ.સંસારીક જીવન હોય કે સંન્યાસી જીવન મોહમાયા અને ઇચ્છાઓ આત્માને કાર્ય કરવામાં બાધારૂપ છે ત્યારે તલવારની ધાર આવી નકારાત્મક શક્તિઓનો વધ કરે છે.
૨) ત્રિશૂળ.સત,રજ,તમો ગુણનું પ્રતીક ત્રિશૂળ મહાદેવજીએ દુર્ગા માતાને આપ્યું હતું.ત્રિશુળ ભૂત, ભવિષ્ય અને વર્તમાન દર્શાવે છે.વચ્ચેનો ભાગ આત્માનો છે.મનુષ્યે વર્તમાનમાં રહેવાની જાગૃતિ દરેક ક્ષણે કેળવવી જોઈએ.ભૂતકાળ પસાર થયા પછી ભવિષ્ય ચોક્કસ નથી પણ વર્તમાન તો આપણા હાથમાં છે.મનુષ્યમા રહેલાં સત્વ,રજ અને તમોગુણ પર શક્તિનું રાજ્ય છે.
૩) સુદર્શન ચક્ર.ભગવાન વિષ્ણુનું સુદર્શન ચક્ર જીવન ચક્રનું પ્રતીક છે.જીવન સતત ચાલ્યા જ કરે છે.દરેક વસ્તુ નાશવંત છે પણ આંતરિક શક્તિ કાયમ રહેવાની.સુર્દશન ચક્ર કાર્ય નિષ્ઠાનુ પ્રતીક છે.મનુષ્યે વફાદારી અને નિષ્ઠા પૂર્વક કાર્ય કરવા.જો અપ્રમાણિકતા અને પ્રમાદ જીવનમાં પ્રવેશ કરે તો ખોટા કર્મોનું ફળ સુદર્શનચક્રની ધાર જેવા હોય છે.
૪) વજ્ર.ઇન્દ્ર દેવનું વજ્ર દ્રઢતા અને નિશ્ચયનું પ્રતીક છે.જીવનમા આવતા કષ્ટોનો સામનો કરવા માતાજીનું દેવી તત્વ વજ્ર જેવો મજબૂત આત્મવિશ્વાસ આપે છે.
૫) ધનુષ અને તીર.દેવી દેવતાઓ અને રાજાઓનું શસ્ત્ર છે ધનુષ બાણ.આ શસ્ત્ર વાયુદેવે માતાજીને આપ્યું હતું.ક્ષમતાનુ પ્રતીક છે.મનુષ્યે પોતાનો ધ્યેય મજબૂત રાખી પોતાની ક્ષમતા ઓળખીને માર્ગ નક્કી કરવો જોઈએ.જેમ તીરથી નિશાન લેતા એકાગ્રતા રાખવાની હોય છે તો જ નિશાન સફળ રહે છે.
૬)બરછી.બરછી મંગળ સૂચક છે.અગ્નિદેવે આપ્યું હતું.મનુષ્યમા રહેલી આંતરિક ઉર્જા વિધ્નનો સામનો કરવાની શક્તિ આપે છે.ઢાલ એક એવું શસ્ત્ર છે જે ખોટા કાર્યથી દૂર રહેવું અને ખોટી તાડના સહન ન કરવી એવું દર્શાવે છે.
૭) શંખ.વરૂણદેવે શંખ અર્પણ કર્યો હતો.જ્યારે સૃષ્ટિ નુ સર્જન થાય છે ત્યારે ૐ નાદ શંખમાથી પ્રગટ થાય છે.નકરાત્મક શક્તિનો નાશ કરનાર ૐ છે.
૮) કમળ.બ્રહ્માનુ પ્રતીક છે.જ્ઞાન, અનુભવ અને મોક્ષનું સૂચન કરે છે.કમળની પાંખડીઓ પવિત્રતા,દયા, મંગળકારી, નિસ્પૃહતા, સરળતા અને ઇર્ષ્યા ન કરવી,ઉદારતા જેવા ગુણોનું પ્રતીક છે જે મોક્ષ માર્ગે લઇ જાય છે.બ્રહ્માજીએ પવિત્ર જળ ભરેલું કમંડળ અને કમળ દુર્ગા માતાને અર્પણ કર્યા હતા.ભગવાનની ઇચ્છા પ્રમાણે સૃષ્ટિનું સંચાલન થાય છે.કમંડળ તપ,ત્યાગ અને વૈરાગ્યનું પ્રતીક છે.
૯)પરશુ/ ફરસી.વિશ્વકર્માજીએ પરશુ અર્પણ કર્યું હતું.પરશુ બુરાઈનો અંત કરવો એનું સૂચન કરે છે.જ્યારે બુરાઈનો નાશ કરવા લડાઈ કરવી પડે તો પરિણામનો ભય ન રાખવો.
૧૦) સર્પ.શિવજીએ અર્પણ કર્યો હતો.જાગરૂકતા અને સાહસની શક્તિ શિવજી આપે છે.પ્રકૃતિ અને પુરૂષ સૃષ્ટિનું સર્જન કરે છે.શિવજી પુરુષનું પ્રતીક છે.
દુર્ગા માતાનું વાહન પ્રાણીઓનો રાજા સિંહ છે.પર્વતરાજાએ દુર્ગામાતાને સિંહ અર્પણ કર્યો હતો.
સિંહ પર સવારી કરી માતાજી યુદ્ધ કરે છે.ક્રુરતાથી ડર્યા વગર યુદ્ધમાં આગેવાની કરી શકનાર પ્રાણી સિંહ છે.મનુષ્યએ પોતાની તાકાત અને શક્તિ પર કાબુ રાખવો જોઈએ અને જ્યારે જરૂર હોય ત્યારે જ ઉપયોગ કરવો.નબળા અને લાચાર લોકોને આવી તાકાતથી દબાવવા નહીં.
દુર્ગામાતાનું મહિષાસુર સાથેનું યુદ્ધ સૃષ્ટિમાંથી આસુરી શક્તિનો નાશ કરવાનું ઉદાહરણ છે સંસાર માટે.મનુષ્યના સદગુણ અને શક્તિ ધ્યેયને મજબૂત કરે છે.આપણા શાસ્ત્રો અને પુરાણોમા વર્ણન કરેલી કથાઓ પાછળ ગૂઢ અર્થ જોવા મળે છે.સંજ્ઞા અને પ્રતીકાત્મક વર્ણનોના ઘટાટોપ વૃક્ષો જોવા મળે છે.
જો ભક્તિ કેવળ રીતીરિવાજો, ચીલાચાલુ અને વડીલો કરતાં એટલે આપણે પણ કર્યા કરવું એમ હોય તો પછી આ બધું શારીરિક ચેષ્ટામા જ સમાપ્ત થાય છે.