કેરળનું પ્રતિષ્ઠિત નૃત્ય તેય્યમ

કેરળ દક્ષિણભારતનુ પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર રાજ્ય છે.સમુદ્ર,નદીઓ, ઝરણાં,જંગલો, પ્રાણીઓ અને બાગ ઉપવનોને કારણે દક્ષિણભારતનુ સ્વર્ગ કેરળ છે.ઇશ્વરનુ પોતાનું ઘર કહેવાય છે.

‘કેરા’ એટલે નાળિયેરનું વૃક્ષ. નાળિયેરના વૃક્ષોની ભૂમિ એટલે કેરળ.મરી મસાલા માટે જાણીતું ક્ષેત્ર.

પૌરાણિક કથા અનુસાર પરશુરામજીએ પોતાનું પરશુ દરિયામાં ફેંક્યું ત્યારે એ જ પરશુ આકારનું એક ક્ષેત્ર પ્રગટ થયું જે કેરળ રાજ્ય છે.કેરળ પરશુરામજીની ભૂમિ કહેવાય છે.પરશુરામજીએ ત્યાં ઘણા મંદિરોની સ્થાપના કરી છે અને મંદિરોમાં સેવા અનુષ્ઠાનો કરવાનું કામ બ્રહ્માણોને સોંપવામાં આવ્યું હતું જે આજે પણ પરંપરાગત રીતે કરવામાં આવે છે.

કુદરતી સૌંદર્યથી ભરપૂર કેરળની સાંસ્કૃતિક કળાઓમાં  લોક કળા, અનુષ્ઠાન કળા અને મંદિર કળાઓ છે.અનુષ્ઠાન કળા એટલે મંદિરોમાં અને ઘરોમાં પૂજા અનુષ્ઠાન કરવામાં આવે છે જે નૃત્ય દ્વારા કરાય છે.કેરળના મંદિરો કળા કૃતિઓનો અદભૂત ખજાનો છે.કેરળનુ કથ્થકલી અને મોહિનીઅટ્ટમ નૃત્ય મંત્રમુગ્ધ કરે છે.કળા એક એવી સાર્વત્રિક અને સામાજિક ઘટના છે કે જે માનવ સમાજના ઉદભવ કાળથી જ અસ્તિત્વમાં આવી હોવાનું મનાય છે.વેદકાળથી આજ સુધી અનેક સામાજીક પરિબળોની અસર થવા છતાં પણ ભારતમાં લોકકથા, લોકનૃત્ય અને લોકસંગીત સ્વરૂપે કળા જીવંત રહી છે.આવી જ એક નૃત્ય કળા જીવતો જાગતો પંથ હોય એવી રીતે કેરળમાં જોવા મળે છે જેને તેય્યમ કહે છે. પરંપરાગત  નૃત્ય છે.  તેય્યમ નૃત્ય ઉત્તર મલબારમા પ્રચલિત છે. આ એક નૃત્ય છે જે મંદિરમાં,ઘરના આંગણામાં અને કુળ દેવતાઓની સમક્ષ કરવામાં આવે છે. દ્રાવિડોની આ કળાનું મૂળ તામ્ર પાષાણ યુગ અને પાષાણ યુગના સમયમાંથી મળે છે.

ઉત્તર મલબારના કન્નુર,કાસરગોડ,વયનાડ,કોઝીક્કોડ અને કર્ણાટકમાં તુલુનાડ એટલે ઉડપી મેંગલોરનો વિસ્તારમાં તેય્યમ નૃત્ય  કરવામાં આવે છે.તેયાટ્ટમ કેરળની ઉત્કૃષ્ટ નૃત્ય કળા છે.અદ્રિતીય એવું દેવતાઓનું નૃત્ય જેમાં નૃત્ય, અનુષ્ઠાન,સ્વર અને વાજીંત્રો,પ્રતિમા,સંગીત, ચિત્ર કળા અને સાહિત્યનો અનૂઠો સંયોગ જોવા મળે છે.નૃત્ય અને સંગીત ત્યાંની પ્રજાની સંસ્કૃતિ દર્શાવે છે.અભિવ્યક્તિની આ કળા વારસાગત છે.તેય્યમ સંસ્કૃત શબ્દ દૈવમ પરથી છે.ઉત્તર કેરળમાં તેય્યમને ભગવાનનું પ્રતિરૂપ મનાય છે જ્યારે તુલુનાડમા ભૂતાકોલા અને બુતાકોલા તરીકે શિવજીને પૂજાય છે.શિવજીને પ્રસન્ન કરવા ભૂતાકોલા નૃત્ય ત્યાની આદિવાસી પ્રજા કરે છે ભૂતા કોલા નૃત્ય પર કર્ણાટકના યક્ષગણ કળાનો પ્રભાવ જોવા મળે છે.તેય્યમ અને ભૂતા કોલામાં ઘણી સામ્યતા જોવા મળે છે.ભૂતા એટલે દેવ અને કોલા એટલે નાટક અથવા તો નૃત્ય.ગ્રામ્ય દેવી દેવતાઓની આરાધનાને ‘નિમા’ કહે છે જે નિયમ તરીકે દર વર્ષે પૂજાય છે.ચાર પ્રકારના નૃત્ય છે.કોલા,બંધી,નિમા અને અજેલુ.દેવતાઓના શીર્ષક, કાર્ય,જંગલી પ્રાણીઓ, પિતૃઓના નૃત્ય કરવામાં આવે છે.ત્યા રહેતા સંપ્રદાય,જાતિ અને સમુહના લોકોના વર્ણન પર આ નૃત્ય નિર્ભર કરે છે.કુળદેવ, ગ્રામ્ય દેવી દેવતાઓ,રાજા મહારાજાના પરિવારની ગાથાઓનુ વર્ણન ભૂતા કોલા દ્વારા વ્યક્ત થાય છે.

‘જુમાડી’ એટલે કે માતા ઘૂમાવતીની આરાધના ભૂતા કોલા નૃત્ય દ્વારા કરવાનું મહત્વ વધુ જોવા મળે છે. જેમ તેય્યમ નૃત્ય મહાકાળીની આરાધનામાં કલીયાટ્ટમ નૃત્ય છે.શાક્ત સંપ્રદાયનો પ્રભાવ આ બંને નૃત્યની સામ્યતા છે.

રંગબેરંગી પોષક અને મોહક શૃંગાર તેય્યમની વિશિષ્ટતા છે.તેય્યમ કલાકારને કોલમ એટલે કે અભિવ્યક્ત કરનાર જે દિવ્ય અને પૌરાણિક વીરરસનુ પ્રદર્શન કરે છે.શહેર આને ગ્રામ્ય જીવનની રક્ષા માટે પૂજા અનુષ્ઠાન નૃત્ય દ્વારા થાય છે.

કેરળના મંદિરોમાં,કુરથીમાતા, ચામુંડીમાતા, વિષ્ણુ મુર્તિ મંદિર, સોમેશ્વર મંદિર અને રક્તેશ્વરી મંદિરમાં તેય્યમ નૃત્ય કરાય છે.બે હજાર વર્ષથી ચાલી આવતી જૂના રીતી રીવાજ સાથે સંકળાયેલી આ વિધી નૃત્ય દ્વારા પ્રસ્તુત થાય છે.શક્તિપૂજા પંથ,નાગ પૂજા, વૃક્ષોની પૂજા ,પિતૃપજા, પ્રાણીઓની પૂજા,આત્માની પૂજા,રોગોને દૂર કરનારી દેવીઓ, ગ્રામ્ય દેવી દેવતાઓની પૂજા સાથે શિવાની દુર્ગા, વૈષ્ણવી લક્ષ્મી, બ્રહ્માણી સરસ્વતી આ બધી દેવીઓની આરાધના તેય્યમ નૃત્યનો વિષય હોય છે.શક્તિ પંથની ઉંડી છાપ ધરાવે છે.પરશુરામે ઉત્તર કેરળમાં વસતી મલયર,વાલન,વણ્ણન,વેબર જેવી આદિવાસી પ્રજાને તેય્યમ કળાની જવાબદારી આપી હતી.

કેરળના ઇતિહાસ પ્રમાણે પરશુરામજીએ કલિયાટ્ટમ,પૂરવેલા,દૈવાટ્ટમ અથવા તેય્યાટમ જેવી કળાઓની સ્થાપના કરી હતી.આદિવાસી પ્રજાનો જીવન નિર્વાહનો આધાર ખેતીવાડી હોય છે.વર્ષાઋતુની સમાપ્તિ પછી તેય્યમ લોક નૃત્યોના આયોજન થાય છે.

નાયર સમુદાય તેય્યમનુ આયોજન કરે છે.તેય્યમ નૃત્ય વંશ પરંપરાગત છે.મલયાલમ કેલેન્ડર પ્રમાણે તુલમ એટલે કે ઓક્ટોબર અને નવેમ્બરમાં સુર્ય તુલા રાશિમાં હોય છે અને આસો મહીનાની નવરાત્રી દરમિયાન તેય્યમ નૃત્ય પ્રારંભ થાય છે જે સાત મહીના સુધી ચાલે છે. પુરુષ વર્ગ આ નૃત્ય કરે છે.વડિલો પરિવારના બાળકો કીશોર વયના થાય એટલે તેય્યમનુ  શિક્ષણ આપવાની શરૂઆત કરે છે.વર્ષો લાગી જાય છે પારંગત થતાં.સાથે નાળિયેર વૃક્ષની છાલમાંથી નૃત્યોના વસ્ત્રો અને આભૂષણો બનાવતા અને ચહેરા પર કરાતો શૃંગાર શીખવે છે.કેરળના નામુદ્રિ બ્રાહ્મણોએ જે જાતિની સંરચના કરી હતી તે પ્રમાણે પછાત વર્ગમાથી તેય્યમ કલાકારો આ નૃત્ય કરતા હોય છે.મોટે ભાગે પુરૂષો જ તેય્યમ કરે છે પણ અદ્રશ્ય દેવતાઓને યાદ કરી દેવાકોથ્થુ તેય્યમ સ્ત્રીઓ કરે છે.સ્ત્રીઓ દર બે વર્ષે આ નૃત્ય કરે છે.આ પૌરાણિક નાયિકાઓ દેવતાઓનુ આવાહાન કરે છે એ ઉત્કૃષ્ટ ક્ષણ સમગ્ર જન સમાજનું ધ્યાન ખેંચે છે.૪૫૬ તેય્યમ નૃત્ય છે એવું કેરળના ઇતિહાસમાં મળે છે.જેમાથી ૧૧૨ આજે પ્રચલિત છે.

જ્યારે તેય્યમ કરનાર સંપૂર્ણ રીતે આ કળામાં પારંગત થઇ જાય છે ત્યારે તેનામાં સહજશક્તિ આવી જાય છે જે તેને તેના વારસદારો તરફથી મળે છે.નૃત્યના અલગ અલગ પદ હોય છે જેને કલાસમ કહે છે અને દરેક પદ વ્યવસ્થિત રીતે વારંવાર એકથી કરીને આઠ વાર કરાય છે.

તેય્યમનુ શ્રેય મનક્કાડન ગુરૂક્કલને આપવામાં આવે છે.જે વણ્ણન જાતિના પ્રમુખ કલાકાર હતા.ગુરૂક્કલ એટલે શિક્ષક.મનક્કાડન તેય્યમમા નિપુણ હતા.લોકો એમને સંત તરીકે માન આપતા.એક સારા આયુર્વેદના જાણકાર હતા.એક વખત ત્યાંના ચિરક્કલ પ્રદેશના રાજાએ મનક્કાડની પરિક્ષા લેવા એક જ રાતમાં ૪૦ પ્રકારના તેય્યમનુ આયોજન કરવા કહ્યું જે અશક્ય હતું પણ મનક્કાડે આ કરી બતાવ્યું.૩૫ અલગ અલગ પોષાક એક જ રાતમાં તૈયાર કરી આપ્યા

અત્યારે ૩૯ પ્રકારના અલગ અલગ તેય્યમ નૃત્ય કરવામાં આવે છે જે મનક્કાડની રચનાઓ છે જેમાં કલાનું પ્રદર્શન, વસ્ત્રો પરિધાન, વેશભૂષા, ચહેરાનો શૃંગાર,મોહરાની કળાઓ પણ આવી જાય છે.તેય્યમ ઘરના આંગણામાં, મંદિરમાં અને કુળ દેવતાઓની સમક્ષ કરવામાં આવે છે.

તેય્યમ અનુષ્ઠાનમાં કલાકાર પ્રથમ વિવિધ તોટ્ટમ અથવા તો વેલાટ્ટમ કરે છે જેમાં સાદા પોષાક અને અલંકાર પહેરી મંદિરમાં દેવતા સમક્ષ ગાયન વાદન અને નૃત્ય કરે છે.દેવતાઓની સ્તુતિ કરે છે.ત્યાર પછી કલાકાર મુખ્ય તેય્યમની તૈયારી કરે છે.મુખ્ય આકર્ષણ મસ્તક પર પહેરાતો શિરોભૂષણ છે.જે ખૂબ જ પહોળો અને વજનદાર હોય છે. ભારે આભુષણો, વસ્ત્રો અને મહોરા પહેરી લાંબા સમય સુધી નૃત્ય કરવું એક પડકારરૂપ છે.સાથે તેય્યમના વિષયને અભિવ્યક્ત કરવાનો હોય છે.

કલાકારના ચહેરા પર જે શૃંગાર કરાય છે તેની દરેક રેખાઓ અને પહેરવામાં આવતા વસ્ત્રો પરિધાન પાછળ તેય્યમના વિષયનો હેતુ હોય છે.શિરોભૂષણ નામનો માથા પર પહેરતો પોષક મંદિરમાં દેવતા સમક્ષ વિધી વિધાનથી પહેરાય છે.આ પવિત્ર વિધીમાં તેય્યમ કલાકારો અરિસામાં પોતાનું મુખ નિહાળી દેવતાને પ્રાર્થના કરે છે ત્યારે એનામાં દૈવી શક્તિ પ્રવેશ કરે છે એનું પ્રતીક છે

અરીસામાં મુખ નિહાળી દેવતાઓને આહવાન કરતાં કલાકાર

કલાકાર મંદિરમાં અનુષ્ઠાન શરૂ કરે છે. નૃત્ય કરતાં કરતાં ચારે તરફ દોડે છે.સાથે ઢોલ નગારા અને વાજીંત્રો વગાડાય છે.કલાકાર માતૃભાષામાં પ્રવચન આર્શીવાદ આપે છે.આ વિધી દરમિયાન એક દિવ્ય વાતાવરણ ખડુ થાય છે.સમગ્ર પ્રજા તલ્લીન થઇ જાય છે.કલાકાર આવનારા પ્રેક્ષકો સાથે દેવતા સમાન પારસ્પરિક વાતચીત કરતાં હોય એવું વાતાવરણ નિર્માણ થાય છે.ઘણીવાર પ્રક્ષેકો પોતાની બિમારી દૂર કરવા વિનવણી કરે છે ,અન્ય સમસ્યાઓના નિરાકરણ કરવા આશીર્વાદ માંગે છે.તેય્યમ કરનાર હળદર અને ચોખા ભક્તો તરફ ઉછાળે છે જે દેવતાઓના આશીર્વાદ તરીકે લેવાય છે.

કેરળમા આ કળા એક open theatre મા થતી કળા કહી શકાય જેમાં મંચ કે પડદા નથી હોતા.

ચામુંડી તેય્યમ

દેવતાઓને સંતુષ્ટ કરનાર કલાકાર લગભગ ૧૨ થી ૨૪ કલાક નૃત્ય કરે છે.વચ્ચે સામાન્ય વિશ્રામ લે છે.મુખ્ય કલાકારને તેય્યમ પ્રસ્તુત કરવાના સમય દરમ્યાન મંદિરમાં જ રહેવાનું હોય છે.સુર્યાસ્ત પછી આહાર નથી લેતાં.આ જૈન અને બૌદ્ધ ધર્મની છાપ કહી શકાય.

શ્રીરામના પુત્ર કુશના ચરિત્ર પરથી કરાતું તેય્યમ

તેય્યમ નૃત્યોત્સવનુ સમાપન કલાસમ ઉત્સવ તરીકે ઉજવાય છે.ઉત્તર કેરળના કન્નૂર જિલ્લામાં મદાયી તીરૂવરકડુ મંદિરમાં સમાપન થાય છે.આ ભદ્ર કાળી માતાનું મંદિર છે.આ સ્થાન પર માતાજીએ દારીકન નામના દૈત્યનો વધ કર્યો હતો.થીરૂવરકટ્ટ ભગવતી તેય્યમ દરેક તેય્યમ નૃત્યની માતા કહેવાય છે.આ નૃત્ય કાલી માતા માટે કરવામાં આવે છે અને કલાકારને કાલીમાતાની જેમ જ શૃંગાર કરાય છે.આ મંદિર તાંત્રિક વિદ્યા માટે જાણીતું છે.

સમાપન ઉત્સવમાં પદમાસલીય વર્ગની જાતિની પ્રજા માતાજીને નૈવેદ્ય અર્પણ કરે છે.ત્યાર પછી મંદિરના બાગમાં તેય્યમ નૃત્ય કરાય છે સાથે  કલાકાર મંદિરની ત્રણ વાર પ્રદક્ષિણા કરે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.વસ્ત્રો અલંકાર અને દેવતાઓના નૃત્યમાંથી અનાસક્ત થાય છે અને ઉત્સવનું સમાપન થાય છે.તેય્યમ કલાકાર વર્ષ ભર વિશ્રામ કરે છે.તેય્યમ સિવાય પણ આ કલાકારો ખેતીવાડી,સરકારી નોકરી કે અન્ય કામકાજ કરતાં હોય છે.

વ્યગ્રતા, ઉત્કંઠા, ક્રોધ, આનંદ,દમન જેવા મર્મને રજૂ કરતું આ નૃત્ય મુક્તિ અને દબાયેલી ભાવનાઓને વ્યક્ત કરે છે.આ નૃત્ય દ્વારા પુરૂષ એક સ્ત્રીની ભાવના વ્યક્ત કરે છે જ્યારે સ્ત્રી કલાકાર પુરુષની ભાવના વ્યક્ત કરે છે.એક કલાકાર એકથી વધુ દેવતાઓના ગુણગાન કરતું તેય્યમ નૃત્ય કરે છે તેનો હક જાતી વર્ગ પ્રમાણે મળે છે.અમુક પરિવારના સભ્યોને નક્કી કરેલા તેય્યમ નૃત્ય કરવાના વિશેષ હક મળે છે.અમુક પરિવાર ના પોતાના તેય્યમ નૃત્ય હોય છે જે તે દેવતાઓના મંદિરોમા જ દેવતાઓ સમક્ષ નૃત્ય કરે છે.સાર્વજનિક નૃત્ય નથી કરતાં.

અંગ્રેજોએ તેય્યમ નૃત્યને અંધશ્રદ્ધા ગણાવી તેના પર રોક લગાવી હતી.Devil dance કહીને ખ્રિસ્તી મીશનરીઓ દ્વારા ઘરે ઘરે જઈને આ નૃત્યથી દૂર રહેવાનું શિક્ષણ અપાતું.કારણ કે અમુક પ્રજા દ્વારા તેય્યમ નૃત્ય કરતી વખતે તાડી અને મરઘાંબલી દેવતાને અર્પણ કરતા હતા.સળગતા કોલસા પર ચાલતા.તેય્યમ નૃત્ય પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.કેરેલા સંગીત નાટક એકેડમી દ્રારા તેય્યમ નૃત્ય ફરી શરૂ કરવા પ્રયાસ કરવામાં આવ્યો.સેમીનારનુ આયોજન કરી સાહિત્ય પ્રદર્શન કરી તેય્યમનુ પૌરાણિક મહત્વ સમજાવ્યું.૧૯૯૦થી પ્રાદેશિક મંદિર ઉત્સવ તરીકે તેય્યમ નૃત્ય પ્રસ્તુત થવા લાગ્યા.

૨૧મી સદીમાં વૈશ્વિકીકરણના કારણે  કેરળ પર્યટન ક્ષેત્રમા પણ કેરળની તેય્યમ કળા દેશ વિદેશના પ્રવાસીઓને માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે.તેય્યમ એક iconic art તરીકે ઓળખાય છે.

કેરળ રાજ્ય સરકારે તેય્યમ કળાને પ્રદર્શિત કરતું museum બનાવાનો આરંભ ૨૦૧૯મા કર્યો છે.તેય્યમ કળાને પ્રોત્સાહન આપવા,કળાનો આરંભ,વિકાસ અને અસ્તિત્વની શોધખોળ મુખ્ય ઉદ્દેશ્ય રહેશે.

આ કળા કરનાર કલાકાર સમાજમાં સન્માન મેળવે છે.કારણ કે આ કળાનું શ્રેય ત્યાંની આદિવાસી જાતિ ને મળે છે.તેય્યમ કલાકાર જાતિભેદ દૂર કરે છે.બંધુત્વ અને એક સરખા દરજ્જો રાખવાનો સંદેશ આપે છે.જુના સમયમાં  અસ્પૃશ્યતાને કારણે અમુક જાતિઓને મંદિરમાં પ્રવેશ મળતો નહોતો.પણ  આ કલાકારો દેવતાઓની વેશભૂષામાં અને દેવ નૃત્ય દ્વારા વર્ણન કરે છે કે દરેક મનુષ્યમાં ઇશ્વરે માનવતાની દિવ્યતા બક્ષી છે જેને પ્રકાશિત કરવાનો મોકો આપવાનો છે.

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: