પ્રકૃતિનો શૃંગાર અને દેવી સરસ્વતીની આરાધનાનો પર્વ વસંત પંચમી

ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે ઋતુઓમાં હું વસંત છું. “ઋતુનાં કુસુમાકર

વસંત ઋતુ પણ જાણે શ્રી કૃષ્ણને રીઝવવા માંગતી હોય એમ સોળે કળાએ ખીલી ઉઠે છે.મહા મહિનાની સુદ પાંચમ એટલે વસંતપંચમી.વસંત ઋતુનો પ્રારંભ.વસંત એટલે તન,મન અને વનનો ઉત્સવ.ફૂલો,ભમરા અને કોયલોનો વૈભવ એટલે વસંત ઋતુ.

હિંદુ પંચાગ અનુસાર વસંત ઋતુનો આરંભ વસંતપંચમીથી થાય છે.ફાગણ અને ચૈત્ર વસંત ઋતુના મહિના ગણાય છે.એટલે હિંદુ પંચાંગનો પ્રારંભ અને પૂર્ણતા વસંત ઋતુમાં થાય છે.વસંત ઋતુના આગમનથી ઠંડી ઘટવા લાગે છે.વાતાવરણમા તાપમાન સુખમય લાગે છે.ઋતુ સંતુલિત મહેસૂસ થાય છે.વૃક્ષોમા નવા પાંદડા ફૂટે છે, આંબે મોર આવવાની શરૂઆત થાય છે.સરસોના ખેતરોમાં પીળા ફૂલ ઉગે છે.રાગ,રંગ અને ઉત્સવનો આનંદ માણવાની ઋતુ વસંત.એટલે જ વસંતને ઋતુરાજ કહે છે.

વિદ્યાની દેવી માતા સરસ્વતી

શાસ્ત્રો અનુસાર દેવ બ્રહ્માના માનસથી સરસ્વતી દેવીનું પ્રાગટ્ય વસંત પંચમીને દિવસે થયું.સૃષ્ટિના પ્રારંભમાં ભગવાન શિવજીની આજ્ઞાથી બ્રહ્માજીએ જીવોની અને મનુષ્યોની રચના કરી.પણ બ્રહ્માજીને લાગ્યું કે કાંઇ ખૂટે છે.ચારે તરફ મૌન અને સન્નાટો છે.બ્રહ્માજીએ પોતાના કમંડળના જળને હાથમાં રાખી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી.ભગવાન વિષ્ણુએ આદિશક્તિ દુર્ગાનુ આવાહન કર્યું. મા દુર્ગાએ પોતાના તેજમાંથી દેવી સરસ્વતીને પ્રગટ કર્યા.જ્ઞાન,વિધા,અને કળાની દેવી સરસ્વતીના એક હાથમાં વીણા અને બીજો હાથ વર મુદ્રા.બંને હાથોમાં પુસ્તક અને માળા છે.માતા સરસ્વતીએ વીણાના મધુર નાદથી સંસારના જીવોને વાણી આપી.સંસારના સમસ્ત જીવોમાં વાણીનો સંચાર થયો.જળધારામા કોલાહલ ઉત્પન્ન થયો અને પવનમા સરસરાટ સંભળાવા લાગ્યો.

મા દુર્ગા ના આશીર્વાદથી દેવી સરસ્વતી બ્રહ્માજીના પત્ની થયા.

દેવી સરસ્વતીને વાગીશ્વરી,ભગવતી,શારદા,વીણા વાદીની પણ કહેવાય છે.માતા સરસ્વતીના હાથમાં પ્રતિકો વીણા સંગીતનું, પુસ્તકો વિચારણાનુ અને મયુર વાહન કળાની અભિવ્યક્તી કરે છે.

પરમ ચેતના સ્વરૂપ, બુદ્ધિ પ્રજ્ઞા અને મનોવૃત્તિની સંરક્ષિકા છે.બાળકોના વિદ્યારંભનો શુભ દિવસ અને કલમ આરાધનાનો દિવસ વસંતપંચમી છે.માતા સરસ્વતીની સાથે ભગવાન ગણેશ, સુર્ય નારાયણ, વિષ્ણુ દેવ અને મહાદેવની આરાધના થાય છે.શાળાઓમા અને શિક્ષણ સંસ્થાઓમાં સરસ્વતી માતાની આરાધના થાય છે.શિક્ષણની ગરિમા અને બૌદ્ધિક વિકાસની આવશ્યકતા સમાજને સમજાવવાનો ઉદ્દેશ્ય છે.

માતા સરસ્વતીની પ્રાર્થના

બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર વસંતપંચમીને દિવસે ભગવાન શ્રીકૃષ્ણે માતા સરસ્વતીનુ પ્રથમ પુજન કરી માતા સરસ્વતીને વરદાન આપ્યું હતું કે પ્રત્યેક કલ્પમાં મનુષ્ય,મનુગણ,દેવતા,વસુ,યોગી,નાગ, ગંધર્વ, રાક્ષસ સર્વજન ભક્તિ સાથે તમારી આરાધના કરશે.

ત્રેતાયુગમાં રાવણ માતા સીતાનું હરણ કરી ગયો ત્યારે ભગવાન રામચંદ્રજી અને લક્ષ્મણ માતાજીની શોધ કરતાં કરતાં દંડકારણ્ય પહોંચ્યા.શબરીની ઝુંપડીમાં બોર આરોગ્યા તે દિવસ વસંતપંચમીનો હતો.

ભોજરાજ રચિત “સરસ્વતી કંઠાભરણ”ઉલ્લેખ અનુસાર વસંત કામદેવનો પુત્ર છે.રૂપ અને સૌંદર્યના દેવતા કામદેવને ત્યાં વસંત અવતાર  થયો ત્યારે આનંદ વ્યક્ત કરવા પ્રકૃતિ ખીલી ઉઠી.ફૂલોએ વસ્ત્રો પહેરાવ્યા,વૃક્ષો નવપલ્લવિત થયા અને પુત્ર માટે પારણા કર્યા,પવને પારણા ઝુલાવ્યા અને કોયલે ટહુકા કરી હાલરડાં ગાયા હતાં.

વસંતપંચમીનો ઉત્સવ ભારતમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.સુર્યના ઉત્તરાયણ પછીનો પહેલો ઉત્સવ વસંતપંચમી છે.વસંત ઋતુમાં માહી નોરતા,વસંતપંચમી, શિવરાત્રી, હોળી,રામનવમી અને હનુમાન જયંતીના પર્વ  ઉજવાય છે.વસંતપંચમીને દિવસે મુર્હૂત જોયા વગર દરેક શુભ કાર્ય કરી શકાય છે.

ઉત્સવો જીવનનો આનંદ છે.ઉત્સવો વગરનું જીવન નીરસ લાગે છે.જેમ મનુષ્ય ઉત્સવ પ્રિય છે તેમ પ્રકૃતિ પણ ઉત્સવ ઉજવે છે.મનુષ્યોનો યૌવન કાળ જીવનની વસંત છે તો પ્રકૃતિનું યૌવન વસંત ઋતુ છે.

કુદરતે ભારતદેશને વિવિધ ઋતુઓની ભેટ આપી છે.શિયાળો,ઉનાળો અને વર્ષા ઋતુ.તેમા હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ,શરદ.કુદરતની આ ઋતુઓમાં વસંત ઋતુ વૈભવશાળી છે.વસંત ઋતુમાં સૃષ્ટિ આળસ મરડીને ઉભી થાય છે અને સોળ શૃંગાર કરે છે.વસંત ઋતુમાં પ્રકૃતિ પાંચેય તત્વોના પ્રકોપથી મુક્ત થઇ સૌંદર્ય ધારણ કરે છે.આ શૃંગારનું વર્ણન કરવા કવિઓ અને ચિત્રકારો હંમેશા આતુર હોય છે.દરેક ભાષાઓના સાહિત્યમાં ઋતુઓનું વર્ણન કવિઓનો માનીતો વિષય છે.મહાકવિ કાલીદાસ સરસ્વતીના ઉપાસક હતાં.ઋતુ સંહાર નામના કાવ્યમાં ” સર્વ પ્રિયે ચારૂતર વસંત” કહીને વસંત ઋતુને અલંકૃત કરી છે.આપણા ગુજરાતી કવિ ઉમાશંકર જોશીની પંક્તિ યાદ કરીએ.

ખીલી વસંત ,વન ફૂલ ભર્યા મહેંકે,

ગાતા ફરે ભ્રમર ,કોકિલ નાદ લહેકે

ઉડે સુગંધ કણ પુષ્પ તણાં રસોના.

આઘા સુખાય ગગને સ્વર સારસોના.

નરસિંહ મહેતા કહે છે

આ ઋતુ રૂડી રે,મારા વ્હાલા રૂડો માસ વસંત

રૂડા તે વનમાં કેસૂડાં ફૂલ્યા રૂડો રાધાજીનો કંથ

ફૂલ,લતા પતા મહેંકી રહે છે, કેસુડોના ફૂલો વાતાવરણમાં રંગ પૂરે છે,પુષ્પો પર ભમરાનું ગુંજન, આંબા ડાળે કોયલના ટહુકા.આ પ્રકૃતિના ઉત્સવને મદનોત્સવ પણ કહેવાય છે.ભગવાન શ્રીકૃષ્ણ અને કામદેવ મદનોત્સવના અધિદેવતા છે.વસંતપંચમીને દિવસે કામદેવની પૂજા થાય છે.કામદેવ અને રતિ દાંપત્ય સુખના આશીર્વાદ આપે છે.

કામદેવનુ ધનુષ વસંત ઋતુના ફૂલોનું બનેલું છે.કહેવાય છે કે વસંતપંચમીને દિવસે કામદેવ અને રતિ ધરતી પર આવે છે.પ્રકૃતિમા રસ ભરે છે.રસપાન કરીને પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે.પહેલી વાર માનવ હ્રદયમાં પ્રેમ અને આર્કષણનો સંચાર કામદેવ અને રતિએ વસંત ઋતુમાં કર્યો હતો.આઠમી શતાબ્દીમાં વસંતોત્સવ ઉજવાતો એવા પ્રમાણ મળી આવે છે.

ખેતીવાડી કરનાર ખેડૂત પ્રજા અધિક ખુશાલી અને રાહત મેળવે છે.કારણ કે ઘણા દિવસોની મહેનત બાદ નવો પાક પુરસ્કાર રૂપે ઘરે લાવે છે.

વસંતપંચમીને દિવસે પીળા રંગના વસ્ત્રો,પીળા ફૂલો અને કેસરનું મહત્વ છે.વિધાના કારક ગુરુદેવ પીળા રંગથી પ્રસન્ન થાય છે.ભગવાનના ભોગમાં પીળા રંગની વાનગીઓ અર્પણ થાય છે.બુદી અને બેસનના લાડુના પ્રસાદનું મહત્વ છે.

વસંત ઋતુ

પીળો રંગ ભગવાન વિષ્ણુને પ્રિય છે.સકારાત્મક ઉર્જા આપે છે.સ્વસ્થ અને સમાન વિચારો આપે છે.વસંત ઋતુમાં બહુ ઠંડી નહીં અને બહું ગરમી નહીં એવું વાતાવરણ હોય છે જેથી સુર્ય નારાયણનો સૌમ્ય પીળો પ્રકાશ ધરતી પર પ્રસરી ધરતીની સુંદરતામાં વધારો કરે છે.

વસંતપંચમી ઇતિહાસની ઘટનાની યાદ અપાવે છે.

પૃથ્વી રાજ ચૌહાણે ૧૬ વખત મૌહમ્મદ ઘોરીને યુદ્ધમાં પરાજિત કર્યૌ પણ ૧૭મી વખત હારી ગયા.ઘોરી પૃથ્વી રાજ ચૌહાણ અને દરબારી  કવિ મિત્ર ચંદબરદાઇને બંદી બનાવી અફઘાનિસ્તાન ઉપાડી ગયો.બંને જણને કારાગૃહમાં રાખ્યા.પૃથ્વીરાજ ચૌહાણની આંખો ફોડી નાખી અને સજા કરી.બંને મિત્રો ઘોરી સાથે બદલો લેવાની યોજના કરતાં હતાં એક વાર ઘોરીએ તીરંદાજીની સ્પર્ધા કરી.પૃથ્વીરાજ ચૌહાણ અને કવિમિત્રે સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છા કરી ત્યારે ઘોરીએ મજાક કરી અને  મેદાનમાં બંનેને લાવ્યા.ઘોરી ઉચ્ચ સ્થાને બેસી તવા પર ટકોર કરી સ્પર્ધાની શરૂઆત કરવાનો હતો.કવિમિત્રે કવિતાના શબ્દોમાં પૃથ્વી રાજ ચૌહાણને સંકેત કર્યો.

ચાર બાંસ,ચોવીસ ગજ,અંગુલ અષ્ટ પ્રમાણ,

તો પર સુલતાન હૈ મત ચુકો ચૌહાન.પૃથ્વીરાજ ચૌહાણે સંકેત સમજી તીર ચલાવ્યું જે ઘોરીની છાતીમાં લાગ્યું.પૃથ્વીરાજ ચૌહાણ અને કવિ મિત્રે એકબીજાના પેટમાં છરો મારી આત્મ હત્યા કરી.આ દિવસ હતો વસંત પંચમીનો.

આપણને આઝાદી અપાવનાર ક્રાંતિકારીઓને પણ કેમ ભૂલી શકાય.ક્રાતીકારી રામપ્રસાદ બિસ્મિલનુ ગીત ” મેરા રંગ દે બસંતી ચોલા” વસંતપંચમીને દિવસે યાદ કરવા જેવું છે.૯ ઓગસ્ટ ૧૯૨૫મા અંગ્રેજો વિરુદ્ધ કાકોરી કાંડની ઘટના બની હતી. લગભગ ૧૦ ક્રાંતિકારીઓ પર અંગ્રેજોએ કેસ ચલાવ્યો હતો.અને લખનૌના કારાગૃહમાં રાખ્યા હતા.

ક્રાંતિકારીઓને કેસની સુનવણી માટે કોર્ટમાં રજૂ કરવાના હતાં એ દિવસ વસંતપંચમીનો હતો.બધા ક્રાંતિકારીઓએ પીળી ટોપી પહેરવી અને પીળો રૂમાલ સાથે રાખી એક્તા બતાવવાનું નક્કી કર્યું. આ પ્રસંગે રામપ્રસાદ બિસ્મિલે ગીતની રચના કરી છે જે આજે પણ ભારતવાસીઓને પ્રિય છે.

મેરા રંગ દે બસંતી ચોલા,ઇસ રંગમે રંગ કર શિવાને માં કા બંધન ખોલા,યહી રંગ હલ્દી ઘાટીમે થા પ્રતાપને ઘોલા,નવ વસંત મેં ભારત કે હિત વીરો કા હૈ ટોલા મેરા રંગ દે બસંતી ચોલા.આ દેશભક્તિનુ ગીત શહિદ ભગતસિંહનું પ્રિય હતું.બસંતી એટલે પીળો રંગ જે ત્યાગનું પ્રતીક છે.ક્રાતિકારીઓ ભારતમાતાને વિનંતી કરે છે માથા પરનું કપડું જે કફન સમાન છે,પીળા રંગમાં રંગી દે અને ત્યાગની ભાવનામાં  તરબતર કરી દે.

વસંતપંચમી ધર્મ, ઇતિહાસ અને સમાજ સાથે જોડાયેલો ઉત્સવ છે.માનવીએ પોતાની અસ્વસ્થતા દૂર કરવા પ્રકૃતિની નજીક રહેવું જોઈએ.પ્રકૃતિનુ સાનિધ્ય જાદુઈ છે.

સૃષ્ટિની રચનામાં મૂળ પ્રકૃતિ દુર્ગા,રાધા, લક્ષ્મી, સાવિત્રી અને સરસ્વતી છે.

પ્રકૃતિની સુંદરતા માણવા માટે આપણા નેત્રો પણ ઓછાં છે પણ નિરાશા ખંખેરી જીવનના વસંતને પ્રકૃતિ સાથે એકરૂપ કરી શકાય છે.

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a comment