ખંડોબાચી જેજુરી મહાદેવનું માર્તંડ ભૈરવ સ્વરૂપ.

ભારતના તમામ મંદિરો સાથે કોઇ ને કોઇ ગાથા જોડાયેલ હોય છે.શાસ્ત્રોમા,લોક કથાઓમાં, લોકગીતોમાં અને લોક સાહિત્યમાં મંદિરોના ઇતિહાસ નું વર્ણન વાંચવા મળે છે.ધાર્મિક સ્થળો,પંથ, સંપ્રદાય અને દેવી દેવતાઓનું ઐતિહાસિક વર્ણન એક વિસ્તૃત વિષય છે.

આવું જ એક લોકદેવતાનુ મંદિર છે મહારાષ્ટ્રમાં પુના પાસે જેજુરી ગામનું ખંડોબાનુ મંદિર ‘જેજુરી ચા ખંડોબા’, મહારાષ્ટ્રમાં ઘનગર એટલે કે ભરવાડ જાતિ, ખેડૂત વર્ગ,કોળી પ્રજા અને અમુક બ્રાહ્મણોના કુળ દેવતા છે.મલ્હારી મહાત્મયમા મહારાષ્ટ્ર અને કર્ણાટક ના લોક ગીતો અને લોક કથાઓમાં ખંડોબાનુ વર્ણન મળે છે .કન્નડ ભાષાનો ગ્રંથ ‘સમય પરીક્ષણ’ ના વર્ણન મુજબ ખંડોબા ઐતિહાસિક વીર પુરુષ હતા કાળાંતરે દેવતાનું સ્થાન પામ્યા છે.

ખંડોબાના દિવ્ય ચરિત્રનું વર્ણન મલ્હારી મહાત્મ્ય નામના ગ્રંથ અને લોકગીતોમાં મળે છે જેમાં ખંડોબાનો અસુરો પર વિજય અને ખંડોબાના ગૃહસ્થ જીવનનુ વર્ણન છે.

ખંડોબા મહાલ્સા સાથે ઘોડા પર સવાર છે.મહાલ્સા દેવી સ્વરૂપે અસુરોને ભાલાથી પ્રહાર કરે છે.ભૈરવ સ્વરૂપ છે એટલે શ્વાન જોડે છે જે અસુરોનું રક્ત પી લે છે અને અશ્વ અસુરોના મસ્તક પર વાર કરે છે.

જેજુરી એક સમયે કિલ્લો હતો આજે ધાર્મિક સ્થળ ખંડોબાનુ મંદિર કહેવાય છે.

બ્રહ્માંડ પુરાણમાં વર્ણન મળે છે કે કૃતયુગમા મણીચુલ પર્વતમાળામાં ધર્મ પુત્ર સપ્તઋષિ તપ કરી રહ્યા હતા.

ઋષિમુનિઓના આશ્રમમાં મણી અને મલ્લા નામના બે અસુરોએ ત્રાસ વર્તાવ્યો.બંને અસુરોને બ્રહ્માનું અમરત્વનુ વરદાન હતું.એમ પણ કહેવાય છે કે એક જ અસુર હતો મણીમલ્લા નામનો.

ઋષિમુની પ્રથમ ઇન્દ્ર દેવ અને પછી વિષ્ણુ દેવ પાસે ગયા પણ બ્રહ્માના વરદાનથી આ અસુરોનો નાશ કરવા દેવો અસમર્થ હતાં.

ઋષિમુનીઓએ શિવજીને વિનંતી કરી ત્યારે માર્તંડ ભૈરવનું રૂપ ધારણ કરી, કાર્તિકેય અને ગણોના નેતૃત્વ સાથે શિવજી મણીચુલ પર્વત પર ગયા.મણી મલ્લા સાથે યુદ્ધ કરી પરાજિત કર્યા.સપ્ત ઋષિમુનિઓએ ભયમુક્ત થઈને પ્રેમપુર પર્વત પર રહેવા વિનંતી કરી.શિવજી માર્તંડ ભૈરવ સ્વરૂપે ત્યાં રહેવા લાગ્યા.

આ યુદ્ધ વખતે શિવજી સુર્ય સમાન તેજસ્વી લાગતા હતા જાણે કે શરીર પર હળદર ચોળી હોય.એટલે હરિદ્રા પણ કહેવાય છે.

એક પૌરાણિક કથા પ્રમાણે રાત્રીની દેવી રજની જે રંગ રૂપે શ્યામ હતી.અને મનથી દુઃખી રહેતી કે પોતે ક્યારે તેજસ્વી દેખાવ પ્રાપ્ત કરશે.આ ઇચ્છા સાથે રજની કૈલાસ પર્વત પર શિવજી પાસે ગયી.શિવજીને પ્રાર્થના કરી ત્યારે શિવજીએ કહ્યું તારી ઇચ્છા પૂર્ણ થશે.તુ સ્કંદ પર્વત પર જા અને તપ કર. તને પૃથ્વીના ગર્ભમાં પ્રવેશ મળશે.પછી તું હળદરના છોડ રૂપે પ્રગટ થઈશ.પૃથ્વી પર હું ખંડોબા સ્વરૂપે આવીશ ત્યારે મારી પ્રિય વસ્તુ તરીકે ભક્તો હળદર અર્પણ કરશે.આજે પણ જેજુરીનુ વાતાવરણ પીળા વાદળો જેવું જોવા મળે છે.Golden Temple of Maharashtra કહેવાય છે.મરાઠીમા સોન્યાચી જેજુરી કહે છે.

લોકગીતોના વર્ણન પ્રમાણે વિજય અપાવનાર પહાડીને જયાદ્રી કહેવાતી જે કાળક્રમે જેજુરી નામથી પ્રસિદ્ધ છે.શિવજીના ભૈરવ અવતાર સાથે યુદ્ધમાં હાર થતી જોઇને મણી નામના અસુરે ભૈરવને સફેદ ધોડો ભેટમાં અર્પણ કર્યો પણ મલ્લાએ માનવજાતનો વિનાશ માંગ્યો.શિવજીએ ક્રોધે ભરાઇને મલ્લાનો વધ કર્યો.માથુ ધડથી અલગ કરી નાખ્યું.કહેવાય છે કે આજે પણ મલ્લાનુ માથું શ્રદ્ધાળુઓના પગથી કચરાય છે.જ્યારે મણી નામના અસુરે માફી માંગી એટલે ખંડોબાના મંદિરમાં મણીની પણ સ્થાપના છે.મલ્લાના વધ પર વિજય મેળવવાનો ઉત્સવ આજે પણ ઉજવાય છે.અને મલ્લા+અરી એટલે મલ્લારીના નામથી ભક્તો વંદના કરે છે.સોમવતી અમાસ,દશેરા અને ચંપાષષ્ઠી મુખ્ય તહેવાર છે.

ખંડોબા નામનો અર્થ છે ખડગ તલવાર,તલવારથી અસુરોનો વધ કરે છે.’બા’ એટલે પિતા સમાન.ખંડેરાવ’ પણ કહેવાય છે.રાવ એટલે રાજા.મહાલ્સાકાન્ત એટલે મહાલ્સાના પતિ.ખંડોબાનો પંથ ૯ અને ૧૦ સદીમાં ગ્રામ્ય દેવતાની ભક્તિ તરીકે જાણીતો થયો છે.શિવ,ભૈરવ,સુર્ય અને કાર્તિકેયના રૂપમાં આરાધના થાય છે.ખંડોબા સકામ ભક્તિના દેવ છે.ખંડોબાની ભક્તિ ત્રણ સ્વરૂપોથી થાય છે.મૂર્તિપુજા,પત્ની મહાલ્સા સાથે એટલે શિવ પાર્વતી નું સ્વરૂપ, બે લીંગ જે ખંડોબા અને મહાલ્સાના પ્રતીક છે.ખંડોબા પંથ મહારાષ્ટ્ર, કોંકણ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પ્રચલિત છે.આ દરેક સ્થળે ખંડોબાના મંદિર પણ છે.

જેજુરીમા આવેલું મંદિર મુખ્ય સ્થાન છે.હોળકર, ગાયકવાડ અને શીંદે પરિવારના રાજા મહારાજના માન્ય દેવતા છે.યુદ્ધ સમયે ખંડોબાની આરાધના પ્રેરક બળ આપતી.મહારાષ્ટ્રામા મોટા ભાગના પરિવારોમાં ખંડોબાની ભક્તિ થાય છે.ખેડૂત પ્રજા, દરજી ક્ષત્રિયપ્રજા,ભરવાડ,કણબી,મોચી,માળી ,માછીમાર, આદિવાસી પ્રજા અને અમુક બ્રહ્માણોના પણ કુળ દેવતા છે.મુસ્લિમ પ્રજા મલ્લૂખાન તરીકે સન્માન કરે છે તો જૈન સમાજ લીંગયાત કહે છે.તિર્થકંરના રક્ષક છે.

જેજુરીનુ ખંડોબા મંદિર જાગૃત ક્ષેત્ર કહેવાય છે.ઇ.સ.૧૭૮૬મા ફત્તેહ સિંહરાવ ગાયકવાડે બંધાવ્યું છે.જેજુરીના રહેવાસીઓના કહેવા પ્રમાણે ખંડોબાની મૂર્તિ નજીકના તળાવમાંથી મળી આવી હતી.

જેજુરીમા ખંડોબાનુ જુનું મંદિર કડેપથારમા છે.ત્યા જવા માટે ૭૦૦ પગથિયાં છે.રસ્તો ખડકાળ છે.

બીજું મંદિર ગઢકોટમા છે.૩૮૫થી૪૦૦ પગથિયાં છે.ખંડોબા પરિવારમાં મહાલ્સા,બાનાઇ, હેગડે પ્રધાન,શ્વાન અને અશ્વ જોવા મળે છે.ખંડોબાના હાથમાં ડમરૂ, ત્રિશૂળ,ખડગ અને પાત્ર છે.ચર્તુભુજ સ્વરૂપ અને,મસ્તક પર હળદર છે.જેજુરી ગામમાં દક્ષિણ તરફ ડુંગર ઉપર ૭૫ મીટરની ઉંચાઇએ મલ્હારી માર્તંડનું મંદિર છે.મંદિરના પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર ભાગમાં પગથિયાં છે.ઉત્તર તરફના માર્ગથી મંદિર જતા દીપમાળા સ્તંભની સુંદરતા જોવા મળે છે. ૩૮૫ પગથિયાં છે.જો કે લોકગીતોમા નવ લાખ પગથિયાં ઓનુ વર્ણન સાંભળવા મળે છે જે કુતૂહલ સર્જે છે. શરૂઆતમા નંદી દર્શન, વીરભદ્ર અને બાનાઇનુ મંદિર છે.મહાદ્વાર પ્રવેશ કરતાં જ ચાર ભવ્ય દીપમાળા અને ખંડોબા મંદિરના દર્શન થાય છે.ડાબી બાજુ મલ્લાસુરની મુર્તિ છે.ઉત્તર તરફ બે મોટા ધંટ છે.મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરતાં સાડાચાર ફૂટ ઉંચા ચાંદીના દરવાજા છે.

દીપમાળા સ્તંભ

મંદિર બે ભાગમાં વિભાજીત છે.પહેલો ભાગ મંડપ છે જ્યાં શ્રદ્ધાળુઓ બેસીને ખંડોબાના ગુણગાન ગાતા ગાતા ભજન કરે છે. બીજો ભાગ ગર્ભ ગૃહ જેમાં ખંડોબાની મૂર્તિ ઘોડા પર સવાર યોદ્ધાના સ્વરૂપમાં છે.હાથમા તલવાર છે.૧૦×૧૨નો પીત્તળમાથી બનેલો કાચબો છે.ચાર દીવા સ્તંભ છે.

ખંડોબાને ઉગ્ર દેવતા મનાય છે.તેમની પૂજા આરાધના અલગ રીતે થાય છે.હળદર અને ફૂલથી અર્ચના થાય છે તો ક્યારેક પશુ બલી પણ થાય છે.મહારાષ્ટ્રીયન પ્રજા ખંડોબાની માનતા રાખે છે.નવપરણીત દંપતી મંદિર જાય ત્યારે નવવધૂને ખભે બેસાડી પતિ મંદિરના પગથિયા ચઢે છે કારણ કે માન્યતા છે કે પગથિયાં પર મલ્લા નામના અસુરનુ માથું હોય છે.નવવધૂ ગૃહલક્ષ્મી છે.અસુરના માથા પર નવવધૂનો પગ અથડાવો અશુભ કહેવાય.

માગશર સુદ એકમથી કરીને છઠ્ઠ સુધી ચંપાષષ્ઠીનો ઉત્સવ ઉજવાય છે.ખંડોબા નવરાત્રી અને ખંડોબા શરદોત્સવ પણ કહેવાય છે.મણીમલ્લા સાથે ૬ દિવસ યુદ્ધ દરમ્યાન સપ્ત ઋષિમુનિઓએ શિવજીની આરાધના કરી હતી.યુદ્ધમા વિજય થયો ત્યારે શિવજી પર ચંપાના ફૂલો અને હળદરનો વરસાદ કર્યો હતો.યુદ્ધ સમાપ્તિનો દિવસ માગશર સુદ છઠ્ઠનો હતો.ખંડોબા પંથને અનુસરતી પ્રજા આ છ દિવસ ધામધૂમથી ખંડોબાની પૂજા આરાધના કરે છે.મલ્હારી મહાત્મ્યના છ દિવસ પાઠ કરે છે.નૈવધ્યમા પુરણપોળી આને રીંગણનું ભરત મુખ્ય સામગ્રી છે.ખંડોબાનો અસુરો સાથે વિજય થયો ત્યારે મહાલ્સાદેવીએ રીંગણનું ભરત અને પુરણપોળી બનાવી ઉત્સવ ઊજવ્યો હતો.

આ પરંપરાગત ઉત્સવ અદ્રિતીય છે સમાજની અલગ અલગ જ્ઞાતિ પ્રજાને એક સાથે એક સ્થાન પર સમુહમાં જોડાવા પ્રેરીત કરે છે.

ઉત્સવના દિવસોમાં જે કલાકારો ખંડોબાનુ વર્ણન કરતા લોક કથા અને લોકગીતો ગાય છે એ કલાકારોને ‘વાઘ્યા’ એટલે કે વાઘ કહેવાય છે.લોકગીતોમા વર્ણન કરે છે કે ખંડોબા અશ્વ પર સવારી કરી પૃથ્વીનુ ભ્રમણ કરે છે અને પછી નદી તળાવમાં યાત્રાળુઓ સાથે સ્નાન કરે છે.રુદ્ર અવતાર છે એટલે અશ્વ અને શ્વાન સાથે રહે છે.

આમ તો વર્ષમાં આવતા દરેક ઉત્સવ ખંડોબાના મંદિરમાં ધામધૂમથી ઉજવાય છે.પણ સોમવતી અમાસના દિવસે ખંડોબાની પાલખી યાત્રાનો ઉત્સવ જોવા લાયક હોય છે.’યેલ કોટ યેલ કોટ જય મલ્હાર,સદાનંદાચા યેલ કોટ’ના નારા સાથે શ્રદ્ધાળુઓ પાલખી ઉંચકીને ચાલે છે.આ ઉત્સવને ભંડારા મહોત્સવ કહેવાય છે.

મૂર્તિને નજીક આવેલી કરાહ નદીમાં અભિષેક કરાવા પાલખીમાં ખંડોબાને ધામધુમથી ફેરવીને, રસ્તામાં આવતા મંદિરમાં વિશ્રામ કરાવાય છે.પાલખી યાત્રા દરમ્યાન હળદર અને સુકા ખોપરાનો છંટકાવ થાય છે્.જે ‘સોન્યાચી જેજુરી’ કહેવાય છે.વિધીવિધાન અને મંત્રોચ્ચારથી ફરી ખંડોબાની મૂર્તિ મૂળ સ્થાને સ્થાપિત કરવામાં આવે છે.

ખંડોબા ગૃહસ્થ છે.મહાલ્સા અને બાનઇ આ બે પત્નીઓ પાર્વતી અને ગંગાનું રૂપ છે.ખંડોબાને મણીમલ્લાનો નાશ કરવા યુદ્ધમાં સાથ આપ્યો હતો.મહાલ્સા સંસ્કૃતિનું પ્રતીક છે તો બાનઇ પ્રકૃતિનું.

મણી મલ્લાને પરાજિત કરી ખંડોબાએ જેજુરીના ગઢકોટમા પોતાની રાજધાની બનાવી.હેગડે પ્રધાન નામના વ્યક્તિ તેમના કારભારી હતા

મહાલ્સાને પાર્વતી અને મોહીની અવતાર માનવામાં આવે છે તો બાનઇને ઇન્દ્રની પુત્રીનો અવતાર તરીકે પૂજાય છે.

અન્ય લોક સાહિત્ય પ્રમાણે ખંડોબાની પત્નીઓ સમાજના અલગ અલગ વર્ગમાંથી હતી જે સામાજિક સંસ્કૃતિ અને ગ્રામ્ય દેવનું જોડાણ બતાવે છે.મહાલ્સા લીંગયાત પરિવારની,બાનઇ ભરવાડ,ત્રીજ પત્ની રંભાઇ દરજીની પુત્રી,ચોથી પત્ની ફુલાઇ માળીની પુત્રી છે, પાંચમી પત્ની ભાગવીન અને તેલીની પુત્રી મુસ્લિમ છે.એવું મલ્હારી લોકગીતોમાં સાંભળવા મળે છે.

મહાલ્સા પાર્વતી અને નારાયણી રૂપે પૂજાય છે.નારાયણી રૂપ મોહીની અવતાર છે.મહાલ્સાના પિતા ઔરંગાબાદ પાસે પાલીના ઉચ્ચ જ્ઞાતિના તીમાશેઠ તરીકે જાણીતા હતાં.ખંડોબા અને મહાલ્સાના લગ્ન પોષ સુદ પૂનમને દિવસે પાલીમા થયા હતા.પાલીમા મહાલ્સા ખંડોબાનુ મંદિર છે.ખંડોબા પંથની જેમ મહાલ્સા દેવીનો પંથ છે જે ગ્રામ્ય દેવી તરીકે ગૌડ સારસ્વત બ્રાહ્મણ,કરહાડે બ્રહ્માણ,દૈવજના બ્રહ્માણ,ભંડારી આને શીમ્પી કોમમાં પુજાય છે.મહાલ્સા એક સરળ ગૃહિણી હતાં અને પાકળામા નિપુણ હતા.લોક કથા અનુસાર એક વખત મહાલ્સા અને ખંડોબા ચોપાટની રમત રમતા હતા ત્યારે ખંડોબા હારી ગયા અને શરત પ્રમાણે બાર વર્ષ સુધી અજ્ઞાતવાસમાં જંગલમાં રહેતા ઘેટા બકરા અને પશુ પાલક પ્રજાને ત્યાં રહેવા લાગ્યા.બાનઇ સાથે ગંધર્વ વિવાહ કર્યા.આ કથાની સરખામણી દુષ્યંત અને શકુંતલાના વિવાહ સાથે થાય છે.મહાલ્સા ઉચ્ચ જ્ઞાતિના અને શાકાહારી હતાં. બાનઇ માંસાહારી હતા.બંને વચ્ચે વિવાદ રહેતો.ખંડોબાએ પર્વતનો ઉપરનો ભાગ મહાલ્સાદેવીને આપ્યો જ્યાં અત્યારે ખંડોબા મહાલ્સાની સ્થાપના છે.અને ડુગંરની તળેટીમાં બાનઇને સ્થાન આપ્યું.મલ્હારી મહાત્મ્યમા બાનઇનો ઉલ્લેખ નથી પણ ઘનગર કોમના લોકગીતોમાં બાનઇ ખંડોબાનુ વર્ણન છે.બાનઇદેવીને આ પ્રજા પોતાના ઢોર પશુઓની સંરક્ષક માની પૂજા કરે છે.

ઐતિહાસિક વર્ણન પ્રમાણે જેજુરી પાસે આવેલો દૌલતમંગલ કિલ્લો ઔરંગઝેબે પોતાના કબજામાં લઇ લીધો.ત્યારે નજીક આવેલો જેજુરીનો કિલ્લો કબજો કરવા કિલ્લા પર સૈનિકો સાથે રાખી આક્રમણ કર્યું.જેજુરી ગઢના દરવાજા એટલા મજબૂત હતાં કે સૈનિકો ઉઘાડી નહોતા શકતા.ગઢની દિવાલમાં બાકોરાં પાડવા દારૂગોળોનો ઉપયોગ કર્યો.બાકોરૂ પાડતા સવાલાખ મધમાખીઓ સૈનિકો પર તૂટી પડી.સૈન્ય સાવ નિષ્ક્રિય થઇ ગયું.ઔરંગઝેબને પીછેહઠ કરવી પડી.એક હિન્દુ સૈનિકના કહેવા પ્રમાણે ખંડોબા સતત જેજુરી ગઢનુ રક્ષણ કરે છે.દેવની માફી માગી ઔરંગઝેબે સવાસો લાખ સોનામહોરો અર્પણ કરી.છત્રપતિ શિવાજી રાજા પોતાના પિતાને ૧૪ વર્ષ સુધી રાજકાજને કારણે મળી શક્યા નહોતા.જેજુરી ખંડોબા મંદિરમાં પિતા પુત્ર મળ્યા અને મોગલોને હરાવવા ગેરીલા પદ્ધતીથી આક્રમણ કરવાની યોજના કરી હતી.મહારાષ્ટ્રના અન્ય રાજા મહારાજાઓની ગાથાઓ આ સ્થળ સાથે જોડાયેલી છે જે ખંડોબાચી જેજુરીના સ્થળની મુલાકાત લેતા જાણવા મળે છે.ઇ.સ.૧૫૧૦_૧૧ના સમય દરમ્યાન ચૈતન્ય મહાપ્રભુ અહિં પધાર્યા હતા એવું વર્ણન મળે છે.

મંત્રમુગ્ધ કરનાર ખંડોબાચી જેજુરી કથાવાર્તાઓથી ભરપૂર છે.અમુક વિરોધાભાસ અને મંત્રમુગ્ધ કરનારા જનજાતિઓના રીતી રીવાજ જોવા મળે છે.સંતાન વિલંબ થતાં ખંડોબાની માન્તા કરાતી.પહેલા પુત્રને વાઘ્યા તરીકે અને પુત્રીને મુરાલી તરીકે દેવને અર્પણ કરી દેવાતા.વાઘ્યા અને મુરાલી ખંડોબાના ગુણગાનનુ વર્ણન કરતાં નૃત્ય ગાયન કરતાં.એવી જ રીતે યૌદ્ધા પણ પોતાના જીવનું બલિદાન કરતો.હવે આ બધી પ્રથાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જો કે દશેરાના મેળામાં ૪૨કીલોની તલવાર દાંતથી ઉપાડવાની સ્પર્ધા આજે પણ થાય છે

દેવી દેવતાઓના અધ્યયન કરતાં શ્રદ્ધાળુઓની આસ્થા દેવી દેવતાઓ પ્રત્યે કેવી છે એ અલગ વિષય બને છે.

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: