ભારતની પ્રજાનો ઉત્સવો અને તહેવારો સાથે જીવંત સંબંધ છે.તહેવારો અને ઉત્સવો સાથે સંસ્કૃતિ,ધર્મ,સમાજ અને રાજ્યો જોડાયેલ છે.
કાકાસાહેબ કાલેલકર,,” તહેવારો આપણા ભેરુ છે.”વર્ષ ભરમાં આવતા તહેવારો અને ઉત્સવો પાછળ કોઇ ને કોઇ વાર્તા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હોય જ છે.
ચૈત્ર મહિનામાં વૃક્ષો અને લતાઓ ફૂલે ફાલે છે.વસંત ઋતુ પૂર બહારમાં ખીલી ઉઠે છે.પ્રકૃતિ નવપલ્લવિત થાય છે.માનવ,પશુ, પંખી,અને જડ ચેતન પ્રકૃતિ પ્રમાદ અને આળસ તજીને સચેતન થાય છે.પ્રકૃતિની હરિયાળી નવજીવનનું પ્રતિક બની મનુષ્ય જીવન સાથે ભળી જાય છે.આ સમયે સુર્યની સ્થિતિ વિષુવવૃતના આંતર છેદની ઉપર હોય છે. બે ઋતુનો સંધિકાળ હોય છે.રાત્રી ટુંકી અને દિવસ લાંબા થતાં જાય છે.
મનુષ્ય જીવનનો મુખ્ય આધાર વૃક્ષો અને વનસ્પતિઓ છે.આ વૃક્ષો અને વનસ્પતિઓનો રાજા ચંદ્ર છે સોમરસ પ્રદાન કરે છે.ચૈત્ર માસના શુક્લ પ્રતિપદા ચંદ્રની કળાનો પ્રથમ દિવસ મનાય છે.આ દિવસને ભારતભરમાં ઉત્સવ તરીકે ઉજવાય છે.

મહારાષ્ટ્ર, કોંકણ, કર્ણાટક,ગોવા, આંધ્રપ્રદેશમાં ગુડી પડવા તરીકે ઉજવાય છે.માન્યતા પ્રમાણે ભગવાન રામચંદ્રજીએ આ દિવસે વાલીનો વધ કરી દક્ષિણની પ્રજાને વાલીના અત્યાચારમાથી મુક્ત કરી હતી.ઘરે ઘરે વિજય પતાકા રૂપે ધ્વજ (ગુડી) મુકવાની પ્રથા છે.પ્રતિપદાને દિવસે સ્થાપના કરવામાં આવે છે એટલે ગુડી પડવો ઉત્સવની ઉજવણી થાય છે.
ગુડી પડવાનો તહેવાર મહારાષ્ટ્રનો સાંસ્કૃતિક તહેવાર કહેવાય છે.
છત્રપતિ શિવાજી મહારાજે ધામધુમથી ગુડી પડવો ઉજવવાની શરૂઆત કરી હતી.ત્યાર બાદ મહારાષ્ટ્રમાં ગુડી પડવો મહારાષ્ટ્રમાં માનીતો તહેવાર કહેવાય છે.
મહારાષ્ટ્રમાં ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ્રતિકૃતિ રૂપે સુંદર રંગોળી કરવામાં આવે છે.આંબાના પાનના તોરણથી ઘરની સજાવટ થાય છે.મહારાષ્ટ્રીયન માન્યતા પ્રમાણે ભગવાન રામચંદ્રજી રાવણ પર વિજય મેળવી પ્રતિપદાને દિવસે પાછા આવ્યા હતા.ઉત્સવ રૂપે ઘરે ઘરે વિજય ધ્વજ રાખવામાં આવ્યો હતો.
ધરના મુખ્ય દ્વાર પર ગુડી ઉભી કરી ષોડશોપચારે પૂજા કરવામાં આવે છે.સૌ પ્રથમ લાકડીને તેલ લગાવી સ્વચ્છ જળથી અભિષેક કરવામાં આવે છે.ગુડી માટે તાંબાનો, પિત્તળનો કે ચાંદીનો કળશ,કડવા લીમડાના પાન અને ડાળી,સાકરના હાયડા,કાપડ,ફૂલ હાર,કંકુ,હળદર સામગ્રી લેવામાં આવે છે.લાકડીના છેડે કપડાંને બાંધી તેના પર કળશ ઉંધો મુકાય છે.કહેવાય છે કે પડવાને દિવસે સકારાત્મક ઉર્જા વાયુ રૂપે ધરતી પર આવે છે અને કળશમાં પ્રવેશી ઘરમાં સુખ શાંતિ આપે છે.કળશમા કડવા લીમડાની ડાળ મૂકાય છે.કંકુ ચોખા અને હળદરથી પૂજા વિધી કરીને સાકરના હાયડાનો હાર ધરી ગુડીની ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર સ્થાપના કરવામાં આવે છે.
એકબીજાને ગુડી પડવાની અને નવવર્ષની શુભેચ્છા પાઠવે છે.મરાઠી ઘરોમાં પુરણપોળી, શ્રીખંડ, કોથમીર વડી, સાબુદાણા વડા જેવી પારંપરિક વાનગીઓ બનાવાય છે.

ગુડી પરનું વસ્ત્ર જે ચુંદડી કે સાડી રૂપે હોય છે તે સ્ત્રી સન્માનનું પ્રતિક છે.ઘરના પુરૂષ અને મહિલા વર્ગ ગુડીની સ્થાપના કરે છે જે એક્તા દર્શાવે છે.કડવા લીમડાના પાન સ્વાસ્થ્ય વર્ધક છે. તો જીવનમાં કડવા મીઠા અનુભવ થવાના.કડવા અનુભવ ધીરજથી પસાર કરી લેવા.સાકરના હાયડા લીમડાની કડવાશ એટલે કે કડવા અનુભવ સ્વીકારી લેવાથી મીઠાશ મળવાની.
મહારાષ્ટ્રમાં મંદિરોમાં ચૈત્ર માસ દરમ્યાન પ્રસાદમાં કડવા લીમડાના કુણા પાન સાથે સાકર આપવામાં આવે છે.એવી રીતે ગુજરાતમાં અલૂણા વ્રત ચૈત્ર માસમાં કરાય છે.
કડવા લીમડાના પાનનું ઔષધિય મહત્વ છે.આ ઋતુમાં કડવા લીમડાના પાનની નવી કુંપળો ફૂટે છે.આ કુમળા પાનમાં ગોળ, જીરું,નમક અને લીંબુનો રસ મેળવીને ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.સંધ્યા સમયે ગુડીની પૂજા કરી ઉતારી લેવામાં આવે છે.મહારાષ્ટ્રીયન સાહિત્ય મુજબ શિવ અને પાર્વતીના વિવાહની તૈયારી પડવાથી આરંભ થયો અને ચૈત્રમાસની ત્રીજને દિવસે વિવાહ થયા.એટલે ગૌરી તૃતીયાને દિવસે શક્તિની આરાધના થાય છે.વિવાહ પછી પાર્વતી માતા એક મહિનો પિયર જાય છે ત્યારે હળદર કંકુનો ઉત્સવ ઉજવાય છે.મરાઠી મહિલાઓ ચૈત્ર માસમાં હળદી કંકુની ઉજવણી આનંદથી કરે છે.અખાત્રીજના દેવી પાર્વતી સાસરે જાય છે.

આંધ્રપ્રદેશમાં યુગાદી કે ઉગાદી તરીકે ઉજવાતા પ્રતિપદાનો અર્થ છે યુગનો આરંભ.બ્રહ્માજીએ ચૈત્ર માસના પ્રથમ દિવસે સૃષ્ટિનું સર્જન કર્યું હતું.યુગ અને આદીનો અર્થ ઉગાદી.મહારાષ્ટ્રની જેમ જ આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ચૈત્ર માસના પ્રથમ દિવસને ધામધૂમથી ઉજવાય છે.રંગોળી પૂરી ઘરના આંગણાની સુંદરતામાં વધારો કરે છે.આસોપાલવના તોરણથી ઘર દ્વારની સજાવટ થાય છે.ઘર મંદિરમા દેવી દેવતાઓની વિધી વત પૂજા આરાધના થાય છે.નૈવધ્યમા ઉગાદી પચ્ચેડી વિશેષ રૂપે ધરાવતી હોય છે.આ પચ્ચેડીમા ૬ સામગ્રી હોય છે.જેનુ ધાર્મિક, આયુર્વેદિક અને આધ્યાત્મિક મહત્વ છે.કડવો લીમડો, ગોળ, આંબલી,કાચી કેરી,નમક અને લીલાં મરચાંમાં અથવા કાળા મરીમાથી એક ચટણી જેવી સામગ્રી તૈયાર કરવામાં આવે છે.જેને પચ્ચેડી પ્રસાદમ કહે છે.કડવો લીમડો જીવનનો કડવો અનુભવ,ગોળ જીવનમાં આવતો આનંદ, આંબલી જીવનમાં આવતી અપ્રિય આને ધૃણાસ્પદ ઘટના,કાચી કેરી અણધાર્યા આનંદનો સમય,નમક અજાણ્યો ભય,મરી અથવા તો લીલા મરચા ક્રોધ દર્શાવે છે.લીમડો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.કાચી કેરી રક્ત વર્ધક છે અને પાચક રસ ઉત્પન્ન કરે છે.ગોળ લીવરને સાફ કરે છે.ઝેરી તત્વોને દૂર કરે છે.આબલી પાચન શક્તિ વધારે છે.ચામડીની બિમારીઓ દૂર થાય છે.નમક અને મરી પાવડર ચાટણને સ્વાદિષ્ટ બનાવે છે.આ સાથે તલના તેલનું અભ્યંગ સ્નાન કરવાનું મહત્વ છે.ચૈત્ર મહીનો બદલાતી ઋતુનો સમય છે.ધાર્મિક તહેવારોની સાથે મનુષ્ય જીવનને સ્વસ્થ રહેવાની સમજણ આપે છે.આગળ આવતી કાળ ઝાળ ગરમીમાં થતી બિમારીઓ સામે રક્ષણ કેમ મેળવવું એની તકેદારી રાખવાની શીખ આપે છે.
ભારત કૃષિ પ્રધાન દેશ છે.ચૈત્ર મહીનાનો પ્રથમ દિવસ લણણીનો તહેવાર કહેવાય છે.એક ઋતુની સમાપ્તિ અને નવી ઋતુનો આરંભ.જગતપિતા વિષ્ણુનો પ્રથમ મત્સ્ય અવતાર ચૈત્ર સુદ ત્રીજના પ્રગટ થયો હતો.
૨૦૫૪ માં ઉજ્જૈન નરેશ મહારાજ વિક્રમાદિત્યે વિદેશી પ્રજાના આક્રમણથી ભારત ભૂમિની રક્ષા કરી હતી તે સ્મૃતિ રૂપે પ્રતિપદા સવંત્સર કહેવાય છે.મર્યાદા પુરુષોત્તમ પ્રભુશ્રી રામનો રાજ્યાભિષેક પ્રતિપદાને દિવસે કર્યો હતો.મહારાજા યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયો હતો.
ગુડી પડવાના દિવસે મહાન ગણિતજ્ઞ ભાસ્કરાચાર્યે આ દિવસે પંચાંગની રચના કરી હતી જે આજ સુધી અનુસરવામાં આવે છે.
સીંધી પ્રજા ચૈત્ર માસના પ્રથમ દિવસને ચેટી ચંદ તરીકે ઉજવી સંત ઝુલેલાલને યાદ કરે છે.
ગુડી પડવાનો દિવસ શાલિવાહન શકનો આરંભ છે.રાજા શાલિવાહન ગૌતમી પુત્ર શતાકર્ણી રૂપે છે. ખગોળ અને જ્યોતિષ શાસ્ત્રની કાળ ગણનામાં શાલિવાહન શક વિશેષ ઉપયોગી છે.મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ રાજ્યોના ખેડૂતો ચૈત્ર સુદ એકમથી સંવત્સર શાલિવાહન શકના આધારે વર્ષનો પ્રારંભ કરે છે.ચૈત્ર સુદ એકમના દિવસે જે વાર હોય તે પ્રમાણે વર્ષનો રાજા ગણીને હવામાન અને વરસાદની આગાહી કરવામાં આવે છે.
ચૈત્ર માસને ‘મધુ માસ’ પણ કહેવાય છે.આ માસમાં મધમાખીઓ મધ વધારો એકત્ર કરે છે. આયુર્વેદમાં મધ ઉત્તમ ઔષધિ છે.
આપણા ગુજરાતમાં કહેવાય છે કે જે કરે ચૈત્રી તે જાય તરી, જ્યાં થાય ચૈત્રી ત્યાં આવે મૈત્રી.ચૈત્ર મહીનામા શક્તિની ઉપાસનાના નવ દિવસને ચૈત્રી નવરાત્રી કહે છે.’નવસંવત્સર’ પ્રારંભ થાય છે.શારદીય નવરાત્રીની જેમ ચૈત્રી નવરાત્રી ધામધુમથી ઉજવવામાં આવે છે.ચૈત્ર માસમાં દુર્ગા માતાનુ અવતરણ થયું હતું.

ભારતના અન્ય પ્રાંતોમાં ચૈત્રી નવરાત્રી શ્રદ્ધા અને ભક્તિ સાથે ઉજવાય છે.દુર્ગા પૂજન,કળશ સ્થાપન,જવારા ઉગાડી અનુષ્ઠાન,હવન અને કન્યા પૂજન કરી શક્તિની આરાધના થાય છે.નવમો દિવસ રામ જન્મોત્સવ તરીકે ઉજવાય છે.મર્યાદા પુરષોત્તમ રામ વિષ્ણુનો અવતાર છે.ભાયતીય પ્રજાના હ્રદયમાં ભગવાન શ્રી રામનું સ્થાન અનન્ય છે.શ્રીરામનુ મહાન ચરિત્ર ભારતમાં સત્તાધીશ,પતિ,ભાઇ,પુત્ર,પિતા અને મિત્ર તરીકે આદર્શ રહ્યું છે.
સાડા ત્રણ મુર્હૂત પૈકીનું એક શુભ મુહૂર્તનો દિવસ ગુડી પડવો છે.દશેરા, ગુડી પડવો, અખાત્રીજ ત્રણ પૂર્ણ મુર્હૂતની ગણનામાં આવે છે.કારતક સુદ એકમની પ્રતિપદા અડધુ મુર્હૂત ગણાય છે.આ દિવસ નવીન કાર્ય અને ખરીદારી માટે ઉત્તમ હોય છે.
આ રાષ્ટ્રીય સ્વાભિમાન અને સાંસ્કૃતિક ધરોહરની રક્ષા કરતો પુણ્ય દિવસ છે.પ્રતિપદાથી પ્રારંભ કરીને નવ દિવસમાં ૬ મહીનાની શક્તિનો સંચય કરીએ છીએ અને આસો મહીનાની નવરાત્રીમાં બાકીના ૬ મહીનાની શક્તિ પ્રાપ્ત થાય છે.
.