હિન્દુ ધર્મમાં ભગવાનની અનુભૂતિ કરવાની વિવિધ રીતો છે.દેવી દેવતાઓની મૂર્તિઓ ઘરમાં આને મંદિરમાં સ્થાપિત કરી આરાધના કરાય છે.આવી જ એક પૂજા આરાધના શિવજીની છે.
શિવજી ભારતીય ધર્મ, સંસ્કૃતિ અને દર્શન જ્ઞાનની સંજીવની પ્રદાન કરનારા છે.અનાદિકાળથી શિવજીના નિરાકાર સ્વરૂપ શિવલિંગની પૂજા થાય છે.શિવનુ સ્વરૂપ વિરાટ અને અનંત છે.
શિવલિંગને સૃષ્ટિનું પ્રતીક માનવામાં આવે છે.
શિવલિંગની પૂજા પ્રાચીન કાળથી મંદિરોમાં અને ઘરોમાં થાય છે જે સર્વોચ્ચ ભગવાન શિવને આવાહન કરવાની રીત છે.
શિવલિંગની પૂજા આરાધના ભક્તને શિવ ચેતના સાથે જોડે છે.સંસ્કૃતમા શિવ એટલે શુભ, કલ્યાણકારી.
પવિત્ર શ્રાવણ માસમાં શિવજીને પ્રસન્ન કરવા બીલીપત્ર,ફળ,ફૂલ ચઢાવવાની પ્રથા છે.શ્રાવણ માસમાં મેઘ મન મૂકીને વરસે છે.ધરતી માતા લીલી લીલી હરિયાળથી નવપલ્લવિત થાય છે.ધરતી અને તેનું સૌંદર્ય પ્રકૃતિ છે.શિવ અને પાર્વતી પ્રકૃતિ અને પુરુષ છે.એટલે જ શિવજીને પ્રકૃતિના પત્ર પુષ્પ પ્રિય છે.પ્રકૃતિનુ દર્શન કરીએ ત્યારે ખ્યાલ આવે છે જે કુદરત એક ચેતનવંતી અને જોશીલી ગાણિતિક રચનાઓ કરતાં પણ વધુ અદભૂત છે.આપણે કુદરતની રચનાઓ સમજવાની કોશિશ કરીએ ત્યારે જ તેની સુંદરતાની અનુભુતિ થાય છે.પ્રાણીઓ,ફૂલો, વૃક્ષો, લતાઓ, પહાડો,નદીઓ,વહેતા ધોધ, સમુદ્રો, તારામંડળ અને આકાશ, આપણા મનુષ્ય શરીરની રચના દરેક આકર્ષક રચનાઓ બનાવવામાં કુદરત સક્ષમ છે.આ બ્રહ્માંડનો architect કોણ છે? આ બ્રહ્માંડનું એક રહસ્ય છે.જીવંત પ્રકૃતિની દુનિયા આપણા પહેલાં સંપૂર્ણપણે પરિવર્તનશીલ અને વૈવિધ્યસભર પ્રકૃતિ અભિવ્યક્ત કરે છે.
ભારતના નકશા પર જોવાથી ૧૨ જ્યોતિર્લિંગ પ્રકૃતિના નિયમો પ્રમાણે છે.પુરાણો અનુસાર શિવજી જ્યાં જ્યાં પ્રગટ થયા તે બાર સ્થળોને જ્યોતિર્લિંગ રૂપે પૂજાય છે.
જ્યોતિર્લિંગની ભૌમિતિક રચના પાછળ કોઇ વિશિષ્ટ કારણ છે.આ જ્યોતિર્લિંગ એવા સ્થળો પર છે જ્યાં શિવજી પ્રકાશના સ્તંભ તરીકે પ્રગટ થયા છે.
જ્યોતિર્લિંગ એટલે જ્યોતિનું બિંદુ.ભારતમાં ઘણા શિવમંદિરો છે પણ ૧૨ જ્યોતિર્લિંગનું મહત્વ અધિક છે.આ મંદિરોની રચનાઓ પાછળ વૈજ્ઞાનિક કારણો અને ગુઢ રહસ્ય છે.દા.ત. કેદારનાથ અને રામેશ્વરનુ અંતર ૨૩૮૩કી.મી.છે પણ આ મંદિરો સમાન સમાંતર લાઇનમાં છે.આ મંદિરોની રચના પ્રકૃતિના પાંચ તત્વ પૃથ્વી,જળ, અગ્નિ, વાયુ અને આકાશના આધારે કરવામાં આવી છે.
શિવલિંગના ત્રણ ભાગ છે.નીચેનો ભાગ બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને ટોચ પર શિવજી.પહેલો ભાગ ચારેતરફ ભૂમિગત રહે છે,મધ્ય ભાગ આઠે બાજુ એક સમાન છે,શીર્ષ ભાગ છે અંડાકાર છે જેની પૂજા આરાધના થાય છે.
શિવલિંગનો આકાર અંડાકાર કેમ છે? આપણે પત્થર રૂપે દેવની પૂજા કેમ કરીએ છીએ? આનું મહત્વ શું છે?. પ્રચીન સમયમાં ઋષિમુનિઓ પારદમાથી એક આકાર આપતા જે ઉર્જાનું ઉત્પાદન કરે.પ્રાચીન ગ્રંથોમાં પારાને સ્વયં સિદ્ધ ધાતુ માનવામાં આવે છે.શિવપુરાણ પ્રમાણે પારદ શિવલિંગમાં બ્રહ્માંડની સંપૂર્ણતા છે.પારદ તરલ ધાતુ છે.ઔષધિઓ ભેળવીને તરલ પારદને ઠોસ કરવામાં આવે છે.અષ્ટ સંસ્કાર અર્પણ કરી શિવલિંગની રચના કરવામાં આવે છે..
આ રસલિંગમ પણ કહેવાય છે.આ લિંગ ઉર્જાનુ ક્ષેત્ર ઉત્પન્ન કરે છે.આપણુ શરીર વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર છે.પારદ શિવલિંગની સ્પર્શ કરી આરાધના કરવાથી શિવજીની ઉર્જા પ્રાપ્ત થાય છે.આ બ્રહ્માંડ એક ઉર્જા નું શિવલિંગ જ છે.
શિવલિંગ ફરતે ગોળાકાર લિંગના માપનું થાળું હોય છે તે બ્રહ્માંડની ઉર્જાનુ પ્રતીક છે.
શિવલિંગ પૂર્ણ વાસ્તવિકતાની સ્થિર અને ગતીશીલ ઉર્જા બતાવે છે.
શિવલિંગની ઉપર જળધારીમા પાણી ભરી સતત અભિષેક કરાય છે.જળધારી કુંડલિની શક્તિ છે.મૂળાધાર ચક્ર પર કુંડલિની શક્તિ બિરાજમાન છે.શિવ અને શક્તિની ઉર્જાથી સમગ્ર વિશ્વનુ પ્રાગટ્ય થાય છે.શિવલિંગ પરનો સર્પ જાગૃત,અર્ધ જાગૃત અને અચેત અવસ્થા દર્શાવે છે.
વૈજ્ઞાનિક મત પ્રમાણે અણુઓ જે પરમાણુના બન્યા છે તે શિવલિંગની રચવામાં મહત્વ ધરાવે છે.proton અણુનો નાનો ભાગ, neutron અણુનો ન્યુન કણ,અને electron અતિ સૂક્ષ્મ પરમાણુ .
હર(ન્યુટ્રોન),હરિ(પ્રોટોન) આને બ્રહ્મા (ઇલેક્ટ્રોન).
મહર્ષિ વ્યાસના કહેવા પ્રમાણે શિવજી સૂક્ષ્મ છે સાથે સૃષ્ટિમાં વ્યાપક છે.આપણા શાસ્ત્રો પ્રમાણે શિવલિંગ એક અગ્નિ સ્તંભ છે.બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ લિંગમાં સમાયેલા છે.મહેશ ન્યુટ્રોન રૂપે છે પણ ઉર્જા નથી.બ્રહ્મા ઇલેક્ટ્રોન છે અને વિષ્ણુમા સકારાત્મક ઉર્જા છે જે પ્રોટોન છે.અણુનુ સર્જન કરનાર બ્રહ્મા છે એટલે બ્રહ્માજીને સૃષ્ટિના સર્જનહાર કહેવાય છે.શિવલિંગ બ્રહ્માંડની સંપૂર્ણતા રજૂ કરે છે.
શિવલિંગ પર જળાભિષેક કરવાનું કારણ છે કે શિવલિંગમાથી કિરણોત્સર્ગ ઉર્જા પ્રગટ થાય છે.જેથી કરીને મોટા ભાગના શિવ મંદિરોની આસપાસ જળાશયો હોય છે જે કિરણોત્સર્ગ ઉર્જાને કાબુમાં રાખી શકે છે.
ભારતના નક્શામાં જોવાથી ૧૨ જ્યોતિર્લિંગ એક જ તરંગોમાં જોવા મળે છે.દરેક જ્યોતિર્લિંગ પરમાણુ ઉર્જાનું કેન્દ્ર કહી શકાય.ભગવાન શિવ એક પરમાણુ ઉર્જા સમાન છે જે કલ્યાણકારી છે અને વિનાશ પણ કરે છે.૧૨ જ્યોતિર્લિંગ મળીને એક શંખનો આકાર બતાવે છે.
જ્યોતિર્લિંગ ભગવાન શિવના તેજસ્વી સંકેતો છે.જ્યોતિ એટલે પ્રકાશ અને લિંગ એટલે પ્રતીક.ભાભા અણુ મથકની ડિઝાઇન પણ શિવલિંગ જેવી છે.
પવિત્ર શ્રાવણ માસમાં શિવલિંગની પૂજા આરાધના કરવાનું મહત્વ છે.
સચેતન અવસ્થામાંથી શ્રદ્ધા સાથે ભાવપૂર્ણ અવસ્થામાં પ્રવેશ કરવો અને ચૈતન્ય પ્રકાશ પ્રાપ્ત કરવો એ આત્માની યાત્રા છે.આત્મા પરમાત્મા સાથે લીન થઇ જાય છે.