મહાસુદ પાંચમના વસંતઋતુનું આગમન થાય છે.વસંત ઋતુ ‘ઋતુરાજ’ કહેવાય છે.સમસ્ત ધરતીનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે.કોયલના ટહુકા વાતાવરણને સંગીતમય કરે છે.માનવ મન પણ પ્રફુલ્લિત બને છે.સર્વત્ર આનંદનું વાતાવરણ છવાઈ જાય છે.વસંતપંચમીથી ફાગણ સુદ પૂનમ સુધી ૪૦ દિવસ વસંતોત્સવ મનાવવામાં આવે છે.નંદગામ બરસાનામાં લઠ્ઠમારહોરી થાય છે જે જોવા અને માણવા વિદેશીઓ પણ આવે છે.
વ્રજમાં આ દિવસો ઉલ્લાસભેર ઉજવાય છે.કારણ કે આ દિવસો દરમિયાન શ્રીકૃષ્ણે ગોપી ગ્વાલો સાથે રંગ ઉડાડી વસંતોત્સવનો આનંદ ઉજવ્યો હતો.આ પરંપરાને વ્રજવાસીઓએ આજે પણ રાખી છે.
વ્રજમાં આ દિવસો ઉલ્લાસભેર ઉજવાય છે.કારણ કે આ દિવસો દરમિયાન શ્રીકૃષ્ણે ગોપી ગ્વાલો સાથે રંગ ઉડાડી વસંતોત્સવનો આનંદ ઉજવ્યો હતો.આ પરંપરાને વ્રજવાસીઓએ આજે પણ રાખી છે.
આ દિવસોમાં વ્રજજનો રોજ રંગની છોળો ઉડાડતા નાચ ગાન કરે છે.હોળી પ્રાગટ્યના બીજે દિવસે એટલે ધૂળેટીને દિવસે ડોલોત્સવ ઉજવવામાં આવે છે.
એક કથા પ્રમાણે શ્રી જગન્નાથજીએ પરમ વૈષ્ણવ રાજા ઈન્દ્રધુમ્નને આજ્ઞ કરી કે એક વર્ષમાં મારા બાર મહોત્સવ ઉજવવા, તેમાં મારો ડોલોત્સવ કરવો.

ડોલ એટલે પત્ર પુષ્પથી સજાવેલો ઝૂલો.શ્રીકૃષ્ણ અને શ્રી રાધિકા વ્રજ ભક્તો સાથે હોળી ખેલનો આનંદ માણે છે.
વ્રજલીલાની ભાવના પ્રમાણે શ્રીનંદરાયજી અને યશોદાજી શ્રી બાળકૃષ્ણને વાત્સલ્ય ભાવથી ડોલ ઝૂલાવે છે.એક અન્ય ભાવ પ્રમાણે ગોવર્ધનની તળેટીમાં સદા વસંત ખીલેલી રહે છે.ફળ,ફૂલો, વૃક્ષો, લતાઓ ઇત્યાદિની વિનંતીથી શ્રીપ્રભુએ ડોલોત્સવ મનાવી સૌનો અંગીકાર કરી કૃતાર્થ કર્યા છે.
ફાગણ સુદ પૂનમના દિવસે શ્રીકૃષ્ણ અને શ્રીરાધિકજી વ્રજ ભક્તો સાથે કેસુડા અને વિવિધ રંગોથી હોળી ખેલનો આનંદ માણે છે.બીજે દિવસે અથવા તો ઉત્તર ફાલ્ગુની નક્ષત્રમાં ડોલોત્સવ ઉજવાય છે.

પુષ્ટિ સંપ્રદાયમાં શ્રી વલ્લભાચાર્યજીએ ઉત્સવ ક્રમમાં ડોલોત્સવની પરંપરા ચાલુ રાખી છે.
પુષ્ટિ સંપ્રદાયમાં હવેલીમાં અને વૈષ્ણવોના ઘરોમાં ડોલોત્સવ મનાવવામાં આવે છે.સફેદ પીછવાઇ અને સફેદ ઝાલર બાંધવામાં આવે છે.શ્રીપ્રભુને સોનાનાં તથા મીનાના આભરણ ધરવામાં આવે છે.
રાજભોગની આરતી પછી શ્રીપ્રભુ ડોલમાં બીરાજે છે.મહારાજશ્રી અને મુખીયાજી રંગો અને કેસુડાથી વૈષ્ણવ ભક્તો ઉપર રંગ ઉડાડે છે.શ્રીપ્રભુ,ડોલ,પીછવાઈ,ઝાલર રંગોથી તરબતર થઇ જાય છે.શ્રીપ્રભુ સમક્ષ હોળી ખેલના કિર્તન અને ધમારના પદ ગવાય છે.
પુષ્ટિ ભક્તિમાં ‘દાસ્યભાવ’ પ્રધાન છે, પરંતુ આ દિવસોમાં વ્રજ ભક્તો દાસ્ય ભાવ ભૂલી સખ્યભાવથી શ્રીકૃષ્ણને વિવિધ રંગોથી ખેલાવે છે.દાસ્ય ભાવ એટલે સર્મપણનો ભાવ.સખ્ય ભાવ એટલે મિત્રતા.સખા ભક્તિ.ચાર પ્રકારના ભક્તો_ સાત્વિક,રાજસ,તામસ અને નિર્ગુણ.આમ ડોલોત્સવમા ચાર ખેલના દર્શન હવેલીમાં થાય છે.શ્રીપ્રભુ વ્રજમાં વિવિધ સ્થાનોમાં ડોલ ઝૂલ્યા છે એ ભાવનાથી ચાર ભોગમાં વિવિધ સામગ્રી ધરાવવામાં આવે છે.
ચોથા ભોગના દર્શન પછી આરતી થાય છે.શ્રીપ્રભુ નિજ મંદિર માં પધારે છે.વૈષ્ણવ ભક્તો ડોલની પરિક્રમા કરે છે.તરત જ ડોલની સજાવટ અને રંગો દૂર કરવામાં આવે છે.જેથી શ્રીઠોકોરજીને ફરી હોળી ખેલવાનું યાદ ન આવે.પુષ્ટિ માર્ગમાં બાળ સ્વરૂપની ભક્તિ થાય છે.જેમ આપણે આપણા બાળકો નું જતન કરીએ છીએ એમ જ માતા યશોદાના બાળકૃષ્ણની સેવા વૈષ્ણવ ભક્તો કરે છે.
પુષ્ટિ સંપ્રદાયમાં આરાધ્ય પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ છે.શ્રીકૃષ્ણની સેવા રસેશ્વર શ્રીકૃષ્ણની રસાનંદની અનુભૂતિ કરાવે છે.પુષ્ટિમાર્ગની સેવા પ્રણાલીમાં રાગ,ભોગ આને શૃંગાર નો સમન્વય છે.શ્રી ગુંસાઈજીએ બાર માસના ઉત્સવો નિશ્ચિત કર્યા છે.વ્રજના મંદિરોમાં ૪૦ દિવસો સુધી ઉત્સવ ચાલે છે.ગોકુળ,મથુરા, વૃંદાવનમાં ધૂમધામ સાથે ઉત્સવ ઉજવાય છે.ભારતીય સંસ્કૃતિ વૈદિક પરંપરાઓ અને શાસ્ત્રો સાથે જોડાયેલી છે.આનંદની પ્રાપ્તિ માનવી જીવનનું ધ્યેય રહેલું છે.આપણા પર્વો અને ઉત્સવો આ ધ્યેય અભિવ્યક્ત કરે છે.