શિવ પંચાક્ષર સ્તોત્ર.શિવજીના સ્વરૂપનું વર્ણન.

ભગવાન શિવજીની આરાધના કરતાં એક છબી માનસ પટ પર પ્રગટ થાય છે.એક વૈરાગી યોગી, હાથમાં ત્રિશૂળ,,બીજા હાથમાં ડમરૂ, ગળામાં સર્પની અને રૂદ્રાક્ષની માળા, ભસ્મનું લેપન, મસ્તકમાંથી ગંગાજીની ધારા,અર્ધ ચંદ્ર,નંદી વાહન,વાઘનું ચર્મ વસ્ત્ર અને ધ્યાન કરનાર .ૐ નમઃ શિવાય મંત્ર એટલે મહાદેવજી.

દેવી દેવતાઓના આગવા સ્વરૂપમાં દૈવત્વ પ્રગટ થતું હોય છે.આ સ્વરૂપ દ્રારા દેવી દેવતાઓની માનવ આકૃતિનું વર્ણન મળે છે.આ વર્ણન પરથી સ્તોત્રોની રચનાઓ થાય છે.સ્તોત્ર એટલે સ્વરૂપના ગુણગાન ગાવા.સ્તોત્ર ઇશ્વરના તત્વને પ્રગટ કરે છે.આ તત્વ એટલે મહાત્મ્ય.મહાત્મયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.મહાત્મય જાણ્યા વગરની ભગવદ ભક્તિ ઘેટાં પ્રવૃત્તિ છે.જ્ઞાન જેટલું વધશે એટલી ભક્તિ તીવ્ર થશે.ચિત્ત શુદ્ધ થશે.

ૐ નમઃ શિવાય.

ભારતમાં શ્રાવણ માસ એટલે મહાદેવજીની મહિમા આરાધના કરવાના દિવસો.ભક્તો અનેક રીતે મહાદેવજીને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે.શિવજીની આરાધના કરવા ઘણા સ્તોત્ર મંત્રો છે.

આ સૃષ્ટિ પંચતત્વોથી બની છે.પંચાક્ષર સ્તોત્રમાં પાંચ તત્વ સમાયેલ છે.ૐ બ્રહ્માંડ નો નાદ છે.પંચાક્ષર સ્તોત્રમાં નમઃ શિવાય શિવના પાંચ તત્વો છે.આ પાંચ તત્વો શિવ સ્વરૂપનું વર્ણન કરે છે.

આદિગુરૂ શંકરાચાર્યે શિવ પંચાક્ષર સ્તોત્રની રચના કરી ભગવાન શિવજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે.

પાંચ અક્ષર નમઃ શિવાય . પ્રત્યેક શ્લોક ક્રમશઃ ન,મ,શિ,વા,ય થી શરૂ થાય છે.‘ન’ પૃથ્વી,’મ’ પાણી,’શિ’અગ્નિ,’વા’ વાયુ, ‘ય’ આકાશ.

નાગેન્દ્રહારાય ત્રિલોચનાય
ભસ્માઙ્ગરાગાય મહેશ્વરાય |
નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય
તસ્મૈ “ન” કારાય નમઃ શિવાય || 1 ||

નાગેન્દ્ર હારાય એટલે ગળામાં નાગનો હાર ધારણ કર્યો છે.
ગરૂડ જ્યારે દરેક સર્પ જાતિનું ભક્ષણ કરતો હતો ત્યારે શિવજીએ સર્પજાતિને ઘરેણાં તરીકે અપનાવી રક્ષા કરી હતી.સમુદ્ર મંથન વખતે ભગવાન શિવજીએ હળાહળ વિષ ધારણ કર્યું.ત્યારે વાસુકી નાગે વિષ ગળાથી નીચે ઉતરવા ન દીધું.પણ શિવજીના ગળામાં દાહ ઉત્પન્ન થવા લાગી.વાસુકી નાગ ગોળ વીંટળાઈ ગયો.વાસુકીનાગ શિવજીનો પરમ ભક્ત છે.શિવજીના વરદાનથી નાગલોકનું રાજ્ય મેળવ્યું છે.

સર્પ ઠંડા લોહી વાળું પ્રાણી છે.વાસુકી નાગ ગળામાં ત્રણ વીટ કરી વીંટળાઈ ગયો છે જે ભૂત,વર્તમાન અને ભવિષ્યનું,.જન્મ મૃત્યુના અનંત ચક્રનું સૂચન કરે છે.સર્પ કુંડલિની શક્તિ, અભિમાન અને ભયનું પ્રતિક છે.અભિમાન ઝેર સમાન છે.જીવ ભયમુક્ત થઈને અવિનાશી નાગેશ્વર સ્વરૂપને પ્રણામ કરે.


ત્રિલોચનાય.ત્ર્યંબક એટલે ત્રિનેત્ર.શિવજીનુ જમણું નેત્ર સુર્ય છે, ડાબું નેત્ર ચંદ્ર છે અને ત્રીજું નેત્ર અગ્નિ છે.ત્રીજુ નેત્ર જ્ઞાન ચક્ષુ કહેવાય છે.બુદ્ધિ,જ્ઞાન અને જાગૃતિ સૂચવે છે.શિવજી મહાયોગી છે.ત્રિનેત્ર એટલે છઠ્ઠું ચક્ર છે બંને ભ્રમરોની વચ્ચે હોય છે.અલૌકિક શક્તિ બતાવે છે.બૌદ્ધ ધર્મમાં ત્રીજું નેત્ર પ્રબોધન પ્રાપ્તિનુ પ્રતિનિધિત્વ કરે છે.

ભસ્મ.ભસ્મ એટલે વિભૂતિ.ભગવાન શિવજીની શોભા અને વૈભવ ભસ્મ છે.પરમ સત્ય દર્શાવે છે.નશ્વર દેહનું અભિમાન કરવું નહીં.એક વાર માટીમાં મળી જશે.ભૌતિક સંસારમાંથી સંપૂર્ણ મુક્ત રહેવું.શિવજીના કપાળ પર ત્રણ ભસ્મની રેખાઓ ત્રણ લોકનું ચિન્હ છે.
વસ્ત્ર.દિશાઓ ભગવાન શિવનું વસ્ત્ર છે.દિગંબર અર્થાત નગ્ન.અંબર એટલે આકાશ.ભગવાન શિવજી સમગ્ર સૃષ્ટિમાં સમાયેલા છે.સર્વભૂત સ્વરૂપ છે.વિશાળ અનંત આકાશ ભગવાન શિવજીનું વસ્ત્ર છે.

મન્દાકિની સલિલ ચન્દન ચર્ચિતાય
નન્દીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય |
મન્દાર મુખ્ય બહુપુષ્પ સુપૂજિતાય
તસ્મૈ “મ” કારાય નમઃ શિવાય || 2 ||

ગંગા નદી પૃથ્વી અને સ્વર્ગનો સેતૂ કહેવાય છે.સમુદ્ર મંથન વખતે હળાહળ વિષ ધારણ કર્યું ત્યારે દેવોએ પવિત્ર ગંગાજળ થી ભગવાન શિવજીનો અભિષેક કરી અર્ચના કરી હતી.ગંગાજળ નકારાત્મક ઉર્જા દૂર કરે છે.મસ્તકને શીતળ રાખે છે.

ચંદન.ચંદન શીતળતા બક્ષે છે.ગંગાજળથી અભિષેક કરી ભગવાન શિવજીને ચંદન અર્પિત કરાય છે.

મંદાર પુષ્પ એટલે આંકડના ફૂલ ભગવાન શિવજીને પ્રિય છે. આંકડો ઝેરી હોય છે.રાગ,દ્રેષ, ઇર્ષ્યા,નફરત પણ આપણા જીવનમાં ઝેર ઘોળે છે.જેનાથી દૂર રહેવું

મહાદેવજીના શણગાર અને પૂજામાં જંગલમાંથી મળતી વસ્તુઓ અર્પણ થાય છે.વનના ફૂલો,ધતુરો, બીલીપત્રો, રૂદ્રાક્ષ,ભસ્મ,સર્પોની માળા, પોષાકમાં વાઘનું ચર્મ

શિવાય ગૌરી વદનાબ્જ બૃન્દ
સૂર્યાય દક્ષાધ્વર નાશકાય |
શ્રી નીલકણ્ઠાય વૃષભધ્વજાય
તસ્મૈ “શિ” કારાય નમઃ શિવાય || 3 ||

કલ્યાણ સ્વરૂપ ભગવાન શિવજી માતા પાર્વતીના મુખ કમળને પ્રસન્ન કરે છે.જગદંબાના સ્નેહને શિવજીએ અર્ધનારીશ્વર રૂપે ધારણ કર્યો છે.શિવ _પાર્વતી એકબીજાના પ્રતિક છે.શિવ આત્માના કારક છે તો પાર્વતી બુદ્ધિના કારક છે.
ભગવાન શિવજીને સુર્ય સ્વરૂપાય કહે છે.સુર્ય સમાન તેજસ્વી,સુંદર,વરદાન આપનાર છે.ઋગવેદમા અગ્નિદેવને રૂદ્ર કહ્યાં છે.રૂદ્ર દેવ રોગ શામક છે.
દક્ષરાજાએ યજ્ઞમાં શિવજીનું અને સતીમાતાનુ અપમાન કર્યું.સતીમાતાએ અગ્નિ ધારણ કર્યો.ભગવાન શિવજીએ દક્ષના યજ્ઞનો નાશ કર્યો હતો.નીલકંઠાય ભગવાન શિવજીના રથ પર વૃષભનુ ચિન્હ છે.કંઠમા વિષ ધારણ કરવાથી શ્રી નીલકંઠાય મહાદેવ કહેવાયા.

દરેક દેવતાઓના યુદ્ધ સમયે રથ પર ધવ્જ હોય છે.શ્રી વિષ્ણુના રથ પર ગરૂડ,શિવજીના રથ પર વૃષભ, શ્રી ગણપતિના રથ પર મૂષક,દેવી દુર્ગાના રથ પર સિંહ.

વશિષ્ઠ કુમ્ભોદ્ભવ ગૌતમાર્ય
મુનીન્દ્ર દેવાર્ચિત શેખરાય |
ચન્દ્રાર્ક વૈશ્વાનર લોચનાય
તસ્મૈ “વ” કારાય નમઃ શિવાય || 4 ||

વશિષ્ઠ ઋષિ, અગસ્ત્ય ઋષિ, ગૌતમ ઋષિ અને ઇન્દ્ર આદિ દેવતાઓએ ભગવાન શિવજીના મસ્તકની ગંગાજીને જટામાં સમાવી લીધા ત્યારે આરાધના કરી હતી.સુર્ય, ચંદ્ર અને અગ્નિ જેમના નેત્ર છે એવા મહાદેવને નમસ્કાર.

યક્ષ સ્વરૂપાય જટાધરાય
પિનાક હસ્તાય સનાતનાય |
દિવ્યાય દેવાય દિગમ્બરાય
તસ્મૈ “ય” કારાય નમઃ શિવાય || 5 ||

સમુદ્ર મંથન કરીને દેવતાઓએ અમૃત કુંભમાંથી અમૃતપાન કર્યું હતું.અસુરોને પરાજિત કરી દેવતાઓને અભિમાન આવી ગયું હતું.દેવતાઓ એમ માનવા લાગ્યા અમે અમર થઈ ગયા છે.
મહાદેવજીએ યક્ષ સ્વરૂપ ધારણ કર્યું.યક્ષમા અપ્રાકૃતિક શક્તિ હોય છે.દેવતાઓ જેવી જ અર્ધશક્તિ ધારણ કરી શકે છે.
મહાદેવજીએ યક્ષ અવતાર ધારણ કરી દેવતાઓ સમક્ષ તણખલું મૂક્યું અને તણખલાંને બાળી નાખવા કહ્યું.દેવતાઓએ પૂરી શક્તિ લગાડી પણ તણખલું હલાવી શક્યા નહીં.ત્યારે આકાશવાણી થઇ કે યક્ષ સ્વરૂપે શિવજી છે.
દેવતાઓએ મહાદેવને વંદન કર્યું.
‘ હું જ કરૂં છું’ એવો અહંકાર આસુરી ભાવ છે.તણખલાના દ્રષ્ટાંતથી શીખ મળે છે કે મહાદેવની આજ્ઞા વગર સંસારમાં એક તણખલું પણ આઘુંપાછું કરી શકાતું નથી.

ભગવાન શિવજી જટાધારી સ્વરૂપ છે.વ્યોમકેશ કહેવાય છે.વ્યોમ એટલે આકાશ.કેશ એટલે વાળ.જટા જેવા કેશ ઉચ્ચત્તમ ચેતના,આત્મ જાગૃતિ અને ઉચ્ચ શક્તિઓનો સંયોગનુ પ્રતિક છે.બુદ્ધિ,દેહ આને આત્માનું સામંજસ્ય જીવનમાં કાંઇ પણ હાંસિલ કરવા માટે જરૂરી છે.
જટા વાયુના પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે.જીવોના સ્વામી એવા શિવજી જીવોના શ્વાસમાં વસે છે.
ત્રિશુળ એટલે પિનાક.ત્રણ ગુણોનું આને ત્રણ નાડીઓનુ પ્રતિક છે.સત્વ,રજ,તમે.ઇડા,પિગંલા અને સુષુમ્ણા નાડી.ત્રિશુળ મન, બુદ્ધિ અને અહંકારનું ચિન્હ છે.રાગ,દ્રેષ, અહંકારથી વ્યક્તિ અનુચિત કાર્ય કરવા પ્રેરાય છે.જે પોતે તો દુઃખી થાય છે આસપાસના લોકોને કષ્ટ આપે છે.આવી નકારાત્મક ભાવનાઓથી દૂર રહી ભગવાન શિવજીની આરાધના ત્વરિત ફળ આપે છે.ભગવાન શિવજી ત્વરિત ફળ આપનાર દેવ છે.


શિવજી એટલે મહેશ્વર.મૃત્યુ લોકના દેવતા શિવજી ખૂબ દૂર હિમાલયના ઠંડા પહાડોમાં વસે છે.જ્ઞાન, ઇચ્છા અને ક્રીયાની ઉર્જા છે.મહાદેવ નથી ઇચ્છતા કે ભક્તો કઠોર આરાધના કરી શિવજીને રીઝવે.શિવસૂત્ર, “આપણી અંદર બંને તત્વો છે.કાળ અને શક્તિ.બંને જાગૃત થાય તો શક્તિ મહાકાળના દર્શન કરાવે છે.શિવ તત્વનો પ્રકાશ થતાં શક્તિ પ્રગટ થાય છે.

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a comment