ગુજરાતના ગરબા અને દાંડીયા રાસ,હરિયાળી ત્રીજ બિહારમાં, બંગાળની દુર્ગા પૂજા, દક્ષિણ ભારતમાં ગોલુ અને મહારાષ્ટ્રમાં ભોન્ડલા અને હાદગા આ ઉત્સવ સ્ત્રીઓને એક જ સ્થળે એકત્રિત કરે છે.
નવરાત્રી નારીશક્તિ દર્શાવતો પર્વ.આસો માસની એકમથી નવ સુધી નોરતાનો ઉત્સવ ઉજવાય છે.સામુહિક આનંદનું સર્વોત્તમ માધ્યમ નવરાત્રી ઉત્સવ છે.સ્ત્રીઓને નારીત્વની અનુભૂતિ કરાવતો તહેવાર એટલે નવરાત્રી.
ભારતના દરેક રાજ્યોમાં નવરાત્રીનું મહત્વ છે.નવરાત્રીનો ઉત્સવ અલગ અલગ રીતે ઉજવાય છે અને રાજ્યોની સંસ્કૃતિ પ્રદર્શિત કરે છે.રીત રિવાજ અલગ અલગ હોય છે પણ શક્તિ આરાધના દરેક રાજ્યોમા મુખ્ય હોય છે.નારીત્વની ઝલક દરેક રાજ્યોમાં જોવા મળે છે.
નવ દિવસ માતાજીના નવ સ્વરૂપોની પૂજા આરાધનાનું આ પર્વ નારીના રૂપને નવાજવાનુ અને આદર સન્માન આપવાનું છે.
નવરાત્રી સ્ત્રીઓ માટેનો ઉત્સવ કહી શકાય.ઘરના કામકાજમાં સતત વ્યસ્ત રહેતી સ્ત્રીઓને એક મોકળાશ અને સ્વતંત્રતા આપતો સમય છે.આ ઉત્સવ સામુહિક અને સાર્વજનિક રીતે ઉજવાય છે.ખુલ્લા વાતાવરણમાં ઉજવાતો તહેવાર છે.

મહારાષ્ટ્રમાં નવરાત્રીના પ્રથમ દિવસથી ભોન્ડલાની શરૂઆત થાય છે જે કોજાગરી પૂનમ સુધી ઉજવાય છે.હસ્ત નક્ષત્રમાં વરસાદ આવ્યા પછી ખેતીવાડીમાં સારો પાક થાય છે.પ્રકૃતિનો આભાર માની ભોન્ડલા નૃત્ય કરવામાં આવે છે.નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના કર્યા પછી સાંજે એક પાટ પર હાથીના ચિત્રની રંગોળી કરવામાં આવે છે.હાથી વરસાદનું પ્રતિક છે.દાળ,ચોખા,અન્ય રંગોનો ઉપયોગ કરી રંગોળી કરવામાં આવે છે.પાટ પર લાકડાનો મંડપ મૂકવામાં આવે છે.આ મંડપને ફળો અને ફૂલોથી શણગારે છે.ઘણી જગ્યાએ બે હાથીની આકૃતિ એવી રીતે દીવાલ પર મૂકાય છે જેમાં બંને હાથીની સૂંઢ સામ સામે હોય છે.આ ચિત્રને ફળો અને ફૂલોનો હાર પહેરાવે છે.આ ચિત્ર સમક્ષ ગોળાકારે ફરીને ભોન્ડલા ગીતો ગાવામાં આવે છે.

ખીરાપતનો પ્રસાદ અર્પણ કરે છે.પૃથ્વીની પ્રદક્ષિણા કરવામાં આવે છે એવી ભાવના સાથે સ્ત્રીઓ અને બાળકીઓ વર્તુળાકારે ફરી લોકગીત સાથે ભોન્ડલાનો આનંદ માણે છે.મોટે ભાગે મહીલા મંડળો દ્વારા રોજ અલગ અલગ ઘરોમાં અને સ્થળોમાં આયોજન થાય છે.સ્ત્રીઓ પોતના ઘરેથી પ્રસાદી બનાવીને લઇ જાય છે.સાથે સાથે આપસમાં આજે કેવી પ્રસાદની વાનગી આરોગવા મળશે એવી અટકળ કરી આનંદ કરે છે.
મહારાષ્ટ્રમાં નવરાત્રીમાં હળદી કુમકુમ કરવાની પ્રથા છે.સૌભાગ્યવતી સ્ત્રીઓ એકબીજાને હળદર કંકુનો ચાંદલો કરે છે.પગે લાગીને આશીર્વાદ આપે છે.આ પ્રસંગ ઘરોમાં વધુ રાખવામાં આવે છે.મહેમાન સ્ત્રીઓને ભેટ સોગાદ આપવામાં આવે છે.

ગોલૂ દક્ષિણ ભારતમાં શરદ ઋતુનો ઉત્સવ છે.ગોલૂ,કોલૂ,ગોમ્બે,હમ્બા,બોમ્મા,કોલમ જેવા નામોથી આ નવરાત્રી ઉત્સવ તામીલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળમાં ઉજવાય છે.કૃષિ અને હસ્ત કારીગરીને પ્રદર્શિત કરતો પર્વ છે.ગોલૂ પૂજાનું આયોજન ઘરોમાં રાખવામાં આવે છે.ઘરની સ્ત્રીઓ અને આસપાસની પડોશની સ્ત્રીઓ ગોલૂની તૈયારી એકસાથે મળીને કરે છે.
પ્રથમ કળશ પૂજન કરી મૂર્તિઓની સજાવટ અને ગોઠવણી કરવામાં આવે છે.
આ ઉત્સવમાં મૂર્તિઓ, ઢીંગલીઓ અને અન્ય આકારની ગોઠવણ મોટા ભાગે કોઇ વિષયને લગતા હોય છે જેમ કે રોજીંદા જીવનના દ્રશ્યો, ધાર્મિક અને સંદેશો આપતી વાર્તાઓ,રસોઇના વાસણો,રમત ગમત, વગેરે વગેરે.માટી અને લાકડામાંથી ઢીંગલીઓ બનાવી ચમકીલા રંગથી રંગવામાં આવે છે.કોઇ એક પ્રસંગ અનુસાર ઢીંગલીઓ અને મૂર્તિઓને ગોઠવવામાં આવે છે.
નવરાત્રીના પ્રથમ દિવસે ગણપતિ પૂજા કરીને દેવી સરસ્વતી, પાર્વતી અને લક્ષ્મીજીનુ કલસા અહવનમ નામનું અનુષ્ઠાન પરિવારના વડીલો કરે છે.લાકડાના આડીયામા ૩,૫,૭,૯,૧૧,૨૧,એવી સંખ્યામાં મૂર્તિઓની ગોઠવણી થાય છે.આ મૂર્તિઓ એક પેઢીથી બીજી પેઢીને વારસામાં મળેલી હોય છે.

પારંપારિક પ્રથામાં વર_કન્યાની લાકડાની ઢીંગલીઓ મૂકવાનો રિવાજ છે.આ જોડાની ઢીંગલીઓ લાકડાની અથવા સૂકા નાળિયેરની હોય છે.દર વર્ષે નવા વસ્ત્રો પહેરાવી ઘરોમાં સ્થાપિત કરે છે.કન્યાને આ લાકડાની ઢીંગલીઓ એના માતા-પિતા દ્વારા ભેટમાં આપવામાં આવે છે.
સાંજના સમયે આંગણમાં રંગોળીઓ કરવામાં આવે છે.વચ્ચે દીપક મૂકે છે.તૈયાર કરેલ ગોલૂને પ્રસાદ અર્પણ થાય છે.શ્લોક અને ભક્તિ ભજનોથી વાતાવરણ આનંદ દાયક હોય છે.
નવમા દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે.પુસ્તકો અને વાદ્ય યંત્રો પૂજાના સ્થાને મૂકી પૂજવામાં આવે છે.વિજ્યા દશમીના શુભ દિવસે સમાપન થાય છે.ભગવાનને ધન્યવાદ આપતા ગીતો ગાય છે..સ્થાપના કરેલ કળશને ઉત્તર દિશામાં ફેરવવામાં આવે છે.એક કોલૂ મૂર્તિને સુવાડીને સમાપનનુ પ્રતીકાત્મક રૂપ દર્શાવામાં આવે છે.દેવી દેવતાઓના આભાર માનતા ગીતો ગવાય છે.કોલૂની ઢીંગલીઓ યથાસ્થાને મૂકી દેવામાં આવે છે.

દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં નવ દિવસ શક્તિ પૂજા થાય છે પણ સરસ્વતી પૂજાનું મહત્વ છે.બાળકને પ્રથમ વિદ્યા આપવાનો શુભ દિવસ નવરાત્રિમાં સરસ્વતી પૂજાથી કરવામાં આવે છે.નવ દિવસ શક્તિ પૂજામાં વિવિધ નૈવેદ્ય ધરાવી એકબીજાને આપવામાં આવે છે.
દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યમાં બતુકમ્મા નામથી નવરાત્રી ઉત્સવ હોય છે.આનો અર્થ છે માતાજી સજીવ છે.આ રાજકીય પર્વ સ્ત્રીઓના સન્માન માટે અને સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવે છે.

વિવિધ ફૂલો અને રંગોની સાત પરતથી ગોપુરમ મંદિરની આકૃતિ કરી માતા પાર્વતીની આરાધના સ્ત્રીઓ કરે છે.જો કે આ ઉત્સવ અમાસથી શરૂ કરી અષ્ટમીને દિવસે સમાપન કરે છે.ફૂલોની આકૃતિને નદી તળાવમા પધરાવી દેવાય છે.
દુર્ગા પૂજા.
પૂર્વ ભારત બંગાળ, ઓરિસ્સા, આસામમાં દુર્ગા પૂજા નવરાત્રી દરમિયાન ઉજવાય છે.દુર્ગા પૂજાનો તહેવાર માણવા અને જોવા વિદેશથી પણ લોકો આવે છે.નવરાત્રીના છેલ્લા પાંચ દિવસોમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.દુર્ગા દેવી સિંહ પર બિરાજમાન છે, હાથમાં આયુધો આને શસ્ત્રો છે એવી વિશાળ મૂર્તિઓના પંડાલ સમગ્ર બંગાળમાં જોવા મળે છે.દેવીના હાથમાં શસ્ત્રો નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સિંહ ધર્મનું પ્રતિક છે.

ધુનુચી નૃત્ય દુર્ગા પૂજામાં અતૂટ હિસ્સો ધરાવે છે.માન્યતા છે કે માતા દુર્ગા નવરાત્રીના પાંચમા દિવસે પિયરે આવે છે અને દશમી દશેરાના દિવસ સુધી રહે છે.માતાજીને અનેક પ્રકારના શણગાર,ભોગ, પ્રાર્થના, સ્તુતિઓ કરી પ્રસન્ન કરવામાં આવે છે.દુર્ગા પૂજા સમયે ઘણી પરંપરાઓ જોવા મળે છે.મોટે ભાગે સ્ત્રીઓ સહભાગી થાય છે.આમાનુ એક છે ધુનુચી નૃત્ય.આ પ્રાચીન નૃત્ય છે.આ નૃત્યનો સંબંધ મહિષાસુર વધ સાથે છે.બળવાન મહિષાસુરનો વધુ કરતાં પહેલાં માતા દુર્ગાએ ઉર્જા અને શક્તિ મેળવવા ધુનુચી નૃત્ય કર્યું હતું.આ નૃત્ય સાતમના દિવસે શરૂ કરવામાં આવે છે.ધુનુચી નૃત્ય કરીને જ માતાજીની આરતી થાય છે.એક માટીના વાસણોમા સૂકું નાળિયેર,કોલસા, કપૂર અને અન્ય હવન સામગ્રી રાખીને અગ્નિ પ્રગટાવી ધુનુચીને હાથમાં રાખી ઢોલ નગારા સાથે નૃત્ય થાય છે.પુરૂષો પણ આ નૃત્ય કરે છે.મહિલાઓમા આ નૃત્ય એક સાથે કરવાની પરંપરા છે.મુખમા ધુનુચીનુ પાત્ર પકડી અથવા તો હાથમાં રાખી ગોળ ગોળ ઘુમાવીને નૃત્ય કરવું એક આગવી કળા છે.
ઉલ્લુ ધ્વનિ મહિલાઓના સમુહ દ્રારા એકસાથે એક આવાજ કરવામાં આવે છે..હુલુ કે ઉલોક ધ્વનિ નામથી ઓળખાય છે.આ ધ્વનિ દુષ્ટ આત્માઓને ભગાડી દેશે એવી માન્યતા છે.ઉલ્લુ ધ્વનિની હરિફાઈ પણ રાખવામાં આવે છે.
ઉત્તર ભારતમાં નવરાત્રી ઉત્સવ પ્રભુ રામચંદ્રજીના વિજયનો તહેવાર કહેવાય છે.નવ દિવસ માતાજીની આરાધના કરી શ્રીરામચંદ્રજીએ માતાજીને પ્રસન્ન કરી દસમે દિવસે દશેરાના રાવણ વધ કર્યો હતો.ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન કન્યા પૂજનનું મહત્વ છે.ઘરે ઘરે આ રીતનું પૂજન થાય છે.
કન્યાઓને માતાજી સમાન માની પગના અંગુઠાને પાણીથી ધોઇ કંકુ ચોખા મૂકી કન્યાપૂજાન થાય છે.કન્યાઓને ખીર પૂરી, ચણાનું શાક અને હલવાનું ભોજન અર્પણ કરાય છે.દક્ષિણા આપવામાં આવે છે.માતા દુર્ગાનું એક સ્વરૂપ કુમારી છે.એટલે કુમારી સ્વરૂપ બાળાઓની પૂજા થાય છે.સાથે જ નવ દિવસ હોમ હવનનુ આયોજન કરવામાં આવે છે.આ દરેક કાર્યોમાં સ્ત્રીઓ દ્વારા થાય છે.
ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન માતાજીનુ જાગરણ કરવાની પ્રથા છે.માતાજીના મંદિરોમાં, સાર્વજનિક સ્થળોએ અને ઘરોમાં જાગરણ કરી માતાજીના ભજન કીર્તન થાય છે.જેમા મોટે ભાગે સ્ત્રીઓ સાથે મળીને જાગરણ કરે છે.આ જાગરણમા સરસ્વતી, નિદ્રા દેવી અને હનુમાનજીની પૂજા થાય છે.મતા સરસ્વતી જ્ઞાનની દેવી છે.ભક્તોને માતા સરસ્વતીના આશીર્વાદ પામવા નિદ્રાદેવી કસોટી કરે છે.એટલે નિદ્રા પર વિજય મેળવવા જાગરણ કરે છે.હનુમાનજી રૂદ્ર અવતારે માતાજીનુ રક્ષણ કરે છે.શ્રીરામચંદ્રજીના ભક્ત હનુમાનજીના ચાલીસા કરી જાગરણનો પ્રારંભ થાય છે.વહેલી સવારે માતા તારા રાણીની કથા ગાવામાં આવે છે.
મખરોત્સવ ગોવા રાજ્યમાં નવરાત્રી દરમિયાન ઉજવાતો એક આકર્ષક ઉત્સવ છે.માતાજીના મંદિરોમાં આ મખર એટલે કે પાલખીની સજાવટ થાય છે.આ પાલખીને વિવિધ રીતે શણગારવામાં આવે છે જે જોવાનો એક લ્હાવો છે.મંદિરના પ્રાંગણમાં પાલખી મૂકી માતાજીની સ્થાપના કરે છે.આમ અલગ અલગ દિવસે નવદુર્ગાના નવ સ્વરૂપને બેસાડવામાં આવે છે.આરતી કરીને આ પાલખી આખા મંદિરમાં ફેરવવામાં આવે છે.ઢોલ નગારા અને નૃત્ય સાથે આ વિધી કરે છે.નવરાત્રીમા માતાજી જાગૃત અવસ્થામાં હોય છે એવી શ્રદ્ધા સાથે દસ માતૃકા પૂજન કરવામાં આવે છે.

શાંતાદુર્ગા,આર્ય દુર્ગા,મહાલ્સા, કાત્યાયની,મહામાયા, કામાક્ષી, વિજય દુર્ગા,ભૂમિકા, મહાલક્ષ્મી અને નવદુર્ગા આ દસ માતૃકા પૂજનનો મહિમા નવરાત્રિ દરમિયાન હોય છે.માતાજીની મૂર્તિઓને પૂજા માટે બહાર લાવવામાં આવે છે.મૂર્તીઓના શણગાર આકર્ષક હોય છે.કોલ પ્રસાદ આરોગવાની ભક્તો રાસ જોતા હોય છે જે શિવ અને શક્તિને અર્પણ થાય છે.માતાજીના આયુધોની પૂજા કરવાનું મહત્વ છે.આ દરેક કાર્યમાં મહિલાઓનો ફાળો અધિક રહે છે.
અમુક સ્થળોએ ભરવાડકોમનો સમુદાય ધનગર નૃત્ય કરે છે.સફેદ વસ્ત્ર અને પાઘડી પહેરીને આ નૃત્ય દશેરાને દિવસે ધનગર નૃત્ય ઢોલ નગારા, વાંસળી જેવા લોક વાદ્ય વગાડી ધીમે ધીમે પગલાને તાલ આપવામાં આવે છે.

ગુજરાતી પ્રજા દર વર્ષે નવરાત્રીની રાહ જોતી હોય છે.નવરાત્રી ગુજરાતનો માનીતો તહેવાર છે.મહીનાઓ અગાઉ નવરાત્રિની તૈયારી થાય છે વિદેશથી વસતા લોકો ખાસ નવરાત્રિ ઉત્સવ મનાવવા આવે છે.પ્રથમ દિવસે સ્ત્રીઓ ગરબાની સ્થાપના કરે છે.છિદ્રો વાળા માટીના રંગબેરંગી સજાવટ કરેલા ઘટને ઘરમાં પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે.ઘટમા ધાન અને સીક્કા મૂકીને દીવો દસ સુધી પ્રગટાવે છે.આ ગરબો વિશ્વનું પ્રતિક છે.ગર્ભદીપ આસપાસ તાળીઓના તાલે ફરીને ગરબા ગાવામાં આવે છે.ગરબા નૃત્ય લોક સંસ્કૃતિ છે.પ્રાચીન કાળમાં ગરબો માથે મૂકીને નારીઓ ઘેર ઘેર જઈને ગરબામાં તેલ પૂરાવતી.ઘરના સભ્યો આંગણામાં આવીને ગરબા ગાવાનું કહેતા.ગરબાના દીવામાં તેલ પૂરી સાથે નાની નાની ભેટ પણ આપતા.મોટેભાગે નાની બાળાઓ ગરબો માથે મૂકીને ફરતી.દશેરાને દિવસે ગરબાનું વિસર્જન ધામધુમથી કરવામાં આવે છે.
ગરબા એટલે પગની ઠેસ અને તાળીઓને તાલે વર્તુળાકારે ઘુમીને માતાજીની આરાધના કરાતું નૃત્ય.
ગુજરાતના માતાજીના ગરબા, દાંડીયા રાસ આજે બીન ગુજરાતીઓમાં પણ માનીતા છે.ગરબા અને ગરબી સમૂહમાં પગના તાલે અને તાલીઓ સાથે કરાય છે.પુરૂષો ગરબી ગાય છે અને સ્ત્રીઓ ગરબા ગાય છે.ગરબીમા માત્ર ગાયન જ હોય છે.સાર્વજનિક સ્થળોએ રાત્રે ગરબા દાંડીયા રાસનુ આયોજન થાય છે.સ્થાનના મધ્યભાગમાં માતાજીની છબી સમક્ષ માટીનો ગરબો મૂકવામાં આવે છે.દીવો પ્રગટાવી આરતી સ્તુતિ કરી વર્તુળાકારે ફરીને ગરબા નૃત્ય ગાયન સાથે કરવાનો અનેરો આનંદ આપે છે.
સ્ત્રીઓ પણ પુરૂષોની જેમ એક સામાન્ય મનુષ્ય છે.પણ નારીના સ્વરૂપને પૂજનીય માનવામાં આવ્યું છે.દેવોને મહિષાસુરનો વધ કરવા દુર્ગા શક્તિના શરણે જવું પડ્યું હતું.નારીના વ્યક્તિત્વમાં રહેલી અસીમ શક્તિ આદર્શ સૃષ્ટિનું સર્જન કરી શકે છે.
અન્નપૂર્ણા, લક્ષ્મી અને સરસ્વતી સ્વરૂપા દરેક સ્ત્રી સશક્ત જ હોય છે.પ્રકૃતિ અને પુરુષનો વિષય આપણને સાંખ્ય દર્શનમાં જાણવા મળે છે.આ વિશ્વ પ્રકૃતિની દેન છે.ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી શક્તિ સ્વરૂપા છે એમ પ્રાચીન કાળથી માનવામાં આવે છે.પોતાની અંદર રહેલી દુર્ગા શક્તિ સ્ત્રીએ જાતે જ ઓળખવાની છે.ચેતના અને નિર્ણાયક શક્તિ એ જ સ્ત્રીનું સશક્તિકરણ છે.