વૈદિક ઋચાઓ પ્રમાણે પરમાત્માને શિવ,શંભુ અને શંકર નામથી નમન કરાયું છે.શિવનો અર્થ કલ્યાણકારી.શંભુ એટલે મંગળદાયક અને શંકર એટલે આનંદનો સ્ત્રોત.ભગવાન શિવ દેવોના દેવ છે.પણ રૂદ્ર રૂપે નથી.ભગવાન શિવની ઈચ્છાથી રજોગુણ રૂપે બ્રહ્મા, સત્વગુણ રૂપે વિષ્ણુ અને તમોગુણ રૂપે રૂદ્ર પ્રકટ થયા છે.આ ત્રણે સદાશિવની અભિવ્યક્તિ છે.
ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદમાં ભગવાન શિવજીના પાંચ સ્વરૂપનું વર્ણન છે.જે શિવજીના પાંચ મુખ છે.

શિવપુરાણમાં પાંચ સ્વરૂપનું ધ્યાન કરવાનું કહ્યું છે.આ પાંચ મુખ છે ઇશાન, તત્પુરૂષ,અઘોર,વામદેવ ,સદ્યોજાત.
ભગવાન શિવજી પંચવક્ત્ર કહેવાય છે કારણ કે પાંચ મુખ દ્રારા પાંચ રીતે વેદોનું ઉચ્ચારણ કરે છે.વિધી,મંત્ર, ઉચ્ચારણ,નિષેધ અને અર્થવાદ.આધ્યાત્મ અનુસાર ભગવાન શિવજી પાંચ ઇન્દ્રિયોના વિષયોનું પાન કરે છે.કહેવાય છે કે હૃદયમાં પાંચ દ્વારા હોય છે જે શિવજીના પાંચ મુખનું સૂચન કરે છે.ઓમકાર અને નમઃ શિવાય પંચ વકત્ર મહાદેવે પ્રગટ કર્યા છે.
જીવો તરફનું સૂચન શિવ પંચ વકત્ર છે.જીવો પંચેન્દ્રિયનો વિષય આનંદ ભોગવે છે.અવિદ્યાના કારણે જીવ અને શિવ વચ્ચે ભેદ છે.શિવજી હ્રદયની મધ્યમાં બિરાજે છે.હ્રદયના પાંચ દ્વાર પંચ વકત્ર છે.પંચ વક્ત્રની આરાધના કરી જીવાત્મા શિવમય થાય છે.
પુરાણો અનુસાર શિવજીએ તિલોત્તમા નામની અપ્સરાને જોવા પાંચ મુખ પ્રગટ કર્યા હતાં.બ્રહ્માજીની વિનંતીથી વિશ્વકર્માજીએ તિલોત્તમાને દિવ્ય શક્તિથી ઉત્પન્ન કરી હતી.સુન્દ અને ઉપસુન્દ નામના બે અસુરોનો નાશ કરવા માટે.આ બંને અસુરો નિકુંભના પુત્રો હતા.તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી બંને એકબીજાને મારે તો જ નાશ થાય એવું વરદાન મળ્યું હતું.સ્વર્ગ જીતીને ઋષિમુનિઓને ત્રાસ આપતા હતાં.વિશ્વાકર્માજીએ સ્વર્ગ, પૃથ્વી આને પાતાળમાંથી તલ તલ સમાહિત કરી સુંદરતા મેળવી અપ્સરા તિલોત્તમાને ઉત્પન્ન કરી.તલ તલ કરીને અપ્સરા પ્રગટ કરી એટલે તિલોત્તમા કહેવાય છે.
વિન્ધય પર્વત પર મદીરાપાન કરી રહેલા બંને આસુર ભાઇઓ આપસમાં તિલોત્તમા માટે યુદ્ધ કરવા લાગ્યા અને એકબીજાનો નાશ કર્યો.દેવતાઓ ખૂશ થયા.બ્રહ્માજીએ તિલોત્તમાને વરદાન આપ્યું કે સૃષ્ટિમાં જ્યાં વિચરણ કરવું હોય કરી શકે અને કોઇ પણ તિલોત્તમાને એના સૌંદર્યની આભા નિહાળી વધુ સમય એને નિરખી નહીં શકે.
અપ્સરા તિલોત્તમા કૈલાશ પર્વત પર ભગવાન શિવજીને આકર્ષિત કરવા શિવજીની આસપાસ નૃત્ય કરવા લાગી.શિવજીએ પાંચ મુખ પ્રગટ કર્યા.૪ પ્રત્યક્ષ અને ૧ અપ્રત્યક્ષ.પૂર્વ તરફ મુખ સર્વોચ્ચ સત્તા પ્રકટ કરવા, ઉત્તર મુખ માતા પાર્વતી તરફ ક્રીડા કરવા, પશ્ચિમ મુખ આનંદ પ્રકટ કરવા, દક્ષિણ મુખી સંહારનું પ્રતિક અને પાંચમું મુખ તિલોત્તમાને બોધ આપવા.ભગવાન શિવજીના પાંચ મુખને પ્રકટ કરવાનું કારણ તિલોત્તમાની ભક્તિ હતી.
દાર્શનિક માન્યતા પ્રમાણે બ્રહ્માંડ પંચતત્વોથી બન્યું છે.જળ, પૃથ્વી,અગ્નિ,વાયુ અને આકાશ.ભગવાન શિવજી પંચનાથ એટલે પંચમુખી કહેવાય છે. શિવ લિંગ સંપૂર્ણ ચેતના સ્વરૂપ છે.સર્વ સ્વરૂપોની પર છે.શિવજીને પાંચ સ્વરૂપે પૂજવામાં આવે છે જે પંચ બ્રહ્મ મંત્ર કહેવાય છે.આ દર્શાવા મંદીરમાં શિવલિંગ ઉપર ચાર મુખ મુકવામાં આવે છે.પંચમ મુખ ઇશાન સ્વરૂપ ચાર મુખની ઉપર હોય છે .પણ મોટે ભાગે દર્શાવામાં નથી આવતું..અમુક મંદિરમાં શિવલિંગમાં જ મુખની આકૃતિ કંડારવામાં આવી હોય છે.પંચમ મુખ ઉપરની તરફ શુદ્ધ પારદર્શી હોય છે.તત્તપુરૂષ પૂર્વ તરફ અને સોનેરી રંગનુ હોય છે.અઘોર મુખ દક્ષિણ તરફ આને નીલા રંગનું હોય છે.વામદેવ મુખ ઉત્તર તરફ અને કેસરી રંગનું હોય છે.સદ્યોજાત મુખ પશ્ચિમ તરફ અને સફેદ રંગનું હોય છે.
પંચ બ્રહ્મ મંત્ર શિવજીના પાંચ કાર્યનું પ્રતિનિધિત્વ કરે છે. નિર્માણ,જીવિકા, વિઘટન, અનુગ્રહ છુપાવવો અને અનુગ્રહ પ્રગટ કરવો્. શિવજીના પાંચ સ્વરૂપ પવિત્ર પંચકોશીય મંત્ર ન_મહ_શિ_વા_ય ના પાંચ અક્ષરને અનુરૂપ છે.
સદ્યોજાતં મંત્ર
સદ્યોજાતં પ્રપધ્યામિ સદ્યોજાતાય વૈ નમો નમઃ|
ભવે ભવે નાતિ ભવે મનસ્વી માં ભવોદ્રવાય નમઃ||
૧ સદ્યોજાત. સદ્યોજાત મનોમય કોશ સાથે જોડાયેલ છે.આત્માનુ આવરણ મન છે .ઇચ્છાશક્તિનુ પ્રતિનિધિત્વ કરે છે. આ સ્વરૂપ શ્વેત વર્ણ .બાળક સમાન પરમ શુદ્ધ અને નિર્વિકાર સ્વરૂપ છે.જ્ઞાનમૂર્તી જે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી વિશુદ્ધ જ્ઞાનનો પ્રકાશ કરે છે. સદ્યોજાત એટલે જન્મ ધારણ કર્યો છે. અસંખ્ય આત્માઓના માધ્યમથી શિવજી પોતાની ઉપસ્થિતિનો આભાસ કરાવે છે દરેક જીવનું અસ્તિત્વ જીવના જન્મ સાથે થાય છે..સૌ પ્રથમ શિવજીના સદ્યોજાત સ્વરૂપની પ્રાર્થના કરવામાં આવે છે.આ સ્વરૂપ અગ્નિ તત્વ અને અહંકારના સ્વરૂપનુ વર્ણન કરે છે.સદ્યોજાત પશ્ચિમ મુખી છે.પશ્ચિમ એટલે પ્રત્યક્ષ. બ્રહ્માજીએ પરમ બ્રહ્મનું ધ્યાન કર્યું ત્યારે ભગવાન શિવજી સદ્યોજાત અવતાર રૂપે અવતરિત થયા.બ્રહ્માજીએ નમન કરી સર્વોચ્ચ દેવતાની આરાધના કરી.ભગવાન શિવજીએ બ્રહ્માજીને જ્ઞાન અને રચનાત્મક શક્તિ પ્રદાન કરી.પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘શિ’ છે.આ મુખ રચનાત્મક શક્તિ રૂપે શિવજીનું કાર્ય છે અને મણિપુર ચક્ર સાથે જોડાયેલ છે.યજુર્વેદમાથી પ્રગટ,૩૫ અક્ષર,આઠ કળાઓ શ્વેત વર્ણ વાળો,શાંતિકારક પવિત્ર સદ્યોજાત મંત્ર છે.
૨ વામદેવ.વામદેવ ઉત્તર મુખી છે.કૃષ્ણ વર્ણ છે. વાયુ તત્વ અને મનનું પ્રતિનિધિત્વ કરે છે.ઉત્તરમુખી શિવજીને વામદેવ રૂપે પૂજાય છે.વિપત્તિ કાળમાં રૂદ્ર રૂપ છે.સૃષ્ટિના કાળ છે.પંચ વિકારોનો નાશ કરે છે.પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘વા”છે.
વામદેવાયનમો જ્યેષ્ઠાય નમઃ શ્રેષ્ઠાય
નમો રુદ્રાય નમઃ કાલાય નમઃ |
કલવિકરણાય નમો બલાય નમો
બલવિકરણાય નમો બલપ્રમધનાય નમઃ |
સર્વભૂતદમનાય નમો મનોન્મનાય નમઃ ||
શિવજીનું આ સ્વરૂપ શક્તિ, સુંદરતા અને દેવી તારા સાથે જોડાયેલું છે.વામદેવ વિજ્ઞાનમય કોશ સાથે જોડાયેલ છે.ચિત્ત રૂપે છે.એવુ માનવામાં આવે છે કે વામદેવનો મંત્ર ઉપચારાત્મક કાર્ય કરે છે.શિવજીની સંરક્ષક ઉર્જા છે.અનાહત ચક્ર અને વાયુ તત્વ સાથે જોડાયેલી છે.૬૬અક્ષરનો મંત્ર સામવેદમાંથી ઉત્પન્ન થયો છે.
૩ અઘોર.અઘોર સ્વરૂપ દક્ષિણ મુખી છે.દક્ષિણામૂર્તિ પણ કહેવાય છે.નીલવર્ણ છે.જળ તત્વ છે.અઘોર શિવજીની સંહારકારી શક્તિ છે.ભક્તોના સંકટ સંહારે છે.
અધોરભ્યોડઘ ઘોરેભ્યો અઘોરરેતરેભ્ય:|
સર્વત: સર્વ: સર્વેભ્યો નમસ્તે રુદ્ર રુપેભ્ય: ||
અઘોર સ્વરૂપની આરાધના કરનારા અઘોરી કહેવાય છે.સંસારમા જે અશુભ છે એને ધારણ કરે છે કારણ કે શિવમાં વિદ્યમાન છે.સ્મશાનમા રહી કઠણ તપસ્યા કરે છે. પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘મા’ છે.શિવજીનુ અઘોર સ્વરૂપ પ્રાણમય કોષ અને સ્વાધિષ્ઠાન ચક્ર સાથે જોડાયેલ છે.અર્થવેદથી પ્રગટ થયેલો અને ૩૩ અક્ષરનો મંત્ર છે.
તત્પુરૂષ મંત્ર
ૐ તત્પુરૂષાય વિદ્મહે મહાદેવય ધીમહી
તન્નો રૂદ્ર: પ્રચોયાત્
૪ તત્પુરૂષ આ સ્વરૂપ પૂર્વ મુખી છે.પીત વર્ણ છે.પૃથ્વી તત્વના અધિપતિ છે.તપોમૂર્તિ છે તત્ એટલે પરમાત્મા. સગૂણ પરબ્રહ્મ સ્વરૂપ. પરમશિવનુ આ સ્વરૂપ ધ્યાનમાં છે એવું છે અને જગતને આશીર્વાદ આપે છે.
ગાયત્રીમાથી પ્રગટ થયેલો ૨૪ અક્ષરોનો તત્પુરૂષ મંત્ર છે.
પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘ન’ છે. તત્પુરૂષ મંત્ર રુદ્ર ગાયત્રી મંત્ર છે.ભૌતિક અસ્તિત્વની પાછળ સર્વોચ્ચ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે.આનંદની શક્તિ વ્યક્ત કરે છે.શિવજીની આ ગુપ્ત શક્તિ છે.અન્નમય કોષ સાથે છે.આ સ્વરૂપ મૂળાધાર ચક્ર સાથે જોડાયેલ છે જે એકાગ્રતા મેળવવાની કૃપા કરે છે.
ઇશાન મંત્ર
ઇશાન સર્વવિદ્યાનામીશ્વર :સર્વ ભૂતાન્ન બ્રહ્માદિપતિ
બ્રહ્માણોડધિપતિર્|
બ્રહ્મા શિવો મે અસ્તુ સ એવ સદાશિવ ઓમ્||
૫ ઇશાન.ઇશાન સ્વરૂપ દુગ્ધ વર્ણ અને આકાશમુખી સ્વરૂપ છે.સમગ્ર ચૌદ લોકના સ્વામી અને નિયંત્રણ કરનારા.આ મુખ આકાશ તરફ છે.અન્ય ચાર મુખની ઉપર ચારે દીશાઓને નિયંત્રિત કરે છે.સૃજન, સંતુલન,વિનાશ, નિયંત્રણ અને અરાજકતાની ઉર્જાનુ પ્રતિનિધિત્વ કરે છે.પંચમુખી મહાદેવની ક્રીડા મૂર્તિ છે. પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘ય’ છે. વિશુદ્ધ ચક્ર સાથે જોડાયેલ છે.આ સ્વરૂપ શિવજીની સંપૂર્ણ ઊર્જામય છે.
ઓમકારથી પ્રગટ થયેલો ૩૮ અક્ષરોનો ઇશાન મંત્ર છે.
ભગવાન શિવજી કરૂણાસિંધુ , ભક્ત વત્સલ છે જે ભક્તની ભાવનાને વશીભૂત થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે શિવજીની આરાધના કરતાં પહેલાં શિવજી સમાન ત્યાગી, પરોપકારી,સંયમી, સહિષ્ણુ આને આનંદમય થવાનું છે.શિવજી ધર્મવૃષને વાહન કરે છે .વિવેક, વૈરાગ્ય,શમ અને મુમુક્ષા ધર્મના ચાર ચરણ છે.શિવજી ધર્મના અધિપતિ છે.
શિવજીની આરાધનામાં જટીલતા નથી પણ ભાવનાની પ્રધાનતા છે.આશુતોષ શિવજીએ હળાહળ વિષ ધારણ કરી દેવતાઓ અને સૃષ્ટિની રક્ષા કરી નીલકંઠ કહેવાયા એમ ભક્તો પણ કર્તવ્યોનું પાલન કરી શિવજીની આરાધના કરે.
શિવ તત્વ જીવનમાં ઉતારી શિવતત્વ પ્રાપ્ત કરવાનું છે.એ જ શિવજીની પંચમુખી આરાધના છે.