ભારતીય પ્રજા ફરી પોતાની સભ્યતા અપનાવી લેશે.

નમસ્તે

આજે દુનિયામાં કોરોના વાયરસની જ ચર્ચા ચાલી રહી છે.જગત એક એવી બિમારીથી ઘેરાયેલું છે કે એના સકંજામાંથી બહાર કેમ બહાર નીકળી શકાય એની અથાગ શોધખોળ થાય છે.જનસમાજ ઘર બહાર નીકળી નથી શકતો જે પ્રાથમિક પગલાં છે.પણ આજ એક માત્ર ઉપાય નથી.આપણે આપણી જીવનશૈલીમાં પણ બદલાવ કરવાની જરૂર છે.આજે દુનિયામાં ભારતીય જીવનશૈલીની ચર્ચા થઇ રહી છે.ભારતની સંપન્ન સંસ્કૃતિએ હંમેશા સુંદર આદર્શોને પ્રદર્શિત કર્યા છે.આપણી સભ્યતાએ જીવન જીવવાની રીત બતાવી છે એ કોઈ થોપવામા આવેલું અનુશાસન નથી.પણ ક્યારેય એવું જોવામાં આવે છે કે ભારતીય રીતભાતની મજાક કરવામાં આવે છે.અંધશ્રધા માનીને અવગણના થાય છે.

વૈશ્વિક યાત્રાઓને કારણે આવી બિમારીઓનો ભય વધવા લાગ્યો છે.અન્ય દેશોની યાત્રાઓ કરીને આપણે ત્યાંની સંસ્કૃતિ પણ અપનાવતા થયા છે.કોઇ પણ સંસ્કૃતિ નુકસાનકારક નથી હોતી પણ દરેક દેશોની આબોહવા અલગ અલગ હોય છે.રહેણી કરણી અને ખાનપાન અલગ અલગ હોય છ..આજે ફરી એ જ સમય આવ્યો છે ત્યારે ભારતીય સમાજની સભ્યતાને અપનાવવાની જરૂર છે કોરોના વાયરસના ચેપથી આપણે સુરક્ષિત રહીએ અને આપણી આસપાસના સમાજને સુરક્ષિત કરીએ.

આજે આપણે સમજી ગયા છે કે પ્રકૃતિને દુષિત કરીને આપણે જ ભોગવવાનું આવ્યું છે.આ કોરોના કાળમાં પ્રકૃતિ નિર્મળ થઇ ગયી છે અને આપણે રોગથી ભયભીત.ફક્ત ઘરનું આંગણું જ નહીં પણ શહેર સ્વચ્છ રાખવાની આપણી સામાજિક જવાબદારી છે.

દેશી દવાઓની કિંમત ભારતીય પ્રજાને સમજાવા લાગી છે.ઘરે બેસીને પણ શાંત હ્રદયથી ઘરમંદિરમા પૂજા પાઠ કરી શકાય છે.ભગવાને સાચા હ્રદયથી રોજ પ્રાર્થના કરવી આપણા માનસિક સ્વાસ્થ્ય માટે જરૂરી છે.હોટેલ રેસ્ટોરાંમાં જ જઈને,અંદર બેસવા માટે બહાર લાઇનમાં ઉભા રહીને, ખવાની મજા માણી શકાય એવું નથી.ઘરે પણ પરિવાર સાથે આનંદ માણી શકાય.ઘોઘાટથી મુક્ત રહીને,અંદર બેસવા માટે આપણો નંબર નોંધાવ્યા વગર.સ્વાસથ્ય સારું રાખવા સાત્વિક આહાર જરૂરી છે.

આપણી પાસે સગવડો મેળવવા સો વિકલ્પ રહેતા,આજે મર્યાદિત વિકલ્પોમાં કેમ સગવડ કરાય

એ સમજાય ગયું છે.આપણી જીવન જરૂરિયાતની વસ્તુઓ કરતાં અન્ય સુવિધાઓ પાછળ નાણાંનો વ્યય થતો હતો.

પહેલું સુખ તે જાતે નર્યા.

એક વાર પાછળ ફરીને જોવાની જરૂર છે.ભારતીય પ્રજા ફરી પોતાની સભ્યતા અપનાવી શકશે.

દરેક સમાજે પોતાના વિકાસ માટે કેટલાક ધ્યેય કર્યા જ હોય છે . તેમાં સ્વચ્છતાનું ધ્યેય દરેક સમાજ કે દેશનું હોય જ છે.જે સમાજની સભ્યતા સાથે જોડાઇ જાય છે.ભારતીય સભ્યતા અને સંસ્કૃતિની ઘણી બધી પ્રણાલીઓને અંધશ્રદ્ધા સાથે જોડી દેવામાં આવી છે.પણ ભારતીય સંસ્કૃતિમાં માનવ કલ્યાણ માટે જે રીતો વિકસાવવામાં આવી છે તેમાં વિજ્ઞાન પદ્ધતિઓ નો સહારો લીધો છે.જે અન્ય કોઇ સંસ્કૃતિમાં જોવા નહીં મળે.સંસ્કૃતિ એટલે સંસ્કારોનું સિંચન.જીવન જીવવાની સભ્યતા.

મનુષ્યના આચાર વિચાર,રહેણી કરણી, ખાનપાન એની સભ્યતાની ઓળખ છે.આવી ઘણી સભ્યતા ઓને આપણે ભૂલી ગયા છે જે હવે ફરી અપનાવવાનો વખત આવી ગયો છે.

કહેવાય છે ધરતીનો છોડો ઘર.ઘરથી જ બદલાવ શરૂ કરીએ.

આપણા ભારતીય ઘરોમાં પ્રવેશ દ્વાર પાસે આંગણમાં પગ ધોવાની વ્યવસ્થા રહેતી જ.ઘરના સભ્યો હાથ-પગ ધોઈને જ ઘરમાં અંદર પ્રવેશ કરતાં.

આવનારા મહેમાનોને પણ હાથ-પગ સ્વચ્છ કરવા પાણી અપાતું.પગરખા ઘરની બહાર જ રાખતા.આપણા પગ અને પગરખામા અસંખ્ય જીવાણુઓ આપણી સાથે ઘરમાં પ્રવેશ કરે છે.ઘરના સભ્યો પણ જીવાણુઓના સંસર્ગમાં આવે છે.આજે ઘરો નાના થતાં જાય છે.નાના શહેરમાં હજી આવી સગવડ જોવા મળે છે.સોસાયટીના ફ્લેટમાં તો આવી સગવડ શક્ય જ નથી.છતા આપણે તકેદારી રાખીને પગરખાં બહાર ઉતારીને કે ઘરમાં ઉતારવા પડે તો કોઈ એક ચોક્કસ જગ્યાએ ઉતારીને ઘરમાં પ્રવેશ કરતા સાથે બાથરૂમમાં જઈને હાથ પગ સ્વચ્છ કરીએ તો જીવાણુ મુક્ત થઇ શકીએ.આજે સોસાયટીમાં હેન્ડ સેનીટાયઝરની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે જે ભારતીય પરંપરા સમાન જ છે.

કોઈનાં અવસાન નિમિત્તે સ્મશાનમાં જવાનું થાય તો ઘરમાં પ્રવેશીને તરત જ આપણે સ્નાન કરવું ભારતીય ઘરોમાં જરૂરી છે.ઘરમા ક્યાંય હાથ લગાડતા નથી.સ્નાન કરીને પહેરવાના વસ્ત્રો પણ ઘરના અન્ય સભ્યો જે સ્મશાનમાં ગયા નથી હોતા એ મૂકી આપે છે.આને આભડછેટ કે સૂતક કહેવાય છે.પણ આ કોઇ અંધશ્રદ્ધા નથી.

લોકો આ પ્રથા ધીરે ધીરે પડતી મૂકવા લાગ્યા છે.સ્મશાનમાથી સીધા કામકાજના સ્થળે જવું કે ખાવાપીવા માટે હોટલમાં ચાલ્યા જવું.ફરી હવે જૂની સભ્યતા અપનાવી આવશ્યક છે.આ રીતરિવાજ આપણી સ્વચ્છતા માટે જ છે.એની પાછળ વૈજ્ઞાનિક કારણો છે.મૃત શરીરમાં અસંખ્ય જીવાણુ પ્રવેશ કરે છે કારણ કે મૃત શરીરમા રોગ પ્રતિકારક શક્તિ નાશ પામે છે.શરીરમા જીવાણુઓ ટકી રહેવા સક્ષમ બને છે.મૃતકના અગ્નિસંસ્કારની વિધિમાં સામેલ થયેલા લોકમાં પણ આ જીવાણુઓ કપડાં અને શરીર વાટે પ્રવેશ કરે છે.આસપાસ ફેલાઈ જાય છે.તરત જ સ્નાન કરવાથી આપણી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે.ફરી આચરણમાં મૂકવાની જરૂર છે.

નમસ્તે કે નમસ્કાર.નમ એટલે નમન,સ એટલે હું અને સ્તે એટલે તમે. હું તમારી અંદર ભગવાનને નમન કરું છું.

સગાંસંબંધીઓ અને પરિચિત વ્યક્તિઓ મળે કે ઘરે આવે ત્યારે આપણે બે હાથ જોડી આવકાર આપતાં.આ ભૂલીને હાથ મીલાવા, ભેટવુ,hug કરવુ તો જાણે સામાન્ય થવા લાગ્યું.જે આવી etiquette ના રાખે એ ગામડીયા.પશ્ચિમની દેખાદેખીમાં આપણે ભાન ભૂલ્યા.હવે આજે આવા વિડીયો વાયરલ થવા લાગ્યા છે કે હાથ જોડીને અભિવાદન કરવું જ સુરક્ષિત છે. પાશ્ચત્ય દેશોએ આ સભ્યતા સરળતાથી અપનાવી લીધી છે.માસ્ક પહેરી અને નમસ્તે કરીને ‘zero bacteria’નુ વાતાવરણ નિર્માણ થાય છે જે પાશ્ચાત્ય દેશોનું કહેવું છે.

વ્યાયામ,યોગ અને ધ્યાન જેવી દૈનિક ક્રિયાઓ આપણે સમય નથી મળતો કહીને ટાળી દેવામાં આવે છે.પણ સાથે આધુનિક જીમમાં જવું જરૂરી માનીએ છે.પશ્ચિમનની પ્રજા ભારત આવીને યોગ, ધ્યાન આસન શીખવા લાગ્યા અને આપણે disco pubમા જવા લાગ્યા.જીમની મોંઘી દાટ membership લેવા તૈયાર પણ ઘરના કામ બીજાને સોંપવા.કામવાળા રાખવા.આજે સાવરણી હાથમાં લેવાથી status down થાય છે પણ જીમમાં જઇને ઉઠક બેઠક કરવું status ગણાય છે.જીમમા અનેક લોકો એક સાથે વ્યાયામ કરે છે.જે આજના કોરોના કાળમાં ઉચિત નથી.ધરે જ રહીને દૈનિક કાર્યોમાં વ્યાયામને સામેલ કરવું સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે.ધ્યાન આને યોગ મગજનો આહાર છે.ઘરમા શાંત વાતાવરણ રાખીને ધ્યાન કરી શકાય.

રોજીંદા કામકાજમાં ઘરોના સભ્યો અનુશાસન રાખે તો બહારની વ્યક્તિઓની મદદ ન લેવી પડે.

 

wp-1587975619143164875185272725413.jpg

ભારતીય વાનગીઓ હંમેશા વિવિધ મસાલાથી મધમધતી હોય છે.આહાર દ્વારા લેવાતા આ મસાલા રોગપ્રતિકારક શક્તિ વધારે છે.શક્તિ વર્ધક છે જેથી જીવાણુઓથી રક્ષણ કરે છે.ભારતીય પરંપરાગ અનુસાર ઘરનાં રસોડામાં રસોઇ બંને તો સ્વાસ્થ્ય સારું જ રહેશે.અજમો હળદર જેવા ગુણકારી તત્વો વાયરલ બિમારીથી રક્ષણ કરે છે.પહેલા બિમારીની શરુઆતમાં ઘરના ઉપચાર કરવાની સાથે દવાઓ લેવાતી.ઓસડીયા આને ઉકાળો ઘરમાં હાજર હોય એ વસ્તુઓથી બનાવી લેવાતી.પણ બધું વિસરાઈ ગયું.આપણા મરી મસાલાને super food કહેવાયા ત્યારે આપણી આંખ ઉઘડી.

આપણી રસોઈમાં વપરાતી ચપટી હળદર મુખ્ય મસાલો છે.આ સિવાયના દરેક મસાલા આહારમાં ઉમેરી વૈજ્ઞાનિક ભોજન બનાવાય છે.યુ ટ્યુબ પર હવે હળદરવાળા દૂધની રીત જોવા મળે છે.પશ્ચિમની પ્રજા હળદરનો ઉપયોગ કરવામાં અજાણ હતી એ જ પ્રજા આજે હળદરના ગુણગાન ગાય છે.ઘરના આંગણામાં તુલસી ક્યારો હોવો જ જોઈએ એવું આપણી દાદી નાનીઓ આગ્રહ રાખતી.સવાર સાંજ દીવો મૂકવો,ફેરા ફરવા એ કાંઇ શોખ નહોતો.ફેરા ફરવાથી તુલસીના છોડમાંથી નીકળતી રોગ પ્રતિકારક શક્તિ મેળવાતી.તુલસીના પાનનું સેવન કરવાનું હવે બધા સમજવા લાગ્યા છે.green teaમા તુલસીની green teaની વધુ માંગ છે.દાદી_નાનીના ઘરગથ્થુ ઉપચાર ફરી limelight થવા લાગ્યા છે.

જળ જીવનનો આધાર છે.શરીરને સ્વચ્છ જળની જરૂર હોય છે.ગ્લાસથી જળ પીવું સરળ છે પણ આપણા હાથમાં ચોંટેલા જીવાણુ અને આપણા મુખમાં રહેલી લાળ ગ્લાસને દુષિત કરે છે.અન્ય વ્યક્તિઓ માટે કે આપણે પોતે પણ બીજાનો વાપરેલો ગ્લાસ પાણી પીવા માટે હિતાવહ નથી.હંમેશા ગ્લાસ મુખથી અધ્ધર રાખી જળ પીવાની આદત રાખવી.આ આદત કેળવવી અઘરી છે પણ ભારતીયો આ કરી શકે છે.હજી પણ ઘણા ઘરોમાં આમ જોવા મળે છે.બાળકોને નાનપણથી શીખવવામાં આવે છે.જમતા પહેલાં હાથ ધોવાનું ભારતીય ઘરોમાં અનિવાર્ય છે.બહેનો ઘરના દરેક કાર્યો કરતા કરતા હાથ ધોઇને સ્વચ્છ રાખવાની આદત રાખે છે.tissue paperનો ત્યાગ કરવો.

ગામડાઓમા પરબમાં મળતા પાણીને પીવા માટે પહેલાં હાથ ધોઇ સ્વચ્છ કરી, ખોબામાં પાણી ભરીને પીવાય છે.આ રીત સ્વચ્છતા રાખવાનું ઉદાહરણ પૂરું પાડે છે.

તાંબાના અને માટીના માટલામાંથી પાણી પીવાની પરંપરા આજે પણ ઘણા લોકો અપનાવી રહ્યા છે.આ પાણીમાં anti inflammatory ગુણ બને છે.જે શરીરને રોગથી બચાવે છે.રાત્રે તાંબાના લોટામાં પાણી ભરી સવારે ઉઠીને પીવાની રીત ઘણા લોકો અપનાવતા થયા છે.

પરંપરાગત માટીના માટલાનું પાણી ક્યારેય એકદમ ઠંડુ નથી હોતું.રુમના તાપમાનથી ત્રણ ચાર ડીગ્રી જ ઘટે છે.એટલે નુકસાનકારક નથી હોતું.ફ્રીઝનુ પાણી એકદમ ઠંડુ થાય છે. આ પાણી પેટમાં જાય પછી ગરમ થવા લાગે છે જેનાથી શરીરમાં રહેલી ઉર્જા વધુ વપરાય છે.આનાથી આખા શરીરમાં ફેરફાર થાય છે.ઉર્જા તો જીવન છે.ઉર્જા શક્તિ વેડફાય છે.જે અનેક બિમારીઓને નોતરે છે.

ભારત મંદિરોનો દેશ તો છે જ ભારતની પ્રજા ઘરમંદિર પણ એટલા જ સરસ સજાવે છે.ઘરમા મંદિર તો હોવું જ જોઇએ સાથે સવાર સાંજ આરતી,ધીના દીવા ધૂપબત્તી કરવાના જ.કપૂરનો ધૂપ ચેપી રોગો સામે રક્ષણ આપે છે.ઘીના દીવાથી ઉત્તપન્ન થતો ઓઝોન વાયુ બેક્ટેરિયાનો નાશ કરેછે. યજ્ઞો આને યજ્ઞોમાં થતી આહુતિની સામગ્રીથી વાતાવરણને શુદ્ધ રખાતું.

રોજ સવાર સાંજ થતી પ્રાર્થના માનસિક શાંતિ આપે છે.ડોક્ટર એ.પી.જે અબ્દુલ કલામના વાક્યો,”બ્રહ્માંડ માં કોઈ એવી શક્તિ છે જે સતત આપણને ઉર્જા પૂરી પાડે છે.અને તે વિજ્ઞાનથી પરે છે.”

આપણી આસપાસના મંદિરમાં જઈને social distanceની આદત કેળવી જરૂરી છે.સાથે સાથે મંદિરનું વાતાવરણ શુદ્ધ અને સાત્વિક રહે એની તકેદારી રાખવાની ફરજ છે.

આજનો આધુનિક માનવી શ્રદ્ધાથી વિમુખ થતો જાય છે.આપણી ભારતીય પરંપરાઓ અને સભ્યતા અનેક ગુઢ વિજ્ઞાન સાથે જોડાયેલી છે.જે આપણા ઋષિમુનિઓએ સહજ રીતે જીવનમાં જોડી દીધી છે.આપણને ખ્યાલ પણ નથી હોતો કે જે સભ્યતાનું પાલન કરીએ છે તેની પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે.

Handshakeથી નમસ્કાર અને આહારમાં શાકાહાર તરફ પગલાં ભરીએ.

 

 

 

 

 

અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા

મહાકાવ્ય રામાયણમાં પરમેશ્વરની ભક્તિ કરનાર પ્રધાન અને પૃથ્વી પર સાત ચિરંજીવીમા હનુમાનજી છે.જ્યોતિષશાસ્ત્રની ગણના અનુસાર હનુમાનજીનો જન્મ ૫૮હજાર ૧૧૨ વર્ષથી પણ વધુ કહી શકાય.ત્રૈતાયુગના અંતિમ ચરણમાં ચૈત્રી પૂનમના મંગળવારે થયો છે.

એક વાર મહાન ઋષિ અંગિરા સ્વર્ગના માલિક ઇન્દ્રની સભામાં ગયા.ઇન્દ્રના દરબારમાં અપ્સરા પુંજીક્સથલા નૃત્ય કરી રહી હતી. ઋષિઅંગિરા આંખ બંધ કરી પ્રભુ સ્મરણ કરવા લાગ્યા.નૃત્ય સમાપ્ત થયા પછી અપ્સરાએ ઋષિને નૃત્ય બાબત અભિપ્રાય પૂછ્યો.ઋષિ અંગિરાએ ક્રોધિત થઈ અપ્સરાને શ્રાપ આપ્યો કે પર્વતિય જંગલોમાં રહેતા વાનર સમુહમાં માદા વાનર તરીકે તારો જન્મ થશે.અપ્સરાએ ઋષિની માફી માંગી અને આજીજી ક્ષમાયાચના કરી.ઋષિ અંગિરાએ આશીર્વાદ આપ્યા કે તારા ઘરે ભગવાન વિષ્ણુ સ્વરૂપના મહાન ભક્તનો જન્મ થશે.આ અપ્સરા કુંજારવાનર રાજને ત્યાં જન્મી.જે માતા અંજની કહેવાય છે.સુમેરૂ પર્વતના રાજા કેસરી સાથે અંજનીના વિવાહ થયા.ઋષિના આશીર્વાદથી શિવજી ના ૧૧મા રૂદ્ર અવતાર હનુમાનજીનો જન્મ થયો.શિવજીએ વાસ્તવિક રૂપમાં શ્રીરામની સેવા કરવા આ જન્મ ધારણ કર્યો.હનુમાનજીના પરાક્રમની અસંખ્ય ગાથાઓ આજે પણ ગવાય છે.બાળપણમા હનુમાનજી સુર્યને ફળ સમજી ઉંચે આકાશ તરફ ગયા.એ જ વખતે રાહુ ગ્રહોને ગ્રહણ લગાડી ગ્રસિત કરવા ગયો.પણ હનુમાનજીના સ્પર્શથી રાહુ ગભરાઈ ગયો.રાહુ ઇન્દ્ર પાસે ગયો.ઇન્દ્રે ક્રોધમાં વજ્રથી હનુમાનજી પર પ્રહાર કર્યો.હનુમાનજીની દાઢીમાં ઘા લાગ્યો.પવનદેવે આ જોઇ પવનની ગતિ રોકી લીધી.સમગ્ર સૃષ્ટિમાં હાહાકાર મચી ગયો.લોકોને શ્વાસ લેવાની તકલીફ થવા લાગી.સહુ જન બ્રહ્મા પાસે ગયા.ત્યારે બ્રહ્માજીએ હનુમાનજીને વરદાન આપ્યું કે અસ્ત્ર શસ્ત્રથી કોઇ હાનિ કરી નહીં શકે. યમદેવે સદાય નિરોગી રહેવાના આર્શીવાદ આપ્યા.

હનુમાનજીની સુર્ય પુત્ર મારૂતિ, પવનપુત્ર, બજરંગબલી,મંગલમુર્તિ, અંજનીપુત્ર,સંકટમોચન નામ લઈને ભક્તો ભક્તિ કરે છે.રામાયણમા હનુમાનજીના અદભૂત કાર્યોનું વર્ણન મળે છે.સુગ્રીવ અને શ્રીરામની મૈત્રી કરાવી આપી વાનરસેનાની મદદથી રાક્ષસોનો નાશ કર્યો.

પવનપુત્ર હનુમાનજી

સમય,વાણી,સંસાધનોનો ચતુરાઇથી પ્રયોગ કરી કાર્ય સંપૂર્ણ કરવાની શીખ હનુમાનજી પાસેથી મળેછે.હનુમાનજી સીતાની શોધમાં એકલા રાવણના અભેધ કિલ્લામાં આ ગુણોને કારણે પહોંચી જાય છે.સૌ પ્રથમ તો માયાવી સુરસાએ માયા પ્રસરાવી ત્યારે બળે નહીં પણ કળે કામ લીઘું.સૂક્ષ્મ સ્વરૂપ ધરી મુખમાં પ્રવેશી ફરી બહાર નીકળી ગયા.લક્ષ્ય પ્રાપ્ત કરવા ક્યારેયક શત્રુને પણ એની ચાલ રમવા દેવી.માતા સીતાની શોધમાં સમુદ્ર પર પવનપુત્ર ઉડી રહ્યા હતા ત્યારે સમુદ્ર અને મૈનાક પર્વત વિશ્રામ કરવાનું આમંત્રણ આપે છે પણ માનપૂર્વક પર્વતને સ્પર્શ કરી હનુમાનજી આગળ વધે છે.લક્ષ્ય પ્રાપ્તિમાં નિરંતર કાર્ય કરતાં રહેવું જેથી કોઇ કડી છૂટે નહીં.લંકા પહોંચતા દ્વારા પર લંકીની નામની રાક્ષસી હનુમાનજી પર ત્રાટકે તે પહેલાં હનુમાનજીએ સમય સર્તકતા વાપરી લંકીનીને ઠાર કરી.આ સૂચવે છે કે ઓછા સમયના કાર્યમાં ત્વરીત નિર્ણય લેવા.અશોકવાટિકામા પ્રવેશી માતા સીતા સમક્ષ સૂક્ષ્મ રૂપે પ્રગટ થાય છે.શ્રીરામ પ્રત્યે સમર્પિત હતા.માતા સીતાને શ્રીરામનો સંદેશ આપવા ગયા હતા.પોતાના બાહુબળ જેવું બળવાન સ્વરૂપ સંકોરીને સૂક્ષ્મ રૂપ ધરી માતા સીતા ને શ્રીરામનો સંદેશ કહે છે.જગતજનની મા અંબા સમક્ષ તમામ શક્તિ મસ્તક નમાવે છે.આ મહાવીર હનુમાનજીની જગતને શીખ છે.માતાસીતા પાસેથી અષ્ટ સિદ્ધિ નવ નિધિનુ વરદાન મેળવે છે.શ્રીરામ ભક્ત હનુમાન દુશ્મનના ગઢમાં પહોંચી વરદાન પામે છે.લંકામા મેઘનાદે યુદ્ધ દરમ્યાન હનુમાનજી પર બ્રહ્માસ્ત્ર નો પ્રયોગ કર્યો. પણ હનુમાનજીએ બ્રહ્માસ્ત્રનુ માન રાખી અસ્ત્રના તીવ્ર ઘા સહન કર્યા. સામે પ્રહાર કરી બ્રહ્માસ્ત્રને ખંડીત ન કર્યું.બ્રહ્માસ્ત્ર એવું શસ્ત્ર છે જે બ્રહ્માજીના દિવ્ય મંત્રથી પ્રગટ થાય છે. હનુમાનજી બળવાન હતા કે શસ્ત્રને તોડવાની ક્ષમતા હતી પણ દેવતા બ્રહ્માજીનુ માન રાખી એમની વિદ્યાને પ્રણામ કર્યા.

કપરા સમયમાં વિનય વિવેક ભૂલવા નહીં.સહન કરીને સમય સાચવી લેવો.

અપમાન કરવા માટે હનુમાનજીની પૂંછડી પર આગ લગાવી તો હનુમાનજી સળગતી પૂંછડી સાથે લંકામાં ફરી વળ્યા અને લંકા બાળી.આ બુદ્ધિ ચાતુર્ય છે.સાથે સાથે લંકાની ભૌગોલિક પરિસ્થિતિ,સૈન્ય બળ, અશોકવાટિકા સ્થળનો ક્યાસ મેળવ્યો.વિભિષણ અને રામની મૈત્રી કરાવી.

રણભૂમીમા ઇન્દ્રજીતના બાણથી લક્ષ્મણની મૂર્છા દૂર કરવા સંજીવની બુટ્ટીની ઓળખ ન થવાથી આંખો પર્વત જ ઉઠાવીને લઈ આવ્યા.સમસ્યાનુ સમાધાન કર્યું.લંકા પહોંચવા ઝડપથી પૂલ બાંધવા રામસેતુના નિર્માણમાં દરેક વાનરોના ગુણ પારખી કામ સોંપ્યું જે સમૂહમાં કરાતું કાર્ય,teamwork અને team managementનુ શિક્ષણ આપે છે.ત્યારના સમયમાં કોઈ મશીન નહોતા કે પથ્થરો તોડી શકે,સીમેન્ટ રેતીના મિશ્રણ તૈયાર કરે.નલ નીલ અંગદ, જાંબુવન જેવા બુદ્ધિશાળી અને મહાવીર એન્જિનિયર હતા.શ્રીરામચંદ્રના મહત્વના અને કટોકટીના કાળમાં હનુમાનજી હંમેશા સાથે જ રહેતા.આ જ એમની ભક્તિ છે.પ્રભુ સમીપ રહી પ્રભુના કાર્ય કરવા.લંકાના યુદ્ધમાં હનુમાનજી અને વાનરસેનાનુ કાર્ય મુખ્ય હતું.એમ કહી શકાય કે લંકા પર વિજય હનુમાનજી અને તેમના સૈન્ય બળથી શક્ય થયો હતો.પણ ક્યારેય હનુમાનજી અને અન્ય સૈનિકોએ રાજપાટ માટે ભાગ નહોતો માંગ્યો.નિસ્વાર્થ સેવા કરી.

હનુમાનજીના ૧૨ નામ

આનંદરામાયણમા હનુમાનજીના ૧૨ નામોનો ઉલ્લેખ મળે છે.આ નામો હનુમાનજીના ગુણ અને બળનું વર્ણન કરે છે જે પ્રેરણાદાયક છે.જીવનમા આવતા સંકટોના સમાધાન હનુમાનજીના ચરિત્ર પરથી મળી શકે છે.૧)હનુમાન.અહંકાર રહીત.૨)પિંગાક્ષ.ગ્રંથોનુસાર હનુમાનજીનીભૂરી આંખ હતી

૩)ફાગુણસખા.અર્જુનને ફાગુણ કહેવાય છે.મહાભારતના યુદ્ધમા હનુમાનજીએ અર્જુનની સખા રૂપે સહાયતા કરી હતી.૪)રામેષ્ટ.શ્રીરામના પ્રિય.૫) લક્ષ્મણ પ્રાણદાતા.સંજીવની બુટ્ટી લાવવા પર્વત ખભા પર લઇ આવ્યા અને લક્ષ્મણની મૂર્છા દૂર કરી પ્રાણદાતા થયા.૬)ઉદ્ધિક્રમણ.સમુદ્ર પર અતિક્રમણ કરી સમુદ્ર પાર કર્યો.૭)અમિતવિક્રમ.જેના પરાક્રમની માપી શકાય એવી કોઈ સીમા નથી.૮)દશગ્રીવદર્પહા.ગ્રીવ એટલે માથું.દશ માથાવાળાનુ ઘમંડ તોડનાર.૯)અંજનીસુત.માતા અંજનીપુત્ર ૧૦) વાયુપુત્ર.પવનદેવના પુત્ર.૧૧)સીતાશોકવિનાશન.અશોકવાટીકામા માતા સીતા રામવિરહમા અત્યંત શોક કરે છે ત્યારે શ્રીરામનો સંદેશ આપી માતા સીતાનો શોક દૂર કરે છે.રામાયણના રચનાકાર સંત તુલસીદાસે ચાલીસ પદોમાં હનુમાનજચાલીસાની રચના કરી છે જે દુનિયામાં લાખ દુઃખો એક દવા છે.બાળકો,વૃદ્ધો, સ્ત્રીઓ, પુરૂષોમાં હનુમાનજી પ્રિય છે.બાળકોને નટખટ અને ચંચળ, પર્વત પર છલાંગ મારનાર, સમુદ્ર પર ઉડવું,ઝાડ પરથી ફળો તોડતા,સળગતી પૂંછથી લંકા દહન કરતાં હનુમાનજી પ્રિય લાગે છે.સ્ત્રીઓ બ્રહ્મચારીરૂપ માની પીઠ પાછળ હાથ રાખી નમીને સન્માન કરે છે.વૃદ્ધો અપાર ભક્તિ કરે છે.પુખ્ત ઉંમરના પુરુષો વીરતાનો આદર કરે છે.

દાસ્ય ભાવ એ જ અનન્ય ભક્તિનું સ્વરૂપ હનુમાનજી

.સંત બડે ભગંવતસે કહ ગયે સંત સુજાણ,સેતુ બાંધ શ્રી રામ ગયે, લાંઘ ગયે હનુમાનજી

શિવરાત્રી અનેે શિવનું નટરાજ સ્વરૂપ

સંગીત પ્રકૃતિના કણ કણમાં સમાયેલું છે.ભગવાન શિવ સંગીતના જનક છે.શિવજી પહેલા સંગીતનુ જાણકાર કોઈ નહોતું.કારણકે શિવજી બ્રહ્માંડમાં સર્વ પ્રથમ આવ્યા છે.નાદ અને શિવજી એક જ છે.નાદ ધ્વનિ એટલે ‘ૐ’.ૐ માંથી જ શિવજી પ્રગટ થયા છે.નાદથી ધ્વનિ અને ધ્વનિથી વાણીની ઉત્પતિ થયી છે.શિવજીનુ ડમરૂ નાદ સાધનાનુ પ્રતિક છે. શિવરાત્રીને દિવસે શક્તિ સાથે સમાવીત થતું શિવ તત્વ શું છે? શક્તિ શિવત્વમા વિલીન થાય છે.શિવ મૂળમાં સત્ છે.કલ્યાણકારી છે અને રુદ્ર પણ છે.શિવ અને શક્તિની લીલા સમજવા માટે નટરાજ સ્વરૂપને જાણવું જરૂરી છે.નટરાજ નૃત્યનું સ્વરૂપ છે.આ નૃત્યને તાંડવ કહેવાય છે.આ નૃત્યના બે રૂપ છે.

તાંડવ એટલે શું? મુદ્રા એટલે તાંડ.અનેક તાંડ મળીને તાંડવ શબ્દ બન્યો.મુદ્રા અને તાંડવ મળીને જે નૃત્ય થાય તે તાંડવ નૃત્ય.તાડંવ શબ્દ ‘તંડુ’ પરથી મળે છે.તંડુમુની શિવ ભક્ત હતા.ત્રિપુરદહન પછી શિવજીએ ઉલ્લાસથી નર્તન કર્યું.આ નર્તન તંડુમુની શીખ્યા.

તંડુમુનીએ તાંડવ નૃત્ય શિવજી પાસેથી જાણી ભરતમુનિને વર્ણન કર્યું હતું.ભરતમુનિ નાટ્ય શાસ્ત્રના પ્રખર હતા.ભરતમુનિએ નાટ્ય શાસ્ત્રનો પહેલો અધ્યાય લખ્યા પછી શિષ્યોને તાંડવ નૃત્ય નું શિક્ષણ આપતા.તેમના શિષ્યોમાં ગંધર્વો અને અપ્સરાઓ હતી જે શિવજી સમક્ષ નૃત્ય પ્રસ્તુત કરતા.પાર્વતીજીએ બાણાસુરની પુત્રીને આ નૃત્ય શીખવ્યું હતું.શિવજીનુ તાંડવ નૃત્ય પાંચ ક્રિયા બતાવે છે.સૃષ્ટિ, સ્થિતિ, અનુગ્રહ,તિરોભાવ, સંહાર.

શિવજીની બે અવસ્થા મનાય છે.એક સમાધિ અને બીજી તાંડવ.સમાધિ નિર્ગુણ અવસ્થા છે.જ્યારે નૃત્ય અવસ્થા સગુણ છે.શિવજીનુ નૃત્ય તાંડવ નૃત્ય કહેવાય છે.તાડંવનૃત્યના બે પ્રકાર છે.રૌદ્ર તાંડવ અને આનંદ તાંડવ.જ્યારે શિવજી રૌદ્ર રૂપ ધારણ કરે ત્યારે રૂદ્રત્વ પ્રાપ્ત થાય છે.આનંદ તાંડવ કરે તે નટરાજ કહેવાય છે.

નટરાજ.તાડંવ નૃત્ય કરતાં શિવજી નટરાજ સ્વરૂપ છે.આ નૃત્ય કરતી વખતે શિવજીની પ્રગટ શક્તિ ૮૦ટકા હોય છે જે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરેલા સંતો જોઇ શકે છે.પુરાણો પ્રમાણે ભગવાન શિવ ધ્યાનાવ્સથામા હોય છે. કળિયુગના અંત સમયે રાગિણી નામની ગંધર્વ કન્યા સુરનો આરંભ કરે છે આ ધ્વનિ સાંભળી ભગવાન શિવને જાણ થાય છે કે તાંડવ નૃત્ય કરવાનો સમય આવી ગયો છે.શિવજી જાગૃત થાય છે અને લયબદ્ધ ડમરૂ હલાવે છે.પછી તરત જ તાંડવ નૃત્ય આરંભ કરે છે.જ્યા સુધી નૃત્ય લયબદ્ધ હોય છે ત્યાં સુધી સૃષ્ટિ વ્યવસ્થિત રહે છે પણ બેભાન અવસ્થામાં કરે તો સૃષ્ટિનો અંત લાવી શકે છે.

માતા પાર્વતીને રત્ન જડિત સિંહાસન પર બેસાડીને શિવજી સંધ્યા સમયે નૃત્ય કરે છે.તે સમયે સરસ્વતી દેવી વીણા વગાડે છે, લક્ષ્મીજી ગીત ગાય છે,ઇન્દ્ર વાંસળી વગાડે છે, વિષ્ણુજી મૃદંગ વગાડે છે અને બ્રહ્માજી તાલ આપે છે.સર્વ દેવગણ આ અનુપમ નૃત્ય દર્શનનો ઉત્સવ મનાવે છે.

તાંડવ નૃત્યના સાત પ્રકાર છે.આનંદ તાંડવ, સંધ્યા તાંડવ, કાલિકા તાંડવ, ત્રિપુર તાંડવ, ગૌરી તાંડવ,સંહારતાડંવ,ઉમાતાડંવ.ગૌરી તાંડવ અને ઉમાતાડંવ ઉગ્ર તાંડવ નૃત્ય છે.શિવજી ભૈરવ અને વીરભદ્ર સ્વરૂપે નૃત્ય કરે છે.સાથે ગૌરી હોય છે, સ્મશાન ભૂમિ,બળતી ચિત્તા અને ભૂતગણો સાથે નૃત્ય કરે છે.જ્યા જીવોનો અહંકાર ભસ્મસાત્ થાય છે તે સ્મશાન ભૂમિ છે.આનંદ તાંડવનુ સ્વરૂપ નટરાજ કહેવાય છે.

નટરાજની મૂર્તિમાં ચારે તરફ અગ્નિ છે તે બ્રહ્માંડનુ પ્રતિક છે.શિવજી એક પગ પર ઉભા છે.અને બીજા પગથી બોના અક્શમા અસૂરને દબાવી રાખ્યો છે.બોના અજ્ઞાનનુ પ્રતિક છે.ચાર ભૂજાઓ છે.પહેલો જમણો હાથ જે ઉપરની તરફ છે તે હાથમાં ડમરૂ છે.ડમરૂ સૃજનનુ પ્રતિક છે.બીજા હાથમાં અગ્નિ છે જે વિનાશ દર્શાવે છે.બીજો જમણો હાથ અભય મુદ્રામાં છે જે બુરાઈથી રક્ષણ કરવાનું પ્રતિક છે.બીજો ડાબો હાથ ઉઠેલા પગ તરફ છે જે મોક્ષ માર્ગ દર્શાવે છે.નટરાજના શરીર પર લહેરાતા સર્પ કુંડલિની શક્તિનુ પ્રતિક છે.નટરાજ મૂર્તિ સંપૂર્ણ ૐ આકારમાં છે.

શિવજીનું નટરાજ સ્વરૂપ તેમનાં અન્ય સ્વરૂપની જેમ મનમોહક છે.નટરાજ નૃત્યમાં શિવ પ્રસન્ન થાય છે અને તાંડવ નૃત્યમાં શિવજી નારાજ થાય છે.બંને નૃત્યનુ મહાત્મ્ય સૃષ્ટિના જીવને માયાના બંધનમાંથી મુક્ત કરવાનું છે.

ગુરુદેવદત્ત

-દત્ત શબ્દનો અર્થ “આપેલુ”, ભેટમા આપવુ, સમક્ષ થવુ કે ખુશી વ્યક્ત કરવા આપવુ.

હિંદુધર્મમા પરમેશ્વરના ચોવીસ અવતાર છે.જેમા એક શ્રી દત્તાત્રેય છે.

.નારદમુનીના કહેવાથી બ્રહ્મા,વિષ્ણુઅને મહેશના પત્નીએ અત્રિૠષિના પત્ની અનસૂયાના પતિવ્રતની પરિક્ષા કરવા ત્રિદેવોને અનસૂયાને ત્યાં ૠષિ સ્વરુપે મોકલ્યા.ત્રિદેવોએ શરત મૂકી કે નિર્વસ્ત્ર થઇને દાન આપો તો જ ગ્રહણ કરશું.અનસૂયા આવી વિચિત્ર માંગણીથી સમજી ગયા કે આ કોઇ સામાન્ય ૠષિમુનીઓ નથી.આથી તેણીએ નક્કી કર્યુ કે ૠષિઓને બાળક માનશે અને દાન આપશે.ત્રણેય દેવોને માતૃત્વ શક્તિથી બાળક બનાવી સ્તનપાન કરાવ્યું.અત્રિૠષિ ઘરે આવીને આ ત્રણેય દેવોના દર્શન કરે છે.દેવો પોતાના મૂળ સ્વરુપે આવે છે અને અનસૂયાના પતિવ્રતની મહિમા કરે છે અને વરદાન આપે છે કે ત્રિદેવો તેણીના બાળક રુપે જન્મ લેશે.

માગશર શુક્લ ચતુર્દશીના દત્તાત્રેયનો જન્મ થયો.અત્રિના પુત્ર રુપે થયો.

મુનિ દૂર્વાસા અને ચંદ્દદેવ અત્રિૠષિના પુત્ર છે.અત્રિપુત્ર છે એટલે અત્રૈય કહેવાય છે.

દત્તાત્રેયે પિતા અત્રિૠષિની આજ્ઞાથી ગૌતમી નદીના કિનારે ભગવાન શિવની આરાધના કરી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું.દત્તાત્રેયમા ઇશ્વર અને ગુરુ બંને રુપ સમાહિત છે.તેમને ગુરુવંશના પ્રથમ ગુરુ,સાધક,યોગી અને વૈજ્ઞાનિક માનવામાં આવે છે,

શૈવસંપ્રદાયના નાથ સંપ્રદાયમા દત્તાત્રેય આદી ગુરુ કહેવાય છે.વૈષ્ણવ સંપ્રદાયમા વિષ્ણુના અવતાર તરીકે પૂજાય છે

સામાન્ય રીતે દત્તાત્રેય ત્રણ મસ્તક સાથે જોવા મળે છે.બ્રહ્મા,વિષ્ણુ અને મહેશનુ સાંકેતિક સ્વરુપ છે.સાથેકામધેનુ ગાય, ચાર શ્વાન અને સંમુખ અગ્નિકુંડ છે.ગાય શક્તિ સ્વરુપ છે,અગ્નિ યજ્ઞ આહુતિ સ્વીકારનારછે.શ્વાનની ગણના શુભ પ્રતિક તરીકે કરાય છે જે ચાર વેદોનુ પ્રતિનિધિત્વ કરે છે.

દત્તાત્રેય નાની વયે ઘર છોડીને પૂર્ણતાની શોધમાં નીકળી પડ્યા હતા.કર્ણાટક,મહારાષ્ટ્ર,આંધ્રપ્રદેશ અને ગુજરાતમાં વિચરણ કરતા હતા.ઉત્તર કર્ણાટકના ગંગાપૂરમા મૂર્ત સ્વરુપ પામ્યા.ગુજરાતના ગીરનારનીપહાડી પર દત્તાત્રેયના પદચિહ્ન હોવાનું માનવામાં આવે છે.ભગવાન પરશુરામે દત્તાત્રેયને ગંધમાદન પર્વત પર ધ્યાન કરતા જોયા હતા.કહેવાય છે કે પીઠાપુરમ આંધ્રપ્રદેશમા નિત્ય બપોરના ભોજન સમયે દત્તાત્રેય ભિક્ષા માંગી ભોજન કરે છે.તેમનો પહેલો અવતાર શ્રીપાદ શ્રીવલ્લભ તરીકે ત્યા જ થયો હતો.પૃથ્વી પર શાંતી સ્થાપિત કરવા શ્રીદત્તાત્રેય સર્વત્ર ભ્રમણ કર્યુ હતુ.

તંત્ર સાથે જોડાયેલા છે એટલે દત્તાત્રેય નાથ સંપ્રદાયના અગ્રજ છે.વેદ અને તંત્રમાર્ગને એક કર્યા હતા.દત્તાત્રેય ઉપર બે ગ્રંથ સાહિત્ય છે.અવતાર ચરિત્ર અને ગુરુ ચરિત્ર જે વેદ તુલ્ય છે.ગુરુ ચરિત્રમા દત્તઅવતાર શ્રીપાદ,શ્રીવલ્લભ અને શ્રીનૃસિંહ સરસ્વતીની લીલાઓનુ વર્ણન છે.શ્રી રંગ અવધૂત દત્તાત્રેયના પરમ ભક્ત હતા.તેમની રચના દત્તબાવની ઘરે ઘરે શ્રદ્ધાપૂર્વક ગવાય છે.

દત્તાત્રેયના શિષ્યોમા સહસ્ત્રાજુન,કાર્તવીર્ય,ભાર્ગવ,પરશુરામ,યદુ,અલર્ક,આયુ,પ્રહ્રાદ.પરશુરામને ત્રણેય સંપ્રદાયની સંગમ સ્થળ ત્રિપુરામાં શિક્ષા આપી.દત્તસંપ્રદાયમાં શ્રીપાદ શ્રી વલ્લભ અને નરસિમ્હા સરસ્વતી દ્ત્ત અવતાર મનાય છે.અક્કલકોટ સ્વામી સમર્થ,શ્રી વસુદેવનંદ સરસ્વતી,શિરડી સાઇબાબા,કૃષ્ણસરસ્વતી, પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજી દત્તઅવતારો મનાય છે.નાથ સંપ્રદાયની અવધૂત ગીતા એ દત્તાત્રેય દ્રારા ગવાયેલ ભવ્ય રજૂઆત છે.સ્વામી વિવેકાનંદની માનીતી ગીતા હતી.

ભગવાન દત્તાત્રયે ચોવીસ ગુરુ કર્યા.એનો અર્થ એવો નથી કે ચોવીસ ગુરુઓ પાસે કંઠી બંધાવી કે દીક્ષા લીધી. સૃષ્ટિમાથી ઉત્તમ ગુણ પારખી જીવનમાં આત્મસાત્ કર્યા.ગુણગ્રાહી શિષ્ય બની જગદગુરુ તરીકે સ્થાન પામ્યા.આપણને થાય કે બાળક નાસમજ હોય છે.અને વેશ્યાનો આપણે તિરસ્કાર કરીએ છીએ.અજગરથી આપણે ડરી જઇએ છે .પણ ભગવાન દત્તાત્રયે એમાંથી પણ ગુણ તારાવ્યા.સાધકોને ગુણગ્રાહી બનવાનો માર્ગ બતાવ્યો.

તેમના ચોવીસ ગુરુઓ પૃથ્વી ,પર્વત,વૃક્ષમાથી ક્ષમા,ધીરજઅને પરોપકાર.

વાયુ અનાસક્તિ,આકાશ નિર્લેપતા,જળ માધુર્ય,અગ્નિ તેજસ્વિતા,ચંદ્ર આત્મા નિર્વિકાર છે,સુર્ય સ્થિરતા,કબૂતર સંગત્યાગ,અજગર અનાયસે મળે એમાં સંતુષ્ટ,સમુદ્ર સમદ્રષટિ,પતંગિયું રુપાસક્તિનો ત્યાગ,ભમરો શાસ્ત્રવાંચન દ્રારા સારગ્રહણ,હાથી સ્ત્રીસંગનો ત્યાગ,મૃગ શબ્દાસક્તિનો ત્યાગ,માછલી રસાસક્તિનો ત્યાગ,મધુહા સંગ્રહ ન કરવો,પિંગલા વેશ્યા સ્વાવલંબન દ્વારા પોતાનો ઉદ્ધાર,ટિટોડી અપરિગ્રહ,બાળક માન અપમાનમાં સમાન દ્રષ્ટિ રાખવી,કુમારી એકાંતપ્રિય,બાણ તૈયાર કરનાર એકાગ્રતા,સર્પ પર્યટનશીલતા,કરોળીયો કર્તા ભર્તા સંહર્તા,ભમરી ઇશ્વરસાથે તદાકાર.

પચીસમો ગુરુ આપણો દેહ છે.દેહની પરિવર્તનશીલતા અને ક્ષણભંગુરતા જો સમજાઇ જાય તો વૈરાગ્ય અને વિવેક પ્રાપ્ત થાય છે.

કૃષ્ણાનદીના તટ પર મહારાષ્ટ્રમા ઔદુમ્બર વૃક્ષની છાયામા દત્તાત્રેય બાર વરસ તપસ્યા કરી હતી.આ સ્થળે તેમની ચરણપાદુકાના દર્શન થાય છે.ભગવાન દત્તાત્રેની તપોભૂમી છે જે નૃસિંહવાડી તરીકે યાત્રાનુ ધામ છે..અહીંયા તપસ્યા કરી દત્તાત્રેય ગણગાપૂર ગયા અને ત્યાંથી કર્દલીવનમા પોતાનો અવતાર સમાપ્ત કર્યો.

ભગવાન દત્તાત્રેય આજન્મ બ્રહ્મચારી, અવધૂત અને દિગંબર રહ્યા.

પ્રકાશનું પર્વ ગુરુનાનક જયંતી.

દરેક સમાજમાં વિવિધ અને વિભિન્ન પ્રકારના લોકોરહે છે.વિભિન્ન ધર્મ,જાતિ,રંગ,માન્યતાઓ.આદર્શ સ્થિતી ત્યારે હોય છે જ્યારે સમાજના દરેક વર્ગમા સમાનતા જોવા મળે. પણ ભેદભાવ તો હોય જ છે જે સામાજીક બુરાઇ અને શોષણમા પરિણમે છે.

દુનિયાના દરેક દેશોના ઇતિહાસમા કેટલાયે પ્રભાવશાળી વ્યક્તિત્વ હોય છે જે સમાજના શોષિત વર્ગની પ્રગતિ માટે જ જન્મ લે છે.આ વ્યક્તિઓ માનવતા અને માણસાઇ પ્રતિ ચિંતિત થાય છે,સમાજના માહોલમા બદલાવ લાવે છે.

એક સમાજ સુધારક એક આમ ઇન્સાન હોય છે જે અસાધારણ માનવ સેવા કરે છે.

ગુરુનાનકના જન્મ સમયે ભારતમાં સામાજીક,રાજકીય,આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઇ ગયી હતી.લોકો હતાશામા હતા કારણ કે જાતિવાદ કટ્ટર હતો.ઉપરથી બહારની પ્રજાનુ આક્રમણ.એ લોકોની માન્યતાઓ અને રહેણીકરણીનો પ્રભાવ. ભારતની પ્રજા પોતાની જ સંસ્કૃતિથી વિમુખ થવા લાગી. અંધશ્રદ્ધાએ બળતામાં ઘી હોમ્યું.આવા કપરા કાળમા ગુરુનાનકને એક જ રસ્તો દેખાતો હતો કે પ્રજાને એકજુટ કરવી એક મત કરવી.દરેક ધર્મના લોકો એકબીજાનો આદર કરે.

550 વર્ષ પહેલા શિખોના પ્રથમ ગુરુ અને શિખ ધર્મના સ્થાપકનો જન્મ રાવી નદી કિનારે તલવંડી ગામ જે આજે પાકિસ્તાનમા છે.કાર્તિક પૂર્ણમાના દિવસે થયો હતો.પિતા કલ્યાણચંદ અને માતા તૃપ્તાદેવીનુ સંતાન.બહેનનુ નામ નાનકી.

તલવંડી પાછળથી નાનકાના સાહિબ તરીકે ઓળખય છે.શિખોનુ યાત્રાધામ છે.

બાળપણથી પ્રખર બુદ્ધિના લક્ષણ .સાંસરિક વિષયોમા ખાસ લગાવ ન રહેતો.

સાત વર્ષની ઉમરે સંસ્કૃતમા પ્રખરતા મેળવી. અલૌકિક અને અદભૂત જ્ઞાનથી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા.તેર વર્ષની ઉંમરે ફારસી ભાષામા પ્રખરતા મેળવી અને સોળમે વર્ષે તેજસ્વી વિદ્ધાન તરીકે સમાજમાં ઓળખાવા લાગ્યા. નાનક વધુ પડતો સમય આધ્યાત્મિક ચિંતન અને સત્સંગમા વ્યતીત કરતા.પંડિત અને મૌલવી સૌ કોઇ નાનકની દિવ્યતાથી પ્રભાવિત થયા હતા.લગ્ન બાદ પત્ની સુખમણિથી બે પુત્રો થયા શ્રીચંદ અને લખમીચંદ.ગુરુનાનકજીના નાનપણના મિત્ર હતા ભાઇ મરદાના.નાનકજી કરતા દસ વર્ષ મોટા અને ઉચ્ચકોટિના સંગીતકાર હતા.નાનકજીના સુખ દુ:ખના સાથીદાર હતા.નાનકજી સાથે ચાલીસ હજાર કિલોમીટરની પગપાળા યાત્રા કરી હતી.ગુરુનાનકની વાણીનો પ્રચાર પ્રસાર કરતા.

થોડા સમય પછી નાનક પોતાના ચાર સાથીઓ સાથે તીર્થયાત્રા પર નીકળી ગયા.પંજાબના વિભિન્ન સ્થાનોની યાત્રાઓ કરી.ત્યાર પછી તો કુરુક્ષેત્ર,હરિદ્વાર,જોશીમઠ,રીઠાસાહિબ, ગોરખમત્તા જે આજે નાનક મત્તા કહેવાયછે.અયોધ્યા,વારાણસી,ગયા,પટના,આસામ,ગૌહાટી,ઢાકા,પુરી,કટક,રામેશ્વર,શ્રીલંકા,આપણા ગુજરાતમાં જૂનાગઢ,દ્વારકા,ભરુચ,મધ્ય પ્રદેશમા ઉજ્જેન,અજમેર,લડાખ,તિબેટ,અમરનાથ,શ્રીનગર..આખા ભારતની યાત્રા કરી.નાનકજીએ મુસ્લિમ ધાર્મિક સ્થાનો મક્કા,મદીના,બગદાદ,તુર્કત્સાન,તહેરાન,કાબુલ,કંધાર અને જલાલાબાદ .આ યાત્રાઓ સમુદ્ર માર્ગે કરી હતી.

પ્રવાસનો મુખ્ય હેતુ એક રાષ્ટ્ર કેન્દ્રિત વિચાર અને ઇશ્વર પ્રત્યેની આસ્થા લોકોમા જાગરુકતા લાવવાનો હતો.નાનકજી મહાન ક્રાન્તિકારી,સમાજ સુધારક અને રાષ્ટ્રવાદી ગુરુ હતા.ગુરુનાનકજીના યાત્રાપ્રવાસે તેમને દુરદર્શી બનાવ્યા.યુગદ્રષ્ટા કહેવાયા.

ધર્મના નામે થતા અનાચારને કારણે ગુરુનાનકે નિર્ગુણ બ્રહ્મની ઉપાસના પર બળ આપ્યું.તેઓ કહેતા જન્મથી કોઇ હિન્દુ નથી,કોઇ મુસલમાન નથી.એકેશ્વરવાદનુ દર્શન લોકોને સમજાવ્યું. ઓમકાર નિર્ગુણ બ્રહ્મની ઉપાસના કરવા જ્ઞાન આપ્યું.

1520 મા બાબરે ભારત પર આક્રમણ કર્યુ.ભારતમાતાને રક્તરંજિત કર્યા.ધાર્મિક સ્થળો તોડી પાડ્યા.મુગલ સિપાહીઓના અત્યાચારથી ગામે ગામ ઉજડી ગયા.સ્ત્રીઓ અને બાળકોની હત્યાઓ કરી.ગુરુનાનકજીએ બાબરના કૃત્યોનો કડક શબ્દોમા વિરોધ કર્યો.બાબરે નાનકજીને જેલમા પૂરી દીધા.આ બનાવે શિખ ધર્મના ઇતિહાસમાં એક સ્વતંત્રતા આંદોલનનો પ્રારંભ થયો. દક્ષિણભારતથી ઉત્તરભારતમાં ચાલી રહેલા ભક્તિ આંદોલનના ભાગ રુપે અનેક સામાજીક કાર્યની શરુઆત થઇ.

શિખ ધર્મની સ્થાપના કરી.એક સમાજ સુધારકના રુપમાં ગુરુનાનકે મહિલાઓની સ્થિતિ,ગરીબ અને પછાત જાતીના લોકોની દશા સુધારવામાં ઘણા કાર્ય કર્યા.મહિલાઓ જાહેરમા ભજન,કિર્તન અને ધૂન ગાવામા આગળ આવવા લાગી.ગુરુનાનકે જાતિ પ્રથા અને મુગલશાસનની નિતીઓનો વિરોધ કરી એક નવો રસ્તો સમાજ સમક્ષ મૂક્યો.પોતે કવિતા અને નાના નાના દોહાની રચના કરતા.947 શબ્દોની રચના કરી જે શિખ ધર્મના ગુરુગ્રંથ સાહિબમાં અંકિત છે.આજે પણ શિખ પ્રજા આ ગ્રંથનુ પઠન કરે છે.ભાઇ મરદાના સાથે મળીને ભારતીય શાસ્ત્રીય સંગીતના આધારે શબ્દ ગાયન પ્રણાલીનો વિકાસ કર્યો જે આજે પણ ગુરુદ્વારાઓમા ગવાય છે.

કરતારપૂર પાકિસ્તાનમા છે.આ શહેર ગુરુનાનકજીએ 1522મા વસાવ્યુ હતું. તેમનુ શેષ જીવન ત્યાં જ વીતાવ્યું .ત્યાં રોજ કિર્તન,ભજન,પ્રભાતફેરી,અને લંગર એટલે કે સમુહ ભોજનની પ્રથા શરુ કરી.

ગુરુમત દેશદેશાંતરમા ફેલાવ્યો.શિખધર્મના પ્રથમ ગુરુ નાનકદેવજી બન્યા.ગુરુમતનો પ્રચાર ત્યાર પછીના નવ ગુરુઓએ કર્યો.દસમા ગુરુ ગોવિંદસિંહ હતા.ગુરુગોવિંદસિંહે જ્ઞાનગુરુ ગ્રંથ સાહિબનો ઉપદેશ આપ્યો.દરેક ધર્મ ‘એક’ની આરાધના કરે છે.’એક’ની વિભિન્ન અવસ્થાઓનુ વર્ણન શ્રી ગુરુ ગ્રંથ સાહિબમા છે જે નિરાળુ છે.જીવ આત્મા નિરાકાર છે,જેની પાસે ચાર ગુણ છે

બાકી ચાર ગુણ પ્રાપ્ત કરવા જીવ આત્મા પાછો નિરંકારમા સમાઇ જાય છે.પણ જીવ આત્માને ગુરુમત જ્ઞાન સમજવુ જરુરી છે.આત્મ ચિંતન.નિરંકારી આત્માનુ સ્વંય ચિતંન કરી નિરંકારમા ભળવું.

અનેક લોકોએ શિખગુરુઓ પાસેથી દિક્ષા લઇ શિખ સંપ્રદાય અપનાવ્યો.આજે ભારતમાં શિખ સંપ્રદાય એક પવિત્ર અને અનુપમ સ્થાન ધરાવે છે.આ સંપ્રદાય સરળ, સહજ અને સાદો છે.કોઇ લેણ દેણમા નથી માનતા.મનુષ્ય ઉધમ કરતા કરતા જીવે,કમાણી કરે,પરિશ્રમ કરે,,કિર્તન ધ્યાન કરે. શિખ ધર્મ ભારતીય સંત પરંપરાનો પંથ છે જે સનાતન ધર્મનુ દર્શન કરાવે છે.આજે દુનીયામા 25 મિલિયન શિખ અનુયાયીઓ છે.અનેક જાણીતા ગુરુદ્વારા છે જેની શિખ ધર્મના અનુયાયીઓ યાત્રા કરે છે.

ભારતમાં અમૃતસરનુ સુવર્ણ મંદીર શિખ પ્રજાનુ જાણીતુ યાત્રા ધામ છે.હિમાલયમા હેમકુંડ સાહિબ છે.હેમ એટલે બરફ અને કુંડ એટલે એક પાત્ર. આ સ્થળ પર છ મહીના સુધી તો બરફ વર્ષાને કારણે જવાતુ નથી.તારાના આકારનુ આ સ્થળ શિખોનુ માનીતુ છે.

.ગુરુદ્વારા મણીકરન સાહિબ મનાલીમા છે.આ જગ્યા ગુરુનાનકના પ્રથમ ધ્યાનની છે.ચંડીગઢ પાસે આનંદપૂર સાહિબ છે જ્યા શિખ ધર્મની સંસ્થા છે.પટના સાહિબ બિહારમા છે.જે મહારાજા રણજીતસિહે બનાવ્યુ છે,ગુરુ ગોવિંદસિહની યાદમા.દિલ્હીમાં બંગલા સાહિબ છે.મહારાષ્ટ્રના નાંદેડ માં જાણીતુ તખ્ત સચખંડ શ્રી હજુર અબચલનગર સાહિબ ગુરુ દ્વારા છે જે દસમા ગુરુ ગોવિંદસિહનુ નિર્વાણ સ્થળ મનાય છે.

ગુરુદાસપુરમા ગુરુદ્વારા કંધસાહિબ છે.જ્યા ગુરુનાનકના લગ્ન થયા હતા.કપૂરથલામા ગુરુદ્વારા હાટ સાહિબ છે જ્યાં ગુરુનાનકજી શાહી ભંડારાની દેખરેખ કરતાં.અહિંયાથી જ ગુરુનાનકજીને ‘તેરા’શબ્દથી પોતાની રાહનો આભાસ થયો.કપૂરથલામા ગુરુદ્વારા કોઠી સાહિબ છે અને ગુરુદ્વારા બેર સાહિબ છે.ભાઇ મરદાના સાથે વૈન નદીના કિનારે ગુરુનાનક બેઠા હતા ત્યારે ત્રણ દિવસથી નદીમા બેઠા રહ્યા.લોકોએ ડુબી ગયા એમ માન્યું પણપાછા ફર્યા ત્યારે તેમને ઇશ્વરનો સાક્ષાત્કાર થયો.એક ઓમકાર સતિનામનુ ઉચ્ચારણ કર્યું.ત્યાં બોરનુ ઝાડ વાવ્યું જે આજે પણ છે.ગુરુદ્વારા અચલસાહિબ ગુરુદાસપુરમા છે.પોતાની યાત્રાઓવખતે ત્યાં રોકાયા હતા.નાથપંથીઓ સાથે ધાર્મિક ચર્ચાઓ કરી હતી.ઇશ્વર સુધી પ્રેમના માર્ગે પહોંચાય છે.ત્યાં જ ગુરુ દ્વારા ડેરાબાબા નાનક છે.આ સ્થળે ધણાં બધા લોકોને શિખ ધર્મના અનુયાયી બનાવ્યા.

ગુરુનાનકજી 22 નવેબંર 1539મા જ્યોતિમા વિલીન થઇ ગયા.

ગુરુનાનક દેવજીના જન્મ દિવસને ગુરુનાનક જયંતી રુપે ઉજવાય છે.કાર્તિક પૂર્ણિમાના દિવસે શિખશ્રધ્ધાળુઓ દિવાળીની જેમ ઉત્સવ ઉજવે છે.ગુરુ પર્વ અને પ્રકાશ પર્વ ના નામે મનાય છે.સવારના પ્રભાત ફેરી નીકળે છે.વાહે ગુરુ વાહે ગુરુનુ રટણ કરતા કરતા ઝાઝપખાલ સાથે જાપ ગાય છે. ગુરુદ્રારાઓમા શબ્દ કિર્તન,ગુરુબાણીના પાઠ ગવાય છે. સાંજના સમયે લંગર થાય છે.શિખ સમુદાય સમુહમા ભોજન કરે છે.આ એક્તાની ઓળખ છે.

એકઓંકાર,સતિનામ,કરતા પુરખુ નિરભઉ

નિરબૈર,અકાલ મૂરતિ,અજૂની,સૈમ ગુરપ્રસાદી.

ભગવાન એક જ છે,જે નિર્માણ કરે છે,જે નીડર છે,જેના મનમાં વેર નથી,જેનો કોઇ આકાર નથી,જે જન્મ મૃત્યુથી પર છે,જે પોતે જ પ્રકાશમાન છે.તેના નામ સ્મરણથી આર્શીવાદ પ્રાપ્ત થાય છે . ગુરુનાનકજી

અન્નકોટ અને ગોર્વધન પૂજા મહોત્સવ

જેમ ખેડૂતો રાજાને વાર્ષિક કર આપે એમ સમસ્ત વ્રજવાસીઓ પ્રતિવર્ષ શરદૠતુમાં દેવરાજઇન્દ્રની પૂજા કરી ભોગ ધરાવતા.ઇન્દ્રદેવની કૃપાથી વરસાદ વરસે તો ખેતીવાડીને જળ મળે અને પશુઓને ઘાસચારો.

વેદોમાં નવા વર્ષે વરુણ,અગ્નિ,ઇન્દ્ર વગેરે દેવતાઓના પૂજનનો મહિમા વર્ણવ્યો છે.

ભાદરવા સુદ સાતમથી યશોદાજી અને ગોપીજનો માનસી ગંગામાં સ્નાન કરી ઇન્દ્રપૂજાની શરુઆત કરતા.ગોવર્ધન પૂજા દ્રાપર યુગમાં કરાતી હતી. બલિપૂજા,ગોર્વધનપૂજા, ગાય બળદની પૂજા આરતી કરી મીઠાઇ ખાદ્ય વસ્તુઓ અર્પણ કરવામાં આવતી.. પર્વતની સાથે ઇન્દ્રની પણ પૂજા થતી હતી. દીપાવલીના બીજા દિવસે વ્રજવાસીઓ ઇન્દ્રને ભોગ ધરતાં હતાં. જે ને મહેન્દ્રયાગ કહેતા.

એક વાર આવી રીતે સામગ્રીનો સંચય થતો જોઇ શ્રીકૃષ્ણે નંદબાવાને પ્રશ્ન કર્યો કે આ ઇન્દ્રની પૂજાનું લૌકિક કે પારલૌકિક ફળ શું છે?નંદબાવાએ કહ્યું આ પૂજન ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે.શ્રીકૃષ્ણે કહ્યુ,”,દેવતાઓ પોતાના પુણ્યકર્મોથી સ્વર્ગ સુખ ભોગવે જ છે.જો ભોગ દ્વારા શુભ કર્મનો ક્ષય થાય તો દેવતાઓને પણ મર્ત્યલોકમા આવવુ પડે છે.ગૌ,બ્રાહ્મણ,સાધુ,અગ્નિ,દેવતા,વેદ તથા ધર્મ_ આ ભગવાન યજ્ઞેશ્વરની વિભૂતિઓ છે.એનો આધાર લઇ જે શ્રીહરિનુ ભજન કરે છે તે સદા લોક પરલોકમાં સુખી થાય છે.ભગવાનના વક્ષ:સ્થળમાંથી પ્રગટ થયેલ ગિરીન્દ્રોનો સમ્રાટ ગોર્વધન પર્વત મહર્ષિ પુલસ્ત્યની કૃપાથી વ્રજમંડળમા પ્રગટ થયો છે.ગૌ,બ્રાહ્મણ અને દેવતાઓની પૂજા કરી આ ભોગ સામગ્રી ગિરીરાજને અર્પણ કરો જે યજ્ઞોનો રાજા કહેવાશે.આપણે ગોર્વધન પૂજા કરવી જોઇએ કારણ કે આપણી ગાયો ત્યાં ચરવા જાય છે..ગિરીરાજની છત્રછાયામાં આપણે આનંદથી રહીએ છે.એમાથી નીકળતાનદી અને ઝરણાં આપણને અને પશુધનને પોષણ આપે છે.એમના વગર જીવન જીવવું મુશ્કેલ થઇ જાય એમ છે.ઇન્દ્રના પરંપરાગત યજ્ઞને મૂકી દેવો યોગ્ય છે.”

ઇન્દ્ર તો ક્યારેય દર્શન નથી આપતા .પૂજા ન કરીયે તો કોપ કરે છ.શ્રીકૃષ્ણે વાક્ચાતુર્યથી વ્રજવાસીઓને ગોર્વઘન પૂજા કરવા માટે સમજાવ્યા.

સર્વ વ્રજવાસીઓએ સાથે મળી શ્રીગિરીરાજ પૂજનનું આયોજન કર્યું.નંદબાવા અને યશોદા બંને પુત્ર બલરામ અને શ્રીકૃષ્ણ સાથે પ્રસન્નતાપૂર્વક ઉત્કંઠ થયા.સાથે ગર્ગાચાર્ય પણ હતા.નંદ,ઉપનંદ અને વૃષભાનુ ગણ પોતાના પરિવાર સાથે ગિરીરાજ સમક્ષ પહોંચી ગયા.

શ્રીરાધાસખી સમુદાય સાથે ત્યાં પહોંચી સુશોભિત થયા.

બાળગોપ,યુવાન અને વૃદ્ધગોપ સૌ પીતામ્બર,પાઘડી,મોરપંખ,ગુંજામાળા વગેરેથી વિભૂષિત થઇ વાંસળી લઇ ગિરીરાજ પૂજનના આયોજનમાં સંમ્મલિત થયા.સૌએ પોતાની સામગ્રીઓ લઇ ગિરીરાજને સર્મપિત કરી.ભગવાન શ્રીકૃષ્ણની પ્રેરણાથી વ્રજવાસીઓએ ઇન્દ્રની પૂજા છોડીને શ્રીગિરીરાજની પૂજા કરી.સમસ્ત વ્રજવાસીઓએ ગિરીરાજ સમક્ષ એટલી સામગ્રી સજાવી કે અન્નનો કોટ એટલે ઢગલો સર્જાઇ ગયો.

શ્રીકૃષ્ણ ગિરીરાજ ગોવર્ધન પર એક બીજું વિશાળ શરીર ધારણ કરીને સમર્પેલી સામગ્રી સૌના આશ્ર્શર્ય અને આનંદ વચ્ચે આરોગવા લાગ્યા.

ઇન્દ્ર પોતાની પૂજા નથી થતી જાણીને વ્રજવાસીઓ પર ગુસ્સે થયો અને તેણે મેઘોને વ્રજમાં પ્રલય મચાવવાની આજ્ઞા કરી.આથી મેઘ અને વીજળીઓના ઝબકારા અને ગર્જના કરતા પ્રચંડ પવન સાથે અત્યંત વરસાદ વરસવા લાગ્યો.પશુઓ અને વ્રજવાસીઓ શીતને લઇને કાંપી ગયા.સૌ શ્રીકૃષ્ણના ચરણમાં આવી પહોંચ્યા.ભગવાન પણ ઇન્દ્રના ઉપદ્રવને જાણી ગયા.ભગવાને એક શ્રીહસ્તથી ગોવર્ધનપર્વને ધારણ કર્યો.જેમ બાળકો રમતા રમતા ગોબરના છત્તા ઉખાડી હાથમાં લઇ લે છે તેમ ભગવાને એક જ હાથે મહાન ગોર્વધન પર્વતને ઉઠાવી છત્રીની જેમ ધારણ કર્યો .સર્વ વ્રજવાસીઓને એમની ગાયો તથા બીજી સામગ્રી સાથે પર્વત નીચે આવીને આશ્રય લેવાનો આદેશ આપ્યો.સૌએ એમના આદેશનુ પાલન કર્યું.આવી રીતે અનંત યોગ બળથી સતત સાત દિવસ સુધી પર્વત નીચે સૌની રક્ષા કરી..ભગવાનની આજ્ઞાથી સુદર્શન ચક્રે પર્વતની ઉપર સ્થિત રહી જળ પી લીધું અને નીચે કુંડલાકારમાં શેષનાગે જળ પ્રવાહ રોકી લીધો.ભગવાન શ્રીકૃષ્ણની અચિંત્ય યોગશક્તિ જોઇને ઈન્દ્રને આશ્ચય થયું.ઇન્દ્રનુ ઘમંડ ઓગળી ગયુ.મેઘોને વરસાદ ન વરસાવાની આજ્ઞા કરી. વસાદ બંધ થયો એટલે વ્રજવાસીઓ પોતાના સ્થાનો પર પાછા ફર્યા.વ્રજવાસીઓના જીવનમાં આ પ્રસંગ અવિસ્મરણીય રહ્યો.

ભગવાન શ્રીકૃષ્ણે ગિરીરાજને મૂળ સ્થાને મૂકી દીધો.ઇન્દ્રે ભગવાન પાસે ક્ષમા માંગી.શ્રીકૃષ્ણે ક્ષમા આપતા કહ્યું કે તારા ઐશ્વર્ય અને અધિકારને લીધે તારામા આવેલ અભિમાનને દૂર કરવા માટે જ આ યજ્ઞ બંધ કરાવેલો.આ અવસરે એરાવતે આકાશગંગાના જળથી અને કામધેનુ ગાયે દૂધથી ભગવાન શ્રીકૃષ્ણનો અભિષેક કર્યો. જેથી ગોવિંદ કહેવાયા.ભગવાન શ્રીકૃષ્ણે વ્રજવાસીઓને કહ્યું કે હવેથી દર વર્ષે ગોવર્ધન પૂજા કરી અન્નકૂટનો પર્વ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવવો.ત્યારથી વ્રજવાસીઓ ગોર્વધન પૂજા કરવા લાગ્યા.

હિંદુ મંદિરોમાં નવા વર્ષનો પ્રથમ ઉત્સવ અન્ન કોટ ઉજવાય છે.આ ઉત્સવે તમામ હિંદુ મંદિરોમાં સ્થાન ગ્રહણ કર્યું છે.

વલ્લાભાચાર્ય સ્થાપિત પુષ્ટિમાર્ગમાં અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અન્નકૂટ મહોત્સવ ઉજવાય છે.અન્નકૂટ ધરાવાની ખાસ રીત છે જેનુ ચુસ્ત પાલન પુષ્ટિમાર્ગમા કરાય છે.

ગોર્વધન પૂજા બલિ પ્રતિપદા,અન્નકૂટ પૂજા,ગુજરાતી નવુ વર્ષ તરીકે ઉજવાય છે.ભારતીય લોક જીવનમા આ પર્વનુ અધિક મહત્વ છે. આ દિવસે ગાયના ગોબરથી ગોર્વધન પર્વત બનાવાય છે. ગોર્વધનજીની ગોબરથી સુતા હોય એવા પુરુષની આકૃતિ કરી બનાવાય છે.નાભિના સ્થાને માટીનો દિવો પ્રગટાવાય છે. સવારમાં આ પ્રતીકાત્મક ગિરીરાજજીનુ પૂજન થાય છે. પુષ્પો,લતાપતાથી શણગાર કરાય છે.સંધ્યા સમયે ધૂપ,દીપ,નૈવેદ્ય ધરાવાય છે.પૂજા પછી સાત પરિક્રમા થાય છે.આ સમયે ગાયોને ખાસ નિમંત્રણ અપાય છે.ગાયોને શણગારાય છે.શાસ્ત્રોઅનુસાર ગાય ગંગા સમાન પવિત્ર છે અને દેવી લક્ષ્મીનુ સ્વરુપ છે.ગોર્વધન પૂજા સેવા છે અને અન્નકૂટ ઉત્સવ છે.મનોરથ છે.

ગિરીરાજજીને લીલા સૂકા મેવા, શીરો ,દૂધની સામગ્રી ખીર,દાળ,કઢી,કઠોળ,શાકભાજી,વિવિધ પ્રકારની સુકવણી,ઇત્યાદી ધણા પ્રકારના ભોગ ધરાય છે.ચોખાનો મોટો ઢેર કરવામાં આવે છે જે અન્નકોટ કહેવાય છે.

અન્નકોટના દર્શન એ વૈષ્ણવો માટે એક અલૌકિક લહાવો છે.પુષ્ટિમાર્ગનો વિશિષ્ટ ઉત્સવ છે.

માદુર્ગાના નવ આધ્યત્મિક સ્વરુપ અને સ્ત્રીનુ જીવનચક્ર

ભારતીય સમાજમા નવરાત્રી દેશના દરેક રાજ્યોમા પરંપરાગત રીતે ઉજવાય છે.આ નવરાત્રી એટલે નવરાત.આ નવ દિવસોમા શક્તિપૂજા નવ સ્વરુપોની થાય છે.દસમો દિવસ વિજયનો દિવસ વિજ્યાદશમી,દશેરા તરીકે ભારતભરમાં ઉલ્લાસથી ઉજવાય છે.પિતૃપ્રધાન ગણાતા ભારતીય સમાજમાં આ તહેવાર સ્ત્રી શક્તિની આરધાના કરવાનું મહત્વ બતાવે છે.આમ તો વરસમા ચાર નવરાત્રી હોય છે, દિવાળી પછી મહામહીનામા માહી નવરાત્રી હોય છે.જે ગુપ્ત નવરાત્રી કહેવાય છે.

ચૈત્રી જે વસંતૠતુમા ઉજવાય છે.પ્રથમ દિવસે ગુડીપડવો અને નવમે દિવસે રામજન્મ રામનવમીના ઉત્સવ ઉજવાય છે.જે સમગ્ર ભારતમા ધામધૂમથી ઉજવાય છે.બીજી નવરાત્રી અષાઢ મહીનામા ગુપ્ત નવરાત્રી હોય છે.જે ગાયત્રી ઉપાસકો માટૈ મહત્વની હોય છે.શાકંભરી નવરાત્રી પણ કહેવાય છે.

શરદ એટલેકે આસોનવરાત્રી ખૂબ જ મહત્વની મહાનવરાત્રી છે.આ નવરાત્રી દરમ્યાન શક્તિના નવસ્વરુપોની પૂજા થાય છે.નવે નવ સ્વરુપ ચેતનાના સ્વરુપનુ છે. નવરાત્રીના નવ દિવસોમાંપાર્વતી,લક્ષ્મી અને સરસ્વતીના નવ સ્વરુપોની પૂજા થાય છે જે નવદુર્ગાના નવ સ્વરુપ છે.

નવરાત્રીના પ્રથમ દિવસેમાતાજીનું શૈલપુત્રી સ્વરુપ હોય છે.પર્વતની પુત્રી. શૈલપુત્રી એટલે કૈલાશ પર્વતની પુત્રી. ચેતનાનુ સર્વોચ્ચતમ સ્થાન.યોગીજન ચિત્તને મુલાધાર ચ્રકમા સ્થિત કરી આરાધના કરેછે.

બીજા દિવસે માતાજીનુ બ્રહ્મચારિણી સ્વરુપ હોયછે.બ્રહ્મ એટલે જે આદિ અને અંત નથી.સર્વ વ્યાપ્ત છે.સર્વ શ્રેષ્ઠ છે.માદુર્ગાનુ શાંતિપૂર્ણ સ્વરુપ.યોગીજન સ્વાદ્યિષ્ઠાનચર્કમા ચિત્ત સ્થિત કરી આરાધના કરે છે. માતાજીના ચરણોમાં મન એકાગ્ર કરે છે.બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરનારી.તપનુઆચરણકરનારી..ભગવાનશિવને પ્રાપ્ત કરવા તપ કર્યું હતુ. સાધક કુંડલિની શક્તિ જાગૃત કરવા સાધના કરે છે.

ત્રીજાદિવસે માતાજીનુ ચંદ્રઘંટાસ્વરુપ હોય છે.માતાનુ સ્વરુપ ઉગ્ર છે.ચંદ્રઘંટા એટલે ચંદ્ર જેઆપણા મનનુ પ્રતિક છે.આપણી સતત બદલાતી ભાવનાઓ અને વિચારધારાનુ પ્રતિક છે.ભાવના અને વિચારોમાં પણ ચેતના હોય છે.ઘંટા એટલે કે ઘંટ.ચઢાવ ઉતાર અનુભવતુ મન જ્યારે એકાગ્ર થઇ આરાધના કરે છ ત્યારે દૈવીય શક્તિ પ્રાપ્ત કરે છે. આ દિવસે યોગીજનનુ ચિત્ત મણીપૂર ચક્રમા સ્થિત હોય છે. માચંદ્રઘંટાની કૃપાથી અલૌકિક દર્શન થાય છે.દિવ્ય સુગંધોનો અનુભવ થાય છે અને દિવ્ય ધ્વનિયો સંભળાય છે.આ સમય સાધક માટે સાવધાનીનો હોય છે..

ચોથા દિવસે માતાજીનુ કુષ્માંડાનુ સ્વરુપ હોય છે.માતાજીનુ સ્વરુપ ખુશીનુ છે.કુષ્માંડનો અર્થ આમ તો શાકભાજીમા વપરાતુ કોળુ એવો થાય છે.મા કુષ્માંડા સુર્યલોકમાં વાસ કરેશછે.બ્રહ્માંડને ઉત્પન્ન કરવાનુ કારણ હોવાથી કુષ્માંડ નામ છે.સંપૂર્ણ સૃષ્ટિ એક ઉર્જાનો ગોળો છે જે ઉર્જા સૂક્ષ્મ છે અને વિશાળ પણ છે.આ સર્વ વ્યાપી ચેતનાનો અનુભવ કરાવનારી મા કુષ્માંડા છે. આ દિવસે સાધકનુ ચિત્ત અનાહતચક્રમા સ્થિત હોય છે.રોગ અને કષ્ટમાંથી મુક્તિ પામે છે

પાંચમાદિવસે માતાજીનુ સ્કંદમાતા સ્વરુપ હોય છે.આર્શીવાદ સ્વરુપ છે.સાધકનુ ચિત્ત વિશુદ્ધ ચક્રમા સ્થિત હોય છે.મોક્ષના દરવાજા ઉધાડનારી છે.સ્કંદમાતા જ્ઞાનની દેવી છે.ભગવાન કાર્તિકેયનું નામ પણ સ્કંદ છે.સ્કંદમાતા વ્યવહારિક જ્ઞાન અને સાથે સાથે ક્રિયા શક્તિ આપે છે.ક્રિયા કરવાથી જ જ્ઞાન ઉપજે છે અને જ્ઞાન હોય તો જ ક્રિયા કરવાની શક્તિ મળે છે.

છઠ્ઠા દિવસે માતાજીનુ કાત્યાયની સ્વરુપ હોય છે.માદુર્ગાની દીકરી સમાન સ્વરુપ છે.આ દિવસે સાધકનુ ચિત્ત આજ્ઞા ચક્રમા હોયછે.સૂક્ષ્મ,અર્દશ્ય,અવ્યક્ત જગતની સત્તા મા કાત્યયાની પાસે છે.કાત્યાયનૠષિના ઘરે જન્મ હોવાથી કાત્યાયની કહેવાય છે.ગોપીઓએ કૃષ્ણની પ્રાપ્તિ માટે કાત્યાયની પૂજન કર્યુ હતુ.કુંવારી કન્યાઓ આ વ્રત કરે છે.વ્રજમંડલની અધિષ્ઠાત્રી દેવી છે.મા કાત્યયાની નકારાત્મકતાનો વિનાશ કરે છે.સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે.

સાતમા દિવસે માતાજીનુ કાલરાત્રી સ્વરુપ હોય છે.ભયંકર સ્વરુપા છે.આ દીવસે સાધકનુ ચિત્ત સહસ્ત્રાચક્રમા સ્થિત હોય છે એટલે ભાનુ ચક્ર કપાળની વચ્ચે.ભાનુ ચક્ર જાગૃત થવાથી સિદ્ધિઓ આપમેળે જ પ્રાપ્ત થાય છે.

બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિયોનો અનુભવ થાય છે.માતાજીનુ કાલરાત્રી સ્વરુપ ઉગ્ર છે.સંપૂર્ણ સૃષ્ટિમા સૌથી વધુ ભયાવહ સ્વરુપ છે પણ માતૃત્વને સમર્પિત છે.જ્ઞાન અને વૈરાગ્ય પ્રદાન કરે છે.અંધકારમય સ્થિતિયોંનો વિનાશ કરનારી શક્તિ છે.માતાજીના ત્રણ નેત્રો છે. કેશ ખુલ્લા છે અને ગર્દભ પર સવાર છે.રુપે કાળા છે પણ શુભ ફળ આપે છે.

આઠમા દિવસે માતાજીનુ મહાગૌરી સ્વરુપ હોય છે.માપાર્વતી અને પવિત્રતા સ્વરુપ છે.મહાગૌરી સૌન્દર્યથી ભરપૂર છે.કરુણામયી છે.અલૌકિક રુપ છે.મહાગૌરીની અનુભૂતિ માતાજીનુ ધ્યાન કરવાથી થાય છે.હાથમા ડમરુ કરે છે એટલે શિવનુ પ્રતિક છે.મા નુ સ્વરુપ જ્ઞાની છે.આ દિવસે યોગીજનનુ ચિત્ત સોમચક્ર એટલે કે ઉધ્વ લલાટ પર સ્થિર હોય છે.માતાજીની આરાધનાથી અસંભવ કાર્યને સંભવ કરી શકાય છે.

નવમા દિવસે માતાજીનુ સિદ્ધીદાત્રી સ્વરુપ હોય છે.સરસ્વતીનુ સ્વરુપ છે .વિદ્યાર્થિઓઓ માટે બહુ લાભકારી છે.સિદ્ધીનો અર્થ સંપૂર્ણતા.માતાજી પાસે અણિમા,મહિમા,પ્રાપ્તિ,પ્રકામ્ય,ગરિમા,લધિમા,ઇઁશિત્વ,વશિત્વ એમ આઠ સિદ્ધીઓ છે.સિદ્ધદાત્રી ભૌતિક જગતમાં આગળ વધવા આર્શીવાદ આપે છે એટલે મનોકામના પૂર્ણ કરનારી છે. આ દિવસે સાધકનુ ચિત્ત નિર્વાણ ચક્રમા એટલે કે કપાળની મધ્યમાં સ્થિત હોય છે.

નવરાત્રીના નવે નવ દિવસ શ્રદ્ધાપૂર્વક માતાજીનુ ધ્યાન ધરવાથી સિદ્ધદાત્રી આઠ સિદ્ધી આપે છે.ભગવાન શિવે તપસ્યા કરીને અષ્ટસિદ્ધી માતાજી પાસેથી પ્રાપ્ત કરી હતી.શિવજી સિદ્ધદાત્રીને કારણે અર્ધ્દનારીશ્વર કહેવાયા.

હનુમાનચાલીસામા “અષ્ટસિદ્ધી નૌ નિધી કે દાતા,અસ બર જાનકી માતા.”

હનુમાનજીને અષ્ટસિદ્ધી દુર્ગાસ્વરુપ માતા જાનકીએ આપી છે.

નવદુર્ગા નવ સ્વરુપ સ્ત્રીના જીવનચક્નુ દર્શન કરાવે છે

કન્યાજન્મ શૈલપુત્રી સ્વરુપ છે. સ્ત્રીની કુમારી અવસ્થા બ્રહ્મચારિણી સ્વરુપ છે.વિવાહ ન થાય ત્યાં સુધી ચંદ્ર સમાન નિર્મલ હોય છે જે ચંદ્રઘંટા સ્વરુપ છે.ગર્ભધારણ કરી નવા જીવને જન્મ આપે ત્યારે કૂષ્માંડા સ્વરુપ છે.સંતાનને જન્મ આપ્યા પછી સ્કંમાતા સ્વરુપ છે.સંયમ અને સાધના રુપે કાત્યાયની સ્વરુપ છે. પતિની રક્ષા કરનારી કાલરાત્રી સ્વરુપ છે.કુટુંબ સંભાળનારી મહાગૌરી સ્વરુપ છે.ધરતી છોડીને સ્વર્ગ પ્રયાણ કરતા પહેલાં પોતાના સંતાનને સર્વ સિદ્ધિ સુખ સંપદાના આર્શીવાદ આપે છે તે સિદ્ધિદાત્રી સ્વરુપ છે.

ગણપતિને પ્રિય પવિત્ર દૂર્વા .

ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓ છે તે બધા જ પર્યાવરણના કોઇને કોઇ તત્વ સાથે સંકળાયેલા છે..પર્યાવરણની સજીવ સંપત્તિમા વનસ્પતિ એટલે કે હરિયાળી.આવી જ એક વનસ્પતિ છે દૂર્વા.જેને ધરો પણ કહેવાય છે.

ગણપતિ પૂજનમા ધરો પવિત્ર અને માંગલિક માનવામાં આવે છે.દૂર્વા શબ્દ દુ: અને અવમ પરથી બને છે.દૂ:એટલે દૂર હોવુ અને અવમ એટલે જે પાસે લાવે.ગણેશજી પવિત્ર દૂર્વાથી નજીક આવે છે.

આ વનસ્પતિ પાણીના અભાવથી સુકાઇ જાય તો ફરી પાણી મળતા લીલીછમ થઇ જાય છે.એક જગ્યાએથી મૂળ સાથે ખેંચી બીજે રોપવામાઆવે તો પણ ફરી ઉગી નીકળે છે.અલગ અલગ ટુકડાઓમાં વહેંચાઇને પણ વૃદ્ધિ કરતી રહે છે. ધરોના આ ગુણથી પ્રેરણા મળે છે .દૂર્વાને અમૃતા,અનંતા,ગૌરી,મહૌષધિ,શત્પર્વા ભાર્ગવી જેવા નામથી પણ ઓળખાય છે.શ્રીવિષ્ણુને તુલસી,મહાદેવજીને બિલ્વપત્ર પ્રિય છે તેમ શ્રીગણેશને પત્ર રુપે દૂર્વા પ્રિય છે.તુલસી,બિલ્વ અને દુર્વા આયુર્વેદની દ્રષ્ટિએ ઉત્તમ ઔષધી છે.

દૂર્વામા કેલ્શિયમ પોટ્શયમ,ફાઇબર,પ્રોટીન,કાર્બોહાઇડ્રેટ જેવા ગુણો છે.દૂર્વાને લીલુ લોહી કહેવાય છે કારણકે દૂર્વાનો રસ લોહીની ઉણપ દૂર કરે છે. આ ધરો અટલે કે દૂર્વા ગૌરીપુત્ર ગણેશને અતિપ્રિય છે.આ એક પ્રકારનુ ઘાસ જછે પણ ગણપતિની પૂજા એના વિના પૂર્ણ નથી થતી.દરેક કાર્યની સફળતા માટે આપણે ગણપતિ પૂજન કરીએ છીએ.ગણપતિને પ્રિય મોદક અને દૂર્વા અર્પણ કરીએ છે.

પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મેં ભક્યા પ્રયતચ્છતિ

તદહં ભક્ત્યુપ્વહતમશ્રામી પ્રયતાત્મન..

જો મને કોઇ પ્રેમ અને ભક્તિથી એક પત્ર,એક પુષ્પ,એક ફળ કે જળ અર્પણ કરશે,હું તેનો સ્વીકાર કરીશ.

એક પૌરાણિક કથા અનુસાર અનલાસુર નામનો દૈત્ય ૠષિમુનીઓ અને લોકોને જીવતા ગળી જતો હતો.દેવી,દેવતાઓ અને ૠષિમુનીઓ ભગવાનશિવજીને પ્રાથના કરવા લાગ્યાશિવજીએ કહ્યું કે અનલાસુરને ગળી જવો પડશે જે ફક્ત ગણેશજી કરી શકશે.લંબોદર છે..શિવજીની આજ્ઞાથી ગણેશજીએ અનલાસુર સાથે યુદ્ધ કર્યું.ગણેશજી આ યુદ્ધ દરમ્યાન અનલાસુરને ગળી ગયા.ગણેશજીના પેટમાં બળતરા થવા લાગી.ત્યારે મુની કશ્યપે દૂર્વાની ગાંઠ બાંધી ગણેશજીને આપી..ગણેશજીની સમસ્યા દૂર થઇ.ત્યારથી ગણેશજીને દૂર્વા ધરાવાની માન્યતા છે.

દૂર્વા ધરાવાની એક વિધી હોય છે.ગણેશજીને કંકુ,ચોખા,ધૂપ દીપ અને મોદક અર્પણ કરી એકવીસ દુર્વા ધરાવાય છે.ગણપતિના દરેક નામ સાથે બે બે દુર્વા ગણપતિને ધરાવાય છે.આ નામ છે.

ઓમ ગણાધિપાય નમ:

ઓમ ઉમાપુત્રાય નમ:

ઓમ વિધ્નનાશાય નમ:

ઓમ વિનાયકાય નમ:

ઓમ ઇંશપુત્રાય નમ:

ઓમ સર્વસિદ્ધિપ્રદાય નમ:

ઓમ એક દંતાય નમ:

ઓમ ઇભવક્ત્રાય નમ:

ઓમ મૂષકવાહનાય નમ:

ઓમ કુમારગુરવે નમ:

ત્યાર બાદ શેષ દૂર્વા ધરાવી દેવા.

દૂર્વાની નીચેનો ભાગ એક હોય છે પણ ઉપર તરફ ત્રણ ભાગમા દેખય છે.દૂર્વાના ત્રણેય ભાગમાં ગણેશજી,શિવજી અને માતા પાર્વતિનો વાસ હોય છે.

દૂર્વા કુમળા હોવા જોઇએ.જે બાલતૃણમ કહેવાય છે.ગણપતિની મૂર્તિના મુખારવિંદને છોડીને સંપૂર્ણ ગણપતિમૂર્તિને દૂર્વાથી શણગારાય છે.દૂર્વાની સુગંધ ગણપતિની મૂર્તિમાં સંગ્રહિત થાય છે.આ મૂર્તિ સમાકારિકત્વ ગ્રહણ કર્યુ એમ કહેવાય. જાગૃત મૂર્તિ કહેવાય છે.દિવસમાં ત્રણ વાર પૂજા કરી નવા તાજા દૂર્વા ધરવામાં આવે છે જેથી કરીને દૂર્વાની સુગંધ સતત ગણેશજી સમક્ષ રહે.આ રીતે નકારાત્મક ઉર્જાઓને દૂર કરાય છે.મૂર્તિમાં દેવત્વ વધે છે.ચૈતન્ય સ્તરનો લાભ થાય છે.દૂર્વામાં ગણેશતત્વને મૂર્તિમાં સ્થાપિત કરવાની ક્ષમતા વધારે હોય છે.તેથી ગણેશજીને દૂર્વા અર્પણ કરાય છે.

દૂર્વાની માંગલિક ભાવના છે.પોતે ટુકડામા વહેંચાઇને પરિવારની વૃદ્ધિ કરતા રહે છે.સુકાઇ ગયા પછી ફરી પાણી મળતા લીલાછમ થાય છે.દૂર્વાને પૂજા કરતી વખતે ફૂલ સાથે ધરાવીને એવી ભાવના કરાય છે કે ધનના અભાવે કે મંદીના કારણે કાર્ય અટકે નહીં અને ફરી ધન પ્રાપ્તિ કરીને કામકાજ અને વ્યાપારમા તેજી આવે.

દૂર્વાની ધાર્મિક માન્યતા તો છે જ પણ દૂર્વાના અનેક ઉપયોગ આપણને ફાયદાકારી છે.શીતળતા આપનાર છે.સવારે સુર્યોદય પહેલા ધાસ પર ખુલ્લા પગે ચાલવુ આંખોની જ્યોતિ વધારે છે,દિવસ દરમ્યાન તાજગી બક્ષે છે.માનસિક તણાવ દૂર થાય છે.ડાયાબિટીસના દર્દીઓ માટે ઔષધી રુપ છે.કબજીયાત.માથાનો દુ:ખાવો,મોઢામા પડતા છાલા જે પિત્તની બીમારીઓ છે.આ તકલીફોમા દૂર્વાનો રસ ફાયદો કરે છે.

દૂર્વા મંગળકારી ,પાપનાશક અને અમૂલ્ય વનસ્પતિ છે.

ગુરુ મહિમા

ભારતવર્ષની પોતાની એક આગવી ઓળખ રહી છે જેને કારણે પ્રાચીન કાળથી લઇને આજ સુધી ભારત વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે .આધ્યાત્મિક જ્ઞાનના વિસ્તાર હેતુ ગુરુ શિષ્ય પરંપરા પણ ભારતની એક વિશેષતા છે. આધ્યાત્મિક જ્ઞાનની જ્યોતિ પ્રગાટવી રાખવામા મુખ્ય આધાર છે.ભારતની ગુરુ પરંપરા વિશ્વ સમક્ષ એક શિક્ષક સમાન છે.

ભારતીય સાહિત્યની રચનાઓનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ પુરાણો કહી શકાય.ભારતીય ભાષાઓ અનેક ચઢાવ ઉતારમાંથી પસાર થઇ છે.અગિયારમીથી કરીને ઓગણીસમી સદીના મધ્યભાગ સુધીમાં થયેલ મુખ્ય સંપ્રદાયો અને સંપ્રદાયોના સાહિત્યમાંથી ગુરુ મહીમાનુ મહત્વ જાણવા મળે છે.ગુરુનુ ભારતીય સમાજમાં શું સ્થાન છે? ગુરુનો પ્રભાવ અને ગુરુ તત્વશું છે .ગુરુભક્તિની પરંપરા આજે પણ સતત એક ધારી ચાલે છે.

જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઇજાય,જન્મમરણના ચક્રમાંથી મોક્ષ અપાવે,તે ગુરુ.વૈદિક ધર્મમાં,આ જવાબદારી સ્વંય ભગવાને લીધી.ભગવાને વેદ આપ્યા,વેદોનું જ્ઞાન આપી અજ્ઞાન દૂર કર્યું,એટલે પહેલા જગદગુરુ ભગવાન પોતે છે,

ગુરુ ગોવિંદ દો એક હૈ,દોનોમેં ના કોઇ ભેદ

ગુરુ સ્વરુપ ગોવિંદ જાનો,ગોવિંદ હી ગુરુ રુપ.

વિશ્વના સર્વ ધર્મગ્રંથોમાં ગીતાનું તત્વ જ્ઞાન પરમ સત્ય છે.ગીતાનુ જ્ઞાન આપનાર શ્રીકૃષ્ણ છે.તેથી મુનિઓએ વંદન કરતાં કહ્યું છે “કૃષ્ણંમ વંદે જગદગુરુ.”

બધા જ ધર્મો અને સંપ્રદાયોમાં ગુરુની અનિવાર્યતા એ પ્રધાન સુર છે.ગુરુ કર્યા વગર આધ્યત્મ માર્ગમાં આગળ વધાતું નથી.મનુષ્યના જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા ગુરુનું માર્ગદર્શન અઆવશ્યક છે.

જગતમાં જનની,જનક અને ગુરૂનું ૠણ કદી ચૂકવી શકાતું નથી.પૌરાણિક ઇતિહાસ મુજબ સૌ પ્રથમ ભગવાનવેદવ્યાસનું પૂજન નૈમિષ્યારણમાં વસતા સૌનક ૠષિએ કર્યુ હતું. વેદવ્યાસજીની કૃપાથી સૌનકૠષિને આત્મજ્ઞાન થયું.વેદવ્યાસજીને ગુરૂ માની પૂજન કર્યું તે દિવસ આષાઢી પૂનમનો હતો.આ દિવસને “ગુરૂ પુર્ણિમા”નું નામ મળ્યું.અને મહાપર્વ તરીકે આજદીન સુધી ઉજવાય છે.

વૈદિકકાળ અને ગુરુ મહિમા. ગુરુકુળ પ્રથા એ પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થા હતી.શિષ્યો પોતાના પરિવારથી દૂર ગુરુના છાત્રાલયમા રહી અભ્યાસ કરતા.સ્મૃતિમાં જણાવ્યા અનુસાર ઉપનયન સંસ્કાર બાદ શિષ્યો ગુરુની દેખરેખમા પોતાનુ શિક્ષણ પુરુ કરવું જોઇએ.શિષ્યો ગુરુના પરિવાર સાથે રહેતા.ગુરુ પત્નીનો આદર રાખતા.ગુરુ પોતાના શિષ્યો પર પુત્ર સમાન પ્રેમ રાખતાગુરુ આધ્યાત્મિક પિતા કહેવાતા.તેમના જીવનનું અને ચરિત્રનું ઘડતર કરતા.આ શિષ્યોને અંતેવાસી કહેતા.ગુરુ શિષ્યનો સંબંધ પારસ્પરિક કર્તવ્યો પર હતો.રાજાઓ રાજ્યનો વહિવટ કરવા ગુરૂનું માર્ગદર્શન લેતા.વશિષ્ઠજી રાજા દશરથના રાજકાજના સલાહકાર હતા શ્રીરામજી મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે પણ દશરથરાજાના પુત્રોનેવશિષ્ઠજીએ તાત્વિક જ્ઞાન આપ્યું.શ્રીકૃષ્ણજીના ગુરુ સાંદિપની એ શ્રીકૃષ્ણજીને ચોસઠ કળામાં પારંગત કર્યા.શ્રીકૃષ્ણજી સંપૂર્ણ અવતારી પુરુષ હતા છતાં પણ અભિમાનનો ત્યાગ કરી ગુરુ આજ્ઞાનુ પાલન કરતા.ગુરુ દ્રોણાચાર્યેપાંડવોને અજેય કર્યા, એકલ્વ્યને માટે અજોડ ઉદાહરણ રહ્યા.રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદનું નામ દુનિયામા આજે પણ ગુંજે છે.આમ ગુરુની ઓળખ શિષ્યે સમાજને આપી છે.

ગુરૂશિષ્યનો સંબંધ માત્ર એક જન્મ પુરતો નથી પણ જન્મોજન્મનો છે.

ગુરુનું શરણ આધ્યત્મિક જ્ઞાન મેળવવા માટે અનિવાર્ય મનાતું.ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર.સાચો ઉચ્ચાર છે “ગુરૂ સાક્ષાત પરં બ્રહ્મ”નિર્ગુણ સંપ્રદાયમા શિવ બ્રહ્મ તત્વ છે અને સગુણ ભક્તિ સંપ્રદાયમા કૃષ્ણ,રામ આદિ છે પણ ઉપર એક પરબ્રહ્મ તત્વ છે.

મધ્યકાળમાં કેટલાક શિષ્યો ગુરુ કરતાં આગળ નીકળી ગયા હતા જેમ કે અખો.મધ્યકાળમાં કવિ અને ભક્તોએ ગુરુ મહિમા ગાયો છે જે સાહિત્યમાં મળશે જ.કારણકે આ કાળમાં મુસ્લિમરાજાઓના આક્રમણોએ મૂર્તિઓ તોડતાં જનમાનસની લાગણીઓ ઘવાઇ.જનમાનસ હતાશ થઇ ગયું.મૂર્તિ સાથે જોડાયેલી ધાર્મિક શ્રદ્ધાને ઠેસ પહોંચી. મધ્યકાલીન ભારતમાં સૈકાઓ સુધી ચાલેલા ભક્તિ આંદોલનોએ જાતિવાદ પર પહેલો કુઠારાધાત કર્યો.ઉચ્ચ જાતિની ધર્મસંસ્થા પર મજબૂત પકડ તોડવાનું કામ કર્યું.કહેવાતી અને મનાતી નીચી જાતિઓમાંથી આપણને ઉંચા ઉંચા સંતો મળ્યા.આવા સમયે ગુરૂના ઉપદેશોએ એક મનોવૈજ્ઞાનિક સમાન કાર્ય કર્યુ હતું. પ્રજાના લાગણીશીલ જીવન સાથે ગુરૂ જોડાઇ ગયા.ગુરુના મર્મરુપી ઉપદેશપરમ શાંતિ આપતા.ગુરુને દેવ સમાન માની પૂજન અર્ચનની પ્રણાલીનું વર્ણન સંતોના ભજનમાં સાંભળી શકાય છે. સંપ્રદાયોની સ્થાપના થઇ જ્યાં સાંપ્રદાયિક ગુરુ પરંપરાઓ છે ત્યાં ગુરુ મહિમાના પદો અને ગુણગાનના પદો જોવા મળે છે.

ભારતીય ચિંતન અને આધ્યાત્મ ક્ષેત્રમા ગરૂનું સ્થાન વિવાદ રહીત છે.મધ્યકાલીન કવિઓની રચનામા ગુરૂમહિમાનું વર્ણન સંપૂર્ણ વૈદિક છે.એટલે ગુરૂ મહિમા અનાદિકાળથી વૈદિકયુગથી પ્રસ્થાપિત થયેલી છે.પ્યાલા,ગહુંલી,છપ્પા,પદ,સાખી,ભજનના સ્વરુપે ગવાયેલા જોવા મળે છે.

ગુરૂમહિમા ગાતી વખતે ભગવાન દત્તાત્રેયને કોટી કોટી વંદન.શૈવ,વિષ્ણુ અને શાક્ત સંપ્રદાયોને એકત્ર કરનાર ગુરૂ દેવદત્તનો પ્રભાવ સમગ્ર સૃષ્ટિમાં છે.ભગવાન દત્તાત્રેયને બ્રહ્મા,વિષ્ણુ,મહેશ ત્રણેના સ્વરુપ માનવામાં આવે છે.ઇશ્વર અને ગુરૂ બંને રુપે પૂજનીય છે.ભગવાન દત્તાત્રયમાં નાથ સંપ્રદાય,મહાનુભાવ સંપ્રદાય,વારકરી સંપ્રદાય અને સમર્થ સંપ્રદાય શ્રદ્ધા ભક્તિ ધરાવે છે.

ગુરૂપરંપરાને આજે પણ ટકાવી શક્યા હોય તેવાં સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંપ્રદાય છે.આ સંપ્રદાયનો ઉદય એ ગુજરાતના ધાર્મિક અને સામાજિક જીવનની નોંધપાત્ર ઘટના કહી શકાય.આ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામી.શ્રી સહજાનંદ સ્વામીએ તત્વજ્ઞાનની વાતો વધુ નથી કરી પણ “શિક્ષાપત્રી”ગ્રંથમાં નીતિનિયમો આપી આચાર વિચાર શીખવ્યા છે.લોકભાષાનો ઉપયોગ કરી આખ્યાનો આપી લોકોના મન સુધી પહોચ્યા. .રોજબરોજના પ્રસંગોમાંથી દ્રષ્ટાંતો આપ્યાં અને તાત્વિક વાતો સરળ બનાવી સમાજ સમક્ષ મૂકી.તેમના પાંચસો સંત જે પરમહંસ તરીકે ઓળખાતા.તોઓ સમાજને ખૂણે ખૂણે પહોંચી ગયા અને આધ્યાત્મ,સાહિત્ય અને સમાજસેવા કરી.આ સંતોએ વિપૂલ પદ્યરચનાઓ કરી સાહિત્યમાં યોગદાન કર્યું જેમાં બોધના પદો દ્વારા સામાજિક દુષણ જેવાકે જુગાર, દારુ,પરસ્ત્રીગમનથી મુક્ત થવાની શિખામણ આપી.આવોજ એક સંપ્રદાય છે વારકરી સંપ્રદાય જે મુખ્યત્વે મહારાષ્ટ્ર,કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વ્યાપ્ત છે.પુંડલીક,જ્ઞાનદેવ,એકનાથ મુખ્ય સંતો થઇ ગયા.આ સંપ્રદાયમા ગુરૂ પોતાના શિષ્યોને પરંપરાગત જ્ઞાન આપી આધ્યત્મ અને ભક્તિ માર્ગે આગળ વધારે છે.અષાઢી એકાદશીના દિવસે પગપાળા યાત્રા કરી, ભજન કીર્તન કરતા પંઢરપૂર જવું એ આ સંપ્રદાયનું મુખ્ય કાર્ય છે જે આજસુધી અવિરતપણેચાલે છે.આ સંપ્રદાયમાં કોઇ જાતિભેદ નથી..ભગવાનશ્રીકૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે પુષ્ટિ સંપ્રદાય.આપણા પાચમા આચાર્ય શ્રીવલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગની સ્થાપના કરી. સમાજના દરેક વર્ગના લોકોનો આ સંપ્રદાયમાં સમાવેશ થાય છે.રાગ,ભોગ અને શૃગાંરથી બાળકૃષ્ણની ગૃહ સેવા શીખવનાર એક માત્ર સંપ્રદાય છે.પુષ્ટિ માર્ગ એટલે કૃપા માર્ગ.શ્રી હરિ કૃષ્ણ,ગુરુ શ્રી મહાપ્રભુજી અને ભગવદીયો વૈષ્ણવો,એટલે પુષ્ટિ માર્ગ.

મધ્યકાલીન સંતોએ ગુરુની સ્પષ્ટ ઓળખ આપી છે. આજના સમયમાં ગુરૂ કેવા હોવા જોઇએ અને કેવાં કરવા જોઇએ .ગુરુમહિમાતો આજે પણ ગવાય છે,પણ ગુરુ કોણ અને કેવા? એ આજના અસ્થિર સમયમાં સવાલ કરે છે.જેનો જવાબ સાચો નહીં મળે.ગુરુ મોક્ષ અપાવે છે એ સૌ કોઇ સ્વીકારે છે.પણ આજના દોડભાગના જીવનમાં પરંપરાગત નિયમો પાળવા કોઇને સ્વીકાર્ય નથી અવારનવાર સાંભળવા મળતા કૌભાંડ,અમુક અંધશ્રધ્ધાઓના પ્રચાર,આર્થિક માંગણીઓથી જનમાનસનો વિશ્વાસ ગુરુ પરંપરાથી દૂર થવા લાગ્યો છે..એટલે આ મધ્યકાલીન પરંપરા લુપ્ત થવા જઇ રહી છે.આજની પેઢીને ગુરુ શબ્દથી જ અશ્રદ્ધા જાગે છે કારણકે ગુરુવેશધારી પાખંડીઓ સમાજમાં વધી ગયા છે.તો શિષ્યો પણ એટલા પાત્રતા સભર નથી રહ્યા.સંસ્કાર અને સંસ્કૃતિ સામે આ મોટો પડકાર છે.

ગુરુ વાણી વેદ સમાન છે.,વેદવ્યાસજીના સંભારણા એટલે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ.વિશ્વનો સૌથી મોટો ગ્રંથ મહાભારતના રચયિતા.વ્યાસજીના ચાર શિષ્યો.ચારેયને વ્યાસજીએ વેદોનું અમૂલ્ય જ્ઞાન આપ્યું.વૈશ્મપાયનને યર્જુવેદ,જૈમીનીને સામવેદ,સુમન્તને અર્થવેદ અને સુતજીને પુરાણોનું જ્ઞાન આપ્યું.સનાતન ધર્મના સાત ચિરંજીવીમાના એક વ્યાસમુની છે. ગુરુ કૃપાથી જ્ઞાન અને આત્મ દર્શન પ્રાપ્ત થાય છે.રામ કૃષ્ણ અવતારી પરુષો હોવા છતાં ગુરુ કર્યા અને ગુરુ પરંપરાનુ મહત્વ સમજાવ્યું છે.સંતમાં સાક્ષત ભગવાન બિરાજે છે.તમામ તીર્થનો વાસ હોય છે.

અત્યંત જોઇ ચકાસીને ગુરુ કરવા, જો દંભી ગુરુ મળી ગયા તો શિષ્યોના કર્યા કરાવ્યા ઉંધા પાડી દે છે.શિષ્યોનું શોષણ થાય છે.આસ્થાના સ્થાને આડંબર પ્રવેશ કરે છે.

કળીયુગના ગુરૂ

આજના સમયમાં જોકે ગુરુ તરીકે ઇન્ટરનેટ પર બિરાજમાન”ગુગલ મહારાજ” ચોવીસ કલાક જ્ઞાન આપનારા ગુરુ છે.પ્રત્યક્ષ નથી પણ આખી દુનિયાનું સંચાલન કરે છે.

કૃષ્ણં વંદે જગદગુરૂ

બુદ્ધ પૂર્ણિમા(વેસક હનમતસૂરી)

સંસ્કૃતમા વૈશાખ અને પાલી ભાષામા વેસક જેને બુદ્ઘ દિવસ તરીકે ભારત,નેપળ,તિબેટ,ભુતાનમા ઓળખવામાં આવે છે.થાઇલેન્ડ,કંબોડીયા,જાપાન,જેવા દેશોમા થ્રેવાદા,બુદ્ધહુદ,પરિનિર્વાણ,હનમતસૂરી નિમિત્તે ઉજવાય છે.
ભારતમા અવતારવાદનો ખ્યાલ વ્યાપક છે.નવ અવતાર જાણીતા છે.છેલ્લા અવતાર તરીકે ગૌતમબુદ્ધને સ્વીકારવામાં આવ્યા છે.ગૌતમબુદ્ધ મનુષ્ય.આગળના તમામ અવતાર દૈવીછે.ગૌતમબુદ્ધને કોઇ વરદાન નહોતું મળ્યું કે પોતે ભગવાન હોવાનો દાવો પણ નથી કર્યો.કઠોર તપ કરી,પ્રજ્ઞાશોધ અને આત્મપરીક્ષણથી બૌધિજ્ઞાન પ્રાપ્ત કર્યું

બૌદ્ધ ધર્મમાં શ્રધ્ધા રાખનારાઓનો આ એક મુખ્ય તહેવાર છે જે વૈશાખમહીનાની પૂર્ણિમાને દીવસે મનાવવામં આવે છે.ગૌતમ બુદ્ધનો જન્મ,જ્ઞાનની પ્રાપ્તિ અને મહાનિર્વાણ,વૈશાખી પૂર્ણિમા,આ એક જ દીવસે થયા જે અન્ય કોઇ મહાન વ્યક્તિ સાથે નથી થયું.બૌદ્ધ ધર્મના અનુયાયી આ પવિત્ર દીવસ ધૂમધામથી મનાવે છે.હિન્દુ માન્યતા પ્રમાણે ગૌતમબુદ્ધ ભગવાન વિષ્ણુનો અવતાર છે.પણ બૌદ્ઘ પંડિતો આ વાતનુ ખંડન કરે છે અને ભગવાન બુદ્નને એક ફિલસૂફ તરીકે માને છે.

563 ઇસા પૂર્વ શાક્ય ગણરાજ્યમા કપિલવસ્તુ, લુમ્બિની ,જે આજે નેપાળમા છે.ઈસાના ૬૦૦ વર્ષ, પૂર્વ ભારતમાં એક અદ્રિતીય રાજકુમારનો જન્મ થયો જે ધાર્મિક ત્યાગ,ઉચ્ચ આદર્શવાદ,મનુષ્ય માત્રમા પ્રેમ,આવા ગુણો સાથે એક અજોડ જન્મ કહેવાય.આ અવતાર “બુદ્ધ”ના નામથી વિખ્યાત છે,જેનો અર્થ છે જેને જ્ઞાન નો પ્રકાશ મળી ગયો.એમનુ નામ સિદ્ધાર્થ,એટલે એવી વ્યક્તિ જેણે પોતાનો ઉદેશ્ય પૂર્ણ કરી લીધો હોય.પિતા શુદ્ધોદન અને માતા માયાના પુત્ર ગૌતમ જે શાક્ય વંશના ઉત્તરાધિકારી હતા.ગોત્ર ગૌતમ હોવાથીગૌતમ,ગૌતમબુદ્ધ કહેવાયા.માતા પુત્રના જન્મ પછી સાત દીવસમા મૃત્યુ પામી અને માસી મહ્યાપતીએ ઉછેર કર્યો.નજીકના સંબંધમાં યશોધરા સાથે વિવાહ કર્યા,પુત્ર રાહુલ થયો.આગળ જતા રાહુલ પણ ગૌતમબુદ્ધનો શિષ્ય બન્યો.

બાળક સિદ્ધાર્થ જ્યારે પાચ દીવસનો હતો ત્યારે પિતા શુદ્ધોદને સો બ્રાહ્મણોને આમંત્રણ આપીને બોલાવ્યા.અને બાળક સિદ્ધાર્થના લક્ષણોનું અવલોકન કરી ભવિષ્યવાણી કરવા કહ્યું.આઠ બ્રાહ્મણોનું કહેવું હતુ કે આ બાળક આધ્યાત્મિક જ્ઞાન મેળવી બુદ્ધ થશે અથવા ચક્રવર્તી રાજા થશે જે સમસ્ત સંસાર પર રાજ કરશે.ગૌતમને દિવ્ય રથ પ્રાપ્ત થશે જેના ચાર પૈંડા ધરતીની ચારે દીશામાં ફરતા રહેશે. ન્યાય અને વિદ્યમાનના ધર્મચક્રની સર્વત્ર સૃષ્ટિમાં સ્થાપના કરશે.કૌડિન્ય નામના બ્રાહ્મણની ભવિષ્યવાણી હતી કે ગૌતમ ગૃહત્યાગ કરી બૌધ થશે,સંસારની અજ્ઞાનતાદૂર કરશે.પણ પિતા શુદ્ધોદન આ વાણી સ્વીકારી ન શક્યા.એમણે ગૌતમને ચક્રવતી રાજા બનાવવાની જ ઇચ્છારાખી.કૌડિન્યનાની આગાહી પ્રમાણે સિદ્ધાર્થ એક દીવસ ચાર પ્રતીક જોશે જે ગૃહત્યાગ કરવાની પ્રેરણા કરશે.એક વૃદ્ધ વ્યક્તિ,એક બિમાર વ્યક્તિ,એક સાધુ અને એક શબની સ્મશાન યાત્રા.રાજાશુદ્ધોધને ત્યારથી પુત્રને સંસારના દુ:ખોથી દૂર રાખવાનો સતત પ્રયત્ન કર્યો. આ સંસાર રંગરંગીલો છે,ક્યાય દુ:ખજ નથી એવો આભાસ ઉભો કર્યો જે એક વાસ્તવિક સુખની કેદ કહી શકાય જેમા વ્યક્તિ વૈભવી જીવન માણતો હોય.દુનિયાના સુખ દુ:ખની જાણે ગતાગમ જ ન હોય.મહેલના કામકાજ કરતા વૃધ્ધોને કાઢી મૂક્યા.સિદ્ધાર્થ નગરચર્યા કરે ત્યારે વૃધ્ધો,બિમાર પ્રજાને સિદ્ધાર્થના માર્ગથી દૂર કરાતા.ૠતુ પ્રમાણે મહેલમા સિદ્ધાર્થનો આવાસ સાથે નૃત્યાગનાઓ અને ગવૈયા મનોરંજન કરતા.શુદ્ધોદન એક શક્તિશાળી રાજા કહેવાયો કે પોતાના વિચારો પુત્ર પર થોપવા માંગતો હતો અને પુત્રને પોતાના વિચાર પ્રમાણે જગતને અનુભવ કરવા નહોતો દેવો.પણ ભાવીની ભિતરમાં શું છે એ કોણ જાણી શક્યું છે? ઇશ્વર કાઇં પોતેતો સિદ્ધાર્થને જ્ઞાન આપવા પૃથ્વી પર પ્રગટ થવાના હતા.?પણ છતાંય ધાર્યુ ધરણીધરનું જ થાય.અને એક દીવસ રાજ્યમા ફરતા ફરતા સિદ્ધાર્થની નજર એક વૃદ્ધ વ્યક્તિ પર પડી જે માંડ માંડ લાકડીને ટેકે ચાલતો હતો.સિદ્ધાર્થે રથના સારથીને પૂછ્યું કે આ વ્યક્તિ કેમ આવો છે? ચન્નાસારથીએ કહ્યું આ તો વૃદ્ધ વ્યક્તિ છે અને હવે શેષ જીવન આવું જ રહેવાનું.સિદ્ધાર્થ દુ:ખી મન સાથે મહેલમાં પાછા આવ્યા.શુદ્ધોદને બમણા જોરે નીતનવા પ્રયત્ન શરુ કર્યા.પણ સિદ્ધાર્થ સતત મનન કર્યા કરતા કે આમ કેમ? મોજ મજાના સાધનો પર જરાય ધ્યાન જ નહોતું.ફરી સિદ્ધાર્થની સમક્ષ બિમાર અને અશક્ત વ્યક્તિ,અને એક શબ યાત્રાનું દ્રશ્ય આવી ગયું.સિદ્ધાર્થ અને સારથી ચન્ના આગળ વધ્યા ત્યારે પીળા વસ્ત્રમાં સાધુને જોયા.સિદ્ધાર્થે સારથીને આ સાધુ વિષે પૂછતા સારથી ચન્નાએ કહ્યું આ સાધુ છે, સંસારનો ત્યાગ કરી સાધુ જીવન વ્યતીત કરે છે.ચન્ના સારથીએ સાધુ જીવનની પ્રશંસા કરી. સિદ્ધાર્થ મહેલમા વિચારશીલ મનોદશામાં પાછા ફર્યા. સિદ્ધાર્થે આખી રાત વિચારતા રહ્યા,તેમનો આ દુનિયા પ્રત્યેનો અભિગમ બદલાઇ ગયો. આજ સુધી જે ,વૈભવ અને સુખ સાહ્યબી એમને બતાવવામાં આવી હતી તેની બીજી બાજુ આ દુનિયા વ્યર્થ અને દુ:ખદાયી લાગવા માંડી.કેટલો દમનકારી અનેબોઝીલ છે આ સંસાર!એક સાચુ ચિત્ર નજર સમક્ષ આવી જવાથી સિદ્ધાર્થના વિચારોમાં બદલાવ આવી ગયો.તેમને એવું લાગ્યુ કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નયી..તેમણે ગૃહત્યાગ કરવાની તૈયારી કરી.પત્ની અને પુત્ર જ્યા નિદ્રા કરી રહ્યા હતા.છેલ્લીવાર જોવા ગયા.પણ કાઇ કહ્યા વગર નીકળી ગયા.સારથી ચન્ના અનેઘોડો કંથકાને લઇને મધરાતેરાજ્યની બહાર નીકળી ગયા.સિદ્ધાર્થે મુડંન કરી પળા સાધુ વસ્ત્ર અપનાવ્યા.સારથીને ઘોડા સાથે રાજ્યમા પરત ફરવા કહ્યું બૌદ્ધસાહિત્યમા વર્ણન છે કે ઘોડો સિદ્ધાર્થના ચાલ્યા જવાથી મરણ પામ્યો.અને બીજા જન્મમાં બૌદ્ધ આર્શીવાદ પામ્યોસિદ્ધાર્થને માનસિક પરીતાપ થવા લાગ્યો.જાણે કોઇ કહેતું હતું કે પાછો ફર,ચક્રવર્તી રાજા થઇ,દુનિયા પર રાજ કર.પોતાની સમગ્ર યાત્રા દરમ્યાન આવા અનુભવ વારંવારથયા હતા.પણ સિદ્ધાર્થે મક્કમતાથી આવા પ્રલોભનનો સામનો કર્યો હતો.ત્યારબાદ સિદ્ધાર્થ મગધ પહોચ્યા.ત્યાના રાજા બિંદુસારને જાણ થતા તેણે રાજ્ય આપવાનો પ્રસ્તાવ આપ્યો.સિદ્ધાર્થે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો.જ્ઞાનપ્રપ્તિ પછી મગધ ફરી આવશે એવું વચન આપ્યું અને પાળ્યું પણ.મગધ છોડી આલારશકલામ અને ઉદ્રકને ગુરુ કર્યા.પહેલા સાત ધ્યાનોની સાધના શીખ્યા.પરંતુ સંતોષ ન થતા ઉદ્રક રામપુત્ર પાસે આઠમુ ધ્યાન શીખ્યા.ત્યાંથી પ્રયાણ કરવા આજ્ઞા માંગી. ગુરુએ અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રસ્તાવ આપ્યો પણ સિદ્ધાર્થે નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો.સિદ્ધાર્થ ઉરુવેલા પાસે નિરંજના નદી તરફ ગયા જ્યા કૌડિન્ય પોતાના પાંચ શિષ્યો સાથે કઠોર તપસ્યા કરતા હતા.સિદ્ધાર્થ માત્ર ફળાહાર કરી તપ કરવા લાગ્યા.આવી કઠોર તપસ્યાથી એમનું શરીર ક્ષીણથવા લાગ્યું.ચક્કર આવવા લાગ્યા. તેમને થયું કૈ આવી રીતે આહાર વગર રહીશતો ધ્યેય કેમ સિદ્ધ થશે? આમ શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી..જ્ઞાન પ્રાપ્તી માટે સ્વસ્થ શરીર અને શુદ્ધ ચિત્ત આવશ્યક છે.જીવન અને ધર્મનું સત્ય સ્પષ્ટ થયું.ત્યાંના નગરશેઠની કન્યા સુજાતાના હાથની ખીર ગ્રહણ કરી પારણા કર્યા.સિદ્ધાર્થે મધ્યમ માર્ગ અપનાવ્યો.

વિહાર કરતા કરતા સિદ્ધાર્થ બિહાર ગયા પહોચ્યા અને એક વટવૃક્ષ નીચે સમાધીમા બેસી ગયા અને જ્યા સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમાધીસ્ત જ રહેવાની પ્રતિજ્ઞા કરી.સાત દીવસ સાત રાત અને આઠમે દીવસે,વૈશાખી પૂનમના દીવસે, જે જ્ઞાનની અનુભૂતિ થઇ એ આજે વિશ્વભરમાં પ્રચલીત છે.આ ધટનાને “સંબોધી”કહે છે અને વટવૃક્ષને “બોધીવૃક્ષ”કહે છે.પોતાની પ્રખર બુદ્ધિ અને પ્રજ્ઞા વડે સત્યનું આકલન કરી શક્યા.જ્ઞાન મેળવીને સિદ્ધાર્થ બેસી ન રહ્યા.આ ચાર આર્ય સત્ય દુ:ખ,દુ:ખનુ કારણ,દુ:ખનિવારણ અને દુ:ખનિવારણના ઉપાય.સિદ્ધાર્થે આ કાર્યને પોતાના જીવનનું મીશન બનાવી લોકો વચ્ચે જઇ તેમના માટે કાર્ય કરવા લાગ્યા.આત્મનિયમનનો માર્ગ બતાવ્યો.આ અષ્ટાંગ યોગ બૌધ ધર્મગ્રંથમા વર્ણિત છે.બ્રહ્મવિહારમાં મૈત્રી,કરુણા,મુદીતા અને ઉપેક્ષાની ભાવના બતાવી.

આધ્યાત્મિક ક્ષેત્રમા સત્યની શોધ માટે બુદ્ધિની આવશ્યકતા એટલે બુદ્ધ કહેવાયા.તેમણે ‘ધર્મચક્રપ્રવર્તન’માટેના કાર્ય શરુ કર્યા.સ્વજનોથી લઇ અનેક લોકોએ બોદ્ધધર્મ અપનાવ્યો.ધર્મપ્રસારમા 40 વર્ષ પસાર કર્યા.સદાચાર,અહિંસા અને ત્યાગની ભાવના એ જ ધર્મનો આધાર છે, આ ગૌતમબુદ્ધનો ઉપદેશ હતો.તેમણે હંમેશા લોકભાષામાં ઉપદેશ આપ્યા જેથી સમાજની દરેક વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકી. એ સમયમાં યજ્ઞો,કર્મકાંડો,અને બીજી ધાર્મિક વિધીઓમાં પશુપંખીઓની બલીના રુપે હિંસા થતી હતી.ગૌતમબુદ્ધે આવા દૂષણોનો વિરોધ કર્યો જેના કારણે આ રસ્તે આવક કરવાવાળા લોકોની આજીવિક ધટવા લાગી.પરિણામે દંભી લોકો બુદ્નને નાસ્તિક પૂરવાર કરવા લાગ્યા.પણ ગૌતમબુદ્ધ મૌન રહ્યા.અને દયા,કરુણા,અહિંસાનો ઉપદેશ આપતા રહ્યા.

જે નિત્ય અને સ્થાયી પ્રતીત હોય છે,એ પણ વિનાશી છે.જે મહાન છે એનું પણ પતન નિશ્ચિતછે,જ્યાં સંયોગ છે ત્યાં વિનાશ પણ છે.જ્યાં જન્મ છે ત્યાં મરણ નિશ્ચિત છે. આવા સારસ્વત વિચારોને આત્મસાત કરી સિદ્ધાર્થ બૌદ્ધ થયા.બૌદ્ધ ધર્મની સ્થાપના કરી જે આજે વિશ્વમાં પ્રમુખ ધર્મોમાંથી એક છે.

એક રાજા તરીકે નહીં પણ મહાન ઉપદેશક તરીકે સિદ્ધાર્થ “ચક્રવર્તી”થયા.દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ધર્મ બૌદ્ધધર્મ છે.35 કરોડથી પણ વધુ અનુયાયીઓ છે.

એંશી વર્ષની ઉંમરે વૈશાલી નજીક કુસિનારમાં વૈશાખી પૂર્ણિમાને દીવસે ઇ.સ.પૂર્વે 483માં બુદ્ધ નિર્વાણપામ્યા.તેમના નિર્વાણ પછી ધણાં વર્ષો પછી તેમના ઉપદેશોને ગ્રંથસ્થ કરવામાં આવ્યા.

“વિશ્વએ યુધ્ધ અને બુદ્ધમાંથી એકની પસંદગી કરવી પડશે” પંડિતનહેરુનુ આ વાક્ય આજે દુનિયાની પરિસ્થિતી છે એમાં સત્ય પૂરવાર થાય છે.

બદ્ધં શરણં ગચ્છામિ…ધ્મ્મં શરણં ગચ્છામિ સંધમશરણં ગચ્છામિ