શું શ્રીમદ્ ભાગવત્ ગીતા અને શ્રીમદ્ ભગવદ્ પુરાણમાં શું સામ્ય છે?

ભારતીય શાસ્ત્રો ભારતીય તત્વજ્ઞાનની આધારશીલા છે.ભારતીય સંસ્કૃતિનો અમૂલ્ય ખજાનો વેદ છે. વેદ એટલે જ્ઞાન.જ્ઞાન સનાતન છે. ઇશ્વરની વાણી સમાન વેદ ભારતીય તત્વદર્શનની આધારશીલા વેદ છે.સાંસ્કૃતિક વિરાસત એવા વેદ અને શાસ્ત્રોને સમજવા અને જાણવા આવશ્યક છે.

બુદ્ધિ હંમેશા સત્ય શોઘવાની કોશિશ કરે છે.આવશ્યક્તા જવાબની નહીં પરંતુ પ્રશ્ન સમજવાની છે.પ્રશ્ન સમજાય તો જવાબ મળે જ.

આપણા આધ્યાત્મિક શાસ્ત્રો પરમ સત્ય જાણવાનો પ્રયત્ન કરે છે. અર્જુન માટે કુરૂક્ષેત્રનુ યુદ્ધ પહેલી વાર નહોતું.અર્જુન પાસે યુદ્ધ લડવાનું કૌશલ્ય હતું.કૌશલ્યતા પરંપરાગત હતી.સગા સંબંધીઓ, વડીલો અને આચાર્ય સાથે યુદ્ધ કરતાં પહેલાં એના મનમાં વિષાદ જાગ્યો હતો.એવી રીતે રાજા પરિક્ષિત રાજ્ય કરવામાં નિપુણ હતા.શ્રીકૃષ્ણના સખા અર્જુન અને પ્રિય ભગીની સુભદ્રાના પુત્રના પુત્ર પરાક્રમી રાજા પરિક્ષિત હતા.અપમાનિત ઋષિ પુત્રના શ્રાપ મળતાં રાજપાટ છોડીને ભગવંત મહિમા સાંભળે છે.

અર્જુન જેવા મહાયોદ્ધાએ પ્રશ્નો કર્યા અને શ્રી ગીતાનું તત્વજ્ઞાન જગતને મળ્યું.અને રાજા પરિક્ષિતના પશ્ચાતાપ રૂપે શ્રીશુકદેવ સાથેના વાર્તાલાપમાં શ્રીમદ્ ભાગવત્ પુરાણ મળ્યું.

આપણા શાસ્ત્રો ઇશ્વરનું સંપૂર્ણ અને નિસ્વાર્થ જ્ઞાન આપે છે.શ્રદ્ધા, વિશ્વાસ અને સમર્પણ રાખવાથી ભક્તિ પ્રાપ્ત થાય છે.ભક્તિ જ્ઞાન આપે છે જે સત્કર્મ કરવા પ્રેરીત કરે છે.વિશ્વાસથી શ્રદ્ધા અને શ્રદ્ધાથી નિષ્ઠા.નિષ્ઠાથી કર્મ.

મહર્ષિ વ્યાસજીએ ચાર વેદોની રચના કરી.એટલે વેદ વ્યાસ કહેવાય છે.ઋગ,સામ,યજુ અને અર્થવ વેદ.વેદોના સાર એટલે ઉપનિષદ.આ ચાર વેદોનો સાર એટલે શ્રીમદ્ ભાગવત ગીતા.ગીતાને ગીતોપનિષદ કહેવાય છે.

મહર્ષિ વેદવ્યાસજીનુ સાહિત્ય સર્જન શાશ્વત છે.

ઉપનિષદ ગાયનું પ્રતીક છે.ગીતાને ગાયના દૂધ સમાન કહેવાય છે.શ્રીકૃષ્ણ ગોપાલ છે.વેદોનુ રક્ષણ કરે છે.અર્જુન વાછરડા સમાન છે જે દુગ્ધ પાન કરે છે.આ જગત વાછરડા સમાન છે.જેમ દુધ સંપૂર્ણ આહાર છે, વૈશ્વિક આહાર છે તેમ શ્રીગીતાનો સંદેશ જગત માટે છે.

વેદના કર્મ,જ્ઞાન અને ભક્તિના રહસ્યોને ઐતિહાસિક પ્રસંગો દ્વારા સમજવા અને ભગવાનની લીલાઓને સરળતાથી લોકભોગ્ય બનાવવા પુરાણોની રચના કરવામાં આવી છે.અન્ય દર્શન શાસ્ત્રો જટિલ છે.સામાન્ય મનુષ્યને માટે સમજવા અઘરા છે.પુરાણોની બોધકથાઓ અને દ્રષ્ટાંતો સરળ છે.પુરાણોની રચનાઓ મહર્ષિ વ્યાસજીએ કરી.

એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૌથી પહેલાં પુરાણની રચના કરી હતી.સાધારણ મનુષ્યને સહજ અને સરળ રીતે પ્રાપ્ત થાય એમ વિચારીને મહર્ષિ વેદવ્યાસજીએ આ પુરાણને અઢાર ભાગમાં વિભાજીત કર્યું છે.૧૬ ઉપપુરાણની રચના કરી છે.આ ૧૮ પુરાણને વિષ્ણુ પુરાણ, બ્રહ્મ પુરાણ અને શિવ પુરાણ એમ ત્રણ ભાગમાં ૬_૬ પુરાણોનો સમાવેશ કર્યો છે.

દરેક પુરાણમાં સૃષ્ટિની પ્રક્રિયા આલેખાયેલી છે.દરેક પુરાણોના અભ્યાસ પછી જાણકારી મળે છે કે પ્રત્યેક પુરાણની રચના પાછળ એક ઉદેશ્ય રહેલો છે.

ભારતીય સંસ્કૃતિની ધરોહર શ્રીમદ્દ ભાગવત્ ગીતા અને શ્રીમદ્ ભાગવત્ પુરાણ છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણના આરંભમાં ભક્તિનું જ્ઞાન થાય છે તો શ્રીમદ્ ભાગવત્ ગીતાના અંતમાં ભક્તિનું મહત્વ સમજવા મળે છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણ ભક્તિ અને જ્ઞાનનો સેતુ છે.સર્વ વેદોનો નીચોડ ભાગવત છે.શ્રીમદ ભાગવત્ ગીતા મહાભારતનો એક ભાગ છે.મહાભારતની રચના વેદ વ્યાસજીએ કરી છે.

ગીતામાં કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું વર્ણન મળે છે.મહાભારતના ભિષ્મ પર્વમાં શ્રીગીતાનું વર્ણન મળે છે.

મહર્ષિ વ્યાસજીએ ૧૭ પુરાણોની રચના કરી પણ માનસિક આનંદની અનુભૂતિ થતી નહોતી.નારદજીએ વ્યાસજીને કહ્યું,’તમે જ્ઞાનની ઘણી સાધના કરી છે, પરંતુ ભગવાનના ગુણગાન વગર સર્વ અધુરૂં છે.પ્રભુના ગુણગાન ગાવાથી પ્રભુ હ્રદયમાં પધારે છે.મન પ્રસન્ન થાય છે.’શ્રીવ્યાસજીએ સમાધિ ધારણ કરી.સમાધિમા થયેલી ભગવાનની લીલાઓની અનુભૂતિને શબ્દોમાં આલેખી છે જે શ્રીમદ્ ભાગવત્ તરીકે આપણને આજે પણ શ્રીકૃષ્ણ લીલાઓનો આનંદ આપે છે.શ્રીમદ્ ભાગવત્ વૈષ્ણવનો પરમ ધનરૂપ અને પુરાણતિલક રૂપ કહેવાય છે.ઋષિ વેદવ્યાસજીએ ભાગવત્ પુરાણની રચના કરી.પોતાના પુત્ર શ્રી શુકદેવજીને ભાગવત્ પુરાણ ભણાવ્યું.

શ્રી શુકદેવજીએ રાજા પરીક્ષિતને ભાગવત્ પુરાણનું વર્ણન કર્યું.પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના કહેવા પ્રમાણે કળિયુગમાં મનુષ્ય યોગ કરી શકશે નહીં.શ્રીમદ ભાગવતની રચના કળિયુગના જીવોનો ઉધ્ધાર કરવા માટે કરવામાં આવી છે.

ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ અને સંતો દૂરંદેશી હતા.

સૃષ્ટિના માનવજીવોના કલ્યાણ અર્થે ઋષિમુનિઓએ જ્ઞાનનો ઉપદેશ ગ્રંથો મારફતે આપ્યો છે જેને આપણે શાસ્ત્રો કહીએ છીએ.આ શાસ્ત્રો આપણને સતત સનાતન સિદ્ધાંતો શિખવાડે છે.આપણી શંકાઓનું સમાધાન કરે છે.

હિન્દુ પરંપરા મુજબ શ્રીમદ્ ભાગવત્ પુરાણ આશરે ઈ.સ. પૂર્વ ૩૧૦૦મા લખવામાં આવ્યું છે.શ્રીગીતાનો સમય કાળ આશરે ઇ. સ. પૂર્વ ૩૦૬૬ છે.જો કે આ વિષયમાં સંશોધન થયાં જ કરે છે. એવું પણ માનવાવાળા છે કે આવા કોઇ ગ્રંથ છે જ નહીં.રામ કૃષ્ણ પણ નહોતા.આ બધું કાલ્પનિક છે.અને વ્યર્થ વિવાદ ચાલાવે રાખે છે.કેમ યુદ્ધના મેદાનમાં જ ગીતા સંભળાવી?.કેમ અર્જુનને જ ગીતા સંભળાવી? શ્રીકૃષ્ણ તો ભગવાન હતાં તો કારાગૃહમાં કેમ જન્મ થયો? આટલા નાના બાળકે આવી લીલાઓ કેવી રીતે કરી?.

પણ યુગોના યુગ વીતી ગયા આપણાં ગ્રંથોનું મહત્ત્વ રહ્યું છે.આજે managementના અભ્યાસમાં શ્રીગીતાનો સમાવેશ થાય છે.corporate ક્ષેત્ર માં શ્રીગીતાના પ્રવચન થાય છે.

શ્રીમદ્ ભાગવત્ ગીતા એટલે અર્જુનનાં મનમાં યુદ્ધ સમયે ચાલી રહેલી ઉથલ પાથલનુ સમાધાન.કૌરવો અને પાંડવોની સેના જોઇને અર્જુનને યુદ્ધના પરિણામોથી લાખો લોકોના મૃત્યુનો ખ્યાલ આવે છે.ધનુષ્ય એક બાજુ મૂકી રથમાં નિરાશ થઇ બેસી જાય છે.ત્યારે સારથી બનેલા શ્રીકૃષ્ણજી ઉપબોધન કરે છે.અર્જુનના મનમાં યુદ્ધ પ્રત્યે નિરાશા આવે છે ત્યારે યોદ્ધા હોવાનો આત્મ વિશ્વાસ શ્રીકૃષ્ણજી જાગરૂક કરે છે.ત્યારે અર્જુન દ્વારા પૂછેલા પ્રશ્નોનાનુ સમાધાન કરે છે.આ સંવાદોની રચના એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા.

શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ.

શ્રીમદ્ ભાગવત્ ગીતા પ્રચલિત તત્વ જ્ઞાનનું એક સંકલન છે,યોગનો સમન્વય છે.આ પવિત્ર ગ્રંથ મોહ માયાથી પરે રહી આત્મા અને બુદ્ધિને અનુકુળ કરવાનું શીખવે છે.શ્રીગીતામા અર્જુન સમગ્ર માનવજાતનું પ્રનિધિત્વ કરે છે.

શ્રીમદ્ ભાગવત પુરાણમાં ભક્તિ છે તો ગીતામાં કર્મ, જ્ઞાન અને ભક્તિનો માર્ગ મળે છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણ શ્રીશુકદેવજી અને રાજા પરિક્ષિત વચ્ચેનો વાર્તાલાપ છે.રાજા પરિક્ષિત અર્જુનનાં પૌત્ર હતાં.સાત દિવસ પછી સર્પ દંશનો શ્રાપ મળે છે ત્યારે શ્રી શુકદેવજીના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત પુરાણ સાંભળે છે.આ વાર્તાલાપ સાત દિવસ ચાલ્યો જે દરમિયાન રાજા પરિક્ષિતે અન્ન,જળ અને નિદ્રાનો ત્યાગ કરી ભાગવત કથાનું રસપાન કર્યું.માનવ જન્મ છે તો મૃત્યુ પણ નિશ્ચિત છે.મૃત્યુનો ભય શું કામ રાખવો?.ભાગવત પુરાણમાં જીવન, મનુષ્યનો જીવન પ્રત્યે અભિગમ,જન્મ મરણનું ચક્ર,ભક્ત અને ભગવાનનો સંબંધ જે નવધા ભક્તિના અલૌકિક વર્ણન દ્વારા સમજાવ્યું છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણમાં ગાઇ શકાય એવી સુંદર સ્તુતિઓ છે.ગોપી ગીત,વેણુ ગીત,ભ્રમર ગીત અને રાસપંચાધ્યયી અદભૂત આનંદ આપ છે.અઢાર પુરાણમાં સૌથી વધુ લોકપ્રિય શ્રીમદ્ ભાગવત્ પુરાણ છે.

શ્રીકૃષ્ણને પરમેશ્વર અને ભગવાન તરીકે નિરૂપવામા આવ્યા છે.શ્રીકૃષ્ણનુ સ્વરૂપ, મોરપીંછ, વાંસળી,ગાયો ચરાવી,ગોપ ગોપીઓ સાથે શ્રી કૃષ્ણનો સંગાથ આ દરેક કથાઓ રૂપે આનંદ આપે છે.રાસલીલાનુ ચિતંન ઇશ્વરમાં આધ્યાત્મિક રૂપે લીન થવાનું કહે છે.

કૃષ્ણ કથા સર્વ રસોનો આનંદ આપે છે.બાળલીલા હાસ્ય રસથી ભરપૂર છે.રાસલીલા શૃંગાર રસ દર્શાવે છે.કંસવધ અને અન્ય દુષ્ટોના વધનુ વર્ણન વીર રસ બતાવે છે.શ્રીમદ્ ભાગવત પુરાણમાં કૃષ્ણ લીલાનો મહિમા છે.સંસારનુ સંપૂર્ણ વિસ્મરણ અને પરમાત્માનુ સ્મરણ એજ મુક્તિ છે.મુક્તી મનને મળે છે.આત્માને નહીં.યોગીઓ જગતને ભૂલવા આંખ બંધ કરી ધ્યાન કરવા કહે છે પણ જગત ક્યાં ભૂલાય છે.કૃષ્ણ કથામાં આંખો ઉધાડી રાખી તન્મયતા થાય તો જગત ભૂલાય છે.એ જ સમાધિ અવસ્થા છે.

શ્રીકૃષ્ણજીના બાળક જેવા તોફાન માખણ મટુકી ફોડવી,ગોપ ગોપીઓ સાથે રમત રમવી, યશોદા મૈયાના દોરડે બંધાવું.રાસ નૃત્યનો આનંદ માણવો. વાંસળીના સુર રેલાવા. ગોવર્ધન પર્વત ટચલી આંગળીએ ધારણ કરી પર્યાવરણ પ્રેમ દર્શાવે છે.

શકટાસુર ક્રોધ અને લોભનું રૂપ છે તો તૃણાવત કામનું રૂપ છે.રજોગુણ મનને ચંચળ કરી મુકે છે.અધાસુર પાપનું સ્વરૂપ છે.ધેનકાસુર ને પુતના અવિધા રૂપે છે.વત્સાસુર અને બકાસુર અજ્ઞાન અને દંભનું પ્રતીક છે.આપણામાં રહેલાં આવા અસુરોનો નાશ કરવો જ પડે.કાલિયાનાગ વાસના રૂપી ઝેર છે જે આપણી ઇન્દ્રિયોમાં પ્રસરી જાય છે.તેને દૂર કરવા ભક્તિ કરવી.આ સંસારમાં દુઃખ રૂપી દાવાનળ આવે ત્યારે શ્રીકૃષ્ણની લીલાઓનુ શ્રીમદ્ ભાગવતમાંથી શ્રવણ કરવું.ઋષિ સાંદીપનિના શિષ્ય બની ગુરુ સેવા કરે છે.દ્રારકામા રાજ્ય સ્થાપવું.આ દરેક કાર્યોથી શ્રીકૃષ્ણ પુર્ણ પુરૂષોત્તમ ભગવાન છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણમાં ૧૨ સ્કંધ છે,૩૩૫ અધ્યાય છે અને અઢાર હજાર શ્લોક છે.ગોપીઓની શ્રી કૃષ્ણ પ્રત્યેની તીવ્ર ભક્તિનું ઉદાહરણ શ્રીમદ્ ભાગવત્ છે.

શ્રીમદ્ ભાગવત્ ગીતામાં ૧૮ અધ્યાય છે,૭૦૦ શ્લોક છે.મહાભારતમાથી પ્રાપ્ત છે પણ મહાભારતમાં અધ્યાયોના નામ નથી.શ્રી શંકરાચાર્યે નામ આપ્યા છે

જર્મનીના તત્વ ચિંતક વિ.હુમ્બોલ્ટ,” સંસારના બધા ગ્રંથમાંથી ક્યારેય પણ શ્રીગીતા જેટલા સુક્ષ્મ અને ઉન્નત વિચારો મળતા નથી.”

ભગવદ્ ગીતા એક intelligence agency જેવી માહિતી આપે છે કે જેમાં માનવીઓ ભીતરમાં ભંડારેલુ જ્ઞાન મેળવી શકે છે.સંસ્કૃત ભાષામાં લખાયેલી શ્રી ગીતા આજે દુનિયાની ૭૫ ભાષામાં વાંચવા મળે છે.વિશ્વના ચિંતકોએ શ્રીગીતામાથી માર્ગદર્શન લીધું છે.આપણા ન્યાયાલયોમાં શ્રીગીતા પર હાથ મૂકી સોગંદ લેવાય છે કે સત્યનું પાલન કરવું.જે વિશ્વમાં ક્યાંય જોવા નથી મળતું.

કેટલાય યુગ વીતી ગયા અને વીતી જશે, શ્રીગીતા યુગો યુગો સુધી જનમાનસનુ માર્ગદર્શન કરે છે.

આપણા ગ્રંથો જ્ઞાનનો ભંડાર છે.આધ્યાત્મિક સંપત્તિ છે.આપણા આચર્યો શંકરાચાર્ય, રામાનુજાચાર્ય,મધ્વાચાર્ય,નિમ્બકાચાર્ય અને વલ્લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવત ગીતા અને શ્રીમદ્ ભાગવતનુ આગવા દ્રષ્ટિકોણથી અર્થઘટન કરી પોતાના મૌલિક સિદ્ધાંતો તારવ્યા છે.

શ્રીગીતાની જેમ જ શ્રીમદ્ ભાગવત્ પુરાણ જ્ઞાનનો ભંડાર છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણનો પ્રેરણાદાયક પ્રભાવ ભારતીય સમાજમાં એટલો છે કે અગણિત સાહિત્યોમાં જોવા મળે છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણનો પ્રભાવ મધ્ય યુગીય વૈષ્ણવ સંપ્રદાયના ઉદય સમયે જોવા મળે છે.અષ્ટ છાપ કવિઓ અને અન્ય કવિઓની રચનાઓ, નરસિંહ મહેતા અને મીરાં બાઇ આ દરેક સંતો તથા કવિઓની રચનાઓમાં ભાગવતની પ્રેરણા જોવા મળે છે.

લોક સંગીત,લોક નાટ્ય, ચિત્ર કળા, હસ્ત કળામાં શ્રીમદ્ ભાગવતની બોધકથાઓ માણવા મળે છે.ભારતીય નૃત્યો કથ્થક,ઓડિસી,ભારત નાટ્યમ, મણીપૂરી શ્રીમદ્ ભાગવતમના પ્રસંગ દ્રારા પ્રસ્તુત થાય છે.ફક્ત ધાર્મિક ગ્રંથ નથી પણ વૈજ્ઞાનિક ગ્રંથ પણ છે.

બ્રહ્માંડ દર્શન, ખગોળ શાસ્ત્ર,વંશાવલી,ભુગોળ,યોગ અને શારિરીક વિજ્ઞાન દરેકનું વર્ણન મળે છે.શોધ અને સંશોધન વિશે માહિતી મળી આવે છે.ત્રીજા સ્કંધમા સમયની ગણતરી બતાવી છે જે ભૌતિક વિજ્ઞાનનો વિષય છે.માતાના ગર્ભમાં બાળકનો વિકાસ કેવી રીતે થાય છે.આ સઘળું જ્ઞાન આપતો ગ્રંથ છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણ કહે છે ઇશ્વરને ખબર છે કે કોને ક્યારે,કેટલું અને શું જોઈએ છે તે પ્રમાણે ઇશ્વર આપૈ જ છે.શ્રીગીતામા શ્રીકૃષ્ણ કહે છે દરેક મનુષ્ય મારો જ અંશ છે.સર્વ છોડી મારા શરણે આવો.શ્રીગીતા મનન અને ચિંતન કરવાનો ગ્રંથ છે.સમસ્ત માનવ જીવનને સ્પર્શ કરે છે.આજનુ આપણું જીવન કુરૂક્ષેત્રના યુદ્ધ જેવું છે.શ્રીગીતામા શ્રીકૃષ્ણનું સ્વરૂપ એક કૂટનિતીક જોવા મળે છે.

બંને ગ્રંથમાં સામ્યતા અને ફરક શું છે?.

શ્રીમદ્ ભગવદ્ પુરાણમાં શ્રીગીતાનો ઉલ્લેખ મળે છે.ભાગવદ્ પુરાણના સ્કંધ ૩મા કપિલગીતા છે,માતા દેવહુતિને કપિલમુની ઉપદેશ આપે છે.સ્કંધ ૧૨મા ઉદ્વગીતા છે.સ્કંધ ૧૧મા ભિક્ષુ ગીતા છે.સ્કંધ ૪મા રૂદ્રગીતા છે.સ્કંધ ૧૧મા હંસગીતા અને જયંન્તેય ગીતા છે.

સર્વ ધર્માન્ પરિત્યજ મામેકં શરણં વ્રજ

અહં ત્વા સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ માં શુચ

તમામ શાસ્ત્રોનો સાર શરણાગતિ છે.શ્રીમદ ભાગવત્ ગીતા અનન્ય ભાવની મહિમા કરે છે તો શ્રીમદ્ ભગવદ્ પુરાણ ભગવાનની ભક્તિની.

શ્રીમદ્ ભાગવત્ ગીતા એટલે દેવી દેવતાઓનુ કે ધર્મનુ મહાત્મ્ય નહીં પણ જીવન જીવવાની કળા છે.શ્રીગીતા વૈશ્વિક ગ્રંથ છે.શ્રીગીતાના અનુવાદ અને ભાષાંતર વિશ્વની તમામ ભાષાઓમાં થયા છે.

શ્રીમદ્ ભાગવત્ પુરાણમાં વિષ્ણુના અવતારનું વર્ણન મળે છે.શ્રીકૃષ્ણને ભગવાન વિષ્ણુના આઠમા અવતાર તરીકે અને સ્વયં ભગવાન તરીકે નિરૂપવામા આવ્યા છે.દશમ સ્કંધ શ્રી કૃષ્ણ પ્રાકટ્યની કથા કરે છે.શ્રીકૃષ્ણલીલા અને ઉપદેશોનુ વર્ણન મળે છે.

વૈદિક પરંપરામાં, વૈષ્ણવ સંપ્રદાયમાં અને લગભગ સમગ્ર હિન્દુ ધર્મમાં શ્રીમદ્ ભાગવત્ પુરાણને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે.

બંને ગ્રંથની સામ્યતા શ્રી કૃષ્ણ જ છે.શ્રીમદ્ ભાગવત્ પુરાણમાં શ્રીકૃષ્ણ તેજસ્વી રાજા છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ગૂઢ તત્વજ્ઞાની છે.

શ્રીગીતા જ્ઞાન ગાગરમાં સાગર સમાન છે તો શ્રીમદ્ ભગવદ્ પુરાણ ભક્તિનો સાગર છે.

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: