ગુરુ મહિમા

ભારતવર્ષની પોતાની એક આગવી ઓળખ રહી છે જેને કારણે પ્રાચીન કાળથી લઇને આજ સુધી ભારત વિશ્વના આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે .આધ્યાત્મિક જ્ઞાનના વિસ્તાર હેતુ ગુરુ શિષ્ય પરંપરા પણ ભારતની એક વિશેષતા છે. આધ્યાત્મિક જ્ઞાનની જ્યોતિ પ્રગાટવી રાખવામા મુખ્ય આધાર છે.ભારતની ગુરુ પરંપરા વિશ્વ સમક્ષ એક શિક્ષક સમાન છે.

ભારતીય સાહિત્યની રચનાઓનો ઇતિહાસ પાંચ હજાર વર્ષ પુરાણો કહી શકાય.ભારતીય ભાષાઓ અનેક ચઢાવ ઉતારમાંથી પસાર થઇ છે.અગિયારમીથી કરીને ઓગણીસમી સદીના મધ્યભાગ સુધીમાં થયેલ મુખ્ય સંપ્રદાયો અને સંપ્રદાયોના સાહિત્યમાંથી ગુરુ મહીમાનુ મહત્વ જાણવા મળે છે.ગુરુનુ ભારતીય સમાજમાં શું સ્થાન છે? ગુરુનો પ્રભાવ અને ગુરુ તત્વશું છે .ગુરુભક્તિની પરંપરા આજે પણ સતત એક ધારી ચાલે છે.

જે અંધકારમાંથી પ્રકાશ તરફ લઇજાય,જન્મમરણના ચક્રમાંથી મોક્ષ અપાવે,તે ગુરુ.વૈદિક ધર્મમાં,આ જવાબદારી સ્વંય ભગવાને લીધી.ભગવાને વેદ આપ્યા,વેદોનું જ્ઞાન આપી અજ્ઞાન દૂર કર્યું,એટલે પહેલા જગદગુરુ ભગવાન પોતે છે,

ગુરુ ગોવિંદ દો એક હૈ,દોનોમેં ના કોઇ ભેદ

ગુરુ સ્વરુપ ગોવિંદ જાનો,ગોવિંદ હી ગુરુ રુપ.

વિશ્વના સર્વ ધર્મગ્રંથોમાં ગીતાનું તત્વ જ્ઞાન પરમ સત્ય છે.ગીતાનુ જ્ઞાન આપનાર શ્રીકૃષ્ણ છે.તેથી મુનિઓએ વંદન કરતાં કહ્યું છે “કૃષ્ણંમ વંદે જગદગુરુ.”

બધા જ ધર્મો અને સંપ્રદાયોમાં ગુરુની અનિવાર્યતા એ પ્રધાન સુર છે.ગુરુ કર્યા વગર આધ્યત્મ માર્ગમાં આગળ વધાતું નથી.મનુષ્યના જીવનમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા ગુરુનું માર્ગદર્શન અઆવશ્યક છે.

જગતમાં જનની,જનક અને ગુરૂનું ૠણ કદી ચૂકવી શકાતું નથી.પૌરાણિક ઇતિહાસ મુજબ સૌ પ્રથમ ભગવાનવેદવ્યાસનું પૂજન નૈમિષ્યારણમાં વસતા સૌનક ૠષિએ કર્યુ હતું. વેદવ્યાસજીની કૃપાથી સૌનકૠષિને આત્મજ્ઞાન થયું.વેદવ્યાસજીને ગુરૂ માની પૂજન કર્યું તે દિવસ આષાઢી પૂનમનો હતો.આ દિવસને “ગુરૂ પુર્ણિમા”નું નામ મળ્યું.અને મહાપર્વ તરીકે આજદીન સુધી ઉજવાય છે.

વૈદિકકાળ અને ગુરુ મહિમા. ગુરુકુળ પ્રથા એ પ્રાચીન ભારતીય શિક્ષણ વ્યવસ્થા હતી.શિષ્યો પોતાના પરિવારથી દૂર ગુરુના છાત્રાલયમા રહી અભ્યાસ કરતા.સ્મૃતિમાં જણાવ્યા અનુસાર ઉપનયન સંસ્કાર બાદ શિષ્યો ગુરુની દેખરેખમા પોતાનુ શિક્ષણ પુરુ કરવું જોઇએ.શિષ્યો ગુરુના પરિવાર સાથે રહેતા.ગુરુ પત્નીનો આદર રાખતા.ગુરુ પોતાના શિષ્યો પર પુત્ર સમાન પ્રેમ રાખતાગુરુ આધ્યાત્મિક પિતા કહેવાતા.તેમના જીવનનું અને ચરિત્રનું ઘડતર કરતા.આ શિષ્યોને અંતેવાસી કહેતા.ગુરુ શિષ્યનો સંબંધ પારસ્પરિક કર્તવ્યો પર હતો.રાજાઓ રાજ્યનો વહિવટ કરવા ગુરૂનું માર્ગદર્શન લેતા.વશિષ્ઠજી રાજા દશરથના રાજકાજના સલાહકાર હતા શ્રીરામજી મર્યાદા પુરુષોત્તમ કહેવાય છે પણ દશરથરાજાના પુત્રોનેવશિષ્ઠજીએ તાત્વિક જ્ઞાન આપ્યું.શ્રીકૃષ્ણજીના ગુરુ સાંદિપની એ શ્રીકૃષ્ણજીને ચોસઠ કળામાં પારંગત કર્યા.શ્રીકૃષ્ણજી સંપૂર્ણ અવતારી પુરુષ હતા છતાં પણ અભિમાનનો ત્યાગ કરી ગુરુ આજ્ઞાનુ પાલન કરતા.ગુરુ દ્રોણાચાર્યેપાંડવોને અજેય કર્યા, એકલ્વ્યને માટે અજોડ ઉદાહરણ રહ્યા.રામકૃષ્ણ પરમહંસના શિષ્ય સ્વામી વિવેકાનંદનું નામ દુનિયામા આજે પણ ગુંજે છે.આમ ગુરુની ઓળખ શિષ્યે સમાજને આપી છે.

ગુરૂશિષ્યનો સંબંધ માત્ર એક જન્મ પુરતો નથી પણ જન્મોજન્મનો છે.

ગુરુનું શરણ આધ્યત્મિક જ્ઞાન મેળવવા માટે અનિવાર્ય મનાતું.ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વર.સાચો ઉચ્ચાર છે “ગુરૂ સાક્ષાત પરં બ્રહ્મ”નિર્ગુણ સંપ્રદાયમા શિવ બ્રહ્મ તત્વ છે અને સગુણ ભક્તિ સંપ્રદાયમા કૃષ્ણ,રામ આદિ છે પણ ઉપર એક પરબ્રહ્મ તત્વ છે.

મધ્યકાળમાં કેટલાક શિષ્યો ગુરુ કરતાં આગળ નીકળી ગયા હતા જેમ કે અખો.મધ્યકાળમાં કવિ અને ભક્તોએ ગુરુ મહિમા ગાયો છે જે સાહિત્યમાં મળશે જ.કારણકે આ કાળમાં મુસ્લિમરાજાઓના આક્રમણોએ મૂર્તિઓ તોડતાં જનમાનસની લાગણીઓ ઘવાઇ.જનમાનસ હતાશ થઇ ગયું.મૂર્તિ સાથે જોડાયેલી ધાર્મિક શ્રદ્ધાને ઠેસ પહોંચી. મધ્યકાલીન ભારતમાં સૈકાઓ સુધી ચાલેલા ભક્તિ આંદોલનોએ જાતિવાદ પર પહેલો કુઠારાધાત કર્યો.ઉચ્ચ જાતિની ધર્મસંસ્થા પર મજબૂત પકડ તોડવાનું કામ કર્યું.કહેવાતી અને મનાતી નીચી જાતિઓમાંથી આપણને ઉંચા ઉંચા સંતો મળ્યા.આવા સમયે ગુરૂના ઉપદેશોએ એક મનોવૈજ્ઞાનિક સમાન કાર્ય કર્યુ હતું. પ્રજાના લાગણીશીલ જીવન સાથે ગુરૂ જોડાઇ ગયા.ગુરુના મર્મરુપી ઉપદેશપરમ શાંતિ આપતા.ગુરુને દેવ સમાન માની પૂજન અર્ચનની પ્રણાલીનું વર્ણન સંતોના ભજનમાં સાંભળી શકાય છે. સંપ્રદાયોની સ્થાપના થઇ જ્યાં સાંપ્રદાયિક ગુરુ પરંપરાઓ છે ત્યાં ગુરુ મહિમાના પદો અને ગુણગાનના પદો જોવા મળે છે.

ભારતીય ચિંતન અને આધ્યાત્મ ક્ષેત્રમા ગરૂનું સ્થાન વિવાદ રહીત છે.મધ્યકાલીન કવિઓની રચનામા ગુરૂમહિમાનું વર્ણન સંપૂર્ણ વૈદિક છે.એટલે ગુરૂ મહિમા અનાદિકાળથી વૈદિકયુગથી પ્રસ્થાપિત થયેલી છે.પ્યાલા,ગહુંલી,છપ્પા,પદ,સાખી,ભજનના સ્વરુપે ગવાયેલા જોવા મળે છે.

ગુરૂમહિમા ગાતી વખતે ભગવાન દત્તાત્રેયને કોટી કોટી વંદન.શૈવ,વિષ્ણુ અને શાક્ત સંપ્રદાયોને એકત્ર કરનાર ગુરૂ દેવદત્તનો પ્રભાવ સમગ્ર સૃષ્ટિમાં છે.ભગવાન દત્તાત્રેયને બ્રહ્મા,વિષ્ણુ,મહેશ ત્રણેના સ્વરુપ માનવામાં આવે છે.ઇશ્વર અને ગુરૂ બંને રુપે પૂજનીય છે.ભગવાન દત્તાત્રયમાં નાથ સંપ્રદાય,મહાનુભાવ સંપ્રદાય,વારકરી સંપ્રદાય અને સમર્થ સંપ્રદાય શ્રદ્ધા ભક્તિ ધરાવે છે.

ગુરૂપરંપરાને આજે પણ ટકાવી શક્યા હોય તેવાં સંપ્રદાયોમાં સ્વામિનારાયણ સંપ્રદાય છે.આ સંપ્રદાયનો ઉદય એ ગુજરાતના ધાર્મિક અને સામાજિક જીવનની નોંધપાત્ર ઘટના કહી શકાય.આ સંપ્રદાયના સ્થાપક શ્રી સહજાનંદ સ્વામી.શ્રી સહજાનંદ સ્વામીએ તત્વજ્ઞાનની વાતો વધુ નથી કરી પણ “શિક્ષાપત્રી”ગ્રંથમાં નીતિનિયમો આપી આચાર વિચાર શીખવ્યા છે.લોકભાષાનો ઉપયોગ કરી આખ્યાનો આપી લોકોના મન સુધી પહોચ્યા. .રોજબરોજના પ્રસંગોમાંથી દ્રષ્ટાંતો આપ્યાં અને તાત્વિક વાતો સરળ બનાવી સમાજ સમક્ષ મૂકી.તેમના પાંચસો સંત જે પરમહંસ તરીકે ઓળખાતા.તોઓ સમાજને ખૂણે ખૂણે પહોંચી ગયા અને આધ્યાત્મ,સાહિત્ય અને સમાજસેવા કરી.આ સંતોએ વિપૂલ પદ્યરચનાઓ કરી સાહિત્યમાં યોગદાન કર્યું જેમાં બોધના પદો દ્વારા સામાજિક દુષણ જેવાકે જુગાર, દારુ,પરસ્ત્રીગમનથી મુક્ત થવાની શિખામણ આપી.આવોજ એક સંપ્રદાય છે વારકરી સંપ્રદાય જે મુખ્યત્વે મહારાષ્ટ્ર,કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં વ્યાપ્ત છે.પુંડલીક,જ્ઞાનદેવ,એકનાથ મુખ્ય સંતો થઇ ગયા.આ સંપ્રદાયમા ગુરૂ પોતાના શિષ્યોને પરંપરાગત જ્ઞાન આપી આધ્યત્મ અને ભક્તિ માર્ગે આગળ વધારે છે.અષાઢી એકાદશીના દિવસે પગપાળા યાત્રા કરી, ભજન કીર્તન કરતા પંઢરપૂર જવું એ આ સંપ્રદાયનું મુખ્ય કાર્ય છે જે આજસુધી અવિરતપણેચાલે છે.આ સંપ્રદાયમાં કોઇ જાતિભેદ નથી..ભગવાનશ્રીકૃષ્ણની પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે પુષ્ટિ સંપ્રદાય.આપણા પાચમા આચાર્ય શ્રીવલ્લભાચાર્યજીએ પુષ્ટિમાર્ગની સ્થાપના કરી. સમાજના દરેક વર્ગના લોકોનો આ સંપ્રદાયમાં સમાવેશ થાય છે.રાગ,ભોગ અને શૃગાંરથી બાળકૃષ્ણની ગૃહ સેવા શીખવનાર એક માત્ર સંપ્રદાય છે.પુષ્ટિ માર્ગ એટલે કૃપા માર્ગ.શ્રી હરિ કૃષ્ણ,ગુરુ શ્રી મહાપ્રભુજી અને ભગવદીયો વૈષ્ણવો,એટલે પુષ્ટિ માર્ગ.

મધ્યકાલીન સંતોએ ગુરુની સ્પષ્ટ ઓળખ આપી છે. આજના સમયમાં ગુરૂ કેવા હોવા જોઇએ અને કેવાં કરવા જોઇએ .ગુરુમહિમાતો આજે પણ ગવાય છે,પણ ગુરુ કોણ અને કેવા? એ આજના અસ્થિર સમયમાં સવાલ કરે છે.જેનો જવાબ સાચો નહીં મળે.ગુરુ મોક્ષ અપાવે છે એ સૌ કોઇ સ્વીકારે છે.પણ આજના દોડભાગના જીવનમાં પરંપરાગત નિયમો પાળવા કોઇને સ્વીકાર્ય નથી અવારનવાર સાંભળવા મળતા કૌભાંડ,અમુક અંધશ્રધ્ધાઓના પ્રચાર,આર્થિક માંગણીઓથી જનમાનસનો વિશ્વાસ ગુરુ પરંપરાથી દૂર થવા લાગ્યો છે..એટલે આ મધ્યકાલીન પરંપરા લુપ્ત થવા જઇ રહી છે.આજની પેઢીને ગુરુ શબ્દથી જ અશ્રદ્ધા જાગે છે કારણકે ગુરુવેશધારી પાખંડીઓ સમાજમાં વધી ગયા છે.તો શિષ્યો પણ એટલા પાત્રતા સભર નથી રહ્યા.સંસ્કાર અને સંસ્કૃતિ સામે આ મોટો પડકાર છે.

ગુરુ વાણી વેદ સમાન છે.,વેદવ્યાસજીના સંભારણા એટલે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ.વિશ્વનો સૌથી મોટો ગ્રંથ મહાભારતના રચયિતા.વ્યાસજીના ચાર શિષ્યો.ચારેયને વ્યાસજીએ વેદોનું અમૂલ્ય જ્ઞાન આપ્યું.વૈશ્મપાયનને યર્જુવેદ,જૈમીનીને સામવેદ,સુમન્તને અર્થવેદ અને સુતજીને પુરાણોનું જ્ઞાન આપ્યું.સનાતન ધર્મના સાત ચિરંજીવીમાના એક વ્યાસમુની છે. ગુરુ કૃપાથી જ્ઞાન અને આત્મ દર્શન પ્રાપ્ત થાય છે.રામ કૃષ્ણ અવતારી પરુષો હોવા છતાં ગુરુ કર્યા અને ગુરુ પરંપરાનુ મહત્વ સમજાવ્યું છે.સંતમાં સાક્ષત ભગવાન બિરાજે છે.તમામ તીર્થનો વાસ હોય છે.

અત્યંત જોઇ ચકાસીને ગુરુ કરવા, જો દંભી ગુરુ મળી ગયા તો શિષ્યોના કર્યા કરાવ્યા ઉંધા પાડી દે છે.શિષ્યોનું શોષણ થાય છે.આસ્થાના સ્થાને આડંબર પ્રવેશ કરે છે.

કળીયુગના ગુરૂ

આજના સમયમાં જોકે ગુરુ તરીકે ઇન્ટરનેટ પર બિરાજમાન”ગુગલ મહારાજ” ચોવીસ કલાક જ્ઞાન આપનારા ગુરુ છે.પ્રત્યક્ષ નથી પણ આખી દુનિયાનું સંચાલન કરે છે.

કૃષ્ણં વંદે જગદગુરૂ

Advertisements

બુદ્ધ પૂર્ણિમા(વેસક હનમતસૂરી)

સંસ્કૃતમા વૈશાખ અને પાલી ભાષામા વેસક જેને બુદ્ઘ દિવસ તરીકે ભારત,નેપળ,તિબેટ,ભુતાનમા ઓળખવામાં આવે છે.થાઇલેન્ડ,કંબોડીયા,જાપાન,જેવા દેશોમા થ્રેવાદા,બુદ્ધહુદ,પરિનિર્વાણ,હનમતસૂરી નિમિત્તે ઉજવાય છે.
ભારતમા અવતારવાદનો ખ્યાલ વ્યાપક છે.નવ અવતાર જાણીતા છે.છેલ્લા અવતાર તરીકે ગૌતમબુદ્ધને સ્વીકારવામાં આવ્યા છે.ગૌતમબુદ્ધ મનુષ્ય.આગળના તમામ અવતાર દૈવીછે.ગૌતમબુદ્ધને કોઇ વરદાન નહોતું મળ્યું કે પોતે ભગવાન હોવાનો દાવો પણ નથી કર્યો.કઠોર તપ કરી,પ્રજ્ઞાશોધ અને આત્મપરીક્ષણથી બૌધિજ્ઞાન પ્રાપ્ત કર્યું

બૌદ્ધ ધર્મમાં શ્રધ્ધા રાખનારાઓનો આ એક મુખ્ય તહેવાર છે જે વૈશાખમહીનાની પૂર્ણિમાને દીવસે મનાવવામં આવે છે.ગૌતમ બુદ્ધનો જન્મ,જ્ઞાનની પ્રાપ્તિ અને મહાનિર્વાણ,વૈશાખી પૂર્ણિમા,આ એક જ દીવસે થયા જે અન્ય કોઇ મહાન વ્યક્તિ સાથે નથી થયું.બૌદ્ધ ધર્મના અનુયાયી આ પવિત્ર દીવસ ધૂમધામથી મનાવે છે.હિન્દુ માન્યતા પ્રમાણે ગૌતમબુદ્ધ ભગવાન વિષ્ણુનો અવતાર છે.પણ બૌદ્ઘ પંડિતો આ વાતનુ ખંડન કરે છે અને ભગવાન બુદ્નને એક ફિલસૂફ તરીકે માને છે.

563 ઇસા પૂર્વ શાક્ય ગણરાજ્યમા કપિલવસ્તુ, લુમ્બિની ,જે આજે નેપાળમા છે.ઈસાના ૬૦૦ વર્ષ, પૂર્વ ભારતમાં એક અદ્રિતીય રાજકુમારનો જન્મ થયો જે ધાર્મિક ત્યાગ,ઉચ્ચ આદર્શવાદ,મનુષ્ય માત્રમા પ્રેમ,આવા ગુણો સાથે એક અજોડ જન્મ કહેવાય.આ અવતાર “બુદ્ધ”ના નામથી વિખ્યાત છે,જેનો અર્થ છે જેને જ્ઞાન નો પ્રકાશ મળી ગયો.એમનુ નામ સિદ્ધાર્થ,એટલે એવી વ્યક્તિ જેણે પોતાનો ઉદેશ્ય પૂર્ણ કરી લીધો હોય.પિતા શુદ્ધોદન અને માતા માયાના પુત્ર ગૌતમ જે શાક્ય વંશના ઉત્તરાધિકારી હતા.ગોત્ર ગૌતમ હોવાથીગૌતમ,ગૌતમબુદ્ધ કહેવાયા.માતા પુત્રના જન્મ પછી સાત દીવસમા મૃત્યુ પામી અને માસી મહ્યાપતીએ ઉછેર કર્યો.નજીકના સંબંધમાં યશોધરા સાથે વિવાહ કર્યા,પુત્ર રાહુલ થયો.આગળ જતા રાહુલ પણ ગૌતમબુદ્ધનો શિષ્ય બન્યો.

બાળક સિદ્ધાર્થ જ્યારે પાચ દીવસનો હતો ત્યારે પિતા શુદ્ધોદને સો બ્રાહ્મણોને આમંત્રણ આપીને બોલાવ્યા.અને બાળક સિદ્ધાર્થના લક્ષણોનું અવલોકન કરી ભવિષ્યવાણી કરવા કહ્યું.આઠ બ્રાહ્મણોનું કહેવું હતુ કે આ બાળક આધ્યાત્મિક જ્ઞાન મેળવી બુદ્ધ થશે અથવા ચક્રવર્તી રાજા થશે જે સમસ્ત સંસાર પર રાજ કરશે.ગૌતમને દિવ્ય રથ પ્રાપ્ત થશે જેના ચાર પૈંડા ધરતીની ચારે દીશામાં ફરતા રહેશે. ન્યાય અને વિદ્યમાનના ધર્મચક્રની સર્વત્ર સૃષ્ટિમાં સ્થાપના કરશે.કૌડિન્ય નામના બ્રાહ્મણની ભવિષ્યવાણી હતી કે ગૌતમ ગૃહત્યાગ કરી બૌધ થશે,સંસારની અજ્ઞાનતાદૂર કરશે.પણ પિતા શુદ્ધોદન આ વાણી સ્વીકારી ન શક્યા.એમણે ગૌતમને ચક્રવતી રાજા બનાવવાની જ ઇચ્છારાખી.કૌડિન્યનાની આગાહી પ્રમાણે સિદ્ધાર્થ એક દીવસ ચાર પ્રતીક જોશે જે ગૃહત્યાગ કરવાની પ્રેરણા કરશે.એક વૃદ્ધ વ્યક્તિ,એક બિમાર વ્યક્તિ,એક સાધુ અને એક શબની સ્મશાન યાત્રા.રાજાશુદ્ધોધને ત્યારથી પુત્રને સંસારના દુ:ખોથી દૂર રાખવાનો સતત પ્રયત્ન કર્યો. આ સંસાર રંગરંગીલો છે,ક્યાય દુ:ખજ નથી એવો આભાસ ઉભો કર્યો જે એક વાસ્તવિક સુખની કેદ કહી શકાય જેમા વ્યક્તિ વૈભવી જીવન માણતો હોય.દુનિયાના સુખ દુ:ખની જાણે ગતાગમ જ ન હોય.મહેલના કામકાજ કરતા વૃધ્ધોને કાઢી મૂક્યા.સિદ્ધાર્થ નગરચર્યા કરે ત્યારે વૃધ્ધો,બિમાર પ્રજાને સિદ્ધાર્થના માર્ગથી દૂર કરાતા.ૠતુ પ્રમાણે મહેલમા સિદ્ધાર્થનો આવાસ સાથે નૃત્યાગનાઓ અને ગવૈયા મનોરંજન કરતા.શુદ્ધોદન એક શક્તિશાળી રાજા કહેવાયો કે પોતાના વિચારો પુત્ર પર થોપવા માંગતો હતો અને પુત્રને પોતાના વિચાર પ્રમાણે જગતને અનુભવ કરવા નહોતો દેવો.પણ ભાવીની ભિતરમાં શું છે એ કોણ જાણી શક્યું છે? ઇશ્વર કાઇં પોતેતો સિદ્ધાર્થને જ્ઞાન આપવા પૃથ્વી પર પ્રગટ થવાના હતા.?પણ છતાંય ધાર્યુ ધરણીધરનું જ થાય.અને એક દીવસ રાજ્યમા ફરતા ફરતા સિદ્ધાર્થની નજર એક વૃદ્ધ વ્યક્તિ પર પડી જે માંડ માંડ લાકડીને ટેકે ચાલતો હતો.સિદ્ધાર્થે રથના સારથીને પૂછ્યું કે આ વ્યક્તિ કેમ આવો છે? ચન્નાસારથીએ કહ્યું આ તો વૃદ્ધ વ્યક્તિ છે અને હવે શેષ જીવન આવું જ રહેવાનું.સિદ્ધાર્થ દુ:ખી મન સાથે મહેલમાં પાછા આવ્યા.શુદ્ધોદને બમણા જોરે નીતનવા પ્રયત્ન શરુ કર્યા.પણ સિદ્ધાર્થ સતત મનન કર્યા કરતા કે આમ કેમ? મોજ મજાના સાધનો પર જરાય ધ્યાન જ નહોતું.ફરી સિદ્ધાર્થની સમક્ષ બિમાર અને અશક્ત વ્યક્તિ,અને એક શબ યાત્રાનું દ્રશ્ય આવી ગયું.સિદ્ધાર્થ અને સારથી ચન્ના આગળ વધ્યા ત્યારે પીળા વસ્ત્રમાં સાધુને જોયા.સિદ્ધાર્થે સારથીને આ સાધુ વિષે પૂછતા સારથી ચન્નાએ કહ્યું આ સાધુ છે, સંસારનો ત્યાગ કરી સાધુ જીવન વ્યતીત કરે છે.ચન્ના સારથીએ સાધુ જીવનની પ્રશંસા કરી. સિદ્ધાર્થ મહેલમા વિચારશીલ મનોદશામાં પાછા ફર્યા. સિદ્ધાર્થે આખી રાત વિચારતા રહ્યા,તેમનો આ દુનિયા પ્રત્યેનો અભિગમ બદલાઇ ગયો. આજ સુધી જે ,વૈભવ અને સુખ સાહ્યબી એમને બતાવવામાં આવી હતી તેની બીજી બાજુ આ દુનિયા વ્યર્થ અને દુ:ખદાયી લાગવા માંડી.કેટલો દમનકારી અનેબોઝીલ છે આ સંસાર!એક સાચુ ચિત્ર નજર સમક્ષ આવી જવાથી સિદ્ધાર્થના વિચારોમાં બદલાવ આવી ગયો.તેમને એવું લાગ્યુ કે ભૌતિક સુખ જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય નયી..તેમણે ગૃહત્યાગ કરવાની તૈયારી કરી.પત્ની અને પુત્ર જ્યા નિદ્રા કરી રહ્યા હતા.છેલ્લીવાર જોવા ગયા.પણ કાઇ કહ્યા વગર નીકળી ગયા.સારથી ચન્ના અનેઘોડો કંથકાને લઇને મધરાતેરાજ્યની બહાર નીકળી ગયા.સિદ્ધાર્થે મુડંન કરી પળા સાધુ વસ્ત્ર અપનાવ્યા.સારથીને ઘોડા સાથે રાજ્યમા પરત ફરવા કહ્યું બૌદ્ધસાહિત્યમા વર્ણન છે કે ઘોડો સિદ્ધાર્થના ચાલ્યા જવાથી મરણ પામ્યો.અને બીજા જન્મમાં બૌદ્ધ આર્શીવાદ પામ્યોસિદ્ધાર્થને માનસિક પરીતાપ થવા લાગ્યો.જાણે કોઇ કહેતું હતું કે પાછો ફર,ચક્રવર્તી રાજા થઇ,દુનિયા પર રાજ કર.પોતાની સમગ્ર યાત્રા દરમ્યાન આવા અનુભવ વારંવારથયા હતા.પણ સિદ્ધાર્થે મક્કમતાથી આવા પ્રલોભનનો સામનો કર્યો હતો.ત્યારબાદ સિદ્ધાર્થ મગધ પહોચ્યા.ત્યાના રાજા બિંદુસારને જાણ થતા તેણે રાજ્ય આપવાનો પ્રસ્તાવ આપ્યો.સિદ્ધાર્થે વિનમ્રતાથી અસ્વીકાર કર્યો.જ્ઞાનપ્રપ્તિ પછી મગધ ફરી આવશે એવું વચન આપ્યું અને પાળ્યું પણ.મગધ છોડી આલારશકલામ અને ઉદ્રકને ગુરુ કર્યા.પહેલા સાત ધ્યાનોની સાધના શીખ્યા.પરંતુ સંતોષ ન થતા ઉદ્રક રામપુત્ર પાસે આઠમુ ધ્યાન શીખ્યા.ત્યાંથી પ્રયાણ કરવા આજ્ઞા માંગી. ગુરુએ અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનો પ્રસ્તાવ આપ્યો પણ સિદ્ધાર્થે નમ્રતાપૂર્વક અસ્વીકાર કર્યો.સિદ્ધાર્થ ઉરુવેલા પાસે નિરંજના નદી તરફ ગયા જ્યા કૌડિન્ય પોતાના પાંચ શિષ્યો સાથે કઠોર તપસ્યા કરતા હતા.સિદ્ધાર્થ માત્ર ફળાહાર કરી તપ કરવા લાગ્યા.આવી કઠોર તપસ્યાથી એમનું શરીર ક્ષીણથવા લાગ્યું.ચક્કર આવવા લાગ્યા. તેમને થયું કૈ આવી રીતે આહાર વગર રહીશતો ધ્યેય કેમ સિદ્ધ થશે? આમ શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થતું નથી..જ્ઞાન પ્રાપ્તી માટે સ્વસ્થ શરીર અને શુદ્ધ ચિત્ત આવશ્યક છે.જીવન અને ધર્મનું સત્ય સ્પષ્ટ થયું.ત્યાંના નગરશેઠની કન્યા સુજાતાના હાથની ખીર ગ્રહણ કરી પારણા કર્યા.સિદ્ધાર્થે મધ્યમ માર્ગ અપનાવ્યો.

વિહાર કરતા કરતા સિદ્ધાર્થ બિહાર ગયા પહોચ્યા અને એક વટવૃક્ષ નીચે સમાધીમા બેસી ગયા અને જ્યા સુધી જ્ઞાન પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સમાધીસ્ત જ રહેવાની પ્રતિજ્ઞા કરી.સાત દીવસ સાત રાત અને આઠમે દીવસે,વૈશાખી પૂનમના દીવસે, જે જ્ઞાનની અનુભૂતિ થઇ એ આજે વિશ્વભરમાં પ્રચલીત છે.આ ધટનાને “સંબોધી”કહે છે અને વટવૃક્ષને “બોધીવૃક્ષ”કહે છે.પોતાની પ્રખર બુદ્ધિ અને પ્રજ્ઞા વડે સત્યનું આકલન કરી શક્યા.જ્ઞાન મેળવીને સિદ્ધાર્થ બેસી ન રહ્યા.આ ચાર આર્ય સત્ય દુ:ખ,દુ:ખનુ કારણ,દુ:ખનિવારણ અને દુ:ખનિવારણના ઉપાય.સિદ્ધાર્થે આ કાર્યને પોતાના જીવનનું મીશન બનાવી લોકો વચ્ચે જઇ તેમના માટે કાર્ય કરવા લાગ્યા.આત્મનિયમનનો માર્ગ બતાવ્યો.આ અષ્ટાંગ યોગ બૌધ ધર્મગ્રંથમા વર્ણિત છે.બ્રહ્મવિહારમાં મૈત્રી,કરુણા,મુદીતા અને ઉપેક્ષાની ભાવના બતાવી.

આધ્યાત્મિક ક્ષેત્રમા સત્યની શોધ માટે બુદ્ધિની આવશ્યકતા એટલે બુદ્ધ કહેવાયા.તેમણે ‘ધર્મચક્રપ્રવર્તન’માટેના કાર્ય શરુ કર્યા.સ્વજનોથી લઇ અનેક લોકોએ બોદ્ધધર્મ અપનાવ્યો.ધર્મપ્રસારમા 40 વર્ષ પસાર કર્યા.સદાચાર,અહિંસા અને ત્યાગની ભાવના એ જ ધર્મનો આધાર છે, આ ગૌતમબુદ્ધનો ઉપદેશ હતો.તેમણે હંમેશા લોકભાષામાં ઉપદેશ આપ્યા જેથી સમાજની દરેક વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી શકી. એ સમયમાં યજ્ઞો,કર્મકાંડો,અને બીજી ધાર્મિક વિધીઓમાં પશુપંખીઓની બલીના રુપે હિંસા થતી હતી.ગૌતમબુદ્ધે આવા દૂષણોનો વિરોધ કર્યો જેના કારણે આ રસ્તે આવક કરવાવાળા લોકોની આજીવિક ધટવા લાગી.પરિણામે દંભી લોકો બુદ્નને નાસ્તિક પૂરવાર કરવા લાગ્યા.પણ ગૌતમબુદ્ધ મૌન રહ્યા.અને દયા,કરુણા,અહિંસાનો ઉપદેશ આપતા રહ્યા.

જે નિત્ય અને સ્થાયી પ્રતીત હોય છે,એ પણ વિનાશી છે.જે મહાન છે એનું પણ પતન નિશ્ચિતછે,જ્યાં સંયોગ છે ત્યાં વિનાશ પણ છે.જ્યાં જન્મ છે ત્યાં મરણ નિશ્ચિત છે. આવા સારસ્વત વિચારોને આત્મસાત કરી સિદ્ધાર્થ બૌદ્ધ થયા.બૌદ્ધ ધર્મની સ્થાપના કરી જે આજે વિશ્વમાં પ્રમુખ ધર્મોમાંથી એક છે.

એક રાજા તરીકે નહીં પણ મહાન ઉપદેશક તરીકે સિદ્ધાર્થ “ચક્રવર્તી”થયા.દુનિયાનો સૌથી મોટો ત્રીજા નંબરનો ધર્મ બૌદ્ધધર્મ છે.35 કરોડથી પણ વધુ અનુયાયીઓ છે.

એંશી વર્ષની ઉંમરે વૈશાલી નજીક કુસિનારમાં વૈશાખી પૂર્ણિમાને દીવસે ઇ.સ.પૂર્વે 483માં બુદ્ધ નિર્વાણપામ્યા.તેમના નિર્વાણ પછી ધણાં વર્ષો પછી તેમના ઉપદેશોને ગ્રંથસ્થ કરવામાં આવ્યા.

“વિશ્વએ યુધ્ધ અને બુદ્ધમાંથી એકની પસંદગી કરવી પડશે” પંડિતનહેરુનુ આ વાક્ય આજે દુનિયાની પરિસ્થિતી છે એમાં સત્ય પૂરવાર થાય છે.

બદ્ધં શરણં ગચ્છામિ…ધ્મ્મં શરણં ગચ્છામિ સંધમશરણં ગચ્છામિ

કૌશલ્યાનંદન રામ

आदि राम तपोवनादि गमनं, हत्वा मृगं कांचनम्।

वैदीहीहरणं जटायुमरणं, सुग्रीवसंभाषणम्।।

बालीनिर्दलनं समुद्रतरणं, लंकापुरीदाहनम्।

पश्चाद् रावण कुम्भकर्ण हननम्, एतद्धि रामायणम्।।

अर्थात् – एक बार श्री राम वनवास में गए। वहां उन्होंने स्वर्ण मृग का पीछा किया और उसका वध किया। इसी दौरान उनकी पत्नी वैदेही यानि सीता जी का रावण द्वारा हरण किया गया। उनकी रक्षा करते हुए पक्षिराज जटायु ने अपने प्राण गवाएं। श्रीराम की मित्रता सुग्रीव से हुई। उन्होंने उसके दुष्ट भाई बालि का वध किया। समुद्र पर पुल बनाकर पार किया। लंकापुरी का दहन हुआ। इसके पश्चात् रावण और कुम्भकरण का वध हुआ। यही पूरी रामायण की संक्षिप्त कहानी है।

આપણા માટે રામાયણ એટલે રામવનવાસ, સીતા હરણ અને રાવણ સાથેનુ રામજીનું યુધ્ધ.રાવણનો નાશ.ઐતિહાસિક કક્ષાનો ગ્રંથ “રામાયણ” રામના જીવનની કથા કહે છે. રામ+અયણ એટલે કે રામની પ્રગતિ.ભારતીય કુટુંબસંસ્થા પર રામાયણનો બહુ મોટો પ્રભાવ છે પણ હવે ટીવી સિરિયલમાં જ જોવા મળે છે.આપણા જીવનની આદર્શ રામકથા આજે મનોરંજનનું સાધન બની ગયી છે.પોતાની જાતે પ્રંસગોમાં ફેરફાર કરી,તુક્કાબાજી કરીને રજૂઆત કરાય છે. ભાવિકો ભાવ વિભોર થઇ જાય છે. સંશય કરવા વાળા નીતનવા મુદ્દા બનાવે છે. લાભ લેવાનો કોઇ અવસર નથી છોડાતો.રામનવમી ધામધૂમથી ઉજવાય છે પરંતુ રામનાઆદર્શોને જીવનમાં નથી અપનાવાતા. પિતાના વચનોને માન આપી,સુખ વૈભવનો ત્યાગ કરી વનવાસમાં રહ્યા. આજના સંતાનોને મા બાપ જ સુખ વૈભવ આપવા તનતોડ મહેનત કરે છે.અને સંતાનો વૃધ્ધાશ્રમમા માબાપને મોકલે છે.મારી નાખવાના પણ કિસ્સા થાય છે.

રામાયણ ત્રેતાયુગમાં રાજા દશરથને ત્યાં જન્મ ધારણ કરનાર રામચંદ્રજીની જીવન કથા છે.તો એજ સમયમાં લંકામાં રાજા રાવણનું રાજ્ય હતું.રાવણનું એક અત્યાચારી રાજા તરીકે વર્ણન થયું છે.રાવણે વરદાન પ્રાપ્ત કરેલું કે તેને કોઇ દેવ મારી શકેનહીં.અહંકારી રાવણ પોતાના બળથી અભિમાની હતો. મનુષ્યનો એને ડર નહોતો એટલે મુર્ખતા કરીને મનુષ્યથી કોઇ વરદાનની માંગણી કરી નહીં.

સમાજમાં જ્યારે સંસ્કૃતિ પર પ્રહાર થાય છે ત્યારે એનો નાશ કરવા માટે એક વ્યવસ્થિત શક્તિ પણ પ્રગટ થાય છે..અસુરોનો સંહાર કરવા ભગવાન વિષ્ણુ રાજા દશરથ અને રાણી કૌશલ્યાના પુત્ર રુપે અવતાર લીધો આ પરમ પવિત્ર દિવસ ‘રામનવમી’ તરીકે ઉજવાય છે. રાજારામચંદ્રજીએ રામરાજ્યની સ્થાપના કરી હતી.

રામાયણ રામની મુસાફરી,સમગ્ર માનવ જાતિમાટે માર્ગદર્શક બને છે.

મહાકવિ કમ્બને કંબ રામાયણમાં રામરાજ્યનું વર્ણન કર્યું છે . દૈહિક,દૈવિક,ભૌતિક તાપા,રામ રાજ કાહૂ નહીં વ્યાપિ

એ રાજ્યમાં કોઇ ઉદાર નહોતું કારણકે કોઇ જરુરીયાતવાળું નહોતું.કોઇ બહાદુર જણાતું નહોતુ કેમ કે કોઇ પડકાર ફેંકનાર જ ન હતું.સત્યની નોંધજ લેવાતી ન હતી કારણ કોઇ ખોટું બોલનાર જ નહોતું.સહું ભણેલા હતા.આ રાજ્યમાં કોઇએ ક્યારેય ભણવાનું બંધ કર્યુ જ ન હતું.એટલે ત્યાં કોઇ અજ્ઞાની પણ ન હતું અને કોઇ સંપુર્ણ જ્ઞાની પણ ન હતું.કેઇ ગરીબ પણ ન હતું કે ધનવાન પણ ન હતું.બધા સમાન હતા.

આવું રાજ્ય રામ રાજાના પુત્ર હતા એટલે સ્થાપી શક્યા એવું જરાય નથી.રાવણને હરાવીને, જગતમાં બાહુબળનું પ્રદર્શન કરીને મહાન નથી બન્યા દશરથ રાજાના નિર્ણયને રાતોરાત બદલનાર કૈકયીના વચનો સર્હષ વધાવી વનવાસ સ્વીકારી લીધો કૈકયીની દાસી મંથરાને કોઇ કડવા વચન કહ્યા નહીં. તેમણે સમાજના દરેક વર્ગનો સાથ લીધો.પોતાના હિત માટે નહીં પણ સમાજના હિત માટે.અયોધ્યાની બહાર નીકળી સમગ્ર વિશ્વને પોતાનામાં સમાવ્યું. વનમાં જતા સૌ પ્રથમ શૃંગબેર પૂરમાં નિષાદજાતિની વચ્ચે રહ્યા.શૃંગબેરપૂરથી શ્રીલંકા એટલે કે લંકા, એ જ રામની રામરાજ્ય સ્થાપવાની મુસાફરી છે. માર્ગમાં આવતા ૠષિમુનીઓના આશ્રમોમાં નિવાસ કરી રક્ષણ આપતા.વાનરો જંગલમાંરહેતા પણ પશુ પ્રાણી કહીને ઉતારી નથી પાડ્યા.સુગ્રીવને મિત્ર કરી રાજ્ય અપાવ્યું. લંકાના યુધ્ધમાં વાનરોનોજ આશ્રય લીધો.પોતે કે લક્ષ્મણે સુગ્રીવના રાજ્ય પર કબજો કરવાની મહેચ્છા ન રાખી. રામચંદ્રજીએ રાક્ષોસે સાથે ધણાં યુધ્ધ કર્યા હતા પણ લંકાનું રાજ્ય વિભીષણને સોપ્યું .ભરત કે શત્રુધ્નને બોલાવી હક્ક રાખ્યો નહોતો.આજે સગાસંબંધી વાદ દરેક ક્ષેત્રમાં જોવા મળેછે.સીતાની શોધમાં નિક્ળ્યા અને પંપાસરોવરના કીનારે, શબરીને નવધા ભક્તિનું જ્ઞાન આપ્યું.જે શબરીને આસપાસના ૠષિમુનીઓ નીચી જાતિની કહેતા એની ઝુંપડીમાં બોર આરોગ્યા. આ કોઇ રામરાજ્ય સ્થાપવાનો પ્રચાર નહોતો.લોકચાહના મેળવવાનો દંભ નહતો. શુધ્ધ ર્નિમળ પ્રેમ પોતાના ભક્ત પ્રત્યે. પત્ની વિયોગમાં સ્થિતપ્રજ્ઞ રહી શબરીની ઝુંપડીએ મુકામ કર્યો. આપણે આજે સામાન્ય બાબતમાં પણ રધવાયા થઇ જઇએ છે.રામચંદ્રજીને હનુમાનજીનો મેળાપ એવા સમયે થયો જ્યારે તેઓ જીવનના વિપરીત સમયમાં હતા.સીતાજીની ભાળ મેળવવાનું અધરું કામ હનુમાનજીએ બખૂબી નિભાવ્યું. આનંદ રામાયણની કથા અનુસાર ભગવાનરામ પ્રત્યેના અપાર પ્રેમને કારણે હનુમાન વાનરનું રુપ ધારણ કરી દશરથના મહેલમાં પહોંચી બાળ સ્વરુપ રામના દર્શન કરતા.રામ હનુમાનની અદભૂત શક્તિઓને સમજતા હતા.શ્રીરામે રામાયણમાં કહ્યુ છે કે મારુતી તમારા મારા ઉપરનાં અસંખ્ય ઉપકારનો બદલો પ્રાણ ન્યોછાવર કરીને પણ વાળી શકું તેમ નથી. રામચંદ્રજીએ હંમેશા પહેલા આપ્યું છે પછી દરેકનો સાથ મેળવ્યો છે. આપવુ એક કર્મ છે અને સામે મેળવવું બીજું કર્મ,આ કર્મ દ્વારા થતી પ્રગતિ છે. જો મેળવવાની જ સ્વાર્થી વૃતિ રાખીએતો કાઇ મળતું નથી અને જો છળકપટથી મેળવી લઇએતો કર્મ શૂન્ય થઇ જાય છે.કૈકયીએ રાજા દશરથ પાસે શ્રીરામનો ચૌદવરસનો વનવાસ માંગ્યો હતો.આવું કોઇ પિતા પોતાના સંતાન સાથે ન કરી શકે.પણ વચનબધ્ધ દશરથરાજાએ પ્રિયપુત્રને વનવાસ આપ્યો અને પોતે પણ વૈકુંઠ પામ્યા.રામે પિતાના વચન પુરુર્ષાથથી સિધ્ધ કર્યા.આ સંધર્ષ નહોતો.સંધર્ષમાં ધણી વાર બીજાને જવાબદાર કહેવાય છે.અહિંયા શ્રીરામ કૈકયી અને મંથરાને કારણ નથી કહેતા.

ત્રેતાયુગમાં નિયમ હતો કેજો કોઇ રાજા ઘણા વરસ સિંહાસનથી દૂર રહે તો તેનો રાજા બનવાનો અધિકાર નથી રહેતો.આવુ દ્રાપરમાં પાંડવો સાથે પણ જોવામાં આવે છે.અયોધ્યાની પ્રજા રામના આવવાની શ્રધ્ધાપૂર્વક રાહ જોતી હતી. આ વનવાસથી રામચંદ્રજી જનસંર્પક કરી શક્યા અને આર્દશ રાજ્ય, રામરાજ્યની સ્થાપના થઇ.

રામાયણના દરેક કાંડ માનવીની પ્રગતિના સાત સોપાન છે.બાલકાંડ બાળક સમાન નિર્દોષ થવાનું કહે છે.મન,વાણી,ક્રિયા છળકપટ વગરની રાખો.અયોધ્યા કાંડ એટલે જ્યાં યુધ્ધ, કલહ કંકાશ નથી અરણ્ય કાંડ તપસ્યાનું મહત્તવ સમજાવે છે.પુરુર્ષાથ સમજાવે છે..કિષ્કિંધાકાંડ જીવ અને પ્રભુની મિત્રતા બતાવે છે.જીવ એટલે સુગ્રીવ અને પ્રભુ રામ. અરણ્યકાંડની તપસ્યા પ્રભુ મિલન કરાવે છે.જીવન સુંદર બને છે. ભાગવતમાં જેમ દશમ સ્કંધ છે તેમ રામાયણમાં સુંદરકાંડ છે.સંયમ સ્વરુપ હનુમાનજી અને પરાભક્તિ સીતાજી છે.સંયમ રાખી જીવન ભક્તિમય કરવાનું છે.લંકાકાડ એટલે રાક્ષસોરુપી વિકારોનો જીવનમાંથી નાશ કરવો.ઉત્તરકાંડ મુક્તિનું પ્રદાન કરે છે.યુવાવર્ગને માર્ગદર્શન આપતો ગ્રંથ છે.

તેલુગૂમાં રામચંદ્ર માટે એક વાક્ય પ્રસિધ્ધ છે,”એક વચન,એક બાણ,એકપત્ની”

રામાય રામભદ્રાય રામચંદ્રય વેધસે રધુનાથાય નાથાય સીતાયા: પતયે નમ:

ઉત્સવપ્રિયા જના:

મહાકવિ કાલિદાસે કહ્યું છે,ઉત્સવ પ્રિયા જના: ભારતીય સંસ્કૃતિમાં ઉત્સવો અને પર્વોનું આજે પણ મહત્વ જળવાઇ રહ્યું છે. અન્ય દેશોમાં અને ધર્મોમાં જૂજ તહેવારો આવતા હોય છે.જ્યારે આપણા હિંદુ પંચાગમાં પર્વના પાના હોય છે. દરેક પર્વો આપણે આનંદ ઉલ્લાસથી ઉજવીએ છે. અમુક પર્વોની,ઉજવવાની તૈયારી દીવસો અગાઉથી થતી હોય છે.પર્વોની ઉજવણી ધાર્મિક તો હોય જ છે પણ સાથે સાથે આહાર અને સંસકૃતિ સાથે જોડાયેલી હોય છે.પ્રકાશનુ પર્વ દીવાળીના ઉત્સવ પછી ભારતમાં લગભગ શિયાળાની ૠતુનો આરંભ થઇ જાય છે.અમુક સ્થળેતો અતિશય ઠંડી પડે છે. જનજીવન ઠપ થઇ જાય છે. ત્યારે દીવાળીના બે મહીના પછી આવતો મકરસંક્રાન્તિનો ઉત્સવ જનજીવનમાં ઉત્સાહ અને આનંદ લાવે છે.ઠંડી ભૂલી જઇને લોકો પતંગ ઉડાવા ધર બહાર નીકળે છે.ઠંડીમાં પિત્ત પ્રકોપ વધે છે એટલે તલ ગોળની વાનગી ખવાય છે.ખીચડો બનાવાય છે.તલના તેલથી માલીશ કરીને ઉષ્ણ જળથી સ્નાન કરવાનું મહત્તવ છે.

સુર્યનું ઉત્તર તરફ પ્રયાણ એટલે ઉતરાયણ.પોષ મહિનામાં સુર્ય મકરરાશિમાંપ્રવેશ કરે છે.એટલે મકરસંક્રાન્તિ કહેવાય છે.ભારતમાં દરેક રાજ્યોમાં આ દિવસનું મહત્વ છે અને ઉજવણી પણ થાય છે. સુર્યની ઉપાસના દરેક રાજ્યમાં થાય છે.

આ માસમાં સુર્યનુ ‘ભગ’,નામક આદિત્ય સ્વરુપ હોય છે.સુર્યના રથ સાથે અરિષ્ટનેમિ ૠષિ,પૂર્વાચિત્તિ અપ્સરા,ઉર્ણ ગંધર્વ,કક્રોટક સર્પ,આયુ યક્ષ, અને સ્ફૂર્જબબ નામનો રાક્ષસ જોડાયેલ હોય છે.અગિયાર હજાર રશ્મિયોંથી ભગવાન ભગનો રક્ત વર્ણ હોય છે.

ભગવાનસુર્યના સાતમા વિગ્રહ ભગ રુપેછે.ભગ એટલે સુર્ય,ચંદ્ર,શિવ,સૌભાગ્ય,પ્રસન્નતા,યશ,સૌન્દર્ય,પ્રેમ,ગુણ,ધર્મ,પ્રયત્ન,મોક્ષ અને શક્તિ. પોષ મહિનાની અતિશય ઠંડીમાં સુર્ય ચંદ્ર અને શિવજીની જેમ કલ્યાણ કરી,પ્રકૃતિમાંસ્વર્ગીય સુષમાની સૃષ્ટિ પ્રગટ કરે છે,અને ઉપાસકોને એશ્વર્ય મોક્ષ પ્રદાન કરે છે.ભગના ષડ ઞુણ છે એશ્વર્ય,ધર્મ,યશ,શ્રી,જ્ઞાન અને વૈરાગ્ય જેના સ્વામી ‘વિષ્ણુ ‘છે. મકર સંક્રાતિ પર વિષ્ણુની આરાધના કરવાનું મહત્વ છે.

‘વિષ્ણવે નમ’ ના સ્મરણ સાથે સુર્યને જળ અર્પણ કરાય છે.શાસ્ત્રો અનુસાર ઉતરાયણથી વૈકુંઠના દરવાજા ખુલે છે અને છ મહિના દરમ્યાન મૃત્યુ પામનાર મોક્ષ પ્રાપ્ત કરી વિષ્ણુલોકમાં જાય છે મહાભારતના વર્ણન અનુસાર અર્જુનના બાણોથી વીંધાઇને ભીષ્મ પિતામહે બાણ શૈયા પર મકરસંક્રાતિના દિવસે દેહ ત્યાગ કર્યો હતો.સુર્ય ઉપાસનાથી યુધિષ્ઠિરને અક્ષયપાત્ર મળ્યું હતું..મકરસંક્રાતિના પર્વ પર દાન પુણ્ય કરવાનો મહિમા છે.તલ,ફળ,ધી ગોળ,અનાજ,વસ્ત્ર અને રોકડનું દાન કરાય છે..

મકરસંક્રાતિ અને પતંગને કેમ ભૂલી જવાય.આકાશપતંગોથી છવાઇ જાય છે.રુગવેદમા સુર્યને ‘પતંગ’નામ આપ્યું છે. રંગબેરંગી પતંગ આપણને ધણું શીખવે છે.આપણું જીવન પણ રંગબેરંગી પતંગ જેવુ છે. જીવનમાંથી આળસ અને અનિયમિતતા ખંખેરી પતંગની જેમ ઉંચે ઉડવાની હામ ભરવી.કટિપતંગ જેવો સમય આવશે જીવનમાં પણ હતાશ ન થવું. બમણા જોરે ફરી ઉંચે ઉડવાના પ્રયત્ન કરવા.પતંગની દોરી મજબૂત બાંધવાની હોય છે એમ આપણે આપણું સમતોલન જાળવવાનું છે.આપણા જીવનની ડોર ભગવાનના હાથમાં છે.પણ સારા કર્મતો આપણે જ બાંધવાના છે તો જ આપણા જીવનની પતંગ ભગવાન સ્થિર રાખશે.

વિશાળ ગગનમાં ઉડવાની વિશાળ દ્રષ્ટિ રાખવી.

આ પર્વની વિશેષતા છે કે આપણા અન્ય તહેવારો તિથી પ્રમાણે ઉજવાય છે,પણ મકરસંક્રાતિ તારીખ 14 અને 15 જાન્યુઆરીના ઉજવાય છે.

પંજાબમાં લોહરી તરીકે ઉજવાય છે.અને માદ્યી કહેવાય છે. લાકડાનું તાપણું કરી,તેમા શિયાળુ પાક હોમવામાં આવે છે. નવપરણિત જોડા પ્રગટાવેલ અગ્નિના ફેરા ફરે છે.લોક ગીતની અને ભાગંડાનૃત્યની રંગત જામે છે.આંધ્રપ્રદેશમાં ચાર દીવસનો ઉત્સવ ઉજવાય છે.ભોગી,મકરસંક્રાતિ,કનુમા અને મુક્નુમાઘભોગી .અન્નમ નામની વાનગી બનાવાય છે.આસામમાં માધ બિહુ કહે છે.શુંગા પીઠા અને તીલપીઠા વાનગી બનાવાય છે.ગુજરાતમાં ઉતરાયણ કહે છે.ઉંધીયુ અને તલના લાડુ ચીક્કી ,ખીચડો બનાવે છે.મહારાષ્ટ્રમાં તલની યીક્કી ખવાય છે અને તીલ ગુડ ખાવ ગોડ ગોડ બોલા એમ કહે છે.તામિલનાડુમા પોંગલ કહે છે ખીચડીના વિવિધ પકવાન બને છે..કર્નાટકમાં સુગી હબ્બા,ઇલ્લુ બેલા નામની તલની મીઠાઇ બનેછે.શિશુર સંક્રાતિ કાશ્મીરમા,ષૌષુ બંગાળમાં,તીલ સંક્રાતિ સીતાજીના મિથિલામા, અન્ય રાજ્યોમાં મકર સંક્રાતિ તરીકે ઉજવાય છે.પાકિસ્તાનના સિંધ પ્રાતમાં તીરમોરી કહેવાય છે.મોટેભાગે દરેક રાજ્યોમાં તલની વાનગીઓ ખાવાનું મહત્વ હોય છે.સંક્રાતિ ખેતી અને લણણીને લગતો તહેવાર છે.નવા પાકમાંથી વાનગીઓ બનાવાય છે.ભારતમાં ધણા સ્થળે મેળાનું આયોજન કરાય છે.કુંભમેળાનું પણ તારા દર્શન પ્રમાણે આયોજન થાય છે. કલકત્તામાં ગંગાસાગર જ્યાં ગંગાનદી સાગરમાં વિલીન થવા આવે છે,ત્યાં મેળો થાય છે.ગંગાસાગરની યાત્રાનું હિંદુધર્મમાં મહત્વ છે.સંક્રાતિ પર સુર્યનું તેજ વધે છે.ગીતાના ઉપદેશમાં વર્ણન છે કે ગીતાનું પ્રથમ જ્ઞાન વિવિસ્વાન સુર્યને આપ્યું હતું.

પુત્રકામના ઐતરેયબ્રાહ્મણ

ઇક્ષ્વાકુવંશીયરાજા હરિશચંદ્ર.ઈક્ષ્વાકુ વંશ લોકનું આભુષણ છે.એમાંથી સૂર્યવંશ પ્રવત્યો છે.સગર,દિલીપ,ભગીરથ,હરિશચંદ્ર,બુધ્ધ,મહાવીર ઈક્ષ્વાકુવંશના હતા.

હરિશચંદ્રરાજા અયોધ્યાના રાજા હતા. ઐતરેયબ્રાહ્મણ નામના ગ્રંથની કથા છે.હરિશચંદ્રરાજાના મહેલમાં એક વખત પર્વત અને નારદ નામના બે ૠષિઓએ રાત્રી મુકામ કર્યો. રાજાએ પોતાને પુત્ર ન હોવાની ચિંતા વ્યક્ત કરી અને પુત્ર પ્રાપ્તિના ઉપાય પૂછ્યા.બંને ૠષિમુનીએ વરુણદેવતાની ઉપાસના કરવા કહ્યું.

રાજાએ ઉપાસના કરી અને વરુણદેવ પ્રગટ થયા.રાજાએ પુત્ર પ્રાપ્તિ થયા પછી વરુણદેવને પુત્રને યજ્ઞ માટે આપી દેવાનું વચન આપ્યું. કહેવાય છે કે પુત્રની યજ્ઞમાં બલી આપવાનું અનુચિત વચન રાજા આપી બેઠાં. સમય વીતતા રાજાને ત્યાં પુત્ર જન્મ થયો અને વરુણદેવ પ્રગટ થયા.યજ્ઞ કરવાનું યાદ કરાવ્યું. રાજાએ કહ્યું હજી દસેક દિવસ થયા છે.હું અશોચ પછી યજ્ઞ કરાવીશ. દેવતા ત્યાંથી ગયા.દસ દિવસ પછી ફરી પ્રગટ થયા.

રાજાએ કહ્યું હજી આ બાળકને દાંત આવ્યા નથી. દાંત આવશે પછી યજ્ઞને લાયક કહેવાશે. દેવતા ફરી ચાલ્યા ગયા. વષોઁ પછી દેવતા આવ્યા.રાજાને સંકલ્પની યાદ અપાવી. ફરી રાજાએ બહાનું બનાવ્યું કે દૂધના દાંત પડી જશે અને સ્થાઇ દાંત આવશે એટલે યજ્ઞ કરાવીશ.વરુણદેવતા ફરી પ્રસ્થાન કરી ગયા.બાળકને સરસ દંતાવલી આવી ગયી અને બાળક સુંદર દેખાવા લાગ્યું.બાળકનું નામ રોહિત રાખ્યું.

વરુણદેવતા પ્રગટ થયાં.રાજાએ ફરી બહાનું આપ્યું કે રોહિતને દ્યનુવિધા,યુધ્ધકળાઅને અન્ય સંસ્કારમાં પારંગત થવા દો પછી યજ્ઞ કરાવીશ.

રોહિત સર્વ વિદ્યામાં પારંગત થઇ ગયો.વરુણદેવ પ્રગટ થયા અને યજ્ઞ કરવાની પુન:માંગ કરી.આ સમયે રાજા કોઇ બહાનું ન કરી શક્યો.રાજાએ પુત્ર રોહિતને બોલાવ્યો અને કહ્યું, “મે વરુણદેવ પાસેથી વરદાનમાં તને પ્રાપ્ત કર્યો છે.હવે વચન મુજબ તને સોંપી દેવો પડશે.”કુમાર રોહિત જે સર્વ કળામાં પારંગત હતો એ આ વાત કેમ સ્વીકારે? રોહિત પોતાના ધનુષબાણ અને અન્ય શસ્ત્રો લઇ ચાલ્યો ગયો. મહેલમાં રહી રાજકુમાર કહેવડાવા કરતા જંગલમાં રઝળપાટ કરવી યોગ્ય લાગી. પોતાની ઇચ્છા વિરુધ્ધ એનો ભોગ લેવાની વાત હતી અને પિતા વચન આપી ચૂક્યા હતા.અલગ અલગ સ્થાનો પર ફરતો રહ્યો.. આ તરફ વચનનું પાલન ન કરવાથી વરુણદેવના શ્રાપને કારણે રાજા હરિશચંદ્ર બિમાર રહેવા લાગ્યા.રોહિતને પિતાની બિમારીના ખબર મળ્યા અને ફરી રાજ્યમાં આવવા પ્રયાણ કર્યું.

વરુણદેવ જળના અધિષ્ઠતા કહેવાય છે એટલે રાજા હરિશચંદ્રને જળોદર નામની બિમારીનો શ્રાપ આપ્યો.

માર્ગમાં ઇન્દ્રદેવ બ્રાહ્મણનું રુપ લઇને મળ્યા અને ફરી રાજ્યમાં જવાને બદલે બહાર જ રહેવાની સલાહ આપી.અને કહ્યું, “હે રોહિત ,પરિશ્રમથી વૈભવ સંપદા મેળવી શકાય છે.એક જ જગ્યાએ નિષ્ક્રિય બેસવાવાળા વિદ્ધાન વ્યક્તિને પણ લોકો તુચ્છ સમજે છે.વિચરણ કરનારાનો ઇશ્વર સાથ આપે છે. તું વિચરણ કર્યા કર”.આનો અર્થ ભૌતિક સુખ શાંતિના સાધનો મેળવવા એવો નથી પણ અનુભવ અને જ્ઞાન ગ્રહણ કરવાનો છે. ગુજરાતી કહેવત છે ફરે એ ચરે બાંધ્યો ભૂખ્યો મરે.

આ ઉપદેશ સાંભળીને કુમાર રોહિત પુન: દેશ પરદેશમાં ભ્રમણ કરવા ચાલ્યો ગયો.

આમ કરતા કરતા ચાર વર્ષ થઇ ગયા. કુમાર રોહિતને આ ચાર વર્ષ દરમ્યાન નગરમાં પાછા ફરવાની જ્યારે જ્યારે ઇચ્છા થતી ત્યારે ઇન્દ્રદેવ બ્રાહ્મણનું રૂપ લઇને વિચરણ કરવાની સલાહ આપતા.

શયન અવસ્થા કલિયુગ સમાન છે,જાગૃત અને સચેત રહેવું દ્રાપર યુગ સમાન છે આળસનો ત્યાગ કરી કર્મ કરવું ત્રેતાયુગ સમાન છે અને કાર્ય સંપાદન કરવું સત્યયુગ સમાન છે.આ સલાહ આજના કલિચુગમાં બંધબેસતી છે. આજે માનવમાં સ્વાર્થપણું અધિક છે અને પરંપરાઓનો નાશ થઇ ગયો છે.

આમ ફરતા ફરતા પાંચ વર્ષ થઇ ગયા. કુમાર રોહિતને એક અજીગર્ત નામના ગરીબ બ્રાહ્મણનો પરિચય થયો.આ બ્રાહ્મણે પોતાનો પુત્ર,શુન:શેપ કુમારરોહિતને વેચી દીધો જેથી આ બાળક વરુણદેવના યજ્ઞમાં બલિ કરવામાં પોતાની જગ્યાએ આપી શકાય.અજીગર્તના બીજા બે પુત્ર હતા શુન પુચ્છ અને શુનોલાંગુલ.

કુમારરોહિતે પુત્રના બદલામાં બ્રા્હ્મણને સો ગાયો આપી .કુમારરોહિત નગરમાં પાછો ફર્યો અને શુન:શેપને પિતા હરિશચંદ્રને સોંપી દીધો જે રોગ ગ્રસ્ત હતા.યજ્ઞ કરીને શ્રાપ મુક્ત થવા માંગતા હતા.યજ્ઞની શરુઆત થઇ. ૠષિમુનીઓ અને બ્રાહ્મણોની હાજરીમાં યજ્ઞ શરુ થતો.સ્વંય અજીગર્ત પણ આ યજ્ઞમાં આવ્યો હતો.ૠષિવિશ્વામિત્ર યજ્ઞમાં આવ્યા હતા.

વરુણદેવને પણ ક્ષત્રિય કુમારરોહિત કરતા આ બ્રાહ્મણ બાળક સ્વીકાર્ય હતો.શુન:શેપને પશુની જેમ બલિ આપવાના થાંભલા પર બાંધવા માટે કોઇ પણ વ્યક્તિ તૈયાર નહોતી .ત્યારે એના પિતા અજીગર્તએ આ કાર્ય કરવાના બદલામાં ફરી સો ગાયો માંગી.શુન:શેપને ખ્યાલ આવી ગયો હતો કે યજ્ઞ બાદ એનો વધ કરવામાં આવશે શુન:શેપ વેદ અભ્યાસમાં પારંગત હતો..આત્મરક્ષા માટે શુન:શેપ ૠગવેદના મંત્રથી દેવતાઓની સ્તુતિ કરવા લાગ્યો.પ્રથમ પ્રજાપતિ બ્રહ્માને પ્રાથના કરી.બ્રહ્માજીએ અગ્નિની સ્તુતિ કરવા કહ્યું કારણકે અગ્નિદેવ દેવતાઓના પ્રતિનિધિ હતા.અગ્નિદેવે આ બાળકને સૂર્યદેવને પ્રથના કરવા કહ્યું કારણકે સૂર્યદેવ બધા જીવોના જન્મદાતા અને પાલન કરતા હતા.સૂર્યદેવે કહ્યુ તને વરુણદેવના યજ્ઞ માટે થાંભલા પર બાંધ્યો છે એટલે તું વરુણદેવનું શરણ લે.બાળકે વરુણદેવની સ્તુતિ કરી પણ વરુણદેવે કહ્યું યજ્ઞમાં આગ્નિદેવ સર્વ દેવતાઓના મુખસ્વરુપ હોય છે,આહુતિનું માધ્યમ અગ્નિદેવ છે.અત: તું એનું શરણ લે.બાળકે ફરીથી અગ્નિદેવની સ્તુતિ કરી.અગ્નિદેવે સમસ્ત દેવોની સ્તુતિ કરવા કહ્યું.બાળકે સધળા દેવોની સ્તુતિ કરી.સમસ્ત દેવોએ ઇન્દને પ્રાર્થના કરવા કહ્યું. ઇન્દ્ર દેવે એક દિવ્ય રથ મોકલ્યો અને કહ્યું અશ્વિનીકુમારની પ્રાથના કર. અશ્વિનીકુમારોએ ઉષાની સ્તુતિ કરવા કહ્યું.શુન:શુપે વેદની ૠચાઓ સાથે સ્તુતિ આરંભ કરી. જેમ જેમ શુન:શેપ એક એક કરીને ૠચાઓ ઉચ્ચારીને દેવતાઓની સ્તુતિ કરતો ગયો એમ એના બંધન છૂટતા ગયા ૠષિ વિશ્વામિત્ર આ બાળકની પ્રતિભાથી પ્રસન્ન થઇ ગયા અને આશીષ આપ્યા.શુન:શેપ મુકત થયા પછી ૠષિ વિશ્વામિત્રના ખોળામાં બેસી ગયો.વિશ્વામિત્રએ પુત્ર તરીકે સ્વીકાર કર્યો. હવે અજીગર્તને પુત્રમોહ જાગૃત થયો.અને પોતાના પુત્ર તરીકે બોલાવા લાગ્યો.પોતાની પાસે રાખેલી ગાયોને પાછી આપવાની તૈયારી કરી પુત્રને ફરી અપનાવવાની ચેષ્ટા કરવા લાગ્યો.

પણ બાળક શુન:શેપે પિતા અજીગર્તની વાતનો અસ્વીકાર કર્યો.જે પિતા પોતાના પુત્રને પશુની જેમ બલી આપવા તૈયાર થઇ જાય એવા પિતાના પિતૃત્વનો કેમ સ્વીકાર કરવો?દેવતાઓની કૃપાથી ૠષિ વિશ્વામિત્ર શુન:શેપના પિતા થયા.વિકટ પરિસ્થિતીમાં પણ દેવોની ઉપાસના કરી એવા ધીરજવાન પુત્રના પિતા તરીકે ૠષિ વિશ્વામિત્રે પોતાના પુત્રોને, શુન:શેપને જ્યેષ્ઠ બંધુ માનવા કહ્યું પણ એના પુત્રોએ ના પાડી.ફક્ત એક પુત્ર મધુચંદએ પિતાની આજ્ઞા માન્ય રાખી.ૠષિવિશ્વામિત્રે પોતાના પુત્રોને અપુત્ર જાહેર કર્યા.

ૠષિ વિશ્વામિત્રે શુન:શેપને ‘દેવરત’ નામ આપ્યું.

મનુષ્યની પુત્ર પ્રાપ્તિની ઇચ્છા પ્રાચીન સમયથી ચાલતી આવી છે પણ મનુષ્ય આ સુખ માટે અવ્યવાહારિક સંકલ્પ કરે છે. રાજા કે પ્રજા કોઇ આમાંથી બાકાત ન કરી શકાય. રાજા હરિશચંદ્રે રોહિતને યજ્ઞમાં સર્મપિત કરવાની તૈયારી કરી.અને પછી પ્રિય વ્યક્તિના મોહમાં ત્યાગ ન કરવા માટે બીજાને ધન સંપત્તિની લાલચ આપી પોતાનું કાર્ય કરી આપવા પ્રરિત કરવા.
સારંશ માનવીય લોભથી ઉપર જવાની ક્ષમતાની કથા છે.શુન:શેપ સ્વ પ્રયત્નથી પોતાની જાતને મુક્ત કરાવે છે.

આ કથામાં ત્રણ પિતા અને ત્રણ પુત્રની વાતો છે.એક રાજા અને રાજકુમાર,એક ગરીબ પિતા જે પુત્રને સો ગાયના બદલામાં ત્યાગી દે છે. અને પુત્ર પોતાના સામર્થ્યથી મુક્ત થાય છે અને ૠષિ વિશ્વામિત્ર જેને સો પુત્ર હોવા છતાં શુન:શેપને પુત્ર તરીકે અપનાવે છે.

રાજકુમાર રોહિત પિતાના વચનનો વિરોધ કરે છે અને પોતાની જાત બચાવવા વનમાં ચાલ્યો જાય છે. પણ પિતાને જળોદરનામનો રોગ થયો છે જાણી પરત ફરે છે.પિતાને શ્રાપ મુક્ત કરવાનો પ્રયત્ન કરે છે.વિશ્વામિત્રના પચાસ પુત્રો તેજસ્વી પિતાનો વિરોધ કરી શુન:શેપને અપનાવતા નથી ,પિતાનો વારસો છોડીને સમાજમાં દસ્યુ કહેવાયા. શુન:શેપ ગરીબ હોવા છતાં વિધાસંગી હતો.પિતાના કરેલા પાપનો સામનો કરે છે.આ પુત્રને કેટલી પીડા થઇ હશે જ્યારે એનો વેપાર થયો હશે. ફરી એ જ પિતા એને થાંભલે બાંધવા વેપાર કરે છે. અને જ્યારે પુત્ર તેજસ્વી સાબિત થયો ત્યારે અપનાવા લાગ્યા.

પુત્ર ઇચ્છા સ્વર્ગ પ્રાપ્તિ નથી કરાવતી અને પુત્રી ના માતાપિતા નરકમાં નથી જતા.

વૈદિકકાળમાં નરબલીની વાતો સત્ય છે કે નહીં જે આજ સુધી શંકાને સ્થાને છે.

પિછવાઈ

સારસ્વત કલ્પની વ્રજલીલાના વર્ણન મુજબ પ્રતિવર્ષ દિવાળીના બીજે દિવસે બધા જ વ્રજવાસીઓ ઈન્દ્રને પોતાના પાલનહાર માની તેની પૂજા -અર્ચના કરતાં અને વિવિધ પ્રકારની સામગ્રી ધરી ખૂશ કરવાનો પ્રયત્નો કરતાં.શ્રી કૃષ્ણે આ પરંપરા અટકાવી ગોર્વધન પૂજા કરાવી. ઈન્દ્રને જાણ થતા મૂશળાધાર વર્ષા કરી.

શ્રીકૃષ્ણે ટચલી આંગળીએ ગોર્વધન પર્વત ઉંચકી વ્રજવાસીઓની રક્ષા કરી.કિવદંતી પ્રમાણે શ્રીનાથજીનું આવું જ સ્વરૂપ ગિરીરાજની કંદરામાંથી પ્રગટ થયું .ત્યાં મંદિરમાં શ્રીનાથજીની સ્થાપના કરવામાં આવી.અને આસપાસના વ્રજવાસીઓ શ્રદ્ધાપૂર્વક શ્રીનાથજીની સેવા કરતાં.

૧૬૭૧AD,મોગલરાજા ઔરંગઝેબના આક્રમણથી સુરક્ષિત કરવા શ્રીનાથજીનું સ્વરૂપ રાજસ્થાનમાં સ્થાપિત કરાયું.
મેવાડના રાજા રાજસિંહે નાથદ્રારામાં સુરક્ષાપૂર્વક શ્રીનાથજીની સ્થાપના કરાવી.
શ્રીનાથજીના સ્વરૂપ સાથે મહારાજાએ ગાયો,ગોવાળો,હલવાઇ,સેવકો,રસોઇયા અને પિછવાઇના કલાકારોને પણ નાથદ્રારા મોકલ્યા.પિછવાઇના કલાકારોને રાજ્યાશ્રય મળતાં
શ્રીનાથજી અને શ્રીવલ્લભના આશીર્વાદથી પિછવાઇ કળાને લોકચાહના મળવા લાગી.

‘પિછ’એટલે પાછળ અને ‘વાઇ’એટલે કે લટકાવવું.પિછવાઈ કળા ૪૦૦ વર્ષ કરતા પણ જુની છે.લગભગ ૧૭મી સદીમાં અસ્તિત્વમાં આવી છે.આ કળા શ્રીવલ્લભ મહાપ્રભુજીના પુત્ર શ્રીગુંસાઈજીના શુભ હસ્તે થઇ હતી. પુષ્ટિ માર્ગમાં રાગ,ભોગ અને શૃંગારનું મહત્વ છે.
ચિત્રકારીની ઉપશૈલીયોમાં પિછવાઈની કળા આવે છે.આ કળામાં શ્રીકૃષ્ણના અલગ અલગ સ્વરૂપ, શારીરિક મુદ્રા, પોષાક અને વસ્ત્રોને દર્શાવવામાં આવે છે. શ્રીકૃષ્ણની લીલાઓને કલાત્મક ભાવે રજુ કરાય છે કે અશિક્ષિત વ્યક્તિ પણ ભાવપૂર્વક સમજી શકે. આ કળામાં શ્રીકૃષ્ણની લીલા અને શ્રીનાથજીની સેવાનો ભાવનું ચિત્રણ કરાય છે.
આ પરંપરાગત કળા મોટે ભાગે હવેલીમાં જોવા મળેછે.આ ચિત્રકામ જુથ એટલે કે teamwork દ્રારા થાય છે અને એક ચિત્રકામ કરતાં મહિનાઓ લાગીજાયેછે. કળાકારો પહેલાં કપડાં પર રેખાચિત્ર તૈયાર કરે છે પછી સુંદર ચિત્ર પર રંગકામ કરે છે.
સાટીન,સુતરાઉ અને મલમલના કપડાં પર ચિત્રકારીને શ્રીનાથજીના સ્વરૂપ પાછળ મૂકવામાં આવેછે.ગોવર્ધનલીલા,રાસલીલા,નંદમહોત્સવ,વનસ્પતિ, ફૂલબાગબગીચા,પશુપક્ષીઓના ચિત્રકામ કરવામાં આવે છે. કંદમૂળ,વનસ્પતિ,ગેરુ વગેરેમાંથી રંગ બનાવી ચિત્રકામ કરવામાં આવે છે.લાલ,પીળા,લીલા,ગુલાબી,કેસરી રંગના દોરાની સાથે માણેક,મોતી,ચાંદીનો ઉપયોગ કરી ચિત્રકામને સુંદર રીતે પૂર્ણ કરવામાં આવે છે. નાથદ્રારામાં ચિત્રકારો કા મહોલ્લા અને ચિત્રો કી ગલ્લી માં આ કલાકારો મળી આવે છે.વ઼જલીલાની સાક્ષી એવી પિછવાઈ માં વિવિઘશૈલી જોવા મળે છે.જેમ કે કોટાશૈલી,જયપૂરશૈલી,બુંદીશૈલી,નાથદ્રારાશૈલી, કિશનગઢશૈલી. શ્રીકૃષ્ણની ભક્તિ અભિવ્યક્ત કરવાનું માઘ્યમ પિછવાઇ છે.શ્રીનાથજીની દરેક હવેલીમાં પિછવાઇ રાખવામાં આવે છે. આજે ગૃહસજાવટના એક ભાગરુપે દીવારો પર રાસલીલાની પિછવાઇ સુશોભિત કરાય છે.વિદેશોમાં પણ પિછવાઇની માંગ છે.પિછવાઇથી ભગવાનના અલૌકિક સૌંદર્યનો આનંદ માણી શકાય છે.

આનંદનો ગરબો

ગરબો કે ગરબા શબ્દ સંસ્કૃત શબ્દ ગરબદીપ પરથી આવ્યો છે.ગોળાકાર કુંભ માં જ્યોત પ્રગટાવી માતાજીનું આવાહાન કરી ગોળફરતા જે માતાજી વિશે ગાવામાં આવે છે તે ગરબા.માનવી નાં શરીરમાં રહેલા આત્માનું પ્રતીક રૂપે છે.
આઈ આજ મને આનંદ વાદ્યો અતિ ઘણો મા
ગાવા ગરબા – છંદ, બહુચર આપ તણો મા………………૧
અળવે આળ પંપાળ, અપેક્ષા આણી મા
છો ઈચ્છવા પ્રતિપાળ, દ્યો અમૃતવાણી મા………………૨
સ્વર્ગ મૃત્યુ પાતાળ, વાસ સકળતારો મા
બાળ કરી સંભાળ, કર ઝાલો મ્હારો મા…………………….૩
તોતળાજ મુખ તન્ન, તો ત તોય કહે મા
અર્ભક માગે અન્ન, નિજ માતા મને લ્હે મા…………….૪
નહીં સવ્ય અપસવ્ય, કહી કાંઈ જાણું મા
કવિ કહાવા કવ્ય, મન મિથ્યા આણું મા……………….૫
કુલજ કુપાત્ર કુશીલ, કર્મ અકર્મ ભર્યો મા
મુરખમાં અણમોલ, રસ રટવાં વિચર્યો મા…………….૬
મુઢ પ્રોઢગતિ મત્ય, મન મિથ્યા માપી મા
કોણ લહે ઉત્પત્ય વિશ્ર્વ રહ્યાં વ્યાપી મા……………….૭
પ્રાક્રમ પ્રોઢ પ્રચંડ, પ્રબળ ન પળ પ્રીંછુ મા
પૂરણ પ્રકટ અખંડ, યજ્ઞ થકો ઈચ્છુ મા………………….૮
અવર્ણ ઓછો પાત્ર, અકલ કરી આણું મા
પામુ નહી પળ માત્ર, મન જાણું નાણુ મા……………….૯
રસના યુગ્મ હજાર, તે રટતાં હર્યો મા
ઈશે અંશ લગાર, લઈ મન્મથ માર્યો મા……………….૧૦
મારકંડ મુનિરાય, મુખમહાત્મ ભાખ્યું મા
જૈમિનિ ઋષિ જેવાય, ઉર અંતર રાખ્યું મા……………….૧૧
અણ ગણ ગુણ ગતિ ગોત, ખેલ ખરો ન્યારો મા
માત જાગતિ જ્યોત, જળહળ તો પારો મા……………….૧૨
જશ તૃણ વત ગુણ ગાન, કહુ ઊડળ ગુડળ મા
ભરવા બુદ્ધિ બે હાથ, ઓદ્યામાં ઉંડળ માં……………………૧૩
પાગ નમાવી શીશ, કહું ઘેલું ગાંડુ મા
માત ન ધરશો રીસ, છો ખુલ્લું ખાંડુ મા……………………૧૪
આદ્ય નિરંજન એક, અલખ અકળ રાણી મા
તુજ થી અવર અનેક, વિસ્તરતાં જાણી મા………………૧૫
શક્તિ શૃજવા શૃષ્ટી, સહજ સ્વભાવ સ્વલ્પ મા
કંચિત કરૂણા દ્રષ્ટી, કૃતકૃત કોટી કલ્પ મા………………….૧૬
માતંગી મન મુક્ત, રમવા કીધું મન માં
જોવા યુક્ત અયુક્ત, રચિયાં ચૌદ ભુવન માં…………….૧૭
નીર ગગન ભૂ તેજ, હેત કરી નિર્મ્યા મા
માત વશ જે છે જ, ભાંડ કરી ભર્મ્યા મા………………….૧૮
તતક્ષણ તન થી દેહ, ત્રણય કરી પેદા મા
ભવ કૃત કરતાજેહ, સૃજે પાળે છેદા મા………………….૧૯
પ્રથમ કર્યા ઉચ્ચાર, વેદ ચાર વાયક મા
ધર્મ સમસ્ત પ્રકાર, ભૂ ભણવા લાયક મા……………….૨૦
પ્રગટી પંચમહાભુત, અવર સર્વ જે કો મા
શક્તિ સર્વ સંયુક્ત, શક્તિ વિના નહિ કો મા………….૨૧
મૂળ મહીં મંડાળ, મહા માહેશ્વ્રરી મા
જગ સચરાચર જાણ, જય વિશ્વેશ્વરી મા………………….૨૨
જળ મધ્યે જળશાઈ, પોઢ્યા જગજીવન મા
બેઠા અંતરિક્ષ આઈ, ખોળે રાખી તન મા……………….૨૩
વ્યોમ વિમાન ની વાટ, ઠાઠ ઠઠ્યો ઓછો મા
ઘટ ઘટ સરખો ઘાટ, કાચ બન્યો કાચો મા…………….૨૪
અજ રજ ગુણ અવતાર, આકારે આણી મા
નિર્મિત હત નર્નાર, નખ શિખ નારાયણી મા…………૨૫
પન્નંગ ને પશુ પંખી, પૃથક પૃથક પ્રાણી મા
જુગ જુગ માહેં ઝંખી, રૂપે રૂદ્રાણી મા………………………૨૬
ચક્ષુ મધ્ય ચૈતન્ય, વચન આસન ટીકી મા
જણાવવા જન મન્ય, મધ્યમાત કીકી મા………………૨૭
કણચર તૃણચર વાયુ, ચર વારી ચરતાં મા
ઉદર ઉદર ભરિ આયુ, તું ભવની ભરતાં મા…………….૨૮
રજો તમો ને સત્વ, ત્રિગુણાત્મક ત્રાતા મા
ત્રિભુવન તારણ તત્વ, જગત તણી જાત મા……………૨૯
જ્યાં જ્યાં ત્યાં તમ રૂપ, તેજ ધર્યું સઘળે મા
કોટી કરે જપ ધુપ, કોઈ તુજને ન કળે મા…………………૩૦
મેરૂ શિખર મહિમાહ્ય, ધોળાગઢ પાસે મા
બાળી બહ્ચર માય, આદ્ય વસે વાસો મા…………………૩૧
ન લહે બ્રહ્મા ભેદ, ગૃહય ગતિ ત્હારી મા
વાણી વખાણી વેદ, શીજ મતિ મ્હારી મા………………….૩૨
વિષ્ણુ વિલાસી મન, ધન્ય જ ઉચ્ચરિયા મા
અવર ન તુજ થી અન્ય, બાળી બહુચરિયા મા……………૩૩
માને મન માહેશ, માત મયા કીધે મા
જાણે સુરપતિ શેષ, સહુ ત્હારે લીધે મા………………………૩૪
સહસ્ત્ર ફણાધર શેષ, શક્તિ સબળ સાધી મા
નામ ધર્યુ નાગેષ, કીર્તિ તો વ્યાધી મા………………………૩૫
મચ્છ; કચ્છ, વારાહ, નૃસિંહ વામન થઈ મા
અવતારો તારાહ, તે તુજ મહાત્મ્ય મહી મા ……………….૩૬
પરશુરામ શ્રીરામ, રામ બલિ બળ જેહ મા
બુદ્ધ કલકી નામ, દશ વિધ ધારી દેહ મા…………………….૩૭
મધ્ય મથુરાથી બાળ, ગોકુળ તો પહોંચ્યું મા
તેં નાખી મોહ જાળ, બીજું કોઈ ન્હોતું મા………………………૩૮
કૃષ્ણ કૃષ્ણ અવતાર, કળી કારણ કીધું મા
ભક્તિ મુક્તિ દાતાર, થઈ દર્શન દીધું મા…………………….૩૯
વ્યંઢળ ને વળી નાર, પુરૂષપણે રાખ્યા મા
એ અચરજ સંસાર, શ્રૃતિ સ્મૃતિએ ભાખ્યાં મા………………૪૦
જાણી વ્યંઢળ કાય, જગમાં અણજુક્તિ મા
મા મોટે મહિમાય, ઈન્દ્ર કથે યુક્તિ મા…………………………૪૧
મહિરાવાણમથિ મેર, કીધે રવૈયો સ્થિર મા
કાઢ્યાં રત્ન એમ તેર, વાસુકિના નેતર મા………………….૪૨
સુર સંકટ હરનાર; સેવક ના સન્મુખ મા
અવિગત અગમ અપાર, આનંદા દધિસુખ મા…………….૪૩
સનકાદિક મુનિ સાથ, સેવી વિવિધ વિધેં મા
આરાધી નવનાથ; ચોરાશી સિધ્ધે મા…………………………૪૪
આવી અયોધ્યા ઈશ, નામી શીશ વળ્યા મા
દશમસ્તક ભુજ વીશ, છેદી સીત મળ્યા મા……………….૪૫
નૃપ ભીમકની કુમારી, તૂમ પૂજ્યે પામી મા
રૂક્ષમણિ રમણમુરારિ, મનમાયો સ્વામી મા………………….૪૬
રાખ્યા પાંડુ કુમાર, છાના સ્ત્રી સંગે મા
સંવત્સર એકબાર, વામ્યા તમ અંગે મા…………………૪૭
બાંધ્યો તનપ્રદ્યુમન, છુટૅ નહી કોથી મા
સમરિપુરી સનખલ, ગયો કારા ગૃહ થી મા……………….૪૮
વેદ પુરાણ પ્રમાણ, શાસ્ત્ર સકળ સાંખી મા
શક્તિ સૃષ્ટી મંડાણ, સર્વ રહ્યાં રાખી મા………………….૪૯
જ્યાં જ્યાં જુગતે જોઈ, ત્યાં ત્યાં તું તેવી મા
સમવિત ભ્રમતિ ખોઈ, કહી ન શકું કેવી મા…………….૫૦
ભૂત ભવિષ્ય વર્તમાન, ભગવતિ તું ભવાની મા
આદિ મધ્ય અવસાન, આકાશે અવની મા……………૫૧
તિમિહરણ શશિશૂર, તે તારો ધોખો મા
અમિ અગ્નિ ભરપુર, થઈ પોખો શોખો મા………………૫૨
ષટ ઋતુ રસ ષટ માસ, દ્વાદશ પ્રતિસંઘે મા
અંધકાર ઉજાસ, અનુક્રમ અનુસંઘે મા……………………૫૩
ધરતીતળ ધન ધાન્ય, ધ્યાન ધરે નાવો મા
પાલન પ્રજા પ્રજન્ય, અણ ચિતવ્યાં આવો મા………૫૪
સકળ સિધ્ધિ સુખદાઈ, પચ દધિ ધૃતમાંહિ મા
સર્વે રસ સરસાઈ, તુજ વિણ નહિ કાંઈ મા……………૫૫
સુખ દુઃખ બે સંસાર, ત્હારા ઉપજાવ્યાં મા
બુદ્ધિબળની બલીહારી, ઘણું ડાહ્યા વાહ્યા મા……………૫૬
ક્ષુદ્યા તૃષા નિદ્રાય, લઘુ યૌવન વૃધ્ધ મા
શાંતિ શૌર્ય ક્ષમાય; તું સઘળે શ્રધ્ધા મા……………….૫૭
કામ ક્રોધ મોહ લોભ, મદમત્સર મમતા મા
તૃષ્ણા સ્થિરતા ક્ષોભ; ધૈર્ય ધરે સમતા મા…………….૫૮
ધર્મ અર્થ ને કામ; મોક્ષ તું મંમાયા મા
વિશ્વતણો વિશ્રામ; ઉર અંતર છાયા મા……………….૫૯
ઉદય ઉદારણ અસ્ત, આદ્ય અનાદિથી મા
ભાષા ભૂર સમસ્ત, વાક્ય વિવાદે થી મા……………….૬૦
હર્ષ હાસ્ય ઉપહાસ્ય, કાવ્યકવિતવિતતું મા
ભાવ ભેદ નિજ ભાસ્ય, ભ્રાન્ત ભલી ચિત્ત તું મા………૬૧
ગીત નૃત્ય વાજીન્ત્ર, તાલ તાન માને મા
વાણી વિવિધ ગુણ અગણિત ગાને મા………………….૬૨
રતિરસ વિવિધ વિલાસ, આશ સફળ જગની મા
તન મન મધ્યે વાસ, મહં માયા મન ની મા ………૬૩
જાણે અજાણે જગત, બે બાઘા જાણે મા
જીવ સફળ આસક્ત, સહુ સરખાં માણે મા…………….૬૪
વિવિધ ભોગ મરજાદ, જગ દાખ્યું ચાખ્યું મા
ગરથ સુરથ નિઃસ્વાદ, પદ પોતે રાખ્યું મા…………….૬૫
જડ થડ શાખ પત્ર, ફુલ ફળે ફળતી મા
પરમાણું એક માત્ર, રસ રગ વિચરતી મા……………૬૬
નિપટ અટપટી વાત, નામ કહું કોનુ મા
સરજી સાતે ઘાત, માત અધીક સોનુ મા…………….૬૭
રત્ન મણિ માણેક, નગ મુકીયાં મુક્તા મા
આભા અઢળ અનેક, અન્ય ન સંયુક્તા મા………….૬૮
નીલ પિત આરક્ત, શ્યામ શ્વેત સરખી મા
ઉભય વ્યક્ત-અવ્યક્ત, જગતજને નિરખી મા……….૬૯
નગ જે અધિકુળ આઠ, હિમાચલ આઘે મા
પવન ગવન ઠઠિ ઠાઠ, અરચીત તું સાધે મા……….૭૦
વાપી-કૂપ તળાવ, તું સરિતા સિંધુ મા
જળતારણ જેમ નાવ, તમ તારણ બધું મા……………૭૧
વનસ્પતિ ભાર અઢાર, ભૂ ઉપર ઉભાં મા
કૃત કૃત તું કિરતાર કોશ વિઘાં કુંભાં મા……………….૭૨
જડ ચેતન અભિધાન, અંશ અંશ ધારી મા
માનવી માટે માન એ કરણી ત્હારી મા…………….૭૩
વર્ણ ચાર નિજ કર્મ, ધર્મ સહિત સ્થાપી મા
બે ને બાર અપર્મ, અનુચર વર આપી મા…………….૭૪
વાંડવ વન્હિ નિવાસ, મુખ માતા પોતે મા
તૃપ્તે તૃપ્તે આશ, માત જગત જોતે મા………………૭૫
લક્ષ ચોરાશી જન, સહુ તારા કીધાં મા
આણી અસુરોનો અંત, દંડ ભલા દીધા મા…………….૭૬
દુષ્ટ દમ્યાંકૌં વાર, દારૂણ દુઃખ દેતા મા
દૈત્ય કર્યા સંહાર, ભાગ યજ્ઞ લેતા મા………………….૭૭
સુદ્ધ કરણ સંસાર, કર ત્રિશુળ લીધું મા
ભૂમી તણો શિર ભાર, હરવા મન કીધું મા……………….૭૮
બહુચર બુદ્ધિ ઉદાર, ખળ ખોળી ખાવા મા
સંત કરણ ભવ પાર, સાધ્ય કરે સ્વાહા મા………………૭૯
અધમ ઉધારણહાર, આસન થી ઉઠી મા
રાખણ જગ વ્યવહાર, બદ્ધ બાંધી મુઠી મા………………૮૦
આણી મન આનંદ, મહિ માંડ્યાં પગલાં મા
તેજ કિરણ રવિચંદ, થૈ નના ડગલાં મા………………….૮૧
ભર્યા કદમ બે ચાર, મદ માતી મદભર મા
મન માં કરી વિચાર, તેડાવ્યો અનુચરમા……………….૮૨
કુકર્ટ કરી આરોહ, કરૂણાકર ચાલી મા
નગ પંખી મહિ લોગ, પગ પૃથી હાલી મા………………૮૩
ઉડી ને આકાશ, થઈ અદ્ભુત આવ્યો મા
અધક્ષણમા એક શ્વાસ, અવનીતળ લાવ્યો મા……….૮૪
પાપી કરણ નિપાત, પૃથ્વી પડ માંહે મા
ગોઠ્યું મન ગુજરાત, ભીલાં ભડ માંહે મા……………….૮૫
ભોળી ભવાની માય; ભાવ ભર્યા ભાલે મા
કીધી ઘણી કૃપાય, ચુંવાળે આળે મા………………………૮૬
નવખંડ ન્યાળી નેટ, નગર વજર પેઠી મા
ત્રણ ગામ તરભેટ, ઠેઠ અડી બેઠી મા…………………….૮૭
સેવક સારણ કાજ, સન્ખલપુર સેડે મા
ઉઠ્યો એક આવાજ, દેડાણા નેડે મા……………………….૮૮
આવ્યા શરણ શરણ, અતિ આનંદ ભર્યો મા
ઉદિત મુંદિત રવિ કિર્ણ, દશ દીશ યસ પ્રસર્યો મા….૮૯
સકળ સમૃદ્ધ જગ માત, બેઠાં ચિત સ્થિર થઈ મા
વસુધા મા વિખ્યાત, વાત વાયુવિધિ ગઈ મા………૯૦
જાણે જગ સહુ જોર, જગજનની જોખે મા
અધિક ઉડાડ્યો શોર, વાસ કરી ગોખે મા……………….૯૧
ચાર ખુંટ ચોખાણ, ચર્ચા એ ચાલી મા
જન જન પ્રતિમુખ વાણ, બહુચર બિરદાળી મા………૯૨
ઉદો ઉદો જય કાર, કીધો નવ ખંડે મા
મંગલ વર્ત્યા ચાર, ચૌદે બ્રહ્માંડે મા……………………….૯૩
ગાજ્યા સાગર સાત, દુધે મેહ ઉઠ્યા મા
અધર્મ ધર્મ ઉત્પાત, સહુ કીધા જુઠ્ઠા મા……………….૯૪
હરખ્યા સુર નર નાગ, મુખ જોઈ માનુ મા
અવલોકી અનુરાગ, મન મુનિ હરખાનું મા………….૯૫
નવગૃહ નમવા કાજ, પાગ પળી આવ્યા મા
ઉપર ઉવારણ કાજ, મણિમુક્તા લાવ્યા મા………….૯૬
દશ દિશના દિગપાળ, દેખી દુઃખ વામ્યાં મા
જન્મ મરણ જંજાળ, મટતાં, સુખ પામ્યા મા…………૯૭
ગુણ ગાંધર્વ યશ ગાન, નૃત્ય કરે રંભા મા
સુર સ્વર સુણતાં કાન, ગતિ થઈ ગઈ સ્તંભા મા……૯૮
ગુણ નિધિ ગરબો જેહ, બહુચર માત કેરો મા
ધારે ધારી દેહ, સફળ ફરે ફેરો મા………………………….૯૯
પામે પદારથ પાંચ, શ્રવણે સાંભળતાં મા
નાવે ઉન્હી આંચ, દાવાનળ બળતાં મા……………….૧૦૦
શસ્ત્ર ન અડકે અંગ, આદ્યશક્તિ રાખે મા
નિત નિત નવલે રંગ, ધર્મ કર્મ પાખે મા…………….૧૦૧
ક્ષણ જે અકળ આઘાત, ઉતારે બેડે મા
ક્ષણ ક્ષણ નિશદિન પ્રીત, ભવ સંકટ ફેડે મા………….૧૦૨
ભુત પ્રેત જંબુક, વ્યંતરી ડાકિણી મા
નાવે આડી અચુક, સમર્યા શાકિણી મા………………….૧૦૩
ચરણ કરણ ગતિ ભંગ, ખંગ અંગ વાળે મા
ગુંગ મુંગ મુખ અંગ, વ્યાધી બધી ટાળે મા……………૧૦૪
સેંણ વિહોણા નેણ, ન્હેનેણા આપે મા
પુત્ર વિહોણાં કેણ, કૈ મેણાં કાપે મા……………………….૧૦૫
કળી કલ્પતરૂ વાડ, જે જાણે ત્હેણે મા
ભક્ત લડાવે લાડ, પાડ વિના કહેને મા………………….૧૦૬
પ્રકટ પુરૂષ પુરૂષાઈ, તું આપે પળમાં મા
ઠાલા ઘર ઠકુરાઈ, દો દળ હળબળમાં મા……………….૧૦૭
નિર્ધન ને ધન પાત્ર, તું કરતાં શું છે મા
રોગ દોષ દુઃખ માત્ર, તું હરતાં શું છે મા……………….૧૦૮
હય ગજ રથ સુખપાલ, આલ વિના અજરે મા
બરૂદે બહુચર બાળ, ન્યાલ કરો નજરે મા…………………૧૦૯
ધર્મ ધ્વજા ધન ધાન્ય, ન ટળે ધામ થકી મા
મહિપતિ દે સુખ માન્ય, મા ના નામ થકી મા…………૧૧૦
નર નારી ધરી દેહ, કે જે જે ગાશે મા
કુમતિ કર્મ કુત ખેહ, થઈ ઉડી જાશે મા………………….૧૧૧
ભગવતિ ગીત ચરિત્ર, નિત સુણશે કાને મા
થઈ કુળ સહિત પવિત્ર, ચડશે વૈમાને મા……………….૧૧૨
તું થી નથી કો વસ્તુ, તેથી તને તર્પુ મા
પૂરણ પ્રકટ પ્રશશ્ત, શ્રી ઉપમા અર્પું મા……………….૧૧૩
વારં વાર પ્રણામ. કર જોડી કીજે મા
નિર્મળ નિશ્ચળ નામ, જન નિશ દિન લીજે મા…………૧૧૪
નમો નમો જગ માત, નામ સહસ્ત્ર તારાં મા
સાત નાત ને ભાત, તું સર્વે મ્હારા મા…………………….૧૧૫
સંવત શત દશ સાત, નવ ફાલ્ગુન શુધ્ધે મા
તિથી તૃતિયા વિખ્યાત, શુભ વાસર બુધ્ધે મા……….૧૧૬
રાજ નગર નિજ ધામ, પુરે નવિન મધ્યે મા
આઈ આદ્યવિશ્રામ, જાણે જગત મધ્યે મા……………….૧૧૭
કરી દુર્લભ સુર્લ્લભ, રહું છું છે વાંડો મા
કર જોડી વલ્લભ, કહે ભટ્ટ મેવાડોમા…………………….૧૧૮
શ્રી વલ્લભ ભટ્ટ રચીત,

સવંત દસ શત સાત નેવુ ફાલ્ગુન સુદે તિથી તૃતીયા શુભ વાસરે બુધ”આનંદ નો ગરબો લખાયો.વલ્લભભટ્.મધ્યકાલીન ગુજરાતી કવિ હતા. બહુચરમાતાને સંબોધીને લખાયેલ ગરબા આજે પણ પ્રચલિત છે.ધોળ,કવિતા, ઢાળ,છંદ,ગરબા, ધાર્મિક તેમજ પૌરાણિક પાત્ર પર રચનાઓ કરી.

આજે પણ આરતી પછી બોલાતી જયમાં વલ્લભહરિ ની જય બોલાય છે.

વલ્લભ ભટ્ટને આપી એવી અમને આપો ચરણોની સેવા.

આજકાલ નવરાત્રિનું રૂપ બદલાઈ ગયું છે. ગરબાની જગ્યાએ ધમાલીયા music અનેશેરી ને બદલે પ્લોટમાં રમાતા ડાંડીયારાસ,સાથે મોંઘી રકમ ચૂકવવાની.ફેશનેબલ વસ્ત્રો પાછળ બેફામ ખર્ચો.વલ્લભ ભટ્ટને ઓળખવાની કોઈ ને ફૂરસદ નથી.

wp-1538299905911578855158.jpg