રાધાજીની અષ્ટ સખીઓ

મધ્ય યુગમાં કૃષ્ણભક્તિ સંપ્રદાયમાં શ્રીમદ્ ભાગવતમા ગોપીઓના શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમને આધ્યાત્મિક રૂપ આપ્યું છે.ગોપી ભાવનું આધ્યાત્મિક અર્થઘટન થયું.ગોપીભાવ એટલે પરમાત્માને પામવાનો અનન્ય પ્રેમ.પૂર્ણ સમર્પણ ભાવના.

શ્રીમદ્દ ભાગવતમાં ગોપીગીત કૃષ્ણ પ્રેમના વિરહનું વર્ણન કરે છે.વૈષ્ણવો ગોપીગીત ભક્તિ ભાવે કરે છે.પદ્મ પુરાણોમાં અને બહ્રવૈવર્તપુરાણમા ગોલોકધામના વૃંદાવનનું સુંદર વર્ણન છે.

ભારતવર્ષમા મથુરા પુરી શ્રેષ્ઠ છે અને મથુરામાં વૃંદાવનમાં ગોપીઓના સમુદાયમાં રાધાજીની સખીઓનો વર્ગ અને શ્રીરાધાજી સર્વશ્રેષ્ઠ છે.

૧૨મી સદીમાં ગીત ગોવિંદ જયદેવની રચનામાં શ્રીકૃષ્ણ અને ગોપીઓની રાસ લીલા અને રાધાજીની સખીઓ દ્વારા રાધાજીનો વિરહનું વર્ણન મળે છે.

નિમ્બાર્કના સનક સંપ્રદાયમાં રાધા અને ગોપીઓને શ્રીકૃષ્ણની આહ્લાલાદિની શક્તિ સ્વરૂપા કહી છે.ચૈતન્ય સંપ્રદાયમાં ગોપીઓના યૂથનુ વર્ણન મળે છે અને રાધાજીને યૂથેશ્વરી માનવામાં આવે છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ હજારો ગોપીઓમા સોળ હજાર ગોપીઓ પ્રમુખ છે,૧૦૮ગોપીઓ શ્રીરાધાજીની ખાસ સખીઓ છે.આઠ સખીઓ નિકટતમ છે.રાધાજી સાથે સદાય રહે છે.આ અષ્ટ સખીઓ છે

લલિતા, વિશાખા,ચિત્રલેખા,ચંપકલતા,

તુંગવિદ્યા, ઇન્દુલેખા,રંગદેવી,સુદેવી.

શ્રીરાધાજીની કાયવ્યૂહરૂપા સખી સહેલીઓ સદા સર્વદા શ્રી રાધાકૃષ્ણના સુખ અર્થ દિવ્ય ક્રિડા પ્રકટ કરે છે એનું નામ જ રાસ છે.આ રાસ નિત્ય છે. ગોપીઓનો પ્રેમ દિવ્ય સાત્વિક ભાવ છે.વૈષ્ણવસંતો રૂઢ મહામાનવ કહે છે.વૈષ્ણવ સંપ્રદાયમાં રાધાજીની આઠ સખીઓનુ વિશિષ્ટ ચિતંન છે.ગૌડીય અને વલ્લભ સંપ્રદાયના સાહિત્યમાં અષ્ટ સખીઓનો ઉલ્લેખ મળે છે. ગોપી ભાવનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે પણ સખી ભાવનો નથી.એટલે સખી સંપ્રદાયમાં ગોપી ભાવનો સ્વીકાર કરવામાં આવ્યો છે.ગોપી ભાવમાં યુગલ સ્વરૂપની ભાવના છે.સખી ભાવની ઉપાસનામાં યુગલ સ્વરૂપની સાથે સાથે રાધાજીની સખીઓની આરાધના કરવામાં આવે છે.

રાધા વલ્લભ સંપ્રદાય અને સખી સંપ્રદાયમાં રાધા કૃષ્ણને એક માનવામાં આવે છે તો સખીઓ પણ અભિન્ન લેખી છે.ભક્તો ગોપીઓના સખી ભાવને અપનાવે છે.ગોપીઓના સ્વરૂપનું ચિંતન કરી એવું જ આચરણ કરે છે.રાધા કૃષ્ણની યુગલ સ્વરૂપની સેવા કરવાની ભાવના કરે છે.

નારદ પુરાણમાં શ્રીકૃષ્ણ નારદજીને કહે છે: હું વારંવાર કહું છું કે રાધાજીની કૃપા વગર મારી કૃપા પ્રાપ્ત નથી થતી.શ્રીરાધાજીની કૃપાથી એમની સખીઓનો સંગ મળે છે.આ સખીઓની કૃપાથી તો સખી ભાવ મળે છે.

વૈષ્ણવ સંપ્રદાયમાં રાધાજીની આઠ સખીઓનુ વિશિષ્ટ ચિતંન છે.ગૌડીય અને વલ્લભ સંપ્રદાયના સાહિત્યમાં અષ્ટ સખીઓનો ઉલ્લેખ મળે છે.વલ્લભસંપ્રદાયમા શ્રીરાધાજી સ્વામિની રૂપે છે.શ્રીકૃષ્ણનુ સામર્થ્ય નિરંતર અખંડ રાખે છે એટલે શ્રીરાધાજી સ્વામિની છે.

વલ્લભ સંપ્રદાયમાં ચંપકલતા, ચંદ્રભાગા, વિશાખા, લલિતા, પદ્મા,ભામા, વિમલા અને ચંદ્રરેખાના નામથી અષ્ટસખીઓ છે.માધુર્ય ભાવ સખીરૂપ માનવામાં આવે છે.પુષ્ટી સંપ્રદાયના અષ્ટછાપ ભગવદીય ભક્તોએ મધુર ભાવ સિદ્ધ કર્યો એટલે અષ્ટ સખા કહેવાય છે.આ આઠ ભક્તોને નિકુંજ લીલામાં શ્રીરાધાકૃષ્ણની અષ્ટસખી હોવાનું જાણવા મળે છે.આ અષ્ટ સખાઓની રચનામાં અષ્ટ સખીનો ઉલ્લેખ મળે છે.

સૂરદાસ ચંપકલતા, પરમાનંદદાસ ચંદ્રભાગા, કુભંનદાસ વિશાખા, કૃષ્ણદાસ લલિતા,છીતસ્વામી પદ્મા, ગોવિંદસ્વામી ભામા, ચતુર્ભુજ દાસ વિમલા,નંદદાસ ચંદ્ર રેખા.

મીરાંબાઈ અષ્ટ સખીનો અવતાર મનાય છે.

વૃંદાવન રસિક સંતસ્વામી હરિદાસજી અને શ્રી હરિરામ વ્યાસને અષ્ટ સખીનો અવતાર મનાય છે.

ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય વ્રજ સ્વરૂપમાં અષ્ટ સખી રૂપ છે.શ્રીલા સ્વરૂપ દામોદર ગોસ્વામી પદ શ્રી લલિતા સખી.

શ્રીલા સ્વરૂપ સ્વામી રામાનંદરાય પર શ્રી વિશાખા સખી

શ્રીલા વનમાલી કવિરાજ ગોસ્વામી પદ શ્રી ચિત્રલેખા સખી

શ્રીલા રાઘવ ગોસ્વામી પદ શ્રી ચંપકલાલ સખી

શ્રીલા પ્રબોધ નંદન સરસ્વતી ઠાકુર પ્રભુપદ શ્રી તુંગવિદ્યા સખી

શ્રીલા કૃષ્ણદાસ બ્રહ્મચારી પ્રભુપદ શ્રી ઇન્દુલેખા સખી

શ્રીલા ગદાધર ભટ્ટ ગોસ્વામી પદ શ્રીરંગદેવી સખી

શ્રીલા અનંત આચાર્ય ગોસ્વામી પદ શ્રીસુદેવી સખી.

રાધાષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે એમ રાધાજીની અષ્ટ સખીઓના ઉત્સવ ઉત્તર ભારતમાં જાણીતા છે.

વૃંદાવનમાં શ્રી બિહારી મંદિરની નજીક અષ્ટસખી મંદિર છે.રાધાકૃષ્ણની ઉપાસના કરનાર સખી સંપ્રદાયમાં અષ્ટસખીની પણ આરાધના કરવામાં આવે છે.

વૃંદાવનમાં શ્રી રાધારસ બિહારી અષ્ટ સખી મંદિર શ્રીકૃષ્ણનું લીલા સ્થાન છે.પહેલુ ભારતીય મંદિર છે જ્યાં દિવ્ય યુગલ સ્વરૂપ અષ્ટ સખીઓ સાથે છે.

વૃજની પરિક્રમા કરતા રાધાકૃષ્ણ અને અષ્ટસખીના મંદિરના દર્શનનો અવસર મળે છે.લીલા સ્થાન નામથી જાણીતું સ્થળ છે .વૃજ ભૂમિના રાધાકૃષ્ણ મંદિરોમાં રાધાકૃષ્ણની મુર્તિઓ સાથે લલિતા સખી અને વિશાખા સખીની મુર્તિઓ હોય છે.

શ્રીકૃષ્ણ અને રાધાજી સાથે લલિતા સખી અને વિશાખા સખી

અષ્ટસખી કરતી સદા સેવા પરમ અનન્ય

શ્રીરાધારાણી યુગલ કી કર નિજ જીવન ધન્ય

જિનકે ચરણ સરોજ મે વારંવાર પ્રણામ

કરૂણા કર દે યુગલ પર રજ રતિ અભિરામ

સખી સંપ્રદાયમાં ભગવત કૃપા પ્રાપ્ત કરવા ગોપી ભાવને સાધન માનવામાં આવે છે.બરસાનાની આસપાસ અષ્ટસખીઓના મંદિર છે જ્યાં અષ્ટસખીઓની જન્મ તિથી અનુસાર ઉત્સવ મનાવવામાં આવે છે.

આ દરેક સખીઓનો પ્રાગટ્ય દિવસ રાધાષ્ટમીના ઉત્સવ આસપાસ જ છે.શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પછી રાધાષ્ટમી ઉજવાય છે અને ષષ્ઠી તિથીથી પૂનમ સુધી આ આઠ સખીઓનો આવિર્ભાવ દિવસ મનાવવામાં આવે છે.રાધાષ્ટમીનો દિવસ ઉપર્ભાવ દિવસ મનાવવામાં આવે છે.

ભક્તિના બે પ્રકાર છે.ઐશ્વર્ય ભક્તિ અને માધુર્ય ભક્તિ.ઐશ્વર્ય ભક્તિમાં ભક્ત ભગવાનના ગુણોનું ચિંતન કરે છે.પ્રધાન ભાવ આદર તથા સન્માન છે.દ્રારકાવાસીઓ શ્રીકૃષ્ણને રાજા તરીકે આદર આપતા.જ્યારે માધુર્ય ભક્તિમાં ભક્ત ભગવાન સાથે અંતરંગ સંબંધ ધરાવે છે.

વૃંદાવનમાં શ્રીકૃષ્ણના સખા ગોપ બાળકો શ્રી કૃષ્ણને મિત્ર માનતા,યશોદા અને નંદરાય શ્રીકૃષ્ણને પોતાનું સંતાન માનીને લાડ કરતા, ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રિયતમ માની પ્રેમ કરતી.આ માધુર્ય ભક્તિના ઉત્તમ ઉદાહરણ છે.

અષ્ટસખીઓ અને શ્રી રાધાકૃષ્ણ

શ્રીકૃષ્ણ નવ દેવીઓને શક્તિ સ્વરૂપા માનતા હતા.શ્રીરાધાજી આરાધ્ય શક્તિ છે અને રાધાજીની આઠ સખીઓ શક્તિ સ્વરૂપા છે જેના વગર શ્રીકૃષ્ણની લીલાઓ અધૂરી છે.”કછુ માખન કો બંધ ચઢ્યો,કછુ ગોપન કરી સહાય ,રાધેજા કઈ કૃપાને ગિરિવર લિયો ઉઠાય.”આ પંક્તિઓ દ્વારા રાધાજીની અને આઠ સખીઓ એમ નવ શક્તિની પુષ્ટિ થાય છે.

અષ્ટ સખીઓ ગોપીઓ છે.શ્રીકૃષ્ણની રસશક્તિ છે.અષ્ટ સખીઓનો શ્રીરાધાકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અદ્રિતીય અને અજોડ છે.

                 તત્સુખસુખિત્વં.

ગોપીઓ શ્રીરાધાકૃષ્ણને પ્રિયા પ્રિયતમ ભાવે પ્રેમ કરે છે.રાધાજીને સર્વોચ્ચ માની સ્વામિની કહે છે.વ્રજગોપીઓ યુગલ સરકાર રાધાકૃષ્ણના આનંદ માટે સદાય તત્પર રહે છે. બ્રહ્માંચલ પર્વત નજીક બરસાનાની રચના અષ્ટદળ કમળ સરખી છે.પર્વતના કેન્દ્રમાં રાધારાનીનું નિવાસ સ્થાન છે.આજુબાજુમા આઠ ગામ છે.જે રાધાજીની આઠ સખીઓના ગામ છે.પર્વતથી ઘેરાયેલા સ્થાન પર ગૌર વર્ણ અને શ્યામ વર્ણના પત્થરો શ્રીરાધા કૃષ્ણના અમર પ્રેમના પ્રતીક છે. આ દેવી શક્તિઓ સાથે શ્રીકૃષ્ણજીએ લીલાઓ કરી હતી.વૃંદાવન નજીક રાવલ ગામમાં ગોપાધિપતીવૃષભાનુજી અને કીર્તિદેવી માતાની પુત્રી શ્રીરાધાજી છે.

શ્રીરાધાજીના પિતાજી મહારાજ વૃષભાનુજીના આઠ ભાઇઓ હતા.તેમની આઠ પુત્રીઓ અષ્ટ સખીઓ છે.

શ્રીરાધારાણી અને અષ્ટ સખીઓ

લલિતા,વિશાખા,ચિત્રા,ઇન્દુલેખા,ચંપકલતા,રંગદેવી,સુદેવી તુંગવિદ્યા રંગદેવી અને સુદેવી બહેનો છે.આમાં પ્રત્યેક સખીની અનુગતામા આઠ આઠ કિકંરી,મંજરી,સહચરી એમ અલગ અલગ યુથ છે.

અનેક મંજરી ગણ છે. આ અષ્ટ સખીઓની આઠ સેવિકાઓ છે.જે પાંચ પ્રકારની છે.સખી, નિત્ય સખી,પ્રાણ સખી,પ્રિયા સખી,પરમ શ્રેષ્ઠ સખી.આ સખીઓની એક એક સેવિકા છે જે રૂપ મંજરી,જીવ મંજરી,રસ મંજરી, વિલાસ મંજરી,લીલા મંજરી, કસ્તુરી મંજરી. આ સર્વે શ્રીરાધા કૃષ્ણની પ્રીતી સાધનામાં નિત્ય સંલગ્ન રહે છે.રાધાજીની પરમ શ્રેષ્ઠ સખીઓ છે.સર્વની આધરરુપા છે શ્રીરાધાજી. શ્રીકૃષ્ણને ગોપીઓ કહે છે તમે રાધાજીના પ્રિયતમ છો એટલે અમને તમારા પ્રત્યે પ્રેમ છે. રાધાકૃષ્ણની લીલાઓમાં અમુક સખીઓ રાધાજીનો પક્ષ કરે છે તો અમુક શ્રીકૃષ્ણનો.રાધાકૃષ્ણ એક જ છે એવી ભાવના કરે છે.રાધાકૃષ્ણને એક સાથે નિહાળીને સુખ પામે છે.

શ્રીરાધાકૃષ્ણના યુગલ સ્વરૂપને કોઈની નજર ના લાગે એટલે ગોપીઓ એક પાત્રમાં પાણી ભરી નજર ઉતારીને સ્વયં પી લેતી કે નજર અમને લાગે પણ અમારા પ્રિયા પ્રિતમને નહીં.

શ્રીરાધાજી નિત્ય પોતાના હ્રદયની પરમ પવિત્ર સ્નેહ સુધા વ્રજ ગોપીઓના જીવનમાં વરસાવે છે. શ્રીકૃષ્ણ પ્રેયસી વ્રજ ગોપીઓનો સમસ્ત ઉધમ,સમસ્ત પ્રયત્ન કેવળ શ્રી રાધાકૃષ્ણના સુખ વિધાનમાં રહેતો.

શ્રીરાધારાણી ભગવાન શ્રીકૃષ્ણની આહ્રાદિની શક્તિ છે તો રાધાજીની અષ્ટ સખીઓ રાધારાણીની પોતાની સરકાર છે.રાધે અલબેલી સરકાર એવું ઉત્તર પ્રદેશમાં માનવામાં આવે છે. રાધાજીનો પ્રેમ પ્રાપ્ત કરવા સદાય તત્પર રહેતી.રાધાજીને શણગાર કરવો મનગમતું કાર્ય હતું અષ્ટ સખીઓનુ.

લલિતા સખી સદાય શ્રીરાધારાનીને સુખ આપતી.શ્રીકૃષ્ણ લલિતા સખીની ભક્તિથી ખૂશ થઇને લલિતાને પ્રેમ પ્રદાન કરતાં. અષ્ટ સખીઓ દરેક ક્ષણ રાધાકૃષ્ણના મુખ મંડળની આભા અને રૂપ માધુરીને નીરખતી રહેતી. લલિતા સખી રાધાજીની પ્રધાન સખી છે.ચતુર અને પ્રિય સખી છે.લલિતા સખી અષ્ટ સખીઓની આગેવાની કરે છે.

રાધાજીનો જન્મ અષ્ટમીના છે તો તેના બે દિવસ પહેલા લલિતા સખીનો જન્મ દિવસ ભાદરવા સુદ છઠ્ઠ લલિતા ષષ્ઠી તરીકે ઉજવાય છે.લલીતા સખીની ઇચ્છા પૂર્ણ કરવા શ્રીકૃષ્ણએ લલિતા સખી સાત વરસના હતાં ત્યારે એમની સાથે ભાદરવા સુદ બારસના લગ્ન કર્યા હતા.જે રાધાષ્ટમી પછી ઉત્સવ તરીકે ઉજવાય છે.લલિતા સખીને અનુરાધા નામથી પણ ઓળખવામાં આવે છે.પિતાનુ નામ વિશોક છે અને માતા શારદા છે.પતિનુ નામ ભૈરવ ગોપ છે જે ગાયો ચરાવે છે.સુગંધનુ વિશેષ જ્ઞાન ધરાવતી લલિતા સખી રાધાજીને પાનના બીડા બનાવી આપતી.રાધા કૃષ્ણના પ્રેમપૂર્ણ વિવાદને સમજાવટ કરાવતી.

બરસાના નજીક ઉંચાગામમાં નિવાસ કરે છે.લાલિમા સમાન પીળો વર્ણ છે.મોરપંખ સમાન વસ્ત્રો ધારણ કરે છે.

રત્ન પ્રભા,રતિકલા, સુભદ્રા, ચંદ્ર રેખા,સુમુખી, ધનિષ્ઠા,કલહસી,કલાપીની એમ આઠ સખીના યુથ છે.

લલિતાસખીની આજ્ઞાથી રાસ મંડળમાં પ્રવેશ મળે છે.એક વાર રાસ મંડળમાં ભગવાન શિવજી પ્રવેશ કરતાં હતાં ત્યારે લલિતા સખીએ રોકી રાખ્યા.ભગવાન શિવે કહ્યું શ્રીકૃષ્ણ મારા આરાધ્ય છે.ત્યારે લલિતાજીએ ભગવાન શિવજીને ગોપીઓનો શ્રૃંગાર કર્યો.

આમ લલિતાજી ભગવાન શિવજીના ગુરુ બન્યા અને કાનમાં યુગલ મંત્ર આપ્યો.ભગવાન શિવજી ગોપેશ્વર મહાદેવ કહેવાયા.લલિતા સખીનો ગોપી ભાવ ઉચ્ચતમ હતો.ઋષિમુની અને સંતગણો નિત્ય આરાધના કરી ગોપીભાવ મેળવવા તપસ્યા કરે છે.

કહેવાય છે કે કળિયુગમાં સ્વામી હરિદાસ લલિતા સખીનો અવતાર છે.સંત હરિદાસે પોતાની સંગીત સાધનાથી ભગવાનના વિગ્રહને પ્રકટ કર્યું.એક વાર હરિદાસ શિવજીને જળ અર્પણ કરતાં હતાં ત્યારે શિવજીએ કહ્યું હરિદાસ મારા ગુરુ છે.મને યુગલ મંત્ર આપ્યો છે.હુ ગુરુ પાસે સેવા કેમ કરાવું. વ્રજ મંડળમાં પ્રેમની રીતી જાણવામાં પ્રમુખ ગણાય છે.દરેક કળામાં નિપુણ લલિતા સખી વનવિહાર અને નૌકાવિહારની સેવાનો પ્રબંધ કરી આપતી.શ્રીકૃષ્ણજીની પ્રિય સખી લલિતાજી છે.લલિતા સખીના આશીર્વાદ મેળવી ગીરી ગોવર્ધન અને યમુનાજીના આશિષ મળે છે.ભક્તના હ્દયનની ઉત્કંઠા જાણીને રાધા કૃષ્ણને કૃપા કરવા વિનંતી કરે છે.

વિશાખા સખી કહેવાય છે કે વિશાખા સખી શ્રીરાધાજીના હ્રદયમાંથી પ્રગટ થયા છે એટલે શ્રીરાધાજીના હ્રદયની વાત તરત જાણી લેતા.લલિતા સખીનો અને શ્રીરાધાજીનો જન્મ દિવસ એક જ દિવસે છે.વિશાખા સખી દ્રિતીય સખી છે.

વીજળીના પુંજ જેવી મનોહર છે.તારાગણ સમાન સુંદર મનોહર વસ્ત્રો ધારણ કરે છે.આઠ સખીમા બીજા વરિષ્ઠ સખી કહેવાય છે.માલતી,માધવી, ચંદ્ર રેખા,શુભાનના, કુંજરી,હરિણી,ચપલા એમ આઠ સખીના યુથ સાથે છે.

રાધાકૃષ્ણના આપસમાં સંદેશોની લેન દેન કરે છે.નારાજ યુગલ સ્વરૂપના કેમ મનામણાં કરવાની કળામાં પારંગત છે.

પિતાનું નામ વાહક ગોપ છે, માતાનું નામ દક્ષિણા છે.લલીતા સખી જે લીલાની સેવા કરે છે એ જ વિશાખા સખી આગળ વધારે છે.કમઇ નિવાસ સ્થાન છે.જન્મ સમય ભાદરવા સુદ અષ્ટમીના ઉજવાય છે. વિશાખા સખી શ્રીકૃષ્ણને હાસ્ય વિનોદની વાર્તા કરતી. રાધા કૃષ્ણને ચંદનનો લેપ અર્પિત કરતી.રાધાજી માટે વિવિધ રંગોના વસ્ત્રોની પસંદગી કરતી.સદાય રાધાજીના હિતની વાણી ઉચ્ચારે છે અને  સંગમાં રહે છે.નિધીવનમા વિશાખા નામનો કુંડ છે.રાસલીલા વખતે વિશાખા સખીને તરસ લાગતાં શ્રીકૃષ્ણે આ કુંડ પ્રગટ કર્યો હતો.આ કુંડ સમક્ષ પ્રસિદ્ધ ભક્ત હરિદાસે શ્રીબાંકે બિહારની પ્રતિમા પ્રાપ્ત કરી હતી.

કળાત્મક કાર્યમાં નિપુણ વિશાખા સખી કઠપૂતળીના કાર્યક્રમ કરી રાધાકૃષ્ણને મનોરંજન કરતી.

ચિત્રલેખા સખી ચિત્રલેખા સખીના પિતા ચતુરા  ગોપ છે અને માતા ચર્ચિકા છે.ભાદરવા સુદ દશમીના જન્મ દિવસ ઉજવાય છે.

પતિ પિથરા ગોપ છે.ચિત્રલેખા સખી હંમેશા કૃષ્ણ પ્રેમના આનંદમાં તરબતર રહે છે.શ્રીકૃષ્ણજીનુ સુંદર ચિત્ર બનાવ્યું ત્યારે શ્રીકૃષ્ણ ખુશ થયા અને વરદાન આપ્યું કે હું નિકુંજમા સદાય તારી સાથે નિવાસ કરીશ.

બરસાના નજીક ચિકસોલી ગામમાં નિવાસ સ્થાન છે.કેસર સમાન સુંદર મનોહર છે.હીરાની ચમક જેવા વસ્ત્રો ધારણ કરે છે.ચિત્રલેખા સખી ચતુર્થ સખી છે.

ચિત્રલેખા સખી લેખન કળા, જ્યોતિષ શાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન,વિભિન્ન ભાષાઓમાં માહિર છે.વૃક્ષોની રોપણી કરવાનું કાર્ય કરે છે. રસાલિકા,તિલકની,સૂરસેના,સુગંધિકા,વામની,વામનાયન,નાગરી,નાગવલ્લિકા સખીઓનો સમુહ ચિત્રલેખા સખી સાથે છે. રાધાજીની ફળ શરબતની સેવા કરે છે.બપોરના આરામ પછીના સમયમાં રાધા કૃષ્ણને જગાવવાની સેવા કરે છે.ફળ,શરબત,મેવા ધરી યુગલ સ્વરૂપને આનંદ કરાવે છે.

ઇન્દુલેખા સખી ઇન્દુલેખા સખીના પિતા સાગર ગોપ અને માતા વેલાદેવી છે.દુરબલા ગોપ સાથે વિવાહ કર્યા છે.

જન્મ તિથિ ભાદરવા સુદ એકાદશીના દિવસે ઉજવાય છે.

અંજન ગામમાં નિવાસ સ્થાન છે.પીત્ત વરણની શારીરિક ચમક છે.દાડમના ફૂલોના રંગ જેવા વસ્ત્રો ધારણ કરે છે.અષ્ટ સખીમા છઠ્ઠી સખી છે.શ્રીરાધાજીથી ત્રણ દિવસ નાની છે.યુગલ સ્વરૂપને પંખા નાખવાની સેવા કરે છે.નાગ આને સર્પનું વિશેષ જ્ઞાન છે.સામુદ્રીક શાસ્ત્ર જાણે છે.

તુંગભદ્રા, ચિત્રલેખા,સુરંગી,રંગવાટીકા,મંગલા,મદના,મોદીની અને મદના આઠ સખીઓની યુથ સાથે છે.

એક વાર શ્રીકૃષ્ણજીના વાંસળીના સૂર સાંભળી શ્રીરાધાજી ઉતાવળમાં આંખમાં આંજણ આજવાનુ વિસરી ગયા અને રાસ મંડળમાં પધાર્યા.ત્યારે એક શિલામાંથી શ્રીકૃષ્ણે કાજળ પ્રગટ કરી રાધાજીની આંખમાં આંજ્યું.એટલે આ સ્થળ આજંનૌક ગામ કહેવાય છે.શ્રીકૃષ્ણ આ ગામમાં અંજન બિહારી તરીકે પૂજાય છે.ઇન્દુલેખા સખી નૃત્ય કળામાં નિપુણ છે એટલે કઇ લીલામાં કેવું નૃત્ય કરવું એનું પ્રશિક્ષણ અન્ય ગોપીઓને આપે છે.

રાધાજીના ઘરેણાં, વસ્ત્રોની અને ખજાનાની દેખરેખ રાખનાર કહેવાય છે.મંત્ર જાપ અને હસ્તરેખામાં પારંગત મનાતી ઇન્દુલેખા સખી વૃંદાવન ભૂમિની રક્ષા કરે છે.

ચંપક લતા સખી પિતાનું નામ અરમા ગોપ આને માતાનું નામ બાટિકા છે.કહર વનમાં નિવાસ સ્થાન છે.કંદસખા નામના ગોપ સાથે વિવાહ કર્યા છે.રાધાજીથી એક દિવસ ઉંમરમાં નાની છે.ચંપક સમાન વર્ણ છે.નીલકંઠ પક્ષીની પાંખ સમાન રંગના વસ્ત્રો ધારણ કરે છે.કહર વનમાં નિવાસ સ્થાન છે.ત્રીજી સખી ચંપકલતા છે.

વ્રજવાસીઓના કથન અનુસાર દિવ્ય રાસલીલાનો પ્રારંભ આ જ સ્થળે થયો છે. કહર વનના નિવાસી શ્રીકૃષ્ણની રાસ બિહારી તરીકે આરાધના કરે છે.

ભાદરવા સુદ નવમીના જ્ન્મ દિવસ ઉજવાય છે. ચંપકલતા સખી વિશાખા સખી સમાન પ્રતિભાવાન .વૃદાવનના વૃક્ષો અને લતા વેલાની સુરક્ષા કરે છે. ચંપકલતા રસોઈ કળામાં પારંગત છે.રાધાકૃષ્ણને વિવિધ વ્યંજન બનાવી સેવા કરે છે.માવાની મીઠાઇ બનાવવામાં પારંગત છે.ચવરની સેવા કરે છે.

માટીમાથી સુંદર ઢીંગલીઓ બનાવી નામાંકિત કરી રાધા કૃષ્ણને મનોરંજન કરે છે.ચંપકલતાના યુથ સાથે કૃગાક્ષી સુચિત્રા,મંડલી,મણીમદના,ચંડિકા, ચંદ્ર લતિકા,કંદુકાશી આને સુમનધરા નામની મુખ્ય ગોપીઓ છે.

તુંગવિદ્યા તુંગવિદ્યા આઠ પ્રમુખ સખીઓમા પાંચમી છે.જન્મ ભાદરવા સુદ પાંચમના દિવસે ઉજવાય છે .તુંગવિદ્યા સખી ડાભારા ગામમાં નિવાસ કરે છે.તુંગવિદ્યા સખી માતા પાર્વતીનો અવતાર મનાય છે.કપુર ચંદન સમાન શરીર છે.પીળા રંગના વસ્ત્રો ધારણ કરે છે.

પિતાનું નામ પુષ્કર અને માતાનું નામ મેઘા.બાલિશા નામના ગોપ સાથે વિવાહ કર્યા છે.

જ્ઞાનની અઢાર શાખાઓમાં મહારત છે.ઔષધીઓ, જડીબુટ્ટી, બાગબાનીમા કુશળતા છે. વ્યાકરણ, વેદાંત દર્શન, મીમાંસા દર્શન, ન્યાય દર્શન, સાંખ્ય દર્શન, પાતંજલ દર્શનમાં નિપુણ છે.

કલકંઠી, શશીકલા, કમલા, પ્રેમ મંજરી,માધવી, મધુરા,કામ તા, કંદર્પ સખીનું યુથ છે.અન્ય સખીઓની જળ ભરવાની સેવાની દેખરેખ રાખે છે.

ડાભારા ગામમાં શ્રીરાધાજી અને અન્ય સખીના ઢીંગલીઓથી રમત રમતી.ત્યારે શ્રીકૃષ્ણજી એક શીલા પાછળ છુપાઈને રમત નિહાળતાં.આ શીલા શ્યામ શીલા કહેવાય છે.આ સ્થળ નાબોરી ચોબારીના નામે ઓળખાય છે.

તુગંવિદ્યા સખી પશુ પક્ષીઓની ભાષા જાણકર છે.રાસ લીલા દરમ્યાન નૃત્ય કળામાં પારંગતતા બતાવે છે.

તુંગવિદ્યા સખીને શ્રીકૃષ્ણનો સંપૂર્ણ વિશ્વાસ મેળવ્યો છે.સંગીત, નાટ્યકલા,મૃદંગ અને વીણા વગાડવામાં પારંગત છે.કહેવાય છે કે તુંગવિદ્યા સખીના વીણાના વાદન સાથે શ્રીકૃષ્ણ નૃત્ય કરતાં હતાં.

રંગદેવી સખી રંગદેવી સાતમી સખી છે.રાધાજીથી સાત દિવસ નાની છે.ચંપકલતા સમાન ગુણવાન છે.પિતા વીરભાનુ ગોપ અને માતા સૂર્યવતી છે.વક્રસેન નામના ગોપ સાથે વિવાહ કર્યા છે.ગુણોમા ચંપકલતા સમાન છે.શત્રુઓને પરાસ્ત કરવાની તરકીબ જાણે છે.જે ગોપીઓ જંગલી પ્રાણીઓને કાબુમાં રાખી શકે છે એની પ્રમુખ સખી રંગદેવી છે.રંગદેવી સાથેની ગોપીઓમા  શશીકલા,કમલા,પ્રેમા મંજરી,માધવી,મધુરા,કમલલતા, કંદર્પ સુંદરી છે.

રકોલી ગામમાં નિવાસ સ્થાન છે.ભાદરવા સુદ તેરસના જ્ન્મ છે.પુરાણોમા શ્યામલ નામનો પણ ઉલ્લેખ છે.કમલ કેસર સમાન શરીરની આભા છે.જવા પુષ્પ રંગના વસ્ત્રો ધારણ કરે છે.શ્રીરાધાકૃષ્ણને ચંદનની સેવા કરે છે.

તપસ્યા કરીને મંત્ર પ્રાપ્ત કર્યો જેના દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને આકર્ષિત કરી શકે છે.

રંગદેવી રાધાજીને વનમાં છુપાડી દેવામાં માહિર હતી.જ્યારે રાધાજી કુંજમાં એકલા હોય ત્યારે રંગદેવી સાંકેતિક શબ્દથી શ્રીકૃષ્ણને કુંજમાં મોકલતી.રાધાકૃષ્ણને ચંદન અને ને રંગ ચઢાવતી એટલે રંગ દેવી નામ પડ્યું.રાધાજીના કેશમાં વેણી ગૂંથવાની કળામાં નિપુણ છે.તર્કશાસ્ત્રમા આગેવાની કરે છે.

શ્રીકૃષ્ણ સામે રાધાજીની હાસ્ય વિનોદ કરે છે.વાદ્ય યંત્રમાં વિશેષજ્ઞ છે.ચિત્રકળા,સુગંધિત વસ્તુઓ,ઘીની દીવા કરવા એવી સેવા અન્ય ગોપીઓ સાથે મળીને કરે છે.શિયાળામા સગડી પેટાવી તો ઉનાળામાં પંખા નાખવાની સેવા રાધા કૃષ્ણ માટે કરે છે.

સુદેવી સખી સુરેલી પણ કહેવાય છે.આઠમી સખી છે.પિતા રંગ સાગર ગોપ અને માતા કરૂણા છે.આરાવલી પર્વત પર સુનહરા ગામમાં નિવાસ સ્થાન છે.સુદેવી આને રંગદેવી જોડીયા બહેનો છે.રંગદેવી માસી સાથે રાકોલા ગામમાં નિવાસ કરે છે.કમળના ફૂલ જેવી શરીરની ચમક છે.લાલિમા યુક્ત અને જવા પુષ્પ રંગના વસ્ત્રો ધારણ કરે છે.હરીપ્રિયા નામ પણ છે.

કાવેરી,ચારૂ,સુકેશી,મંજુ કેશીકા,હારહરી,હાર કંઠી,હાર વલ્લી,મનોહરા યુથ છે.

જન્મ ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ઉજવાય છે.રાધાજીના વાળ ઓળી આપવા, આંખોમાં અંજન કરી આપવું, પગમાં અલતા લગાવી આપવા એવી સેવા કરે છે.શ્રીરાધા કૃષ્ણ સમક્ષ વીણા વાદન કરે છે.

નાવ ઉત્સવનું આયોજન કરી રાધાજીને શ્રીકૃષ્ણને નૌકાવિહાર કરાવે છે.નર અને માદા પોપટની ભાષા જાણી શકે છે.શુભ અશુભ સંકેતોનુ અનુમાન કરી શકે છે.વનના દેવતા સાથે મિત્રતા રાખે છે એટલે પશુ પક્ષીઓની ભાષાની જાણકારી રાખે છે.

વ્રજ ગોપીઓ પરમ પવિત્ર, ભુક્તિ મુક્તિનો ત્યાગ કરી શ્રીરાધા કૃષ્ણના સુખની સર્વોત્કૃષ્ટ અભિવ્યક્તિ પ્રગટ કરતી હતી.ગોપીઓ ક્યારેય પોતાની ચિંતા કરતી નહીં.પોતાનુ જીવન અર્પણ કરી પ્રેમનો પરમ પવિત્ર આદર્શ વ્યકત.શ્રીરાધાકૃષ્ણના સુખની સામગ્રી એકત્ર કરવી ગોપીઓનો સ્વભાવ.જગતની સ્મૃતિ નહીં, બ્રહ્મની પરવા નહીં, જ્ઞાનનું પ્રલોભન નહીં પ્રિયા પ્રિયતમના મુખ મંડળ અને એમના રૂપ માધુર્યને નિરખીને રહેવું  જીવનનો આધાર છે.

જગતના નાથ શ્રીકૃષ્ણે જગતને મોહીત કર્યું છે પણ શ્રીકૃષ્ણને રાધાજીએ મોહીત કર્યા છે.

જીવમાત્ર આનંદની ઇચ્છા કરે છે.પણ આનંદ શું છે, ક્યાં છે,કેમ પ્રાપ્ત થાય છે.આ વાત જીવ ભૂલી ગયો છે.પતિ પત્ની,પિતા સંતાન,ધન સંપત્તિ પર અધિકાર, સન્માનમાં આનંદ શોધે છે.વસ્તુતઃ આનંદધન તો શ્રીકૃષ્ણ છે.

ભગવાન શ્રીકૃષ્ણ શુદ્ધ ચિન્મય, શુદ્ધ આનંદમય, શુદ્ધ પ્રેમમય, શુદ્ધ રસમય છે અને શ્રી કૃષ્ણની હ્રાદિની શક્તિ રાધા, શ્રીરાધા કૃષ્ણના સદા મિલન સંયોગ કરાવામાં નિત્ય સંલગ્ન રહેતી રાધાજીની સખીઓ શુદ્ધ ચિન્મયી શુદ્ધ આનંદમયી, શુદ્ધ પ્રેમમયી,આને શુદ ભાવમયી છે.

કહેવાય છે કે શ્રીકૃષ્ણની ૬૪ કળામાં ગોપીઓ સમાયેલી છે.રાધાજી મહાશક્તિ છે.ગોપીઓ કૃષ્ણ ધર્મની ધર્મરૂપ છે તો રાધાજી આનંદ શક્તિ છે.એટલે સ્વામિનીજી રાધાજી છે.

આજે પણ રાધાકૃષ્ણની લીલાઓ થાય છે પણ આપણા સામાન્ય ચક્ષુથી દર્શન નથી થતાં.શ્રીરાધા કૃષ્ણની પરમ કૃપા થાય તો રાધા કૃષ્ણની લીલાઓનો પરમ આનંદ પ્રાપ્ત થાય છે.

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a comment