ધર્મ એટલે પરમાત્માના અસ્તિત્વમાં વિશ્વાસ, ભક્તિ અને મત.
દરેક ધર્મમાં ત્રણ ભાગનું વર્ણન મળે છે.દર્શન એટલે કે તત્વજ્ઞાન, ધર્મ સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ અને અનુષ્ઠાન, વ્રત,જપ,તપ અને ધાર્મિક ક્રિયાઓ.તત્વજ્ઞાન ધર્મનો સાર છે, પૌરાણિક કથાઓ ધર્મના સારનુ વર્ણન કરે છે અને ધાર્મિક ક્રિયાઓ ધર્મનું યથાર્થ પૂર્ણ ચિત્રણ કરે છે.એક ઠોસ સ્વરૂપ બતાવે છે.ધાર્મિક ક્રિયાઓ વિધી અને અનુષ્ઠાન સાથે જોડાયેલી છે.
હિંદુ ધર્મ અદ્રિતીય છે જે તત્વજ્ઞાન અને પરંપરાઓનું સંકલન છે.સનાતન ધર્મ છે.સર્વેશ્વરવાદી છે.બ્રહ્મવાદી છે.આસ્થા, દર્શન અને પૌરાણિક જ્ઞાનનું વર્ણન સવિસ્તાર કરે છે.
ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ મનુષ્યોને સારા કર્મો કરવા,જપ,તપ, વ્રત ઉપવાસ કરવાનું વર્ણન પુરાણમાં કર્યું છે.આપણા ગ્રંથો અને પુરાણોમાં રોજ બરોજના જીવનને ધર્મ સંગત રાખવાનું માર્ગદર્શન મળે છે.આપણો આહાર વિહાર ઋતુ મુજબ હોય છે.સાથે ઉત્સવ અને પર્વ પણ ઋતુ અનુસાર આવે છે.
પદ્મ પુરાણ, ભવિષ્ય પુરાણ અને નારદ પુરાણમાં એકાદશી વ્રતનું માહત્મ્ય છે.એક વર્ષમાં ૨૪ એકાદશી હોય છે.અધિકમાસના વર્ષમાં ૨૬ એકાદશી આવે છે.એકાદશી અલગ અલગ નામથી ઓળખાય છે.
દરેક એકાદશી શ્રીવિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતારનુ વર્ણન કરે છે.અષાઢ માસમાં દેવપોઢી એકાદશીનું મહત્વ છે.અષાઢ સુદ અગિયારસના દિવસે દેવ શયની એકાદશી આવે છે.ભગવાન વિષ્ણુ ચાર મહિના શયન કરે છે.જગન્નાથ પૂરીની રથયાત્રા પછી દેવશયની એકાદશી આવે છે.

પુરાણો અનુસાર શ્રીવિષ્ણુની યોગ નિદ્રાને હરિ શયન કહે છે.હરિ શબ્દ સુર્ય, ચંદ્ર,વાયુ માટે પણ કહેવાય છે.હરિ શયન દરમ્યાન વર્ષાઋતુ હોય છે.સુર્યનો તાપ અને પ્રકાશ ક્ષીણ થાય છે.ચંદ્ર વાદળો વચ્ચે ઢંકાઈ જાય છે.સુર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે.કર્ક એટલે કરચલો.ધીમી ગતિએ ચાલે છે.સુર્યનો પ્રકાશ ઓછો થતો જાય છે.દિવસો નાના થતાં જાય છે.પૃથ્વી પર જળ વધે છે અને તાપ ઘટે છે.એટલે આ સમય દરમ્યાન વ્રત,જપ,તપ, અનુષ્ઠાન કરવામાં આવે છે.
શિવ પુરાણ અનુસાર શંખાસુર નામના દૈત્ય સાથે શ્રીવિષ્ણુ ભગવાને લાંબા સમય સુધી યુદ્ધ કર્યુ અને અંતે વધ કર્યો હતો.શ્રીવિષ્ણુ ભગવાન ખૂબ જ થાકી ગયા અને ક્ષીર સાગરમાં વિશ્રામ કર્યો.સૃષ્ટિનો સઘળો કારભાર ભગવાન શિવજીને સોંપી દીધો.શ્રાવણ માસમાં ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે છે.ત્યાર પછી શિવ પુત્ર શ્રીગણેશની આરાધના ભરપૂર ઉત્સાહથી કરવામાં આવે છે.પંદર દિવસ આપણા પુર્વજોને યાદ કરી શ્રાધ્ધ કાર્ય થાય છે.માતાજીના આર્શિવાદ નવરાત્રિમાં મળે છે.આમ શિવ પરિવારની આરાધના આસો મહીના સુધી થાય છે.

વામન પુરાણ અનુસાર રાજા બલિએ ત્રણેય લોકનું આધિપત્ય મેળવવા અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ કર્યા.૯૯ યજ્ઞ સંપૂર્ણ કર્યા.૧૦૦ મા યજ્ઞમાં શ્રી વિષ્ણુ ભગવાન વામન અવતારમાં પ્રગટ થયા.ઇન્દ્રદેવની વિનંતીથી માતા અદીતી અને ઋષિ કશ્યપે તપ કર્યું અને શ્રી નારાયણ બટુક સ્વરૂપે પધાર્યા.વામન અવતાર ધારણ કરી બલિ રાજાના યજ્ઞમાં ગયા.રાજા બલિએ સિંહાસન અર્પણ કર્યું.શ્રી વિષ્ણુ ભગવાને પોતાના ત્રણ પગલાં સમાન દક્ષિણ માંગી.રાજા બલિએ સંકલ્પ કરી પ્રભુની ઇચ્છા પૂરી કરી.શ્રીનારાયણે પોતાનું વામન સ્વરૂપ વધારી એક પગમાં પૃથ્વી,બીજા પગમાં આકાશ અને સ્વર્ગ મેળવી લીધા.ત્રીજો પગ રાજા બલિએ પોતાના મસ્તક પર ધારણ કરવા કહ્યું.મસ્તક પર શ્રી વિષ્ણુભગવાને પગ મુકતાં રાજા બલિ પાતાળ લોકમાં પહોંચી ગયા.શ્રીનારાયણ રાજા બલિની ભક્તિથી ખુશ થયા અને ચાર મહિના રાજા બલિના પાતાળ લોકમાં દ્રારપાળ તરીકે રહ્યા.દેવપોઢી એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે.સાધુ સંતો ચાર મહિના એક જ સ્થાને રહે છે.કહેવાય છે કે સાધુ-સંતો ચલતા ભલા.સાધુ સંતો હંમેશા વિહાર કરતાં રહે છે અને સમાજને આધ્યાત્મિક વાસ્તવિકતાનું જ્ઞાન આપે છે.પણ આ ચાતુર્માસમાં સાધુ સંતો એક જ સ્થાને રહે છે.
દેવપોઢી એકાદશીના દિવસે સંત સમાજ શ્રી વિષ્ણુ ભગવાનને પોઢી જવાની વિનંતી કરે છે.શ્રીપ્રભુ પૂછે છે કે જો હું પોઢી જાઉ તો આ સૃષ્ટિનું સંચાલન કોણ કરશે? સાધુ સંતો કહે છે કે અમે કરશું.શ્રીપ્રભુ સાધુ સંતો પર કૃપા કરી પોઢી જાય છે.દેવપોઢી એકાદશી પછી ગુરૂ પુર્ણિમા આવે છે.ભારતમા ગુરૂપૂર્ણિમા શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે.
તુમ પૂર્ણ પરમાત્મા,તુમ અંતર્યામી,
પારબ્રહ્મ પરમેશ્વર,પારબ્રહ્મ પરમેશ્વર
તુમ સબ કે સ્વામી.
જગત બ્રહ્મનો ગુણ છે.બ્રહ્મ વિશ્વમાં છે અને વિશ્વથી પર છે.શ્રી વિષ્ણુ બ્રહ્મ છે.જગતના પાલન કર્તા છે.પાલન કર્તા એટલે પર્યવેક્ષક (supervisor).પાલન કર્તા નિરીક્ષણ કરે.જગતનુ પર્યવેક્ષણ કરે છે.બ્રહ્મ ઇશ્વરનું વિરાટ સ્વરૂપ છે.બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત_ઉપાદન કારણ છે.જગત રૂપે પ્રગટ થાય છે ત્યારે તેનો ‘આવિર્ભાવ’ થયો કહેવાય છે.પ્રલય સમયે તેના તત્વો છુપાઇ જાય છે ત્યારે તેનો’તિરોભાવ’ થયો કહેવાય છે.એક માંથી અનેકની ઉત્પત્તિ.અને પ્રલય સમયે પુનઃએક માં જ વિલીન થવું.
તુમ હો એક અગોચર,સબ કે પ્રાણપતિ
શ્રીવિષ્ણુ ભગવાન નિદ્રાધીન હોય છે ત્યારે વર્ષાઋતુ હોય છે.પૃથ્વી જળથી તરબોળ થઇ જાય છે જે વાર્ષિક પ્રલય કહેવાય છે.પૃથ્વીની ક્ષમતા ઘટી જાય છે.ભગવાન વિષ્ણુના દસ અવતાર સાગરમાં જડીબુટ્ટી બનાવે છે.વર્ષાઋતુ પછી પૃથ્વી ઉપજાઉ થાય છે.પૃથ્વી પર લીલીછમ હરિયાળી છવાઈ જાય છે.
દેવપોઢી એકાદશી દેવશયની છે.શ્રીનારાયણની નિદ્રા વિશ્વના વિલોપનનું પ્રતીક છે.વિશ્વનુ અસ્તિત્વ રહે છે.શ્રી નારાયણનું જાગવું એટલે દેવ ઉઠી એકાદશી છે વિશ્વનું સૃજન દર્શાવે છે.
શ્રીવિષ્ણુ ભગવાન ક્ષીર સાગરમાં શેષનાગની શૈયા પર નિદ્રાધીન થાય છે.ક્ષીર એટલે દૂધ.ક્ષીર સાગર અનંત છે.શેષનાગ શ્રીવિષ્ણુ ભગવાનના મસ્તક પર સ્થિર રહે છે.શેષનાગ કાળ સમાન છે.કાળ એટલે સમય.સમગ્ર સૃષ્ટિ નાશ પામ્યા પછી પણ શેષનાગનુ અસ્તિત્વ રહે છે.એટલે ‘શેષ’ કહેવાય છે.મૂળમા નાગ પાતાળ લોકમાં નિવાસ કરે છે.ભૌતિક સંપત્તિ પાતાળ લોકથી મળે છે.વટવૃક્ષના મૂળ પૃથ્વીની તળે હોય છે,ખનીજ સંપતિ,જળના સ્તોત્ર દરેક જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે.પાતાળ લોકમાં પ્રકૃતિની ઉર્જા ગૂઢ રૂપે હોય છે.શેષનાગ પૃથ્વીને ધારણ કરે છે.શ્રીવિષ્ણુ ભગવાન પાલન કરે છે.
તુમ કરૂણા કે સાગર,તુમ પાલન કર્તા, સ્વામી તુમ પાલન કર્તા.
વિષ્ણુ પુરાણમાં અને માર્કડેય પુરાણમાં એકાદશીના વ્રતનું માહત્મ્ય છે.પદ્મ પુરાણ અનુસાર ‘એકાદશી’ શ્રી વિષ્ણુ ભગવાનની શક્તિ છે.એકાદશી એટલે અગિયારસ.૧૧ ઇન્દ્રીયો.૫ જ્ઞાનેન્દ્રિય,૫ કર્મેન્દ્રિય અને ૧ અંત:કરણ.
ચાતુર્માસમાં આત્મન,અધ્યયન, ઉપાસના કરવાથી ઉર્જા પ્રાપ્ત થાય છે.શારિરીક અને માનસિક આરોગ્યની જાળવણી કરવાનો સમય હોય છે.વર્ષાઋતુમા હવા અને પાણી ભારે થાય છે.જંતુ કીટાણુઓને લગતી બિમારીઓ વધી જાય છે.જળ વધે છે અને તાપ ઘટે છે .આવા સમયે આહાર વિહારનો બદલાવ જરૂરી છે.
પુરાણોમા દિવસમાં એક વખત ભોજન કરીને એકાદશી કરવાનું કહે છે.આ પર્વ દરમિયાન વ્રત,જપ તપથી શરીરમાં રહેલા હાનિકારક તત્વો નાશ પામે છે લોહીનું શુદ્ધીકરણ થાય છે અને ચયાપચયની ક્રિયા એક સરખી થાય છે.ઉપવાસમા લેવાતો આહાર યોગ્ય હોવો જોઈએ.
પુરાણો અનુસાર શ્રીવિષ્ણુભગવાને પાતાળ લોકમાં બલિરાજાના મહેલમાં ચાર માસ દ્રારપાળ તરીકે રહેવાનું વરદાન બલિરાજાને આપ્યું.માતા લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી ભાઈ બનાવ્યો અને શ્રીહરિને મુક્ત કરવા વિનંતી કરી.ત્યારથી શ્રી વિષ્ણુ ભગવાનના આપેલ વરદાનનુ પાલન ત્રણેય દેવતાઓ કરે છે.
શ્રીવિષ્ણુ ભગવાન દેવશયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી, ભગવાન શિવજી મહાશિવરાત્રી સુધી અને શ્રીબ્રહ્માજી શિવરાત્રીથી દેવ શયની સુધી.
દીનબંધુ દુઃખ હર્તા, ઠાકુર તુમ મેરે,સ્વામી રક્ષક તુમ મેરે
આપને હાથ ઉઠાઓ,અપને શરણ લગાઓ, દ્રાર પડે તેરે
ઓમ જય જગદીશ હરે.