લાડકા શ્રીકૃષ્ણનુ બાળ સ્વરૂપ.

એક જ પરબ્રહ્મ અનેક નામ છે.યોગી જેને આનંદ સ્વરૂપ કહે છે,ઋષિ મુનીઓ પરમાત્મા કહે છે,સંતો ભગવાન કહે છે,ઉપનિષદ બ્રહ્મ કહે છે,વૈષ્ણવ શ્રીકૃષ્ણ કહે છે.

મહિલાઓ પ્રેમથી લાલા,ગોપાલ, કાનુડો,બાલકૃષ્ણ, લડ્ડુ ગોપાલ કહે છે.

લડ્ડુ ગોપાલ

દેશ વિદેશમા દરેક વૈષ્ણવોના ઘરોમા ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની સેવા અને યશોદાજી અને ગોપીભાવથી થાય છે.

શ્રીકૃષ્ણની ભક્તિની મોહિની નિરંતર છે.સૃષ્ટિના સંચાલનની દોરી શ્રીપ્રભુના હાથમા છે એવા શ્રીકૃષ્ણના બાળક સ્વરૂપને ભક્તો પારણીયે ઝુલાવી આનંદભેર ઝુમી ઉઠે છે.

શ્રીકૃષ્ણે ગીતા કહ્યુ છે ભક્ત જે સ્વરૂપે મારી આરાધના કરે છે,એ જ સ્વરૂપે ભાવ પ્રગટ કરી ભક્તને સંતુષ્ટ કરૂ છું.

બાલકૃષ્ણની ગૃહસેવા કરવી એટલે ઘરના સ્વામી માની દરેક કાર્ય એમની પ્રસન્નતા માટે કરવું એ જ ભકિત છે.જેમ એક બાળકના આગમનથી ઘરનું વાતાવરણ કીલ્લોલમય બની જાય છે.દરેક કાર્યો બાળકને લગતા થવા લાગે છે.બાળક તરફથી કોઇ અપેક્ષા રાખતા નથી.કેવો સરસ સમર્પણ ભાવ જાગૃત થાય છે.

નિત્યત્સવો નિત્યસૌખ્યો નિત્યશ્રીર્નિત્યમંગલ :

યશોદામાતા નિત્ય ઉત્સવ મનાવતા.બાલકૃષ્ણે પહેલી વાર પડખે ફેરવ્યું ત્યારે કટિ પરિવર્તન ઉત્સવ ઉજવીને ગોપ ગોપીઓની પૂજા કરી દાન આપ્યા.બાલકૃષ્ણનું સ્વરૂપ ગૃહસેવામા ઉત્સવ કરાવે છે.

વ્રજમા શ્રીકૃષ્ણે બાળક અને કિશોર વય ધારણ કરી અનેક લીલાઓ કરી.ભક્તોને જે લીલામા આસક્તિ થઈ તે શ્રીકૃષ્ણ સ્વરૂપનુ ચિત્ર કે મૂર્તિ બનાવી.

વેણુ વાદન કરતા કિશોર વયના,શ્રીગોર્વધન પર્વત ધારણ કરતા કુમાર વયના,દ્રિભુજમાથી ચતુર્ભુજ શ્રીકૃષ્ણમા,રાસલીલા કરતા એમ અનેક સ્વરૂપમા ભક્તોને આસક્તિ થઇ.

બાળ સ્વરૂપમા હાથમાં માખણ અને લાડુ લઈ ઘૂંટણીયા ભરતા બાલકૃષ્ણ સૌના લાડકા બન્યા.

બાલકૃષ્ણનુ મનોહર સ્વરૂપ આપણા હ્રદયને અને ચિત્તને આર્કષિત કરે છે.નિર્દોષ સ્વરૂપ જલ્દી રીઝે છે અને લીલા કરી ખુશી વ્યક્ત કરે છે.બાળકૃષ્ણે ડાબો પગ વાળેલો છે,જમણા હાથમા લાડુ છે.અમુક સ્વરૂપમા ડાબા હાથમા પણ લાડુ હોય છે.બાકીના અંગ ધરતી પર છે.જમણો પગ ઉપરની તરફ વાળેલો છે અને પગની પાની ઘરતી પર ટેકવી છે.

બાલકૃષ્ણનુ આ સ્વરૂપ આજે ઘરે ઘરે પૂજાય છે.જન્માષ્ટમીના તહેવારે આ જ સ્વરૂપને ભક્તો પારણીયે ઝુલાવી કૃષ્ણ જન્મનો ઉત્સવ આનંદથી ઉજવે છે.

ભાગવતના દશમ સ્કંધમા બાલકૃષ્ણની ત્રણ લીલાઓનુ વર્ણન છે.શકટભંજન લીલા,પુતના લીલા અને તૃણાવર્ત વધ લીલા.આ ત્રણે લીલા ભગવાને બાળ સ્વરૂપે કરી હતી.એટલે આ સ્વરૂપની સેવા ભક્તોને વધુ પ્રિય છે.

ભકિતના પાંચ ભાવ છે. શાંત ભાવ,માધુર્ય ભાવ,વાત્સલ્ય ભાવ,દાસ્ય ભાવ,સખ્ય ભાવ.ભકિત કરવી એટલે ભગવાની મૂર્તિમા ભગવાનના નામમા મન પરોવી દેવું.

વાત્સલ્ય ભાવમા ભક્ત શ્રીકૃષ્ણને પોતાના સંતાન માનીને સેવા કરે છે.ભગવાનના સ્વરૂપની સેવા કરતા કરતા સંસારના સઘળા દુખો ભૂલી જાય .ભક્ત બાળ સ્વરૂપ પાસે કોઇ આશા નથી રાખતો.અને બાલકૃષ્ણ પણ જલદી રીઝે છે.હસતુ રમતુ સ્વરૂપ ભક્તોને સેવા કરવા આર્કષિત કરે છે.ભક્તો લાલા માટે નીત નવા પોષાક, આભુષણ,રમકડા,ગાદી તકિયાની ખરીદી હોશે હોશે કરે છે.લાલા માટે અનેક સામગ્રી સિદ્ધ કરી અર્પણ કરે છે.

ભગવાનના શણગારની શોભા ભગવાનના ધારણ કરવાથી વધે છે.ભક્ત કનૈયાને શૃંગાર કરે છે ત્યારે નેત્ર અને મન કનૈયાના મુખારવીંદના દર્શન કરતા હોય છે.મન શુદ્ધ થાય છે અને કનૈયા પ્રત્યે વાત્સલ્ય ભાવ વધે છે.

આ સેવામા યશોદાજી અને ગોપીભાવ છે.હ્રદયમા લાલાને ધારણ કરવા એટલે ધ્યાન ધરવા જેવી એકાગ્રતા. જાણે કે meditation કરવું.

વાત્સલ્ય ભાવ એક અલૌકિક પ્રેમ છે.ભક્ત ભગવાનના નિરંતર આનંદનો ભાવ કરે છે.બાળકૃષ્ણને સ્નાન કરાવતા લાડ લડાવે છે.હંમેશા સુંદર પોષાક અને અત્તર સુગંધીત વસ્ત્રો પહેરાવે છે.બાળ સ્વરૂપને ભાવતા નૈવેદ્ય અર્પણ કરે છે.રમકડા રમાડે છે.પાલનામા ઝુલાવી ઉત્સવ કરે છે.શયન કરાવે છે.દરેક સેવા કાર્ય કરતા ભગવાનના ગીત ગાય છે.ભક્તનુ ચિત્ત સતત કનૈયામા પરોવાયેલુ રહે છે.

નંદ મહારાજ અને યશોદાજીનો ભાવ વાત્સલ્ય ભાવ છે.

નટખટ કૃષ્ણ

એક વાર યશોદાજી શ્રીકૃષ્ણને ખાંડણી સાથે બાધ્યા હતા.નટખટના તોફાનોની ગોપીઓ રાવ કરતી ત્યારે લાકડી લઇ ને સજા આપવા પાછળ દોડ્યા હતા.શ્રીકૃષ્ણ એક બાળક જેમ પોતાની માતાને યાચના કરે એમ છોડી દેવા વિનંતી કરતા હતા.યશોદા માતા લાગણી વશ થઇને વ્હાલ કરવા લાગ્યા.જો યશોદા માતાને ખબર હોત કે કાનુડો તો જગતનો નાથ છે તો શું આમ બાંધી લેત કે લાકડી બતાવે.એમનો વાત્સલ્ય ભાવ તરત અદ્રશ્ય થઇ જાત.

છ દિવસના બાલકૃષ્ણે પુતનાના પ્રાણ હરી લીધા ત્યારે વાત્સલ્ય પ્રેમમયી યશોદામાતાને એમ થયુ કે ભગવાન નારાયણે મારા લાલાની રક્ષા કરી છે.સ્વસ્તિવાચન કરી ગાયની પૂંછ લાલાના અંગ પર ફેરવાયા ત્યારે શિશુત્વની મુગ્ધતા પ્રગટ કરી લાલા પણ કોમળ નજરે માતાને જોવા લાગ્યા જાણે કશુ થયુ જ નથી.

બાલકૃષ્ણની લીલા એટલે બાળકની જાગૃત અવસ્થાની બીન શરતી અને બંધન મુક્ત ક્રિયા.

બાલકૃષ્ણ સત્ ચિત્ત આનંદ સ્વરૂપે લીલા કરે છે.શ્રીકૃષ્ણનું બાળક સ્વરૂપ શુદ્ધ એટલે સત્ છે,જે લીલાઓ કરી છે તે ચિત્ત સ્વરૂપ છે,લીલાઓથી આનંદ પ્રગટ કરે છે.શ્રીકૃષ્ણ પૂર્ણ અવતાર છે.

બાલકૃષ્ણને લાલા,લાલજી,લાલો,લડ્ડુ ગોપાલ કહીને લાડ થાય છે.વ્રજ ભૂમિમા ભગવાન કૃષ્ણના એક ભક્ત કુંભનદાસ હતા.

કુભંનદાસ શ્રીકૃષ્ણની સેવા નિયમિત કરતા.ભગવાનને મૂકીને ક્યાંય જતા નહી. એક ભાગવત કથાનું નિમંત્રણ મળ્યુ .પુત્ર રઘુનંદનને સેવાનો ક્રમ સમજાવ્યો.અને કથા વાચન કરવા જવા લાગ્યા.રઘુનંદને ભોજન સામગ્રી ભગવાન સમક્ષ રાખી અને પ્રભુને સરળ ભાવે ભોગ આરોગવા વિનંતી કરી.રઘુનંદન પણ બાળક હતા.એમ માનતા હતા કે ભગવાન જાતે ધરાવેલી સામગ્રી આરોગશે.વારંવાર આગ્રહ કરવા લાગ્યા.પણ ભોજન સામગ્રી તો એમ જ હતી.રઘુનંદન રડતા રડતા વિનંતી કરવા.ભગવાન બાળ સ્વરૂપે પ્રગટ થયા અને સામગ્રી આરોગી.પછી તો રોજનો ક્રમ થઇ ગયો.ભગવાન આવીને સામગ્રી આરોગે.કુભંનદાસ આવીને પ્રસાદ માગે તો રઘુનંદન કહેતા ભગવાને બધી સામગ્રી આરોગી લીધી છે.કુભંનદાસને થયું રઘુનંદન ખોટુ બોલે છે.એટલે એક દિવસ છુપાયને જોવા લાગ્યા રઘુનંદન શું કરે છે.જ્યારે રઘુનંદને ભોગ ધર્યો ત્યારે જોયુ તો ભગવાન રોજની જેમ બાળ સ્વરૂપે પ્રગટ થઇને સામગ્રી આરોગતા હતા.કુભંનદાસે દોડી આવીને પ્રભુને ચરણસ્પર્શ કર્યા.એ જ સમયે ભગવાનના એક હાથમા લાડુ હતો અને બીજા હાથે આરોગવા જતા હતા.આ સ્વરૂપે ભગવાન સ્થિર થઇ ગયા.અને લડ્ડુ ગોપાલ રૂપે પૂજા થાય છે.

શ્રી દત્તાત્રેય ભગવાને ૨૪ ગુરૂનું વર્ણન કર્યું છે એમા ૧૯મા ગુરૂ તરીકે બાળક છે.બાળક એટલે માન અપમાનમા સમાન દ્રષ્ટિ,નિશ્ચિંતતા.રાગ,દ્વેષ, ચિંતા,કામ,ક્રોધ, લોભ જેવા દુર્ગુણોથી રહિત બાળક કેટલું શાંત અને આનંદમય રહે છે.બાળક સમાન બનવા બાળકને આર્દશ માનવું.

JAY SHREE KRISHNA

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a comment