મંદિર નિર્માણની શરૂઆત ક્યારે અને કેમ થઇ?

સ્વામી વિવેકાનંદને એક મુલાકાતીએ પુછ્યું કે “આપણે મંદિર શું કામ જવું જોઈએ જ્યારે ઇશ્વર સર્વત્ર છે.”

સ્વામી વિવેકાનંદે સાંજની સભામાં જવાબ આપશે એવો જવાબ આપ્યો.સાંજે પેલો મુલાકાતી સભામાં તો આવ્યો પણ મોડો પડ્યો.સ્વામીજીએ કારણ પૂછ્યું.મુલાકાતીએ જવાબ આપ્યો કે મારી કારના પૈંડાઓમા હવા ભરાવા માટે મારે રસ્તામા પંપ સ્ટેશન શોધવા પડ્યા એટલે મોડું થયું.

સ્વામીજીએ તરત કહ્યુ,” આપણી આસપાસ અમર્યાદિત કુદરતી હવા છે.તારે પૈંડાના વાલ્વ ખોલીને ભરી લેવી હતી.શું કામ પંપ સ્ટેશન શોધવાની મહેનત કરી.”પેલા મુલાકાતી કહયું,”એ કેવી રીતે શક્ય છે.હવાના દબાણથી પૈંડામા હવા ભરવા તો પંપ સ્ટેશન જવું જ પડે.

સ્વામીજી હસ્યા અને કહ્યું ,”આપણી આસપાસ અમર્યાદિત હવા છે પણ તારે પંપ સ્ટેશન જવું પડ્યું કારણ કે હવાને એકત્ર કરી દબાણ સાથે ભરવાનું કામ તો પંપ જ કરી શકે.એમ મંદિરો પણ એવા સ્થળ છે કે જ્યાં સકારાત્મક ઉર્જા એકત્ર થાય છે.અને જનાર વ્યકિતને હકારાત્મકતા અભિગમ આપે છે.હવા ચોતરફ છે પણ આપણે પંખાનો ઉપયોગ કરવાના.પછી ભલે છત પરના હોય કે હાથ પંખા હોય.

૨૨ જાન્યુઆરીના દિવસે આપણા ભારતમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો લોકોમા જબરદસ્ત ઉમળકો જોવા મળ્યો હતો.આ ઐતહાસિક ક્ષણનો દેશ વિદેશના લોકો સાક્ષી બન્યા.દિવસો અગાઉ ભવ્ય તૈયારી ભારતના દરેક શહેરોમા જોવા મળી હતી.social મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વને શ્રીરામ મંદિર અને શ્રીરામચંદ્રજીની દિવ્ય મૂર્તિના દર્શન કરવા મળ્યા. આ દિવસ  ભારતીય સમાજ ક્યારેય નહીં ભૂલે.

પ્રાચીન સમયથી ભારતમા આરાધના કરવા મંદિરોનું નિર્માણ કરાયુ છે આજે પણ જનમાનસમા શ્રદ્ધા કાયમ રહી છે.

ભારતને મંદિરોની ભૂમિ કહેવાય છે. કલાત્મક સ્થાપત્ય ભારતની આગવી ઓળખ છે.મંદિરોનું નિર્માણ ક્યારે અને કેવી રીતે થયું.?

આપણી આસપાસ આધુનિક મંદિરો છે.આ મંદિરોનું બાંધકામ પણ પ્રાચીન સ્થાપત્ય શૈલીની કળા અનુસાર છે.મંંદિરોના બાંધકામ અલગ અલગ પ્રાંત અને સંપ્રદાયો પ્રમાણે જોવા મળે  છે. મંદિરોમા  સ્થાપિત મૂર્તિઓ પર પણ સંપ્રદાય અને પ્રાંતનો પ્રભાવ જોવા મળે છે.જેમ કે રાજસ્થાનમા આરસપહાણના મંદિરો હોય છે.ઉત્તર ભારત તરફ મંદિરો પહાડો પર હોય છે.મહારાષ્ટ્રના મંદિરોમા દેવ દેવીની મૂર્તિઓને સિદુંર અર્પણ કર્યુ હોય છે.દક્ષિણ ભારતના મંદિરોના શિખરો જ અતિ વિશાળ હોય છે.

પુરાતત્વવિદોના મત અનુસાર વૈદિક સમયમાં નદી કિનારાની આસપાસ પથ્થર કે મોટી શીલા કોતરીને દેવી દેવતાઓના સ્થાન બનાવવામાં આવ્યા હશે.જે આજે પણ જોવા મળે છે.પ્રાચીન મંદિરો ગુફાઓમા,પર્વતો પર,નદી કિનારે અને સમુદ્ર નજીક કે સમુદ્રની વચ્ચે જોવા મળે છે.

વૈદિક સમયગાળામાં યજ્ઞકુંડ બનાવી અગ્નિ પ્રગટ કરીને મંત્ર સ્તોત્ર કરવામાં આવતા.દેવી દેવતાઓના આવાહન કરતા.

સમયની સાથે સાથે મંદિરોની શિલ્પ વિદ્યામા પણ વિકાસ થયો છે.પ્રાચીન સમયના મંદિરો લાકડાના રહેતા.મોટા પત્થરોમાથી પણ મંદિરોની રચના કરવામા આવતી.પહાડોની ગુફામા મંદિરો બનતા જે આજે પણ જોવા મળે છે.એટલે એવુ માની શકાય કે વારંવાર સ્થળાંતર કરતી પ્રજા આવી રીતે મંદિરોની સ્થાપના કરતી હશે.

મંદિરનો અર્થ મનથી દૂર કોઇ સ્થાન. મનથી દૂર રહીને નિરાકાર ઇશ્વરની આરાધના કરવાનું સ્થાન.

દેેવદ્રાર,આલય,રામદ્રાર,ગુરૂદ્રાર,શિવાલય,શ્રીનાથજીની હવેલી,જીનાલય,દેરાસર કહેવાય છે.મંદિર શબ્દ સંસ્કૃતમા નથી.દેવાય,દેવ ગૃહ,દેવાયતન આદિ શબ્દનો ઉલ્લેખ છે.શતપથ બ્રાહ્મણ ગ્રંથમા મંદિર શબ્દનો ઉલ્લેખ છે

પ્રાચીન સમયમાં મંદિરો જન સમાજને આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના મૂલ્ય શીખવા હતા.સંગીત અને નૃત્ય કળા મંદિરોમા શીખવા અને જોવા મળતી.મંદિરો સામુદાયિક કેન્દ્ર હતા.

બ્રહ્મના બે સ્વરૂપ છે.નિર્ગુણ અને સગુણ. નિર્ગુણનો આકાર નથી.સગુણ આકાર રૂપ છે.શ્રીગીતામા સગુણનું પૂજન પસંદ કરવા યોગ્ય કહ્યું છે.સગુણ પૂજન સરળ છે.માનવીને પોતાને દેહ છે એટલે ઇશ્વરને દેહ સ્વરૂપે જોવાની ઝંખના કરે છે.મૂર્તિ સ્વરૂપમા ઇશ્વર છે એવી ભાવના રાખે છે.ચોક્કસ સમય સુધી સગુણ સ્વરૂપની ઉપાસના કર્યા પછી પ્રેમ ભક્તિ ખીલે છે.ધીરે ધીરે નિર્ગુણ સ્વરૂપ પ્રત્યે વળે  છે.પ્રારંભમા સગુણ સ્વરૂપની આરાધના કરવી યોગ્ય છે.હિન્દુ ધર્મમા ભગવાનની ઉપાસના કરવાની બે રીત પ્રચલિત છે.એક નિર્ગુણ સ્વરૂપની ઉપાસના અને બીજી સગુણ સ્વરૂપની ઉપાસના.

નિર્ગુણ સ્વરૂપમા ભગવાનને નિરાકાર માનવામા આવે છે. સૃષ્ટિના કણ કણમાં વ્યાપ્ત નિરાકાર છે.જ્ઞાન માર્ગી ભક્ત જ્ઞાનના માધ્યમથી પરબ્રહ્મ પરમેશ્વરનું ધ્યાન ધરે છે.પણ આ રીતની સાધના દરેક માટે શક્ય નથી.ચિત્તને કેન્દ્રીત કરવા માટે ભારે પ્રયત્ન કરવા પડે છે.ઇશ્વરનુ સ્વરૂપ એમ પામવુ સરળ નથી.વૈરાગ્ય ધારણ કરી સંસારથી આસક્તિ દૂર કરવી કઠણ છે.સંસારમા રહેલા જીવ નિરાકારની સાધના નથી કરી શકતા.

બીજી ઉપાસના સગુણ સ્વરૂપની છે.સગુણ સ્વરૂપ એટલે ભગવાનને મૂર્ત રૂપે પૂજાવા.મૂર્તિમા ઇશ્વરને જોવા.ભક્ત પોતાના આરાધ્યને એક સ્થાન પર સ્થાપિત કરી શકે છે.

આરાધ્યની આરાધના મૂર્તિ સમક્ષ કરી શકે છે.આરાધ્યના ચરણોનુ પૂજન કરે છે.વસ્ત્રો,અલંકાર,ચંદન,ફૂલ,સુગંધીત પદાર્થ અર્પણ કરે છે.ભક્તિ પૂર્વક કરેલી આરાધના ભક્તને ભગવાન સાથે એક્ય થવાની ભાવના આપે છે.

ભગવાન સાથે જોડાણ કરવા માટે ધ્યાન અને એકાગ્રતાની જરૂર હોય છે.નિરાકારની ઉપાસના કરો કે સગુણની.સગુણ સ્વરૂપની ઉપાસનામા ભગવાનના અવતારની આરાધના અર્ચના થાય છે.મૂર્ત સ્વરૂપની આરાધના કરવાના સ્થાનને મંદિર કહેવાય છે.

વૈદિક કાળમા વૈદિક સમાજ એક જ વેદિ સમક્ષ બ્રહ્મ પ્રતિ પોતાનુ સમર્પણ અને શ્રદ્ધા વ્યક્ત કરતો હતો.યજ્ઞ દ્રારા ઇશ્વર અને પ્રકૃતિના તત્વોને આહવાન અને પ્રાર્થના કરતા.યજ્ઞો કરવાથી પ્રકૃતિ સંતુલન જળવાય રહેતું.

સમય સાથે યજ્ઞમા કર્મ કાંડ વધવા લાગ્યા.ઇશ્વર અને સકારાત્મકતા પામવા એક જ સ્વરૂપે ઇશ્વરને મંદિરોમા બદ્ધ કર્યા.

વૈદિક યુગમા પ્રકૃતિ અનૈ દેવોની પૂજા થતી.દાર્શનિક વિચાર સાથે રૂદ્ર અને વિષ્ણુનો ઉલ્લેખ મળે છે.

વૈદિક કાળના ચોથા યુગમા મંદિર નિર્માણની પ્રથાની શરૂઆત થઇ.એટલે કળિયુગના સમયથી.સત્ય યુગ,ત્રેતાયુગ અને દ્રાપર યુગમા ફક્ત ભક્તિ દ્વારા ભગવાનને પામવાની આરાધના થતી હતી.જો કે ત્રેતાયુગ અને દ્રાપર યુગમાં મંદિરોનો ઉલ્લેખ મળે છે.રામાયણમા માતા સીતાની ગૌરી પૂજા અને શ્રીરામચંદ્રજીની શિવલિંગ પૂજનનો ઉલ્લેખ છે જે સાબિત કરે છે કે ઘરથી અલગ દેવી દેવતાના પૂજા સ્થાન હતા.કૃષ્ણ અને રૂકમણીના વિવાહના પ્રસંગમા રૂકમણી માતાજીના મંદિરે જાય છે ત્યારે શ્રીકૃષ્ણ રૂકમણી હરણ કરે છે.આમ આ બંને  યુગમા મંદિરોનો ઇતિહાસ મળે છે.

સોમનાથ મંદિરનો ઉલ્લેખ ઋગ્વેદમા મળે છે.તામિલનાડુના તંજોરમા બૃહદેશ્વર મહાદેવ મંદિર પ્રથમ ગ્રેનાઇટ મંદિર છે.જે ૧૦૦૩ _૧૦૧૦ઇ રાજારાજ ચોલા દ્રારા નિર્માણ થયું છે.તિરૂપતિ મંદિર ૧૦મી શતાબ્દીમા બન્યુ છે.રાજસ્થાનમા આબૂ સ્થિત દેલવાડાના જૈન મંદિર ૧૩મી શતાબ્દીના છે.તામિલનાડુનું રંગનાથ મંદિર ૧ સદીમા સંગમ સમયનુ નિર્માણ થયુ છે.ભારતના પ્રાચીન મંદિરોના ઇતિહાસનું વર્ણન એક અલગ વિષય છે.

આપણા ઋષિમુનિઓ વૈજ્ઞાનિક કારણોને ધ્યાનમા રાખી પ્રકૃતિ,વિજ્ઞાન અને આધ્યાત્મનો સમન્વય કર્યો છે.

પ્રાચીન સમયમા દેવી દેવતાઓના પૂજા સ્થાન અલગ રહેતા.ઋષિમુનીઓના આશ્રમોમા ધ્યાન,યજ્ઞ,હવન અને અન્ય પૂજા વિધી કરાતી.આત્મ ચિંતન,ધ્યાન, મનન અને શાસ્ત્રર્થનુ મહત્વ વધારે હતું.

વૈદિક કાળમા મંદિરોની સ્થાપના સકારાત્મક ઉર્જા હોય ત્યાં કરવામા આવતી.ત્યાર પછી મુખ્ય વિગ્રહની સ્થાપના થતી.એ સ્થાન ગર્ભ ગૃહ કહેવાતું.જ્યાં પૃથ્વીના ચુબંકીય તરંગો અધિકતમ રહેતાં.નિર્માણ સમયે તાંબાની પટ્ટીમા વૈદિક મંત્રો લખી મુખ્ય વિગ્રહ નીચે દાટી દેવામાં આવતી.તાંબામા ચુબંકીય તરંગો શોષવાના ગુણ હોય છે.જે આજુબાજુના વાતાવરણમા પ્રસારીત કરે છે.

વેદ માને છે કે ઈશ્વર પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે.પ્રાચીન સમયમા સામૂહિક રૂપે એક જ સ્થાનમા પ્રાર્થના કરાતી.

પ્રાચીન મંદિરોની રચના પિરામિડ સમાન હોય છે.

ઋષિમુનીઓની કુટીરો પણ પિરામિડ સમાન રહેતી. વાસ્તુ શિલ્પ કળાના દર્શન થાય છે.પૂર્વ, ઉત્તર કે ઇશાનમુખી હોય છે.ઇશાન ખૂણાથી આવતી ઉર્જા ધ્યાન કરવા માટે અતિ ઉત્તમ વાતાવરણનુ સર્જન કરે છે.સામુહિક ધ્યાન અને પ્રાર્થના કરવા માટે આવી રીતની વાસ્તુ કળા પર ધ્યાન આપવામા આવે છે.

પ્રાચીન મંદિરો ધ્યાન કે પ્રાર્થના કરવા માટે રહેતા.મંદિરોના સ્તંભો અને દિવાલો પર દેવી દેવતાઓની મૂર્તિઓ અંકિત કરવામા આવતી.જે આજે પણ જોવા મળે છે.

પાછળથી રોમન,ચીન,અરબ,યુનાન જેવા દેશોની વાસ્તુ કળાનો ભારતમા પ્રવેશ થયો.

લોક જીવનમા શિવ પાર્વતી,લક્ષ્મી નારાયણ,નગર અને ગ્રામ દેવતાઓના સ્થાન સમક્ષ પ્રાર્થના થતી.યક્ષ,નાગ,ગ્રહ નક્ષત્ર, પિતૃની પૂજા કરવાનુ પ્રચલન હતું.શિવલિંગ પૂજન , બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમા મૂર્તિ પૂજાનુ સમર્થન વધવાની સાથે રામ સીતા,રાધા કૃષ્ણની મૂર્તિ પૂજાના પ્રચલન શરૂઆત થવા લાગી

વૈદિક કાળમા ચાર ધામ સ્થાન અને જ્યોતિર્લિંગની સ્થાપના થઇ.ભારતના શક્તિપીઠ અને જ્યોતિર્લિંગોને પ્રાચીન મંદિરો માનવામાં આવે છે.સમયની સાથે આ મંદિરોનો જીર્ણોદ્ધાર થયો છે.બૌદ્ધ અને જૈન કાળમા મંદિરોના નિર્માણ પર વિશેષ ધ્યાન આપવામા આવ્યુ જે આજે પણ જોવા મળે છે.

ભારતના મંદિરોની સ્થાપત્ય કળા પ્રવાસ પર્યટનનું મુખ્ય આર્કષણ છે.

ગુપ્ત કાળ એટલે કે ૪ થી ૬ શતાબ્દીમા મંદિરોના નિર્માણ વિકાસ થવા લાગ્યા. ગુપ્ત કાળમા દેવતાની આરાધના સાથે દેવાલયોના પણ નિર્માણ થયા. મૌર્ય કાળમાં સ્તંભ સ્તુપના પુરાવા મળે છે.ગુપ્ત સમયમાં શિવ,વિષ્ણુ અને દેવી દુર્ગાની મૂર્તિઓ અસ્તિત્વમા આવી અને મંદિરોમાં સ્થાપિત થઇ.

આ સમય મંદિર વાસ્તુ કળાના ઇતિહાસમા સુર્વણમય કહેવાયો.વાસ્તુ ગ્રંથ અને શિલ્પ શાસ્ત્રની રચના ગુપ્ત યુગમા થઇ. આ ગ્રંથમા મંદિર શૈલિનુ વર્ણન છે.નાગર શૈલી,દ્રવિડ શૈલી અને વેસર વાસ્તુ શૈલી.

ખજૂરાહોના મંદિર નાગર શૈલીથી નિર્માણ થયા છે.નાગર શૈલીની ઉપશૈલી ઓડીશા શૈલી,ખજુરાહો શૈલી અને કાશ્મીરી શૈલી છે.

૯ થી ૧૨ શતાબ્દી સમયે ચૌલા સામ્રાજ્ય દરમ્યાન દ્રવિડ શૈલીના મંદિરો દક્ષિણ ભારતમા વિકસીત થયા.કાંચીપુરમના મંદિર,તંજાવુરનુ બૃહદેશ્વર મંદિર, મીનાક્ષી મંદિર,એરાવતેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર ભારતમા પ્રથમ વિશાળ અને ઉચુ મંદિર છે.નાગર અને દ્રવિડ શૈલીના મિશ્રણ રૂપે વેસર શૈલી સંજ્ઞા છે.મધ્ય ભારત અને કર્ણાટકના મંદિરોમા બંને શૈલીનો સમન્વય જોવા મળે છે.

ગુપ્ત યુગ પછી ભારતવર્ષમા ક્ષેત્રીય શૈલીનો વિકાસ થયો.ઓરિસ્સા,ગુજરાત અને રાજસ્થાનના મંદિરો ક્ષેત્રીય શૈલીના ઉદાહરણ છે.સોલંકી શૈલીમા હિન્દુ મંદિરો અને જૈન મંદિરો આવે છે.

અન્ય શૈલીમા વિજયનગર,નાયક,હોયસલ, શૈલી આવે છે.

પેગોડાના મંદિર નેપાલ અને ઇન્ડોનેશિયામા છે.સંધાર શૈલી,નિરન્ધાર શૈલી,સર્વતોભદ્ર શૈલી છે.આ વિષય ઘણો વિશાળ છે.

આરાધના કરવા માટે ભવ્ય મંદિરોના નિર્માણ થયા.ધીરે ધીરે મંદિરોની સ્થાપત્ય કળાનો વિકાસ થયો.પ્રાચીન મંદિરોના પુનઃનિર્માણ થયા.મૂર્તિ રૂપે ભગવાનની પૂજા કરવા મંદિરોની આવશક્યતા થવા લાગી.ઇશ્વરની આરાધના કરવા ધ્યાન એકાગ્રતા હોવી જરૂરી છે.આ જ ઉદ્દેશ્ય મંદિરોની રચના માટે હોય છે.મંદિર એવુ સ્થાન છે જ્યાં ભક્તો પોતાના આરાધ્યની શ્રધ્ધાથી આરાધના કરી શકે છે.મંદિરનુ વાતાવરણ પવિત્ર હોય છે.માનવ શરીરની પાંચ ઇન્દ્રિયો દ્રષ્ટિ,શ્રવણ,સ્પર્શ,ગંધ અને સ્વાદ વિશેષ માનવામા આવે છે.આ પાંચ ઇન્દ્રિયો મંદિરમા પ્રવેશતા સક્રિય થાય છે.મંદિરમા રહેલી સકારાત્મક ઉર્જા સાથે મનુષ્ય જોડાય જાય છે.

ઉર્જા ક્યારેય નાશ નથી પામતી.કાયમ વાતાવરણમા હોય જ છે.નિસર્ગમા વૈશ્વવિક શક્તિ છે.જે મનુષ્ય શરીર માટે જરૂરી છે.પાષાણ આ શક્તિને શોષી શકે છે.પાષાણના મંદિરોમા ઉર્જાનો પ્રવાહ વહેતો રહે છે.મનુષ્ય શરીરના મસ્તક, હાથ અને પગ ઉર્જા આપવા અને મેળવવાનુ કામ કરે છે.મંદિરમા રહેલી ઉર્જા મનુષ્ય શરીરમા આ ત્રણ ઇન્દ્રિયો દ્રારા પ્રવેશ કરે છે.

એક મંદિર બ્રહ્માંડના સર્વ તત્વોને સમાહિત કરે છે.

મંદિરના મૂળ સ્થાન પર ઘંટ વગાડતા ઘંટનાદની ધ્વનિ આપણા શરીરના કેન્દ્રોને જાગૃત કરે છે.

સામૂહિક પ્રાર્થના,મંત્રોપ્ચાર,આરતી,જાપ,ભજન કિર્તન મનુષ્યની જ્ઞાનેન્દ્રિયોને જાગૃત કરે છે.આત્મ વિશ્વાસ અને આશાવાદી દ્રષ્ટિકોણ વિકસિત કરે છે.

મંદિરમા સ્થાપિત મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મંત્રોપ્ચાર અને વિધીવિધાનથી કરવામા આવે છે.મંદિરોનુ નિર્માણ વાસ્તુ કળા પ્રમાણે કર્યુ હોય છે.ધૂપ દીપ શંખ ધ્વની થાય છે.પૂજા આરતી સમયે વાતાવરણ સકારાત્મક હોય છે.

એવું કહેવાય છે કે ઈશ્વર આપણા હ્રદયમા છે.સૃષ્ટિના કણ કણમા ઇશ્વર વસે છે.પણ વિશ્વના દરેક ધર્મ અને સંપ્રદાય મંદિરને મહત્વ આપે છે.પછી મૂર્ત સ્વરૂપ હોય કે અન્ય હોય.આર્ય સમાજના મંદિરોમા મૂર્તિ નથી હોતી પણ યજ્ઞ કુંડ હોય છે.ગુરૂદ્રારામા ગુરૂગ્રંથ શાહિબને પ્રણામ થાય છે.

વિશ્વના તમામ ધર્મોમાં કોઇ ને કોઇ સ્વરૂપે મંદિર હોય જ છે.

આજે સમયના અભાવે રોજ મંદિર જવું ઘણા લોકો માટે શક્ય નથી.પણ જ્યારે સમય હોય તો અવશ્ય જવું.આપણા વડીલો રોજ જતા કે જાય છે. એવું અનુકરણ કરવું કે યંત્રવત જવું એ યોગ્ય નથી. અહમિયત સમજીને મંદિર જવું.

મંદિરમા પ્રવેશ કરતા પહેલા પગરખા ઉતારીયે છે એમ અહંકાર પણ બહાર ઊતારીને ઇશ્વર સમક્ષ જવું.

મંદિરો પવિત્ર સ્થાન છે.મંદિરો શાશ્વત છે.દરેક પેઢીને પ્રેરણા આપે છે.મંદિરો માત્ર હરવા ફરવાના સ્થળ નથી.યાત્રાધામના મંદિરો હોય કે પછી આપણા ઘરોની આસપાસના મંદિરો.મંદિર ધર્મ, આસ્થા,વૈશ્વિક નૈતિકતાના કેન્દ્ર છે.

Author: સત્વ

Avid reader on varied subjects starting from Religion, Spirituality to Politics and Finance market too.

Leave a comment