મંદિર નિર્માણની શરૂઆત ક્યારે અને કેમ થઇ?

સ્વામી વિવેકાનંદને એક મુલાકાતીએ પુછ્યું કે “આપણે મંદિર શું કામ જવું જોઈએ જ્યારે ઇશ્વર સર્વત્ર છે.”

સ્વામી વિવેકાનંદે સાંજની સભામાં જવાબ આપશે એવો જવાબ આપ્યો.સાંજે પેલો મુલાકાતી સભામાં તો આવ્યો પણ મોડો પડ્યો.સ્વામીજીએ કારણ પૂછ્યું.મુલાકાતીએ જવાબ આપ્યો કે મારી કારના પૈંડાઓમા હવા ભરાવા માટે મારે રસ્તામા પંપ સ્ટેશન શોધવા પડ્યા એટલે મોડું થયું.

સ્વામીજીએ તરત કહ્યુ,” આપણી આસપાસ અમર્યાદિત કુદરતી હવા છે.તારે પૈંડાના વાલ્વ ખોલીને ભરી લેવી હતી.શું કામ પંપ સ્ટેશન શોધવાની મહેનત કરી.”પેલા મુલાકાતી કહયું,”એ કેવી રીતે શક્ય છે.હવાના દબાણથી પૈંડામા હવા ભરવા તો પંપ સ્ટેશન જવું જ પડે.

સ્વામીજી હસ્યા અને કહ્યું ,”આપણી આસપાસ અમર્યાદિત હવા છે પણ તારે પંપ સ્ટેશન જવું પડ્યું કારણ કે હવાને એકત્ર કરી દબાણ સાથે ભરવાનું કામ તો પંપ જ કરી શકે.એમ મંદિરો પણ એવા સ્થળ છે કે જ્યાં સકારાત્મક ઉર્જા એકત્ર થાય છે.અને જનાર વ્યકિતને હકારાત્મકતા અભિગમ આપે છે.હવા ચોતરફ છે પણ આપણે પંખાનો ઉપયોગ કરવાના.પછી ભલે છત પરના હોય કે હાથ પંખા હોય.

૨૨ જાન્યુઆરીના દિવસે આપણા ભારતમાં રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો લોકોમા જબરદસ્ત ઉમળકો જોવા મળ્યો હતો.આ ઐતહાસિક ક્ષણનો દેશ વિદેશના લોકો સાક્ષી બન્યા.દિવસો અગાઉ ભવ્ય તૈયારી ભારતના દરેક શહેરોમા જોવા મળી હતી.social મીડિયાના માધ્યમથી સમગ્ર વિશ્વને શ્રીરામ મંદિર અને શ્રીરામચંદ્રજીની દિવ્ય મૂર્તિના દર્શન કરવા મળ્યા. આ દિવસ  ભારતીય સમાજ ક્યારેય નહીં ભૂલે.

પ્રાચીન સમયથી ભારતમા આરાધના કરવા મંદિરોનું નિર્માણ કરાયુ છે આજે પણ જનમાનસમા શ્રદ્ધા કાયમ રહી છે.

ભારતને મંદિરોની ભૂમિ કહેવાય છે. કલાત્મક સ્થાપત્ય ભારતની આગવી ઓળખ છે.મંદિરોનું નિર્માણ ક્યારે અને કેવી રીતે થયું.?

આપણી આસપાસ આધુનિક મંદિરો છે.આ મંદિરોનું બાંધકામ પણ પ્રાચીન સ્થાપત્ય શૈલીની કળા અનુસાર છે.મંંદિરોના બાંધકામ અલગ અલગ પ્રાંત અને સંપ્રદાયો પ્રમાણે જોવા મળે  છે. મંદિરોમા  સ્થાપિત મૂર્તિઓ પર પણ સંપ્રદાય અને પ્રાંતનો પ્રભાવ જોવા મળે છે.જેમ કે રાજસ્થાનમા આરસપહાણના મંદિરો હોય છે.ઉત્તર ભારત તરફ મંદિરો પહાડો પર હોય છે.મહારાષ્ટ્રના મંદિરોમા દેવ દેવીની મૂર્તિઓને સિદુંર અર્પણ કર્યુ હોય છે.દક્ષિણ ભારતના મંદિરોના શિખરો જ અતિ વિશાળ હોય છે.

પુરાતત્વવિદોના મત અનુસાર વૈદિક સમયમાં નદી કિનારાની આસપાસ પથ્થર કે મોટી શીલા કોતરીને દેવી દેવતાઓના સ્થાન બનાવવામાં આવ્યા હશે.જે આજે પણ જોવા મળે છે.પ્રાચીન મંદિરો ગુફાઓમા,પર્વતો પર,નદી કિનારે અને સમુદ્ર નજીક કે સમુદ્રની વચ્ચે જોવા મળે છે.

વૈદિક સમયગાળામાં યજ્ઞકુંડ બનાવી અગ્નિ પ્રગટ કરીને મંત્ર સ્તોત્ર કરવામાં આવતા.દેવી દેવતાઓના આવાહન કરતા.

સમયની સાથે સાથે મંદિરોની શિલ્પ વિદ્યામા પણ વિકાસ થયો છે.પ્રાચીન સમયના મંદિરો લાકડાના રહેતા.મોટા પત્થરોમાથી પણ મંદિરોની રચના કરવામા આવતી.પહાડોની ગુફામા મંદિરો બનતા જે આજે પણ જોવા મળે છે.એટલે એવુ માની શકાય કે વારંવાર સ્થળાંતર કરતી પ્રજા આવી રીતે મંદિરોની સ્થાપના કરતી હશે.

મંદિરનો અર્થ મનથી દૂર કોઇ સ્થાન. મનથી દૂર રહીને નિરાકાર ઇશ્વરની આરાધના કરવાનું સ્થાન.

દેેવદ્રાર,આલય,રામદ્રાર,ગુરૂદ્રાર,શિવાલય,શ્રીનાથજીની હવેલી,જીનાલય,દેરાસર કહેવાય છે.મંદિર શબ્દ સંસ્કૃતમા નથી.દેવાય,દેવ ગૃહ,દેવાયતન આદિ શબ્દનો ઉલ્લેખ છે.શતપથ બ્રાહ્મણ ગ્રંથમા મંદિર શબ્દનો ઉલ્લેખ છે

પ્રાચીન સમયમાં મંદિરો જન સમાજને આધ્યાત્મિકતા અને સંસ્કૃતિના મૂલ્ય શીખવા હતા.સંગીત અને નૃત્ય કળા મંદિરોમા શીખવા અને જોવા મળતી.મંદિરો સામુદાયિક કેન્દ્ર હતા.

બ્રહ્મના બે સ્વરૂપ છે.નિર્ગુણ અને સગુણ. નિર્ગુણનો આકાર નથી.સગુણ આકાર રૂપ છે.શ્રીગીતામા સગુણનું પૂજન પસંદ કરવા યોગ્ય કહ્યું છે.સગુણ પૂજન સરળ છે.માનવીને પોતાને દેહ છે એટલે ઇશ્વરને દેહ સ્વરૂપે જોવાની ઝંખના કરે છે.મૂર્તિ સ્વરૂપમા ઇશ્વર છે એવી ભાવના રાખે છે.ચોક્કસ સમય સુધી સગુણ સ્વરૂપની ઉપાસના કર્યા પછી પ્રેમ ભક્તિ ખીલે છે.ધીરે ધીરે નિર્ગુણ સ્વરૂપ પ્રત્યે વળે  છે.પ્રારંભમા સગુણ સ્વરૂપની આરાધના કરવી યોગ્ય છે.હિન્દુ ધર્મમા ભગવાનની ઉપાસના કરવાની બે રીત પ્રચલિત છે.એક નિર્ગુણ સ્વરૂપની ઉપાસના અને બીજી સગુણ સ્વરૂપની ઉપાસના.

નિર્ગુણ સ્વરૂપમા ભગવાનને નિરાકાર માનવામા આવે છે. સૃષ્ટિના કણ કણમાં વ્યાપ્ત નિરાકાર છે.જ્ઞાન માર્ગી ભક્ત જ્ઞાનના માધ્યમથી પરબ્રહ્મ પરમેશ્વરનું ધ્યાન ધરે છે.પણ આ રીતની સાધના દરેક માટે શક્ય નથી.ચિત્તને કેન્દ્રીત કરવા માટે ભારે પ્રયત્ન કરવા પડે છે.ઇશ્વરનુ સ્વરૂપ એમ પામવુ સરળ નથી.વૈરાગ્ય ધારણ કરી સંસારથી આસક્તિ દૂર કરવી કઠણ છે.સંસારમા રહેલા જીવ નિરાકારની સાધના નથી કરી શકતા.

બીજી ઉપાસના સગુણ સ્વરૂપની છે.સગુણ સ્વરૂપ એટલે ભગવાનને મૂર્ત રૂપે પૂજાવા.મૂર્તિમા ઇશ્વરને જોવા.ભક્ત પોતાના આરાધ્યને એક સ્થાન પર સ્થાપિત કરી શકે છે.

આરાધ્યની આરાધના મૂર્તિ સમક્ષ કરી શકે છે.આરાધ્યના ચરણોનુ પૂજન કરે છે.વસ્ત્રો,અલંકાર,ચંદન,ફૂલ,સુગંધીત પદાર્થ અર્પણ કરે છે.ભક્તિ પૂર્વક કરેલી આરાધના ભક્તને ભગવાન સાથે એક્ય થવાની ભાવના આપે છે.

ભગવાન સાથે જોડાણ કરવા માટે ધ્યાન અને એકાગ્રતાની જરૂર હોય છે.નિરાકારની ઉપાસના કરો કે સગુણની.સગુણ સ્વરૂપની ઉપાસનામા ભગવાનના અવતારની આરાધના અર્ચના થાય છે.મૂર્ત સ્વરૂપની આરાધના કરવાના સ્થાનને મંદિર કહેવાય છે.

વૈદિક કાળમા વૈદિક સમાજ એક જ વેદિ સમક્ષ બ્રહ્મ પ્રતિ પોતાનુ સમર્પણ અને શ્રદ્ધા વ્યક્ત કરતો હતો.યજ્ઞ દ્રારા ઇશ્વર અને પ્રકૃતિના તત્વોને આહવાન અને પ્રાર્થના કરતા.યજ્ઞો કરવાથી પ્રકૃતિ સંતુલન જળવાય રહેતું.

સમય સાથે યજ્ઞમા કર્મ કાંડ વધવા લાગ્યા.ઇશ્વર અને સકારાત્મકતા પામવા એક જ સ્વરૂપે ઇશ્વરને મંદિરોમા બદ્ધ કર્યા.

વૈદિક યુગમા પ્રકૃતિ અનૈ દેવોની પૂજા થતી.દાર્શનિક વિચાર સાથે રૂદ્ર અને વિષ્ણુનો ઉલ્લેખ મળે છે.

વૈદિક કાળના ચોથા યુગમા મંદિર નિર્માણની પ્રથાની શરૂઆત થઇ.એટલે કળિયુગના સમયથી.સત્ય યુગ,ત્રેતાયુગ અને દ્રાપર યુગમા ફક્ત ભક્તિ દ્વારા ભગવાનને પામવાની આરાધના થતી હતી.જો કે ત્રેતાયુગ અને દ્રાપર યુગમાં મંદિરોનો ઉલ્લેખ મળે છે.રામાયણમા માતા સીતાની ગૌરી પૂજા અને શ્રીરામચંદ્રજીની શિવલિંગ પૂજનનો ઉલ્લેખ છે જે સાબિત કરે છે કે ઘરથી અલગ દેવી દેવતાના પૂજા સ્થાન હતા.કૃષ્ણ અને રૂકમણીના વિવાહના પ્રસંગમા રૂકમણી માતાજીના મંદિરે જાય છે ત્યારે શ્રીકૃષ્ણ રૂકમણી હરણ કરે છે.આમ આ બંને  યુગમા મંદિરોનો ઇતિહાસ મળે છે.

સોમનાથ મંદિરનો ઉલ્લેખ ઋગ્વેદમા મળે છે.તામિલનાડુના તંજોરમા બૃહદેશ્વર મહાદેવ મંદિર પ્રથમ ગ્રેનાઇટ મંદિર છે.જે ૧૦૦૩ _૧૦૧૦ઇ રાજારાજ ચોલા દ્રારા નિર્માણ થયું છે.તિરૂપતિ મંદિર ૧૦મી શતાબ્દીમા બન્યુ છે.રાજસ્થાનમા આબૂ સ્થિત દેલવાડાના જૈન મંદિર ૧૩મી શતાબ્દીના છે.તામિલનાડુનું રંગનાથ મંદિર ૧ સદીમા સંગમ સમયનુ નિર્માણ થયુ છે.ભારતના પ્રાચીન મંદિરોના ઇતિહાસનું વર્ણન એક અલગ વિષય છે.

આપણા ઋષિમુનિઓ વૈજ્ઞાનિક કારણોને ધ્યાનમા રાખી પ્રકૃતિ,વિજ્ઞાન અને આધ્યાત્મનો સમન્વય કર્યો છે.

પ્રાચીન સમયમા દેવી દેવતાઓના પૂજા સ્થાન અલગ રહેતા.ઋષિમુનીઓના આશ્રમોમા ધ્યાન,યજ્ઞ,હવન અને અન્ય પૂજા વિધી કરાતી.આત્મ ચિંતન,ધ્યાન, મનન અને શાસ્ત્રર્થનુ મહત્વ વધારે હતું.

વૈદિક કાળમા મંદિરોની સ્થાપના સકારાત્મક ઉર્જા હોય ત્યાં કરવામા આવતી.ત્યાર પછી મુખ્ય વિગ્રહની સ્થાપના થતી.એ સ્થાન ગર્ભ ગૃહ કહેવાતું.જ્યાં પૃથ્વીના ચુબંકીય તરંગો અધિકતમ રહેતાં.નિર્માણ સમયે તાંબાની પટ્ટીમા વૈદિક મંત્રો લખી મુખ્ય વિગ્રહ નીચે દાટી દેવામાં આવતી.તાંબામા ચુબંકીય તરંગો શોષવાના ગુણ હોય છે.જે આજુબાજુના વાતાવરણમા પ્રસારીત કરે છે.

વેદ માને છે કે ઈશ્વર પ્રાર્થનાથી પ્રસન્ન થાય છે.પ્રાચીન સમયમા સામૂહિક રૂપે એક જ સ્થાનમા પ્રાર્થના કરાતી.

પ્રાચીન મંદિરોની રચના પિરામિડ સમાન હોય છે.

ઋષિમુનીઓની કુટીરો પણ પિરામિડ સમાન રહેતી. વાસ્તુ શિલ્પ કળાના દર્શન થાય છે.પૂર્વ, ઉત્તર કે ઇશાનમુખી હોય છે.ઇશાન ખૂણાથી આવતી ઉર્જા ધ્યાન કરવા માટે અતિ ઉત્તમ વાતાવરણનુ સર્જન કરે છે.સામુહિક ધ્યાન અને પ્રાર્થના કરવા માટે આવી રીતની વાસ્તુ કળા પર ધ્યાન આપવામા આવે છે.

પ્રાચીન મંદિરો ધ્યાન કે પ્રાર્થના કરવા માટે રહેતા.મંદિરોના સ્તંભો અને દિવાલો પર દેવી દેવતાઓની મૂર્તિઓ અંકિત કરવામા આવતી.જે આજે પણ જોવા મળે છે.

પાછળથી રોમન,ચીન,અરબ,યુનાન જેવા દેશોની વાસ્તુ કળાનો ભારતમા પ્રવેશ થયો.

લોક જીવનમા શિવ પાર્વતી,લક્ષ્મી નારાયણ,નગર અને ગ્રામ દેવતાઓના સ્થાન સમક્ષ પ્રાર્થના થતી.યક્ષ,નાગ,ગ્રહ નક્ષત્ર, પિતૃની પૂજા કરવાનુ પ્રચલન હતું.શિવલિંગ પૂજન , બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમા મૂર્તિ પૂજાનુ સમર્થન વધવાની સાથે રામ સીતા,રાધા કૃષ્ણની મૂર્તિ પૂજાના પ્રચલન શરૂઆત થવા લાગી

વૈદિક કાળમા ચાર ધામ સ્થાન અને જ્યોતિર્લિંગની સ્થાપના થઇ.ભારતના શક્તિપીઠ અને જ્યોતિર્લિંગોને પ્રાચીન મંદિરો માનવામાં આવે છે.સમયની સાથે આ મંદિરોનો જીર્ણોદ્ધાર થયો છે.બૌદ્ધ અને જૈન કાળમા મંદિરોના નિર્માણ પર વિશેષ ધ્યાન આપવામા આવ્યુ જે આજે પણ જોવા મળે છે.

ભારતના મંદિરોની સ્થાપત્ય કળા પ્રવાસ પર્યટનનું મુખ્ય આર્કષણ છે.

ગુપ્ત કાળ એટલે કે ૪ થી ૬ શતાબ્દીમા મંદિરોના નિર્માણ વિકાસ થવા લાગ્યા. ગુપ્ત કાળમા દેવતાની આરાધના સાથે દેવાલયોના પણ નિર્માણ થયા. મૌર્ય કાળમાં સ્તંભ સ્તુપના પુરાવા મળે છે.ગુપ્ત સમયમાં શિવ,વિષ્ણુ અને દેવી દુર્ગાની મૂર્તિઓ અસ્તિત્વમા આવી અને મંદિરોમાં સ્થાપિત થઇ.

આ સમય મંદિર વાસ્તુ કળાના ઇતિહાસમા સુર્વણમય કહેવાયો.વાસ્તુ ગ્રંથ અને શિલ્પ શાસ્ત્રની રચના ગુપ્ત યુગમા થઇ. આ ગ્રંથમા મંદિર શૈલિનુ વર્ણન છે.નાગર શૈલી,દ્રવિડ શૈલી અને વેસર વાસ્તુ શૈલી.

ખજૂરાહોના મંદિર નાગર શૈલીથી નિર્માણ થયા છે.નાગર શૈલીની ઉપશૈલી ઓડીશા શૈલી,ખજુરાહો શૈલી અને કાશ્મીરી શૈલી છે.

૯ થી ૧૨ શતાબ્દી સમયે ચૌલા સામ્રાજ્ય દરમ્યાન દ્રવિડ શૈલીના મંદિરો દક્ષિણ ભારતમા વિકસીત થયા.કાંચીપુરમના મંદિર,તંજાવુરનુ બૃહદેશ્વર મંદિર, મીનાક્ષી મંદિર,એરાવતેશ્વર મંદિર. બૃહદેશ્વર મંદિર ભારતમા પ્રથમ વિશાળ અને ઉચુ મંદિર છે.નાગર અને દ્રવિડ શૈલીના મિશ્રણ રૂપે વેસર શૈલી સંજ્ઞા છે.મધ્ય ભારત અને કર્ણાટકના મંદિરોમા બંને શૈલીનો સમન્વય જોવા મળે છે.

ગુપ્ત યુગ પછી ભારતવર્ષમા ક્ષેત્રીય શૈલીનો વિકાસ થયો.ઓરિસ્સા,ગુજરાત અને રાજસ્થાનના મંદિરો ક્ષેત્રીય શૈલીના ઉદાહરણ છે.સોલંકી શૈલીમા હિન્દુ મંદિરો અને જૈન મંદિરો આવે છે.

અન્ય શૈલીમા વિજયનગર,નાયક,હોયસલ, શૈલી આવે છે.

પેગોડાના મંદિર નેપાલ અને ઇન્ડોનેશિયામા છે.સંધાર શૈલી,નિરન્ધાર શૈલી,સર્વતોભદ્ર શૈલી છે.આ વિષય ઘણો વિશાળ છે.

આરાધના કરવા માટે ભવ્ય મંદિરોના નિર્માણ થયા.ધીરે ધીરે મંદિરોની સ્થાપત્ય કળાનો વિકાસ થયો.પ્રાચીન મંદિરોના પુનઃનિર્માણ થયા.મૂર્તિ રૂપે ભગવાનની પૂજા કરવા મંદિરોની આવશક્યતા થવા લાગી.ઇશ્વરની આરાધના કરવા ધ્યાન એકાગ્રતા હોવી જરૂરી છે.આ જ ઉદ્દેશ્ય મંદિરોની રચના માટે હોય છે.મંદિર એવુ સ્થાન છે જ્યાં ભક્તો પોતાના આરાધ્યની શ્રધ્ધાથી આરાધના કરી શકે છે.મંદિરનુ વાતાવરણ પવિત્ર હોય છે.માનવ શરીરની પાંચ ઇન્દ્રિયો દ્રષ્ટિ,શ્રવણ,સ્પર્શ,ગંધ અને સ્વાદ વિશેષ માનવામા આવે છે.આ પાંચ ઇન્દ્રિયો મંદિરમા પ્રવેશતા સક્રિય થાય છે.મંદિરમા રહેલી સકારાત્મક ઉર્જા સાથે મનુષ્ય જોડાય જાય છે.

ઉર્જા ક્યારેય નાશ નથી પામતી.કાયમ વાતાવરણમા હોય જ છે.નિસર્ગમા વૈશ્વવિક શક્તિ છે.જે મનુષ્ય શરીર માટે જરૂરી છે.પાષાણ આ શક્તિને શોષી શકે છે.પાષાણના મંદિરોમા ઉર્જાનો પ્રવાહ વહેતો રહે છે.મનુષ્ય શરીરના મસ્તક, હાથ અને પગ ઉર્જા આપવા અને મેળવવાનુ કામ કરે છે.મંદિરમા રહેલી ઉર્જા મનુષ્ય શરીરમા આ ત્રણ ઇન્દ્રિયો દ્રારા પ્રવેશ કરે છે.

એક મંદિર બ્રહ્માંડના સર્વ તત્વોને સમાહિત કરે છે.

મંદિરના મૂળ સ્થાન પર ઘંટ વગાડતા ઘંટનાદની ધ્વનિ આપણા શરીરના કેન્દ્રોને જાગૃત કરે છે.

સામૂહિક પ્રાર્થના,મંત્રોપ્ચાર,આરતી,જાપ,ભજન કિર્તન મનુષ્યની જ્ઞાનેન્દ્રિયોને જાગૃત કરે છે.આત્મ વિશ્વાસ અને આશાવાદી દ્રષ્ટિકોણ વિકસિત કરે છે.

મંદિરમા સ્થાપિત મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા મંત્રોપ્ચાર અને વિધીવિધાનથી કરવામા આવે છે.મંદિરોનુ નિર્માણ વાસ્તુ કળા પ્રમાણે કર્યુ હોય છે.ધૂપ દીપ શંખ ધ્વની થાય છે.પૂજા આરતી સમયે વાતાવરણ સકારાત્મક હોય છે.

એવું કહેવાય છે કે ઈશ્વર આપણા હ્રદયમા છે.સૃષ્ટિના કણ કણમા ઇશ્વર વસે છે.પણ વિશ્વના દરેક ધર્મ અને સંપ્રદાય મંદિરને મહત્વ આપે છે.પછી મૂર્ત સ્વરૂપ હોય કે અન્ય હોય.આર્ય સમાજના મંદિરોમા મૂર્તિ નથી હોતી પણ યજ્ઞ કુંડ હોય છે.ગુરૂદ્રારામા ગુરૂગ્રંથ શાહિબને પ્રણામ થાય છે.

વિશ્વના તમામ ધર્મોમાં કોઇ ને કોઇ સ્વરૂપે મંદિર હોય જ છે.

આજે સમયના અભાવે રોજ મંદિર જવું ઘણા લોકો માટે શક્ય નથી.પણ જ્યારે સમય હોય તો અવશ્ય જવું.આપણા વડીલો રોજ જતા કે જાય છે. એવું અનુકરણ કરવું કે યંત્રવત જવું એ યોગ્ય નથી. અહમિયત સમજીને મંદિર જવું.

મંદિરમા પ્રવેશ કરતા પહેલા પગરખા ઉતારીયે છે એમ અહંકાર પણ બહાર ઊતારીને ઇશ્વર સમક્ષ જવું.

મંદિરો પવિત્ર સ્થાન છે.મંદિરો શાશ્વત છે.દરેક પેઢીને પ્રેરણા આપે છે.મંદિરો માત્ર હરવા ફરવાના સ્થળ નથી.યાત્રાધામના મંદિરો હોય કે પછી આપણા ઘરોની આસપાસના મંદિરો.મંદિર ધર્મ, આસ્થા,વૈશ્વિક નૈતિકતાના કેન્દ્ર છે.

યા દેવી સર્વ ભૂતેષુશક્તિરુપેણ સંસ્થિતા નમસ્ત્સયૈ નમસ્ત્સયૈ નમસ્ત્સ્યૈ નમો નમ :

ઋગ્વેદનો આ મંત્ર નવરાત્રીની સાધના અને પ્રાર્થના છે.જે દેવી સર્વ પ્રાણિયોમા શક્તિ રૂપે સ્થિત છે,નમસ્કાર,નમસ્કાર,વારંવાર નમસ્કાર.

નવરાત્રી એટલે નવ રાત્ર.શક્તિ સાધના કરવાના નવ દિવસ. નવરાત્રી વરસમા ચાર વખત હોય છે.પણ ચૈત્ર અને આસો માસની નવરાત્રીનુ મહત્વ વધુ છે કારણ કે ગૃહસ્થો આરાધના કરી શકે છે.

આસો માસની નવરાત્રી જન પ્રજાને એક જ સ્થાન પર એકત્ર કરી શક્તિ આરાધનાનો ઉત્સાહ સમગ્ર ભારતમા જોવા મળે છે.આપણા ગુજરાતના ગરબા અને બંગાળની દુર્ગા પૂજા ઉત્તમ ઉદાહરણ છે.આસો માસની નવરાત્રીમા નવ દિવસ શક્તિની આરાધના કરી દસમે દિવસે દશેરાનો ઉત્સવ ઘામધૂમથી ઉજવાય છે.

નવરાત્રીના નવ દિવસ અને રાત મહાકાલી,મહાલક્ષ્મી અને માતા સરસ્વતીના નવ રૂપોની પૂજા કરવામા આવે છે.આ ત્રણ દેવી નવ દુર્ગા છે.

પણ દેવી કોણ છે? સ્ત્રી તરીકે ઉપાસાતી શક્તિ.

શક્તિ. ‘શ’નો અર્થ ઐશ્વર્ય અને ‘ક્તિનો અર્થ શૌર્ય

શક્તિ આદ્યિભૌતિક,આદ્યિ દૈવિક અને આધ્યાત્મિક છે.આદ્યિ ભૌતિક શક્તિ જડ છે, આદ્યિ દૈવિક અહંકાર રૂપ છે એટલે જડા જડ છે,આધ્યાત્મિક શક્તિ ચિન્મયી,આનંદથી છલકાતી દેવતામયી અદિતિ છે.દેવવર્ગમા માયામયી છે અને પ્રાણીઓમાં પ્રકૃતિમયી છે.બહ્મત્વમા રહેલી સ્વાભાવિક શક્તિ નિર્મળ છે.સર્વ પ્રાણીઓમા રહેલી છે.

બ્રહ્માંડમા રહેલી ચેતના વિશ્વનુ સંચાલન કરે છે.આ સંચાલન ત્રણ શક્તિઓ દ્વારા અભિવ્યક્ત થાય છે.કોઈ એક શક્તિ પ્રભાવી રહે જ છે.

મહાકાલી,મહાલક્ષ્મી,મહાસરસ્વતી

ભૂમિમાથી અન્ન ઉપજાવાથી કરીને વૈજ્ઞાનિક અન્વેષણો સુધીની સફળતા શક્તિ પર નિર્ભર છે.શક્તિનો અભાવ નિર્બળતા છે.

જેમ શક્તિ સમૃદ્ધિ છે તેમ જ્ઞાન પણ શક્તિનુ મૂળ સ્તોત્ર છે.જ્ઞાનના અભાવથી શક્તિ અશક્ત થાય છે.જ્ઞાન શક્તિનો સારથી નથી પણ સ્વંય શક્તિ છે.

શ્વેતાતર ઉપનિષદ પ્રમાણે પોતાના ગુણોથી ઢંકાયેલી દેવની આત્મભૂતા શક્તિ આ સમગ્ર સૃષ્ટિનુ કારણ છે.આ શક્તિના ત્રણ રૂપ છે.

જ્ઞાન શક્તિ,ઇચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ.

લલિતા સહસ્ત્રનામમા વર્ણન છે.

ઇચ્છાશક્તિ જ્ઞાનશક્તિ ક્રિયાશક્તિ સ્વરૂપણી સર્વાધારા સુપ્રતિષ્ઠા સદસદ્રૂપ ધારિણી.

નવરાત્રીના નવ દિવસમા પ્રથમ ત્રણ દિવસ મહાકાલી મહાદુર્ગા સ્વરૂપે આરાધના થાય છે,પછીના ત્રણ દિવસ મહાલક્ષ્મી રૂપે અને છેલ્લા ત્રણ દિવસ મહાસરસ્વતી સ્વરૂપે શક્તિ આરાધના કરવામા આવે છે.

ભાવનોપનિષદમા ક્રિયા શક્તિને પીઠ,જ્ઞાન શક્તિને કુંડલી અને ઇચ્છા શક્તિને મહાત્રિપુરાસુંદરી કહ્યું છે.

શક્તિ દરેકમા વિદ્યમાન છે.શક્તિનો સાચો ઉપયોગ દૈવી ગુણ આપે છે અને દુરઉપયોગ આસુરી ગુણ પેદા કરે છે.આપણામા ઇચ્છા,જ્ઞાન અને ક્રિયા શક્તિ હોય જ છે.

આપણે જ્યા સુધી આપણામા રહેલી શક્તિને સ્વીકાર કરતા નથી, ત્યાંસુધી શક્તિનુ કોઈ મૂલ્ય નથી.કર્મપ્રધાન જીવનમા શક્તિને ઓળખવાનો પ્રયાસ જરૂરી છે.

આપણા જીવનનો આધાર સર્વાધારાથી છે,અને આ ત્રણ શક્તિ આપણા જીવનમા સુપ્રતિષ્ઠાનુ મૂળ છે.

ઇચ્છા શક્તિ સંકલ્પ સાકાર કરવાનુ માધ્યમ છે.મનુષ્યમા રહેલી ઇચ્છા શક્તિ અને બૌદ્ધિક સંતુલન આ બંન્ને અમોઘ શક્તિ છે જે વિકટ પરિસ્થિતિમાંથી પાર કરાવે છે.

ઇચ્છા શક્તિ માનવીય પ્રેરણા છે.ક્રિયા શક્તિ કાર્ય કરવાની અને સર્જન કરવાની ક્ષમતા છે.જ્ઞાન શક્તિ આત્મ જ્ઞાન છે.ઇચ્છા શક્તિ અને ક્રિયા શક્તિ મળીને જ્ઞાન શક્તિ ઉત્પન્ન કરે છે.શિવજીનુ ત્રિશુળ આ ત્રણ શક્તિનુ પ્રતિક  છે.શ્રીકૃષ્ણ જ્ઞાન શક્તિ છે તો શ્રીરાધાજી ઇચ્છા શક્તિ છે.ઇડા નાડી ઇચ્છા શક્તિ,પિંગલા નાડી ક્રિયા શક્તિ છે.આ બંને નાડીનુ સંતુલન થાય ત્યારે સુષમા નાડી જ્ઞાન શક્તિ તરીકે ઉર્જાનો પ્રવાહ કરે છે.

મા દુર્ગા,મહાલક્ષ્મી અને મહા સરસ્વતી આપણા હ્રદયમા નિવાસ કરે છે.મનુષ્યની ઇચ્છા શક્તિ,ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિનુ પ્રતિનિધિત્વ આ ત્રણ શક્તિ કરે છે.કાર્યનો ઉદ્દેશ્ય કરવાની શક્તિ ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ વિવેક આપે છે.મહા સરસ્વતી મનુષ્યને વાણી શક્તિ આપે છે.કહેવાય છે કે જીભ પર સરસ્વતી વાસ કરે તો મનુષ્યની વાકછટા સમાજને પ્રભાવી કરે છે.મહાદુર્ગા ગતિશીલ સ્વરૂપ છે.મહાલક્ષ્મી એ જ ગતિશીલતાને ઇચ્છા શક્તિ સ્વરૂપે પ્રગટ કરે છે.મનુષ્યનુ મન ઇચ્છાનો ભંડાર છે અને આત્મા જ્ઞાનનો.મનુષ્ય દેહ ક્રિયા શક્તિની ચેષ્ટા કરે છે, એ પ્રમાણે કાર્ય કરે છે,અભિવ્યક્ત કરે છે.મહાદુર્ગાની અભિવ્યક્તિ રાજસિક છે કારણ કે મહાકાલી સ્વરૂપે છે.

મહા સરસ્વતીની શક્તિ આધ્યાત્મિક મંત્રો અને સ્તુતિમા દિવ્ય સ્પંદનોના ગુણગાન કરે છે. પ્રેમ,સરળતા,સહાનુભૂતિ,સહનશીલતા,ક્ષમાભાવ જેવા સાત્વિક ગુણ મહાલક્ષ્મીની શક્તિથી ઉત્પન્ન થાય છે.

જ્યારે આપણે મહાકાલીની આરાધના કરીએ છે ત્યારે મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની પૂજા પણ કરીએ છે.આમ મહાલક્ષ્મી અને મહાસરસ્વતીની ઉપાસનામા પણ થાય છે.એટલે કે એકની ઉપાસના કરતા સમયે ત્રણેની પૂજા થાય છે.કારણ કે ત્રણે શક્તિ દરેકના હ્રદયમા સર્વોચ્ચ રૂપે એક સાથે અભિવ્યક્ત થાય છે.

આદ્યશક્તિની આરતીમા તૃતીયા ત્રણ સ્વરૂપ ત્રિભુવનમા બેઠા,ત્રયા થકી તરવેણી તું તરવેણી મા.આ ત્રણ સ્વરૂપનુ વર્ણન છે.આ ત્રણ શક્તિ તારનારી છે.

નવરાત્રીમા માતા દુર્ગા અર્થાત શક્તિની ઉપાસનાનો અર્થ છે કે ભીતરની શક્તિને ઓળખવી અને યોગ્ય રીતે કાર્યાન્વિત કરવી.

શક્તિ અથવા ઉર્જા પ્રકૃતિના રૂપે,ઉલ્લાસીત રૂપે,ક્રિયાશીલતા રૂપે,પ્રસન્નતા રૂપે અભિવ્યક્ત થાય જ છે.

શક્તિના પ્રવાહને સકારાત્મક તરફ વાળવા નવ દિવસની આરાધનાનુ પ્રાવધાન છે.સમસ્ત જીવોમા માતાજી ચેતના,બુદ્ધિ,ધૃતિ,શક્તિ,શાંતિ,શ્રદ્ધા,કાંતિ,તુષ્ટિ,દયા આદિ રૂપે સ્થિત છે.

દેવીની આરાધનાનો અર્થ છે કે મનુષ્યમા શક્તિને સાથે સાથે કરૂણા,દયા,ચેતના,બુદ્ધિ,તુષ્ટિ જેવા ગુણો હોય.

સૃષ્ટિસ્થિતે વિનાઘાનાં શક્તિભૂતે સનાતનિ

ગુણાશ્રયે ગુણમયે નારાયણિ નમોસ્તુતે

.

લાડકા શ્રીકૃષ્ણનુ બાળ સ્વરૂપ.

એક જ પરબ્રહ્મ અનેક નામ છે.યોગી જેને આનંદ સ્વરૂપ કહે છે,ઋષિ મુનીઓ પરમાત્મા કહે છે,સંતો ભગવાન કહે છે,ઉપનિષદ બ્રહ્મ કહે છે,વૈષ્ણવ શ્રીકૃષ્ણ કહે છે.

મહિલાઓ પ્રેમથી લાલા,ગોપાલ, કાનુડો,બાલકૃષ્ણ, લડ્ડુ ગોપાલ કહે છે.

લડ્ડુ ગોપાલ

દેશ વિદેશમા દરેક વૈષ્ણવોના ઘરોમા ભગવાન શ્રીકૃષ્ણના બાલ સ્વરૂપની સેવા અને યશોદાજી અને ગોપીભાવથી થાય છે.

શ્રીકૃષ્ણની ભક્તિની મોહિની નિરંતર છે.સૃષ્ટિના સંચાલનની દોરી શ્રીપ્રભુના હાથમા છે એવા શ્રીકૃષ્ણના બાળક સ્વરૂપને ભક્તો પારણીયે ઝુલાવી આનંદભેર ઝુમી ઉઠે છે.

શ્રીકૃષ્ણે ગીતા કહ્યુ છે ભક્ત જે સ્વરૂપે મારી આરાધના કરે છે,એ જ સ્વરૂપે ભાવ પ્રગટ કરી ભક્તને સંતુષ્ટ કરૂ છું.

બાલકૃષ્ણની ગૃહસેવા કરવી એટલે ઘરના સ્વામી માની દરેક કાર્ય એમની પ્રસન્નતા માટે કરવું એ જ ભકિત છે.જેમ એક બાળકના આગમનથી ઘરનું વાતાવરણ કીલ્લોલમય બની જાય છે.દરેક કાર્યો બાળકને લગતા થવા લાગે છે.બાળક તરફથી કોઇ અપેક્ષા રાખતા નથી.કેવો સરસ સમર્પણ ભાવ જાગૃત થાય છે.

નિત્યત્સવો નિત્યસૌખ્યો નિત્યશ્રીર્નિત્યમંગલ :

યશોદામાતા નિત્ય ઉત્સવ મનાવતા.બાલકૃષ્ણે પહેલી વાર પડખે ફેરવ્યું ત્યારે કટિ પરિવર્તન ઉત્સવ ઉજવીને ગોપ ગોપીઓની પૂજા કરી દાન આપ્યા.બાલકૃષ્ણનું સ્વરૂપ ગૃહસેવામા ઉત્સવ કરાવે છે.

વ્રજમા શ્રીકૃષ્ણે બાળક અને કિશોર વય ધારણ કરી અનેક લીલાઓ કરી.ભક્તોને જે લીલામા આસક્તિ થઈ તે શ્રીકૃષ્ણ સ્વરૂપનુ ચિત્ર કે મૂર્તિ બનાવી.

વેણુ વાદન કરતા કિશોર વયના,શ્રીગોર્વધન પર્વત ધારણ કરતા કુમાર વયના,દ્રિભુજમાથી ચતુર્ભુજ શ્રીકૃષ્ણમા,રાસલીલા કરતા એમ અનેક સ્વરૂપમા ભક્તોને આસક્તિ થઇ.

બાળ સ્વરૂપમા હાથમાં માખણ અને લાડુ લઈ ઘૂંટણીયા ભરતા બાલકૃષ્ણ સૌના લાડકા બન્યા.

બાલકૃષ્ણનુ મનોહર સ્વરૂપ આપણા હ્રદયને અને ચિત્તને આર્કષિત કરે છે.નિર્દોષ સ્વરૂપ જલ્દી રીઝે છે અને લીલા કરી ખુશી વ્યક્ત કરે છે.બાળકૃષ્ણે ડાબો પગ વાળેલો છે,જમણા હાથમા લાડુ છે.અમુક સ્વરૂપમા ડાબા હાથમા પણ લાડુ હોય છે.બાકીના અંગ ધરતી પર છે.જમણો પગ ઉપરની તરફ વાળેલો છે અને પગની પાની ઘરતી પર ટેકવી છે.

બાલકૃષ્ણનુ આ સ્વરૂપ આજે ઘરે ઘરે પૂજાય છે.જન્માષ્ટમીના તહેવારે આ જ સ્વરૂપને ભક્તો પારણીયે ઝુલાવી કૃષ્ણ જન્મનો ઉત્સવ આનંદથી ઉજવે છે.

ભાગવતના દશમ સ્કંધમા બાલકૃષ્ણની ત્રણ લીલાઓનુ વર્ણન છે.શકટભંજન લીલા,પુતના લીલા અને તૃણાવર્ત વધ લીલા.આ ત્રણે લીલા ભગવાને બાળ સ્વરૂપે કરી હતી.એટલે આ સ્વરૂપની સેવા ભક્તોને વધુ પ્રિય છે.

ભકિતના પાંચ ભાવ છે. શાંત ભાવ,માધુર્ય ભાવ,વાત્સલ્ય ભાવ,દાસ્ય ભાવ,સખ્ય ભાવ.ભકિત કરવી એટલે ભગવાની મૂર્તિમા ભગવાનના નામમા મન પરોવી દેવું.

વાત્સલ્ય ભાવમા ભક્ત શ્રીકૃષ્ણને પોતાના સંતાન માનીને સેવા કરે છે.ભગવાનના સ્વરૂપની સેવા કરતા કરતા સંસારના સઘળા દુખો ભૂલી જાય .ભક્ત બાળ સ્વરૂપ પાસે કોઇ આશા નથી રાખતો.અને બાલકૃષ્ણ પણ જલદી રીઝે છે.હસતુ રમતુ સ્વરૂપ ભક્તોને સેવા કરવા આર્કષિત કરે છે.ભક્તો લાલા માટે નીત નવા પોષાક, આભુષણ,રમકડા,ગાદી તકિયાની ખરીદી હોશે હોશે કરે છે.લાલા માટે અનેક સામગ્રી સિદ્ધ કરી અર્પણ કરે છે.

ભગવાનના શણગારની શોભા ભગવાનના ધારણ કરવાથી વધે છે.ભક્ત કનૈયાને શૃંગાર કરે છે ત્યારે નેત્ર અને મન કનૈયાના મુખારવીંદના દર્શન કરતા હોય છે.મન શુદ્ધ થાય છે અને કનૈયા પ્રત્યે વાત્સલ્ય ભાવ વધે છે.

આ સેવામા યશોદાજી અને ગોપીભાવ છે.હ્રદયમા લાલાને ધારણ કરવા એટલે ધ્યાન ધરવા જેવી એકાગ્રતા. જાણે કે meditation કરવું.

વાત્સલ્ય ભાવ એક અલૌકિક પ્રેમ છે.ભક્ત ભગવાનના નિરંતર આનંદનો ભાવ કરે છે.બાળકૃષ્ણને સ્નાન કરાવતા લાડ લડાવે છે.હંમેશા સુંદર પોષાક અને અત્તર સુગંધીત વસ્ત્રો પહેરાવે છે.બાળ સ્વરૂપને ભાવતા નૈવેદ્ય અર્પણ કરે છે.રમકડા રમાડે છે.પાલનામા ઝુલાવી ઉત્સવ કરે છે.શયન કરાવે છે.દરેક સેવા કાર્ય કરતા ભગવાનના ગીત ગાય છે.ભક્તનુ ચિત્ત સતત કનૈયામા પરોવાયેલુ રહે છે.

નંદ મહારાજ અને યશોદાજીનો ભાવ વાત્સલ્ય ભાવ છે.

નટખટ કૃષ્ણ

એક વાર યશોદાજી શ્રીકૃષ્ણને ખાંડણી સાથે બાધ્યા હતા.નટખટના તોફાનોની ગોપીઓ રાવ કરતી ત્યારે લાકડી લઇ ને સજા આપવા પાછળ દોડ્યા હતા.શ્રીકૃષ્ણ એક બાળક જેમ પોતાની માતાને યાચના કરે એમ છોડી દેવા વિનંતી કરતા હતા.યશોદા માતા લાગણી વશ થઇને વ્હાલ કરવા લાગ્યા.જો યશોદા માતાને ખબર હોત કે કાનુડો તો જગતનો નાથ છે તો શું આમ બાંધી લેત કે લાકડી બતાવે.એમનો વાત્સલ્ય ભાવ તરત અદ્રશ્ય થઇ જાત.

છ દિવસના બાલકૃષ્ણે પુતનાના પ્રાણ હરી લીધા ત્યારે વાત્સલ્ય પ્રેમમયી યશોદામાતાને એમ થયુ કે ભગવાન નારાયણે મારા લાલાની રક્ષા કરી છે.સ્વસ્તિવાચન કરી ગાયની પૂંછ લાલાના અંગ પર ફેરવાયા ત્યારે શિશુત્વની મુગ્ધતા પ્રગટ કરી લાલા પણ કોમળ નજરે માતાને જોવા લાગ્યા જાણે કશુ થયુ જ નથી.

બાલકૃષ્ણની લીલા એટલે બાળકની જાગૃત અવસ્થાની બીન શરતી અને બંધન મુક્ત ક્રિયા.

બાલકૃષ્ણ સત્ ચિત્ત આનંદ સ્વરૂપે લીલા કરે છે.શ્રીકૃષ્ણનું બાળક સ્વરૂપ શુદ્ધ એટલે સત્ છે,જે લીલાઓ કરી છે તે ચિત્ત સ્વરૂપ છે,લીલાઓથી આનંદ પ્રગટ કરે છે.શ્રીકૃષ્ણ પૂર્ણ અવતાર છે.

બાલકૃષ્ણને લાલા,લાલજી,લાલો,લડ્ડુ ગોપાલ કહીને લાડ થાય છે.વ્રજ ભૂમિમા ભગવાન કૃષ્ણના એક ભક્ત કુંભનદાસ હતા.

કુભંનદાસ શ્રીકૃષ્ણની સેવા નિયમિત કરતા.ભગવાનને મૂકીને ક્યાંય જતા નહી. એક ભાગવત કથાનું નિમંત્રણ મળ્યુ .પુત્ર રઘુનંદનને સેવાનો ક્રમ સમજાવ્યો.અને કથા વાચન કરવા જવા લાગ્યા.રઘુનંદને ભોજન સામગ્રી ભગવાન સમક્ષ રાખી અને પ્રભુને સરળ ભાવે ભોગ આરોગવા વિનંતી કરી.રઘુનંદન પણ બાળક હતા.એમ માનતા હતા કે ભગવાન જાતે ધરાવેલી સામગ્રી આરોગશે.વારંવાર આગ્રહ કરવા લાગ્યા.પણ ભોજન સામગ્રી તો એમ જ હતી.રઘુનંદન રડતા રડતા વિનંતી કરવા.ભગવાન બાળ સ્વરૂપે પ્રગટ થયા અને સામગ્રી આરોગી.પછી તો રોજનો ક્રમ થઇ ગયો.ભગવાન આવીને સામગ્રી આરોગે.કુભંનદાસ આવીને પ્રસાદ માગે તો રઘુનંદન કહેતા ભગવાને બધી સામગ્રી આરોગી લીધી છે.કુભંનદાસને થયું રઘુનંદન ખોટુ બોલે છે.એટલે એક દિવસ છુપાયને જોવા લાગ્યા રઘુનંદન શું કરે છે.જ્યારે રઘુનંદને ભોગ ધર્યો ત્યારે જોયુ તો ભગવાન રોજની જેમ બાળ સ્વરૂપે પ્રગટ થઇને સામગ્રી આરોગતા હતા.કુભંનદાસે દોડી આવીને પ્રભુને ચરણસ્પર્શ કર્યા.એ જ સમયે ભગવાનના એક હાથમા લાડુ હતો અને બીજા હાથે આરોગવા જતા હતા.આ સ્વરૂપે ભગવાન સ્થિર થઇ ગયા.અને લડ્ડુ ગોપાલ રૂપે પૂજા થાય છે.

શ્રી દત્તાત્રેય ભગવાને ૨૪ ગુરૂનું વર્ણન કર્યું છે એમા ૧૯મા ગુરૂ તરીકે બાળક છે.બાળક એટલે માન અપમાનમા સમાન દ્રષ્ટિ,નિશ્ચિંતતા.રાગ,દ્વેષ, ચિંતા,કામ,ક્રોધ, લોભ જેવા દુર્ગુણોથી રહિત બાળક કેટલું શાંત અને આનંદમય રહે છે.બાળક સમાન બનવા બાળકને આર્દશ માનવું.

JAY SHREE KRISHNA

રાધાજીની અષ્ટ સખીઓ

મધ્ય યુગમાં કૃષ્ણભક્તિ સંપ્રદાયમાં શ્રીમદ્ ભાગવતમા ગોપીઓના શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમને આધ્યાત્મિક રૂપ આપ્યું છે.ગોપી ભાવનું આધ્યાત્મિક અર્થઘટન થયું.ગોપીભાવ એટલે પરમાત્માને પામવાનો અનન્ય પ્રેમ.પૂર્ણ સમર્પણ ભાવના.

શ્રીમદ્દ ભાગવતમાં ગોપીગીત કૃષ્ણ પ્રેમના વિરહનું વર્ણન કરે છે.વૈષ્ણવો ગોપીગીત ભક્તિ ભાવે કરે છે.પદ્મ પુરાણોમાં અને બહ્રવૈવર્તપુરાણમા ગોલોકધામના વૃંદાવનનું સુંદર વર્ણન છે.

ભારતવર્ષમા મથુરા પુરી શ્રેષ્ઠ છે અને મથુરામાં વૃંદાવનમાં ગોપીઓના સમુદાયમાં રાધાજીની સખીઓનો વર્ગ અને શ્રીરાધાજી સર્વશ્રેષ્ઠ છે.

૧૨મી સદીમાં ગીત ગોવિંદ જયદેવની રચનામાં શ્રીકૃષ્ણ અને ગોપીઓની રાસ લીલા અને રાધાજીની સખીઓ દ્વારા રાધાજીનો વિરહનું વર્ણન મળે છે.

નિમ્બાર્કના સનક સંપ્રદાયમાં રાધા અને ગોપીઓને શ્રીકૃષ્ણની આહ્લાલાદિની શક્તિ સ્વરૂપા કહી છે.ચૈતન્ય સંપ્રદાયમાં ગોપીઓના યૂથનુ વર્ણન મળે છે અને રાધાજીને યૂથેશ્વરી માનવામાં આવે છે.

પુરાણોમાં જણાવ્યા મુજબ હજારો ગોપીઓમા સોળ હજાર ગોપીઓ પ્રમુખ છે,૧૦૮ગોપીઓ શ્રીરાધાજીની ખાસ સખીઓ છે.આઠ સખીઓ નિકટતમ છે.રાધાજી સાથે સદાય રહે છે.આ અષ્ટ સખીઓ છે

લલિતા, વિશાખા,ચિત્રલેખા,ચંપકલતા,

તુંગવિદ્યા, ઇન્દુલેખા,રંગદેવી,સુદેવી.

શ્રીરાધાજીની કાયવ્યૂહરૂપા સખી સહેલીઓ સદા સર્વદા શ્રી રાધાકૃષ્ણના સુખ અર્થ દિવ્ય ક્રિડા પ્રકટ કરે છે એનું નામ જ રાસ છે.આ રાસ નિત્ય છે. ગોપીઓનો પ્રેમ દિવ્ય સાત્વિક ભાવ છે.વૈષ્ણવસંતો રૂઢ મહામાનવ કહે છે.વૈષ્ણવ સંપ્રદાયમાં રાધાજીની આઠ સખીઓનુ વિશિષ્ટ ચિતંન છે.ગૌડીય અને વલ્લભ સંપ્રદાયના સાહિત્યમાં અષ્ટ સખીઓનો ઉલ્લેખ મળે છે. ગોપી ભાવનો ઉલ્લેખ પુરાણોમાં મળે છે પણ સખી ભાવનો નથી.એટલે સખી સંપ્રદાયમાં ગોપી ભાવનો સ્વીકાર કરવામાં આવ્યો છે.ગોપી ભાવમાં યુગલ સ્વરૂપની ભાવના છે.સખી ભાવની ઉપાસનામાં યુગલ સ્વરૂપની સાથે સાથે રાધાજીની સખીઓની આરાધના કરવામાં આવે છે.

રાધા વલ્લભ સંપ્રદાય અને સખી સંપ્રદાયમાં રાધા કૃષ્ણને એક માનવામાં આવે છે તો સખીઓ પણ અભિન્ન લેખી છે.ભક્તો ગોપીઓના સખી ભાવને અપનાવે છે.ગોપીઓના સ્વરૂપનું ચિંતન કરી એવું જ આચરણ કરે છે.રાધા કૃષ્ણની યુગલ સ્વરૂપની સેવા કરવાની ભાવના કરે છે.

નારદ પુરાણમાં શ્રીકૃષ્ણ નારદજીને કહે છે: હું વારંવાર કહું છું કે રાધાજીની કૃપા વગર મારી કૃપા પ્રાપ્ત નથી થતી.શ્રીરાધાજીની કૃપાથી એમની સખીઓનો સંગ મળે છે.આ સખીઓની કૃપાથી તો સખી ભાવ મળે છે.

વૈષ્ણવ સંપ્રદાયમાં રાધાજીની આઠ સખીઓનુ વિશિષ્ટ ચિતંન છે.ગૌડીય અને વલ્લભ સંપ્રદાયના સાહિત્યમાં અષ્ટ સખીઓનો ઉલ્લેખ મળે છે.વલ્લભસંપ્રદાયમા શ્રીરાધાજી સ્વામિની રૂપે છે.શ્રીકૃષ્ણનુ સામર્થ્ય નિરંતર અખંડ રાખે છે એટલે શ્રીરાધાજી સ્વામિની છે.

વલ્લભ સંપ્રદાયમાં ચંપકલતા, ચંદ્રભાગા, વિશાખા, લલિતા, પદ્મા,ભામા, વિમલા અને ચંદ્રરેખાના નામથી અષ્ટસખીઓ છે.માધુર્ય ભાવ સખીરૂપ માનવામાં આવે છે.પુષ્ટી સંપ્રદાયના અષ્ટછાપ ભગવદીય ભક્તોએ મધુર ભાવ સિદ્ધ કર્યો એટલે અષ્ટ સખા કહેવાય છે.આ આઠ ભક્તોને નિકુંજ લીલામાં શ્રીરાધાકૃષ્ણની અષ્ટસખી હોવાનું જાણવા મળે છે.આ અષ્ટ સખાઓની રચનામાં અષ્ટ સખીનો ઉલ્લેખ મળે છે.

સૂરદાસ ચંપકલતા, પરમાનંદદાસ ચંદ્રભાગા, કુભંનદાસ વિશાખા, કૃષ્ણદાસ લલિતા,છીતસ્વામી પદ્મા, ગોવિંદસ્વામી ભામા, ચતુર્ભુજ દાસ વિમલા,નંદદાસ ચંદ્ર રેખા.

મીરાંબાઈ અષ્ટ સખીનો અવતાર મનાય છે.

વૃંદાવન રસિક સંતસ્વામી હરિદાસજી અને શ્રી હરિરામ વ્યાસને અષ્ટ સખીનો અવતાર મનાય છે.

ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય વ્રજ સ્વરૂપમાં અષ્ટ સખી રૂપ છે.શ્રીલા સ્વરૂપ દામોદર ગોસ્વામી પદ શ્રી લલિતા સખી.

શ્રીલા સ્વરૂપ સ્વામી રામાનંદરાય પર શ્રી વિશાખા સખી

શ્રીલા વનમાલી કવિરાજ ગોસ્વામી પદ શ્રી ચિત્રલેખા સખી

શ્રીલા રાઘવ ગોસ્વામી પદ શ્રી ચંપકલાલ સખી

શ્રીલા પ્રબોધ નંદન સરસ્વતી ઠાકુર પ્રભુપદ શ્રી તુંગવિદ્યા સખી

શ્રીલા કૃષ્ણદાસ બ્રહ્મચારી પ્રભુપદ શ્રી ઇન્દુલેખા સખી

શ્રીલા ગદાધર ભટ્ટ ગોસ્વામી પદ શ્રીરંગદેવી સખી

શ્રીલા અનંત આચાર્ય ગોસ્વામી પદ શ્રીસુદેવી સખી.

રાધાષ્ટમીનો ઉત્સવ ધામધૂમથી ઉજવાય છે એમ રાધાજીની અષ્ટ સખીઓના ઉત્સવ ઉત્તર ભારતમાં જાણીતા છે.

વૃંદાવનમાં શ્રી બિહારી મંદિરની નજીક અષ્ટસખી મંદિર છે.રાધાકૃષ્ણની ઉપાસના કરનાર સખી સંપ્રદાયમાં અષ્ટસખીની પણ આરાધના કરવામાં આવે છે.

વૃંદાવનમાં શ્રી રાધારસ બિહારી અષ્ટ સખી મંદિર શ્રીકૃષ્ણનું લીલા સ્થાન છે.પહેલુ ભારતીય મંદિર છે જ્યાં દિવ્ય યુગલ સ્વરૂપ અષ્ટ સખીઓ સાથે છે.

વૃજની પરિક્રમા કરતા રાધાકૃષ્ણ અને અષ્ટસખીના મંદિરના દર્શનનો અવસર મળે છે.લીલા સ્થાન નામથી જાણીતું સ્થળ છે .વૃજ ભૂમિના રાધાકૃષ્ણ મંદિરોમાં રાધાકૃષ્ણની મુર્તિઓ સાથે લલિતા સખી અને વિશાખા સખીની મુર્તિઓ હોય છે.

શ્રીકૃષ્ણ અને રાધાજી સાથે લલિતા સખી અને વિશાખા સખી

અષ્ટસખી કરતી સદા સેવા પરમ અનન્ય

શ્રીરાધારાણી યુગલ કી કર નિજ જીવન ધન્ય

જિનકે ચરણ સરોજ મે વારંવાર પ્રણામ

કરૂણા કર દે યુગલ પર રજ રતિ અભિરામ

સખી સંપ્રદાયમાં ભગવત કૃપા પ્રાપ્ત કરવા ગોપી ભાવને સાધન માનવામાં આવે છે.બરસાનાની આસપાસ અષ્ટસખીઓના મંદિર છે જ્યાં અષ્ટસખીઓની જન્મ તિથી અનુસાર ઉત્સવ મનાવવામાં આવે છે.

આ દરેક સખીઓનો પ્રાગટ્ય દિવસ રાધાષ્ટમીના ઉત્સવ આસપાસ જ છે.શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પછી રાધાષ્ટમી ઉજવાય છે અને ષષ્ઠી તિથીથી પૂનમ સુધી આ આઠ સખીઓનો આવિર્ભાવ દિવસ મનાવવામાં આવે છે.રાધાષ્ટમીનો દિવસ ઉપર્ભાવ દિવસ મનાવવામાં આવે છે.

ભક્તિના બે પ્રકાર છે.ઐશ્વર્ય ભક્તિ અને માધુર્ય ભક્તિ.ઐશ્વર્ય ભક્તિમાં ભક્ત ભગવાનના ગુણોનું ચિંતન કરે છે.પ્રધાન ભાવ આદર તથા સન્માન છે.દ્રારકાવાસીઓ શ્રીકૃષ્ણને રાજા તરીકે આદર આપતા.જ્યારે માધુર્ય ભક્તિમાં ભક્ત ભગવાન સાથે અંતરંગ સંબંધ ધરાવે છે.

વૃંદાવનમાં શ્રીકૃષ્ણના સખા ગોપ બાળકો શ્રી કૃષ્ણને મિત્ર માનતા,યશોદા અને નંદરાય શ્રીકૃષ્ણને પોતાનું સંતાન માનીને લાડ કરતા, ગોપીઓ શ્રીકૃષ્ણને પ્રિયતમ માની પ્રેમ કરતી.આ માધુર્ય ભક્તિના ઉત્તમ ઉદાહરણ છે.

અષ્ટસખીઓ અને શ્રી રાધાકૃષ્ણ

શ્રીકૃષ્ણ નવ દેવીઓને શક્તિ સ્વરૂપા માનતા હતા.શ્રીરાધાજી આરાધ્ય શક્તિ છે અને રાધાજીની આઠ સખીઓ શક્તિ સ્વરૂપા છે જેના વગર શ્રીકૃષ્ણની લીલાઓ અધૂરી છે.”કછુ માખન કો બંધ ચઢ્યો,કછુ ગોપન કરી સહાય ,રાધેજા કઈ કૃપાને ગિરિવર લિયો ઉઠાય.”આ પંક્તિઓ દ્વારા રાધાજીની અને આઠ સખીઓ એમ નવ શક્તિની પુષ્ટિ થાય છે.

અષ્ટ સખીઓ ગોપીઓ છે.શ્રીકૃષ્ણની રસશક્તિ છે.અષ્ટ સખીઓનો શ્રીરાધાકૃષ્ણ પ્રત્યેનો પ્રેમ અદ્રિતીય અને અજોડ છે.

                 તત્સુખસુખિત્વં.

ગોપીઓ શ્રીરાધાકૃષ્ણને પ્રિયા પ્રિયતમ ભાવે પ્રેમ કરે છે.રાધાજીને સર્વોચ્ચ માની સ્વામિની કહે છે.વ્રજગોપીઓ યુગલ સરકાર રાધાકૃષ્ણના આનંદ માટે સદાય તત્પર રહે છે. બ્રહ્માંચલ પર્વત નજીક બરસાનાની રચના અષ્ટદળ કમળ સરખી છે.પર્વતના કેન્દ્રમાં રાધારાનીનું નિવાસ સ્થાન છે.આજુબાજુમા આઠ ગામ છે.જે રાધાજીની આઠ સખીઓના ગામ છે.પર્વતથી ઘેરાયેલા સ્થાન પર ગૌર વર્ણ અને શ્યામ વર્ણના પત્થરો શ્રીરાધા કૃષ્ણના અમર પ્રેમના પ્રતીક છે. આ દેવી શક્તિઓ સાથે શ્રીકૃષ્ણજીએ લીલાઓ કરી હતી.વૃંદાવન નજીક રાવલ ગામમાં ગોપાધિપતીવૃષભાનુજી અને કીર્તિદેવી માતાની પુત્રી શ્રીરાધાજી છે.

શ્રીરાધાજીના પિતાજી મહારાજ વૃષભાનુજીના આઠ ભાઇઓ હતા.તેમની આઠ પુત્રીઓ અષ્ટ સખીઓ છે.

શ્રીરાધારાણી અને અષ્ટ સખીઓ

લલિતા,વિશાખા,ચિત્રા,ઇન્દુલેખા,ચંપકલતા,રંગદેવી,સુદેવી તુંગવિદ્યા રંગદેવી અને સુદેવી બહેનો છે.આમાં પ્રત્યેક સખીની અનુગતામા આઠ આઠ કિકંરી,મંજરી,સહચરી એમ અલગ અલગ યુથ છે.

અનેક મંજરી ગણ છે. આ અષ્ટ સખીઓની આઠ સેવિકાઓ છે.જે પાંચ પ્રકારની છે.સખી, નિત્ય સખી,પ્રાણ સખી,પ્રિયા સખી,પરમ શ્રેષ્ઠ સખી.આ સખીઓની એક એક સેવિકા છે જે રૂપ મંજરી,જીવ મંજરી,રસ મંજરી, વિલાસ મંજરી,લીલા મંજરી, કસ્તુરી મંજરી. આ સર્વે શ્રીરાધા કૃષ્ણની પ્રીતી સાધનામાં નિત્ય સંલગ્ન રહે છે.રાધાજીની પરમ શ્રેષ્ઠ સખીઓ છે.સર્વની આધરરુપા છે શ્રીરાધાજી. શ્રીકૃષ્ણને ગોપીઓ કહે છે તમે રાધાજીના પ્રિયતમ છો એટલે અમને તમારા પ્રત્યે પ્રેમ છે. રાધાકૃષ્ણની લીલાઓમાં અમુક સખીઓ રાધાજીનો પક્ષ કરે છે તો અમુક શ્રીકૃષ્ણનો.રાધાકૃષ્ણ એક જ છે એવી ભાવના કરે છે.રાધાકૃષ્ણને એક સાથે નિહાળીને સુખ પામે છે.

શ્રીરાધાકૃષ્ણના યુગલ સ્વરૂપને કોઈની નજર ના લાગે એટલે ગોપીઓ એક પાત્રમાં પાણી ભરી નજર ઉતારીને સ્વયં પી લેતી કે નજર અમને લાગે પણ અમારા પ્રિયા પ્રિતમને નહીં.

શ્રીરાધાજી નિત્ય પોતાના હ્રદયની પરમ પવિત્ર સ્નેહ સુધા વ્રજ ગોપીઓના જીવનમાં વરસાવે છે. શ્રીકૃષ્ણ પ્રેયસી વ્રજ ગોપીઓનો સમસ્ત ઉધમ,સમસ્ત પ્રયત્ન કેવળ શ્રી રાધાકૃષ્ણના સુખ વિધાનમાં રહેતો.

શ્રીરાધારાણી ભગવાન શ્રીકૃષ્ણની આહ્રાદિની શક્તિ છે તો રાધાજીની અષ્ટ સખીઓ રાધારાણીની પોતાની સરકાર છે.રાધે અલબેલી સરકાર એવું ઉત્તર પ્રદેશમાં માનવામાં આવે છે. રાધાજીનો પ્રેમ પ્રાપ્ત કરવા સદાય તત્પર રહેતી.રાધાજીને શણગાર કરવો મનગમતું કાર્ય હતું અષ્ટ સખીઓનુ.

લલિતા સખી સદાય શ્રીરાધારાનીને સુખ આપતી.શ્રીકૃષ્ણ લલિતા સખીની ભક્તિથી ખૂશ થઇને લલિતાને પ્રેમ પ્રદાન કરતાં. અષ્ટ સખીઓ દરેક ક્ષણ રાધાકૃષ્ણના મુખ મંડળની આભા અને રૂપ માધુરીને નીરખતી રહેતી. લલિતા સખી રાધાજીની પ્રધાન સખી છે.ચતુર અને પ્રિય સખી છે.લલિતા સખી અષ્ટ સખીઓની આગેવાની કરે છે.

રાધાજીનો જન્મ અષ્ટમીના છે તો તેના બે દિવસ પહેલા લલિતા સખીનો જન્મ દિવસ ભાદરવા સુદ છઠ્ઠ લલિતા ષષ્ઠી તરીકે ઉજવાય છે.લલીતા સખીની ઇચ્છા પૂર્ણ કરવા શ્રીકૃષ્ણએ લલિતા સખી સાત વરસના હતાં ત્યારે એમની સાથે ભાદરવા સુદ બારસના લગ્ન કર્યા હતા.જે રાધાષ્ટમી પછી ઉત્સવ તરીકે ઉજવાય છે.લલિતા સખીને અનુરાધા નામથી પણ ઓળખવામાં આવે છે.પિતાનુ નામ વિશોક છે અને માતા શારદા છે.પતિનુ નામ ભૈરવ ગોપ છે જે ગાયો ચરાવે છે.સુગંધનુ વિશેષ જ્ઞાન ધરાવતી લલિતા સખી રાધાજીને પાનના બીડા બનાવી આપતી.રાધા કૃષ્ણના પ્રેમપૂર્ણ વિવાદને સમજાવટ કરાવતી.

બરસાના નજીક ઉંચાગામમાં નિવાસ કરે છે.લાલિમા સમાન પીળો વર્ણ છે.મોરપંખ સમાન વસ્ત્રો ધારણ કરે છે.

રત્ન પ્રભા,રતિકલા, સુભદ્રા, ચંદ્ર રેખા,સુમુખી, ધનિષ્ઠા,કલહસી,કલાપીની એમ આઠ સખીના યુથ છે.

લલિતાસખીની આજ્ઞાથી રાસ મંડળમાં પ્રવેશ મળે છે.એક વાર રાસ મંડળમાં ભગવાન શિવજી પ્રવેશ કરતાં હતાં ત્યારે લલિતા સખીએ રોકી રાખ્યા.ભગવાન શિવે કહ્યું શ્રીકૃષ્ણ મારા આરાધ્ય છે.ત્યારે લલિતાજીએ ભગવાન શિવજીને ગોપીઓનો શ્રૃંગાર કર્યો.

આમ લલિતાજી ભગવાન શિવજીના ગુરુ બન્યા અને કાનમાં યુગલ મંત્ર આપ્યો.ભગવાન શિવજી ગોપેશ્વર મહાદેવ કહેવાયા.લલિતા સખીનો ગોપી ભાવ ઉચ્ચતમ હતો.ઋષિમુની અને સંતગણો નિત્ય આરાધના કરી ગોપીભાવ મેળવવા તપસ્યા કરે છે.

કહેવાય છે કે કળિયુગમાં સ્વામી હરિદાસ લલિતા સખીનો અવતાર છે.સંત હરિદાસે પોતાની સંગીત સાધનાથી ભગવાનના વિગ્રહને પ્રકટ કર્યું.એક વાર હરિદાસ શિવજીને જળ અર્પણ કરતાં હતાં ત્યારે શિવજીએ કહ્યું હરિદાસ મારા ગુરુ છે.મને યુગલ મંત્ર આપ્યો છે.હુ ગુરુ પાસે સેવા કેમ કરાવું. વ્રજ મંડળમાં પ્રેમની રીતી જાણવામાં પ્રમુખ ગણાય છે.દરેક કળામાં નિપુણ લલિતા સખી વનવિહાર અને નૌકાવિહારની સેવાનો પ્રબંધ કરી આપતી.શ્રીકૃષ્ણજીની પ્રિય સખી લલિતાજી છે.લલિતા સખીના આશીર્વાદ મેળવી ગીરી ગોવર્ધન અને યમુનાજીના આશિષ મળે છે.ભક્તના હ્દયનની ઉત્કંઠા જાણીને રાધા કૃષ્ણને કૃપા કરવા વિનંતી કરે છે.

વિશાખા સખી કહેવાય છે કે વિશાખા સખી શ્રીરાધાજીના હ્રદયમાંથી પ્રગટ થયા છે એટલે શ્રીરાધાજીના હ્રદયની વાત તરત જાણી લેતા.લલિતા સખીનો અને શ્રીરાધાજીનો જન્મ દિવસ એક જ દિવસે છે.વિશાખા સખી દ્રિતીય સખી છે.

વીજળીના પુંજ જેવી મનોહર છે.તારાગણ સમાન સુંદર મનોહર વસ્ત્રો ધારણ કરે છે.આઠ સખીમા બીજા વરિષ્ઠ સખી કહેવાય છે.માલતી,માધવી, ચંદ્ર રેખા,શુભાનના, કુંજરી,હરિણી,ચપલા એમ આઠ સખીના યુથ સાથે છે.

રાધાકૃષ્ણના આપસમાં સંદેશોની લેન દેન કરે છે.નારાજ યુગલ સ્વરૂપના કેમ મનામણાં કરવાની કળામાં પારંગત છે.

પિતાનું નામ વાહક ગોપ છે, માતાનું નામ દક્ષિણા છે.લલીતા સખી જે લીલાની સેવા કરે છે એ જ વિશાખા સખી આગળ વધારે છે.કમઇ નિવાસ સ્થાન છે.જન્મ સમય ભાદરવા સુદ અષ્ટમીના ઉજવાય છે. વિશાખા સખી શ્રીકૃષ્ણને હાસ્ય વિનોદની વાર્તા કરતી. રાધા કૃષ્ણને ચંદનનો લેપ અર્પિત કરતી.રાધાજી માટે વિવિધ રંગોના વસ્ત્રોની પસંદગી કરતી.સદાય રાધાજીના હિતની વાણી ઉચ્ચારે છે અને  સંગમાં રહે છે.નિધીવનમા વિશાખા નામનો કુંડ છે.રાસલીલા વખતે વિશાખા સખીને તરસ લાગતાં શ્રીકૃષ્ણે આ કુંડ પ્રગટ કર્યો હતો.આ કુંડ સમક્ષ પ્રસિદ્ધ ભક્ત હરિદાસે શ્રીબાંકે બિહારની પ્રતિમા પ્રાપ્ત કરી હતી.

કળાત્મક કાર્યમાં નિપુણ વિશાખા સખી કઠપૂતળીના કાર્યક્રમ કરી રાધાકૃષ્ણને મનોરંજન કરતી.

ચિત્રલેખા સખી ચિત્રલેખા સખીના પિતા ચતુરા  ગોપ છે અને માતા ચર્ચિકા છે.ભાદરવા સુદ દશમીના જન્મ દિવસ ઉજવાય છે.

પતિ પિથરા ગોપ છે.ચિત્રલેખા સખી હંમેશા કૃષ્ણ પ્રેમના આનંદમાં તરબતર રહે છે.શ્રીકૃષ્ણજીનુ સુંદર ચિત્ર બનાવ્યું ત્યારે શ્રીકૃષ્ણ ખુશ થયા અને વરદાન આપ્યું કે હું નિકુંજમા સદાય તારી સાથે નિવાસ કરીશ.

બરસાના નજીક ચિકસોલી ગામમાં નિવાસ સ્થાન છે.કેસર સમાન સુંદર મનોહર છે.હીરાની ચમક જેવા વસ્ત્રો ધારણ કરે છે.ચિત્રલેખા સખી ચતુર્થ સખી છે.

ચિત્રલેખા સખી લેખન કળા, જ્યોતિષ શાસ્ત્ર, ખગોળ વિજ્ઞાન,વિભિન્ન ભાષાઓમાં માહિર છે.વૃક્ષોની રોપણી કરવાનું કાર્ય કરે છે. રસાલિકા,તિલકની,સૂરસેના,સુગંધિકા,વામની,વામનાયન,નાગરી,નાગવલ્લિકા સખીઓનો સમુહ ચિત્રલેખા સખી સાથે છે. રાધાજીની ફળ શરબતની સેવા કરે છે.બપોરના આરામ પછીના સમયમાં રાધા કૃષ્ણને જગાવવાની સેવા કરે છે.ફળ,શરબત,મેવા ધરી યુગલ સ્વરૂપને આનંદ કરાવે છે.

ઇન્દુલેખા સખી ઇન્દુલેખા સખીના પિતા સાગર ગોપ અને માતા વેલાદેવી છે.દુરબલા ગોપ સાથે વિવાહ કર્યા છે.

જન્મ તિથિ ભાદરવા સુદ એકાદશીના દિવસે ઉજવાય છે.

અંજન ગામમાં નિવાસ સ્થાન છે.પીત્ત વરણની શારીરિક ચમક છે.દાડમના ફૂલોના રંગ જેવા વસ્ત્રો ધારણ કરે છે.અષ્ટ સખીમા છઠ્ઠી સખી છે.શ્રીરાધાજીથી ત્રણ દિવસ નાની છે.યુગલ સ્વરૂપને પંખા નાખવાની સેવા કરે છે.નાગ આને સર્પનું વિશેષ જ્ઞાન છે.સામુદ્રીક શાસ્ત્ર જાણે છે.

તુંગભદ્રા, ચિત્રલેખા,સુરંગી,રંગવાટીકા,મંગલા,મદના,મોદીની અને મદના આઠ સખીઓની યુથ સાથે છે.

એક વાર શ્રીકૃષ્ણજીના વાંસળીના સૂર સાંભળી શ્રીરાધાજી ઉતાવળમાં આંખમાં આંજણ આજવાનુ વિસરી ગયા અને રાસ મંડળમાં પધાર્યા.ત્યારે એક શિલામાંથી શ્રીકૃષ્ણે કાજળ પ્રગટ કરી રાધાજીની આંખમાં આંજ્યું.એટલે આ સ્થળ આજંનૌક ગામ કહેવાય છે.શ્રીકૃષ્ણ આ ગામમાં અંજન બિહારી તરીકે પૂજાય છે.ઇન્દુલેખા સખી નૃત્ય કળામાં નિપુણ છે એટલે કઇ લીલામાં કેવું નૃત્ય કરવું એનું પ્રશિક્ષણ અન્ય ગોપીઓને આપે છે.

રાધાજીના ઘરેણાં, વસ્ત્રોની અને ખજાનાની દેખરેખ રાખનાર કહેવાય છે.મંત્ર જાપ અને હસ્તરેખામાં પારંગત મનાતી ઇન્દુલેખા સખી વૃંદાવન ભૂમિની રક્ષા કરે છે.

ચંપક લતા સખી પિતાનું નામ અરમા ગોપ આને માતાનું નામ બાટિકા છે.કહર વનમાં નિવાસ સ્થાન છે.કંદસખા નામના ગોપ સાથે વિવાહ કર્યા છે.રાધાજીથી એક દિવસ ઉંમરમાં નાની છે.ચંપક સમાન વર્ણ છે.નીલકંઠ પક્ષીની પાંખ સમાન રંગના વસ્ત્રો ધારણ કરે છે.કહર વનમાં નિવાસ સ્થાન છે.ત્રીજી સખી ચંપકલતા છે.

વ્રજવાસીઓના કથન અનુસાર દિવ્ય રાસલીલાનો પ્રારંભ આ જ સ્થળે થયો છે. કહર વનના નિવાસી શ્રીકૃષ્ણની રાસ બિહારી તરીકે આરાધના કરે છે.

ભાદરવા સુદ નવમીના જ્ન્મ દિવસ ઉજવાય છે. ચંપકલતા સખી વિશાખા સખી સમાન પ્રતિભાવાન .વૃદાવનના વૃક્ષો અને લતા વેલાની સુરક્ષા કરે છે. ચંપકલતા રસોઈ કળામાં પારંગત છે.રાધાકૃષ્ણને વિવિધ વ્યંજન બનાવી સેવા કરે છે.માવાની મીઠાઇ બનાવવામાં પારંગત છે.ચવરની સેવા કરે છે.

માટીમાથી સુંદર ઢીંગલીઓ બનાવી નામાંકિત કરી રાધા કૃષ્ણને મનોરંજન કરે છે.ચંપકલતાના યુથ સાથે કૃગાક્ષી સુચિત્રા,મંડલી,મણીમદના,ચંડિકા, ચંદ્ર લતિકા,કંદુકાશી આને સુમનધરા નામની મુખ્ય ગોપીઓ છે.

તુંગવિદ્યા તુંગવિદ્યા આઠ પ્રમુખ સખીઓમા પાંચમી છે.જન્મ ભાદરવા સુદ પાંચમના દિવસે ઉજવાય છે .તુંગવિદ્યા સખી ડાભારા ગામમાં નિવાસ કરે છે.તુંગવિદ્યા સખી માતા પાર્વતીનો અવતાર મનાય છે.કપુર ચંદન સમાન શરીર છે.પીળા રંગના વસ્ત્રો ધારણ કરે છે.

પિતાનું નામ પુષ્કર અને માતાનું નામ મેઘા.બાલિશા નામના ગોપ સાથે વિવાહ કર્યા છે.

જ્ઞાનની અઢાર શાખાઓમાં મહારત છે.ઔષધીઓ, જડીબુટ્ટી, બાગબાનીમા કુશળતા છે. વ્યાકરણ, વેદાંત દર્શન, મીમાંસા દર્શન, ન્યાય દર્શન, સાંખ્ય દર્શન, પાતંજલ દર્શનમાં નિપુણ છે.

કલકંઠી, શશીકલા, કમલા, પ્રેમ મંજરી,માધવી, મધુરા,કામ તા, કંદર્પ સખીનું યુથ છે.અન્ય સખીઓની જળ ભરવાની સેવાની દેખરેખ રાખે છે.

ડાભારા ગામમાં શ્રીરાધાજી અને અન્ય સખીના ઢીંગલીઓથી રમત રમતી.ત્યારે શ્રીકૃષ્ણજી એક શીલા પાછળ છુપાઈને રમત નિહાળતાં.આ શીલા શ્યામ શીલા કહેવાય છે.આ સ્થળ નાબોરી ચોબારીના નામે ઓળખાય છે.

તુગંવિદ્યા સખી પશુ પક્ષીઓની ભાષા જાણકર છે.રાસ લીલા દરમ્યાન નૃત્ય કળામાં પારંગતતા બતાવે છે.

તુંગવિદ્યા સખીને શ્રીકૃષ્ણનો સંપૂર્ણ વિશ્વાસ મેળવ્યો છે.સંગીત, નાટ્યકલા,મૃદંગ અને વીણા વગાડવામાં પારંગત છે.કહેવાય છે કે તુંગવિદ્યા સખીના વીણાના વાદન સાથે શ્રીકૃષ્ણ નૃત્ય કરતાં હતાં.

રંગદેવી સખી રંગદેવી સાતમી સખી છે.રાધાજીથી સાત દિવસ નાની છે.ચંપકલતા સમાન ગુણવાન છે.પિતા વીરભાનુ ગોપ અને માતા સૂર્યવતી છે.વક્રસેન નામના ગોપ સાથે વિવાહ કર્યા છે.ગુણોમા ચંપકલતા સમાન છે.શત્રુઓને પરાસ્ત કરવાની તરકીબ જાણે છે.જે ગોપીઓ જંગલી પ્રાણીઓને કાબુમાં રાખી શકે છે એની પ્રમુખ સખી રંગદેવી છે.રંગદેવી સાથેની ગોપીઓમા  શશીકલા,કમલા,પ્રેમા મંજરી,માધવી,મધુરા,કમલલતા, કંદર્પ સુંદરી છે.

રકોલી ગામમાં નિવાસ સ્થાન છે.ભાદરવા સુદ તેરસના જ્ન્મ છે.પુરાણોમા શ્યામલ નામનો પણ ઉલ્લેખ છે.કમલ કેસર સમાન શરીરની આભા છે.જવા પુષ્પ રંગના વસ્ત્રો ધારણ કરે છે.શ્રીરાધાકૃષ્ણને ચંદનની સેવા કરે છે.

તપસ્યા કરીને મંત્ર પ્રાપ્ત કર્યો જેના દ્વારા ભગવાન શ્રીકૃષ્ણને આકર્ષિત કરી શકે છે.

રંગદેવી રાધાજીને વનમાં છુપાડી દેવામાં માહિર હતી.જ્યારે રાધાજી કુંજમાં એકલા હોય ત્યારે રંગદેવી સાંકેતિક શબ્દથી શ્રીકૃષ્ણને કુંજમાં મોકલતી.રાધાકૃષ્ણને ચંદન અને ને રંગ ચઢાવતી એટલે રંગ દેવી નામ પડ્યું.રાધાજીના કેશમાં વેણી ગૂંથવાની કળામાં નિપુણ છે.તર્કશાસ્ત્રમા આગેવાની કરે છે.

શ્રીકૃષ્ણ સામે રાધાજીની હાસ્ય વિનોદ કરે છે.વાદ્ય યંત્રમાં વિશેષજ્ઞ છે.ચિત્રકળા,સુગંધિત વસ્તુઓ,ઘીની દીવા કરવા એવી સેવા અન્ય ગોપીઓ સાથે મળીને કરે છે.શિયાળામા સગડી પેટાવી તો ઉનાળામાં પંખા નાખવાની સેવા રાધા કૃષ્ણ માટે કરે છે.

સુદેવી સખી સુરેલી પણ કહેવાય છે.આઠમી સખી છે.પિતા રંગ સાગર ગોપ અને માતા કરૂણા છે.આરાવલી પર્વત પર સુનહરા ગામમાં નિવાસ સ્થાન છે.સુદેવી આને રંગદેવી જોડીયા બહેનો છે.રંગદેવી માસી સાથે રાકોલા ગામમાં નિવાસ કરે છે.કમળના ફૂલ જેવી શરીરની ચમક છે.લાલિમા યુક્ત અને જવા પુષ્પ રંગના વસ્ત્રો ધારણ કરે છે.હરીપ્રિયા નામ પણ છે.

કાવેરી,ચારૂ,સુકેશી,મંજુ કેશીકા,હારહરી,હાર કંઠી,હાર વલ્લી,મનોહરા યુથ છે.

જન્મ ભાદરવા સુદ ચતુર્થીના દિવસે ઉજવાય છે.રાધાજીના વાળ ઓળી આપવા, આંખોમાં અંજન કરી આપવું, પગમાં અલતા લગાવી આપવા એવી સેવા કરે છે.શ્રીરાધા કૃષ્ણ સમક્ષ વીણા વાદન કરે છે.

નાવ ઉત્સવનું આયોજન કરી રાધાજીને શ્રીકૃષ્ણને નૌકાવિહાર કરાવે છે.નર અને માદા પોપટની ભાષા જાણી શકે છે.શુભ અશુભ સંકેતોનુ અનુમાન કરી શકે છે.વનના દેવતા સાથે મિત્રતા રાખે છે એટલે પશુ પક્ષીઓની ભાષાની જાણકારી રાખે છે.

વ્રજ ગોપીઓ પરમ પવિત્ર, ભુક્તિ મુક્તિનો ત્યાગ કરી શ્રીરાધા કૃષ્ણના સુખની સર્વોત્કૃષ્ટ અભિવ્યક્તિ પ્રગટ કરતી હતી.ગોપીઓ ક્યારેય પોતાની ચિંતા કરતી નહીં.પોતાનુ જીવન અર્પણ કરી પ્રેમનો પરમ પવિત્ર આદર્શ વ્યકત.શ્રીરાધાકૃષ્ણના સુખની સામગ્રી એકત્ર કરવી ગોપીઓનો સ્વભાવ.જગતની સ્મૃતિ નહીં, બ્રહ્મની પરવા નહીં, જ્ઞાનનું પ્રલોભન નહીં પ્રિયા પ્રિયતમના મુખ મંડળ અને એમના રૂપ માધુર્યને નિરખીને રહેવું  જીવનનો આધાર છે.

જગતના નાથ શ્રીકૃષ્ણે જગતને મોહીત કર્યું છે પણ શ્રીકૃષ્ણને રાધાજીએ મોહીત કર્યા છે.

જીવમાત્ર આનંદની ઇચ્છા કરે છે.પણ આનંદ શું છે, ક્યાં છે,કેમ પ્રાપ્ત થાય છે.આ વાત જીવ ભૂલી ગયો છે.પતિ પત્ની,પિતા સંતાન,ધન સંપત્તિ પર અધિકાર, સન્માનમાં આનંદ શોધે છે.વસ્તુતઃ આનંદધન તો શ્રીકૃષ્ણ છે.

ભગવાન શ્રીકૃષ્ણ શુદ્ધ ચિન્મય, શુદ્ધ આનંદમય, શુદ્ધ પ્રેમમય, શુદ્ધ રસમય છે અને શ્રી કૃષ્ણની હ્રાદિની શક્તિ રાધા, શ્રીરાધા કૃષ્ણના સદા મિલન સંયોગ કરાવામાં નિત્ય સંલગ્ન રહેતી રાધાજીની સખીઓ શુદ્ધ ચિન્મયી શુદ્ધ આનંદમયી, શુદ્ધ પ્રેમમયી,આને શુદ ભાવમયી છે.

કહેવાય છે કે શ્રીકૃષ્ણની ૬૪ કળામાં ગોપીઓ સમાયેલી છે.રાધાજી મહાશક્તિ છે.ગોપીઓ કૃષ્ણ ધર્મની ધર્મરૂપ છે તો રાધાજી આનંદ શક્તિ છે.એટલે સ્વામિનીજી રાધાજી છે.

આજે પણ રાધાકૃષ્ણની લીલાઓ થાય છે પણ આપણા સામાન્ય ચક્ષુથી દર્શન નથી થતાં.શ્રીરાધા કૃષ્ણની પરમ કૃપા થાય તો રાધા કૃષ્ણની લીલાઓનો પરમ આનંદ પ્રાપ્ત થાય છે.

પંચ વક્ત્ર ભગવાન શિવજીના પંચ મુખનું રહસ્ય

વૈદિક ઋચાઓ પ્રમાણે પરમાત્માને શિવ,શંભુ અને શંકર નામથી નમન કરાયું છે.શિવનો અર્થ કલ્યાણકારી.શંભુ એટલે મંગળદાયક અને શંકર એટલે આનંદનો સ્ત્રોત.ભગવાન શિવ દેવોના દેવ છે.પણ રૂદ્ર રૂપે નથી.ભગવાન શિવની ઈચ્છાથી રજોગુણ રૂપે બ્રહ્મા, સત્વગુણ રૂપે વિષ્ણુ અને તમોગુણ રૂપે રૂદ્ર પ્રકટ થયા છે.આ ત્રણે સદાશિવની અભિવ્યક્તિ છે.

ઉપનિષદ કૃષ્ણ યજુર્વેદમાં ભગવાન શિવજીના પાંચ સ્વરૂપનું વર્ણન છે.જે શિવજીના પાંચ મુખ છે.

પંચ વકત્ર મહાદેવ

શિવપુરાણમાં પાંચ સ્વરૂપનું ધ્યાન કરવાનું કહ્યું છે.આ પાંચ મુખ છે ઇશાન, તત્પુરૂષ,અઘોર,વામદેવ ,સદ્યોજાત.

ભગવાન શિવજી પંચવક્ત્ર કહેવાય છે કારણ કે પાંચ મુખ દ્રારા પાંચ રીતે વેદોનું ઉચ્ચારણ કરે છે.વિધી,મંત્ર, ઉચ્ચારણ,નિષેધ અને અર્થવાદ.આધ્યાત્મ અનુસાર ભગવાન શિવજી પાંચ ઇન્દ્રિયોના વિષયોનું પાન કરે છે.કહેવાય છે કે હૃદયમાં પાંચ દ્વારા હોય છે જે શિવજીના પાંચ મુખનું સૂચન કરે છે.ઓમકાર અને નમઃ શિવાય પંચ વકત્ર મહાદેવે પ્રગટ કર્યા છે.

જીવો તરફનું સૂચન શિવ પંચ વકત્ર છે.જીવો પંચેન્દ્રિયનો વિષય આનંદ ભોગવે છે.અવિદ્યાના કારણે જીવ અને શિવ વચ્ચે ભેદ છે.શિવજી હ્રદયની મધ્યમાં બિરાજે છે.હ્રદયના પાંચ દ્વાર પંચ વકત્ર છે.પંચ વક્ત્રની આરાધના કરી જીવાત્મા શિવમય થાય છે.

પુરાણો અનુસાર શિવજીએ તિલોત્તમા નામની અપ્સરાને જોવા પાંચ મુખ પ્રગટ કર્યા હતાં.બ્રહ્માજીની વિનંતીથી વિશ્વકર્માજીએ તિલોત્તમાને દિવ્ય શક્તિથી ઉત્પન્ન કરી હતી.સુન્દ અને ઉપસુન્દ નામના બે અસુરોનો નાશ કરવા માટે.આ બંને અસુરો નિકુંભના પુત્રો હતા.તપસ્યા કરીને બ્રહ્માજી પાસેથી બંને એકબીજાને મારે તો જ નાશ થાય એવું વરદાન મળ્યું હતું.સ્વર્ગ જીતીને ઋષિમુનિઓને ત્રાસ આપતા હતાં.વિશ્વાકર્માજીએ સ્વર્ગ, પૃથ્વી આને પાતાળમાંથી તલ તલ સમાહિત કરી સુંદરતા મેળવી અપ્સરા તિલોત્તમાને ઉત્પન્ન કરી.તલ તલ કરીને અપ્સરા પ્રગટ કરી એટલે તિલોત્તમા કહેવાય છે.

વિન્ધય પર્વત પર મદીરાપાન કરી રહેલા બંને આસુર ભાઇઓ આપસમાં તિલોત્તમા માટે યુદ્ધ કરવા લાગ્યા અને એકબીજાનો નાશ કર્યો.દેવતાઓ ખૂશ થયા.બ્રહ્માજીએ તિલોત્તમાને વરદાન આપ્યું કે સૃષ્ટિમાં જ્યાં વિચરણ કરવું હોય કરી શકે અને કોઇ પણ તિલોત્તમાને એના સૌંદર્યની આભા નિહાળી વધુ સમય એને નિરખી નહીં શકે.

અપ્સરા તિલોત્તમા કૈલાશ પર્વત પર ભગવાન શિવજીને આકર્ષિત કરવા શિવજીની આસપાસ નૃત્ય કરવા લાગી.શિવજીએ પાંચ મુખ પ્રગટ કર્યા.૪ પ્રત્યક્ષ અને ૧ અપ્રત્યક્ષ.પૂર્વ‌ તરફ મુખ સર્વોચ્ચ સત્તા પ્રકટ કરવા, ઉત્તર મુખ માતા પાર્વતી તરફ ક્રીડા કરવા, પશ્ચિમ મુખ આનંદ પ્રકટ કરવા, દક્ષિણ મુખી સંહારનું પ્રતિક અને પાંચમું મુખ તિલોત્તમાને બોધ આપવા.ભગવાન શિવજીના પાંચ મુખને પ્રકટ કરવાનું કારણ તિલોત્તમાની ભક્તિ હતી.

દાર્શનિક માન્યતા પ્રમાણે બ્રહ્માંડ પંચતત્વોથી બન્યું છે.જળ, પૃથ્વી,અગ્નિ,વાયુ અને આકાશ.ભગવાન શિવજી પંચનાથ એટલે પંચમુખી કહેવાય છે. શિવ લિંગ સંપૂર્ણ ચેતના સ્વરૂપ છે.સર્વ સ્વરૂપોની પર છે.શિવજીને પાંચ સ્વરૂપે પૂજવામાં આવે છે જે પંચ બ્રહ્મ મંત્ર કહેવાય છે.આ દર્શાવા મંદીરમાં શિવલિંગ ઉપર ચાર મુખ મુકવામાં આવે છે.પંચમ મુખ ઇશાન સ્વરૂપ ચાર મુખની ઉપર હોય છે .પણ મોટે ભાગે દર્શાવામાં નથી આવતું..અમુક મંદિરમાં શિવલિંગમાં જ મુખની આકૃતિ કંડારવામાં આવી હોય છે.પંચમ મુખ ઉપરની તરફ શુદ્ધ પારદર્શી હોય છે.તત્તપુરૂષ પૂર્વ તરફ અને સોનેરી રંગનુ હોય છે.અઘોર મુખ દક્ષિણ તરફ આને નીલા રંગનું હોય છે.વામદેવ મુખ ઉત્તર તરફ અને કેસરી રંગનું હોય છે.સદ્યોજાત મુખ પશ્ચિમ તરફ અને સફેદ રંગનું હોય છે.

પંચ બ્રહ્મ મંત્ર શિવજીના પાંચ કાર્યનું પ્રતિનિધિત્વ કરે છે. નિર્માણ,જીવિકા, વિઘટન, અનુગ્રહ છુપાવવો અને અનુગ્રહ પ્રગટ કરવો્. શિવજીના પાંચ સ્વરૂપ પવિત્ર પંચકોશીય મંત્ર ન_મહ_શિ_વા_ય ના પાંચ અક્ષરને અનુરૂપ છે.

સદ્યોજાતં મંત્ર

સદ્યોજાતં પ્રપધ્યામિ સદ્યોજાતાય વૈ નમો નમઃ|

ભવે ભવે નાતિ ભવે મનસ્વી માં ભવોદ્રવાય નમઃ||

૧ સદ્યોજાત. સદ્યોજાત મનોમય કોશ સાથે જોડાયેલ છે.આત્માનુ આવરણ મન છે .ઇચ્છાશક્તિનુ પ્રતિનિધિત્વ કરે છે. આ સ્વરૂપ શ્વેત વર્ણ .બાળક સમાન પરમ શુદ્ધ અને નિર્વિકાર સ્વરૂપ છે.જ્ઞાનમૂર્તી જે અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરી વિશુદ્ધ જ્ઞાનનો પ્રકાશ કરે છે. સદ્યોજાત એટલે જન્મ ધારણ કર્યો છે. અસંખ્ય આત્માઓના માધ્યમથી શિવજી પોતાની ઉપસ્થિતિનો આભાસ કરાવે છે દરેક જીવનું અસ્તિત્વ જીવના જન્મ સાથે થાય છે..સૌ પ્રથમ શિવજીના સદ્યોજાત સ્વરૂપની પ્રાર્થના કરવામાં આવે છે.આ સ્વરૂપ અગ્નિ તત્વ અને અહંકારના સ્વરૂપનુ વર્ણન કરે છે.સદ્યોજાત પશ્ચિમ મુખી છે.પશ્ચિમ એટલે પ્રત્યક્ષ. બ્રહ્માજીએ પરમ બ્રહ્મનું ધ્યાન કર્યું ત્યારે ભગવાન શિવજી સદ્યોજાત અવતાર રૂપે અવતરિત થયા.બ્રહ્માજીએ નમન કરી સર્વોચ્ચ દેવતાની આરાધના કરી.ભગવાન શિવજીએ બ્રહ્માજીને જ્ઞાન અને રચનાત્મક શક્તિ પ્રદાન કરી.પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘શિ’ છે.આ મુખ રચનાત્મક શક્તિ રૂપે શિવજીનું કાર્ય છે અને મણિપુર ચક્ર સાથે જોડાયેલ છે.યજુર્વેદમાથી પ્રગટ,૩૫ અક્ષર,આઠ કળાઓ શ્વેત વર્ણ વાળો,શાંતિકારક પવિત્ર સદ્યોજાત મંત્ર છે.

૨ વામદેવ.વામદેવ ઉત્તર મુખી છે.કૃષ્ણ વર્ણ છે. વાયુ તત્વ અને મનનું પ્રતિનિધિત્વ કરે છે.ઉત્તરમુખી શિવજીને વામદેવ રૂપે પૂજાય છે.વિપત્તિ કાળમાં રૂદ્ર રૂપ છે.સૃષ્ટિના કાળ છે.પંચ વિકારોનો નાશ કરે છે.પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘વા”છે.

વામદેવાયનમો જ્યેષ્ઠાય નમઃ શ્રેષ્ઠાય

નમો રુદ્રાય નમઃ કાલાય નમઃ |

કલવિકરણાય નમો બલાય નમો

બલવિકરણાય નમો બલપ્રમધનાય નમઃ |

સર્વભૂતદમનાય નમો મનોન્મનાય નમઃ ||

શિવજીનું આ સ્વરૂપ શક્તિ, સુંદરતા અને દેવી તારા સાથે જોડાયેલું છે.વામદેવ વિજ્ઞાનમય કોશ સાથે જોડાયેલ છે.ચિત્ત રૂપે છે.એવુ માનવામાં આવે છે કે વામદેવનો મંત્ર ઉપચારાત્મક કાર્ય કરે છે.શિવજીની સંરક્ષક ઉર્જા છે.અનાહત ચક્ર અને વાયુ તત્વ સાથે જોડાયેલી છે.૬૬અક્ષરનો મંત્ર સામવેદમાંથી ઉત્પન્ન થયો છે.

૩ અઘોર.અઘોર સ્વરૂપ દક્ષિણ મુખી છે.દક્ષિણામૂર્તિ પણ કહેવાય છે.નીલવર્ણ છે.જળ તત્વ છે.અઘોર શિવજીની સંહારકારી શક્તિ છે.ભક્તોના સંકટ સંહારે છે.

અધોરભ્યોડઘ ઘોરેભ્યો અઘોરરેતરેભ્ય:|

સર્વત: સર્વ: સર્વેભ્યો નમસ્તે રુદ્ર રુપેભ્ય: ||

અઘોર સ્વરૂપની આરાધના કરનારા અઘોરી કહેવાય છે.સંસારમા જે અશુભ છે એને ધારણ કરે છે કારણ કે શિવમાં વિદ્યમાન છે.સ્મશાનમા રહી કઠણ તપસ્યા કરે છે. પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘મા’ છે.શિવજીનુ અઘોર સ્વરૂપ પ્રાણમય કોષ અને સ્વાધિષ્ઠાન ચક્ર સાથે જોડાયેલ છે.અર્થવેદથી પ્રગટ થયેલો અને ૩૩ અક્ષરનો મંત્ર છે.

તત્પુરૂષ મંત્ર

ૐ તત્પુરૂષાય વિદ્મહે મહાદેવય ધીમહી

તન્નો રૂદ્ર: પ્રચોયાત્

૪ તત્પુરૂષ આ સ્વરૂપ પૂર્વ મુખી છે.પીત વર્ણ છે.પૃથ્વી તત્વના અધિપતિ છે.તપોમૂર્તિ છે તત્ એટલે પરમાત્મા. સગૂણ પરબ્રહ્મ સ્વરૂપ. પરમશિવનુ આ સ્વરૂપ ધ્યાનમાં છે એવું છે અને જગતને આશીર્વાદ આપે છે.

ગાયત્રીમાથી પ્રગટ થયેલો ૨૪ અક્ષરોનો તત્પુરૂષ મંત્ર છે.

પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘ન’ છે. તત્પુરૂષ મંત્ર રુદ્ર ગાયત્રી મંત્ર છે.ભૌતિક અસ્તિત્વની પાછળ સર્વોચ્ચ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે.આનંદની શક્તિ વ્યક્ત કરે છે.શિવજીની આ ગુપ્ત શક્તિ છે.અન્નમય કોષ સાથે છે.આ સ્વરૂપ મૂળાધાર ચક્ર સાથે જોડાયેલ છે જે એકાગ્રતા મેળવવાની કૃપા કરે છે.

ઇશાન મંત્ર

ઇશાન સર્વવિદ્યાનામીશ્વર :સર્વ ભૂતાન્ન બ્રહ્માદિપતિ

બ્રહ્માણોડધિપતિર્|

બ્રહ્મા શિવો મે અસ્તુ સ એવ સદાશિવ ઓમ્||

૫ ઇશાન.ઇશાન સ્વરૂપ દુગ્ધ વર્ણ અને આકાશમુખી સ્વરૂપ છે.સમગ્ર ચૌદ લોકના સ્વામી અને નિયંત્રણ કરનારા.આ મુખ આકાશ તરફ છે.અન્ય ચાર મુખની ઉપર ચારે દીશાઓને નિયંત્રિત કરે છે.સૃજન, સંતુલન,વિનાશ, નિયંત્રણ અને અરાજકતાની ઉર્જાનુ પ્રતિનિધિત્વ કરે છે.પંચમુખી મહાદેવની ક્રીડા મૂર્તિ છે. પંચાક્ષર મંત્રમાં બીજાક્ષર ‘ય’ છે. વિશુદ્ધ ચક્ર સાથે જોડાયેલ છે.આ સ્વરૂપ શિવજીની સંપૂર્ણ ઊર્જામય છે.

ઓમકારથી પ્રગટ થયેલો ૩૮ અક્ષરોનો ઇશાન મંત્ર છે.

ભગવાન શિવજી કરૂણાસિંધુ , ભક્ત વત્સલ છે જે ભક્તની ભાવનાને વશીભૂત થાય છે અને મનોકામના પૂર્ણ કરે છે શિવજીની આરાધના કરતાં પહેલાં શિવજી સમાન ત્યાગી, પરોપકારી,સંયમી, સહિષ્ણુ આને આનંદમય થવાનું છે.શિવજી ધર્મવૃષને વાહન કરે છે .વિવેક, વૈરાગ્ય,શમ અને મુમુક્ષા ધર્મના ચાર ચરણ છે.શિવજી ધર્મના અધિપતિ છે.

શિવજીની આરાધનામાં જટીલતા નથી પણ ભાવનાની પ્રધાનતા છે.આશુતોષ શિવજીએ હળાહળ વિષ ધારણ કરી દેવતાઓ અને સૃષ્ટિની રક્ષા કરી નીલકંઠ કહેવાયા એમ ભક્તો પણ કર્તવ્યોનું પાલન કરી શિવજીની આરાધના કરે.

શિવ તત્વ જીવનમાં ઉતારી શિવતત્વ પ્રાપ્ત કરવાનું છે.એ જ શિવજીની પંચમુખી આરાધના છે.

ભગવદ્ ગીતા દુનિયાનો એકમાત્ર ગ્રંથ જેની જયંતિ ઉજવાય છે.

શ્રીમદ્ આદિ શંકરાચાર્ય શ્રીકૃષ્ણને મેઘસુદંરમ કહ્યા છે.

સમુદ્રમાંથી પાણી ખેંચીને નિર્માણ થતાં મેઘનુ પાણી એનું પોતાનું ના હોય પણ મીઠાશ એની પોતાની છે.એમ શ્રી ગીતાનું માધુર્ય શ્રી કૃષ્ણનું પોતાનું છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા

શ્રીગીતાજીની મહિમાનું વર્ણન કરવાનું સામર્થ્ય કોઇ કરી શકે નહીં.શ્રીગીતાજીનો આશય સમજતા આખુંય જીવન ટુંકુ પડે.રોજ રોજ અધ્યયન કરવા છતાં પણ નવીન લાગે છે.

૭૦૦શ્લોકોનો શ્રીગીતાનો ઉપદેશ મહાભારતના ભીષ્મ પર્વમાં છે. ભિન્ન ભિન્ન દાર્શનિક મતનો સમન્વય અને જ્ઞાન માર્ગ, કર્મમાર્ગ અને ભક્તિ માર્ગને સર્વશ્રેષ્ઠ રીતે રજૂ કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણનો શ્વાસ, હ્રદય અને વાણી શ્રીમદ્ ભાગવત્ ગીતા છે..

શ્રીગીતાનું પ્રાગટ્ય અર્જુનનાં અવસાદથી થયું.શ્રીગીતાનો પ્રથમ વિષાદ યોગ દૈન્ય અવસ્થાનું વર્ણન કરે છે.શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવી સમસ્ત વિશ્વને મહાન ઉપદેશ આપ્યો છે.બરોબર મહાભારતના યુદ્ધ સમયે જ અર્જુને પોતાના શસ્ત્રો મૂકી દીધા.હતા.સ્વજનોને મારીને અમે સુખી કેમ થઈ શકીએ.કુળનો નાશ થતાં સનાતન કુળધર્મો નાશ પામે છે.રાજ્ય સુખના લોભથી અમે સ્વજનોને મારવા તૈયાર થયા છીએ.એના કરતાં કૌરવો રણમાં મારે એવું મરણ સારૂ.ભિક્ષાથી મેળવેલું સારૂ પણ વડીલોને મારીને ભોગો ભોગવવા? વળી અમે જીતીશું કે તેઓ અમને જીતશે?

અર્જુન માટે આ પ્રથમ યુદ્ધ નહોતું. બાણવીર અર્જુન પહેલાં ઘણા યુદ્ધો લડીને જીતી ગયો હતો.છતાંય આ ધર્મ યુદ્ધમાં સ્વજનોને સામે જોતા એને ખેદ થયો.

હે કૃષ્ણ! યુદ્ધ કરવા ઇચ્છાત આ સ્વજનોને સામે ઊભેલા જોઈ મારા ગાત્રો ઢીલા થાય છે,મુખ સુકાય છે,શરીરમાં કંપન થાય છે.

ગભરાટ,મુખ સુકાવુ, ધબકારા થવા,ગાત્રો ઢીલા પડી જવા, શરીરમાં કંપન થવું, ભ્રમિત થવું આ અવસાદના લક્ષણો છે.જે અતિક્રિયાત્મક અવસાદ કહેવાય છે.આવી પરિસ્થિતિ ક્યારે ઉભી થાય છે? માનસિક દબાણ,કાર્ય છુટી જવાનો ડર, સ્વજનોને ગુમાવી દેવાનો ભય, ચિંતા,રઘવાટ, સ્પર્ધાત્મક અભિગમ,સમાજનો ડર,પરીક્ષાઓ અને પરિણામોની ચિંતા.આવા કેટલાય નકારાત્મક પરિબળો માનવીને હતાશાના એક દુષ્ચક્રમા ધકેલી દે છે.ક્રોધથી શરૂ કરીને ખેદ સુધી. આખરે આપણને મહેસૂસ થાય છે કે આ જીવન,living mode થી surviving mode પર ચાલી રહ્યું છે.

અર્જુન બીજો કોઇ નહીં પણ આપણું જ પ્રતિનિધિત્વ કરે છે.સંઘર્ષો,શોષણો અને મનોવ્યથથાથી આપણે જેમ હતાશ થઇને બેસી જઈએ છીએ.

અર્જુને ભીષ્મ પિતામહ અને દ્રોણને જોઇને શસ્ત્રો મૂકી દીધા.યુદ્ધના મેદાનમાં આવ્યો ત્યારે એને શું ખબર નહોતી કે સામે પક્ષે પિતામહ અને દ્રોણ છે.તો પછી વિષાદ શા કારણે.કુ રૂક્ષેત્રના મેદાનમાં ભ્રાતાન,પુત્રાન,સખીન હતા. બંને પક્ષે અસંખ્ય સૈનિકો હતા.દરેક યોદ્ધાને માથે મોતની તલવાર લટકતી હોય છે.આ યુદ્ધમાં કોણ જીતશે,કોણ અને કેટલા મૃત્યુ પામશે કે જીવતા રહેશે.છતાં અર્જુન યુદ્ધ કરતો રહ્યો ભીષ્મ અને દ્રોણનો વધ કરવાન

કોઇ પણ યુગ હોય,ઉન્નતિ અને વિકાસનો સમયગાળો હોય,દરેકને બાજુ પર રાખીને જોઇએ તો મનુષ્ય દરેક સમયે એક જેવી લાગણીઓ ભય,ક્રોધ,લોભ,મોહ,ઇર્ષ્યા,અનુભવે છે.આપણી લાગણીઓ આપણી દીશા નક્કી કરે છે અને દીશા આપણો હેતુ.આપણા વિચારો સતત ગતી કરે છે.

સંસાર પ્રત્યક્ષ છે સાથે જ એક બીજો સંસાર આપણી ભીતર છે.સુખ અને આનંદ બહાર છે અને ભીતર પણ છે.આ બધું મનના કારણે છે.મનને કોણ પ્રેરિત કરે છે?આપણે શેનાથી પ્રેરિત થઇને ખોટું કર્મ કરીએ છીએ? મન મનમાની કેમ કરે છે?

મન સ્થિતી,મન,માનસ નિયંત્રિત કરવા સહેલા નથી પણ પ્રબંધિત કરી શકાય છે.અભ્યાસ અને સકારાત્મક લાગણીઓ મનને પ્રબંધિત કરી શકે છે.

મનના વિષયોમાં ઋગવેદથી કરીને પતંજલિમા અને વૈજ્ઞાનિકોએ ઘણું સંશોધન કર્યું છે.

કહેવાય છે કે જેટલાં યુદ્ધ પૃથ્વી, સમુદ્ર કે આકાશમાર્ગે નથી લડાતા એનાથી પણ વધુ માનવીના મનમાં લડાય છે.માનવી આવા યુદ્ધથી મુક્ત રહેવા જાતજાતના સાધનો શોધતો ફરે છે.પણ આખરે હતાશા મળે છે.

આપણા શરીરમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ કર્મેન્દ્રિયો છે.ચાર તો મસ્તકમા જ છે.જોનારી દ્રષ્ટિ,સાંભળનારા કાન,ગંધ સુગંધ માટે નાક,રસ સ્વાદ માટે જીભ અને સ્પર્શ માટે ત્વચા.

શબ્દ,રૂપ,રસ,ગંધ અને સ્પર્શ સુખ દુ:ખનુ જ્ઞાન કરાવે છે.પણ જ્ઞાન સાથે ભાવનુ પણ મહત્વ છે.

ભાવ એટલે આપણો સ્વભાવ.સ્વ એટલે ‘હું’ શ્રીકૃષ્ણજીએ શ્રીગીતામા ઉચિત સ્વભાવને અધ્યાત્મ કહ્યું છે. પોતાની ભીતર બેસી અંતકરણની ગતી વિધી જોવી એ જ અધ્યાત્મ છે.

દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોય છે.જ્ઞાન,કર્મ અને ભક્તિ એક જ ચિત્તની બુદ્ધિ,ઇચ્છા અને ભાવ છે.

ભાવને જાણવા તટસ્થતા જરૂરી છે. પણ તટસ્થતા મનની પ્રકૃતિ નથી.તટસ્થતા કેળવવી પડે છે.સતત અભ્યાસ દ્વારા. એમ મન કાઇ જલદી તટસ્થ થતું નથી.બુદ્ધિના ખેલ સામે મન હારી જાય છે.બુદ્ધિગત સંસ્કાર ભાવને પકડે છે પણ સ્વભાવ બુદ્ધિની પકડમાં આવતો નથી.એટલે જ શ્રીકૃષ્ણજીએ ઉચિત સ્વભાવને અધ્યાત્મ કહ્યું છે.અંતરયાત્રા એક જ વિકલ્પ છે.

૧) સ્વને જાણવુ.માતા પિતા આપણા શરીરને જન્મ આપે છે.સમાજમાં ઓળખ માટે નામ આપે છે.

પણ આત્માને આપણે જ ઓળખી શકીએ છે.આ આત્મા કદી જન્મતો નથી,મરતો નથી,નિત્ય અને શાશ્વત છે.મનુષ્ય શરીર બાલ્ય અવસ્થાથી યુવાવસ્થા અને છેલ્લે વૃદ્ધાવસ્થા ધારણ કરે છે તેમ બીજા દેહની પ્રાપ્તિ થાય છે.જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી નવા વસ્ત્રો ધારણ કરે છે, આત્મા જૂના શરીર ત્યજી બીજા નવા શરીરો પામે છે.આ આત્માને શસ્ત્રો છેદતા નથી,પાણીથી પલળતો નથી કે પવનથી સૂકવાતો નથી.અગ્નિ બાળતો નથી.નિત્ય,વ્યાપ્ત અને અચળ છે.

સર્વના શરીરમાં આ દેહધારી આત્મા સદા હણાય નહીં એવો છે.શરીરધારીના આ શરીર નાશવંત છે પણ આત્મા અમર છે

આત્મવિશ્વાસ શું છે?. આત્મવિશ્વાસ એટલે શંકાઓ ન હોવી.મનુષ્ય સામાજ વચ્ચે રહે છે.કર્મ કરવાનો અધિકાર છે.કર્મના ફળની ઇચ્છા રાખ્યા વગર જો કર્મ કરે તો પોતાના પ્રયત્નોનું મહત્વ સમજાય.સફળતા અને નિષ્ફળતાની ચિંતા કર્યા વગર નિઃસ્વાર્થ કર્મ કરવું.

સતત અભ્યાસ અને મોહ રહીત રહીને મન પર સંયમ કેળવી શકાય છે.

૨)મનને વશ કરવું પણ મનના વશ ન થવું.મન સારો નોકર બને છે પણ સારો માલિક નહીં. મનના માલિક થવા મનની શક્તિથી પોતાને ઉન્નત કરવું જરૂરી છે. મન મિત્ર બને છે તો શત્રુ પણ.

૩) ક્રોધ,લોભ,કામનાઓ શત્રુ છે.આ સ્થુળ શરીરમાં ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે પણ ઇન્દ્રિયો કરતાં મન શ્રેષ્ઠ છે. અત્યંત ડગાવનારી ઇન્દ્રિયો, પ્રયત્ન કરતાં વિદ્વાન પુરૂષોના મનને પણ ડગાવે છે.વિષયોમાં ખેંચે છે. વિષયોના ચિંતન કરતાં મોહ થાય છે,મોહથી કામના અને કામનાથી ક્રોધ.ક્રોધથી વિવેક નાશ પામે છે.ભટકતી ઇન્દ્રિયોને મન અનુસરે છે.મનના બંધનમાં જકડાઈ જાય છે.

આપણી લાગણીઓ અને ઇચ્છાઓ સાથે જવાબદારીઓ હોય છે.એક વાર સમજી લેવાય કે પ્રાથમિકતા ક્યાં આપવી તો સ્વકર્મનુ મહત્વ આપમેળે સમજાય જાય છે.પછી કોઇપણ બાહ્ય આર્કષણથી આત્મવિશ્વાસને ક્ષતિ નથી પહોંચતી.

૪) ભગવાનને સર્મપિત રહેવું. સર્મપણની ભાવના.અભ્યાસ યોગ વડે ઇશ્વરને પામવાની ઇચ્છા.ભગવાનની યોજનાઓમાં હસ્તક્ષેપ ન કરવો અને શરીર અને આત્મા ભગવાનમાં જોડી દેવા.કર્મના ફળનો મોહ ત્યાગ.કમળના પાન પર પાણીના બિંદુ ની જેમ રહેવું.કમળના પાન પરના પાણીના બિંદુ અનાસક્ત છે.શરણાગતિ અહંકારના પરમાણુને નષ્ટ કરે છે.પોતાની ક્ષમતા અનુસાર કર્મો કરી કર્તવ્યનું પાલન કર્યા પછી પરમ સત્યને સર્મપણ થવું.

૫) દિવ્યતાના જ્ઞાનનુ મહત્વ. શ્રધ્ધાવાન,તત્પર અને જીતેદ્રિય એટલે કે અભ્યાસથી મન જીત્યું છે,તે પરમ જ્ઞાન પામે છે.એક નાનો પ્રયાસ પણ ભય મુક્ત બનાવે છે.

વૈજ્ઞાનિકોએ મન અને બુદ્ધિનુ સ્થાન એક જ કહ્યું છે.બુ્ધિ જાગૃત અવસ્થા છે અને મન અર્ધજાગૃત.મન દુર્ગુણોનો શિકાર થાય છે.નબળુ પડે છે.શ્રીગીતા બુદ્ધિ કરતાં મનને વશમાં રાખવાની સલાહ આપતો ગ્રંથ છે.

ગીતા યોગીઓ અને તપસ્વીઓ માટેનો જ ગ્રંથ નથી.સાંસારિક જીવન માટે પણ ઉપયોગી છે.શ્રીગીતાના દરેક અધ્યાયમાં શ્રીકૃષ્ણે મનુષ્યને ઉપદેશ આપ્યો છે.

અર્જુન બીજું કોઇ નથી સમગ્ર માનવજાતિનુ પ્રતિનિધિત્વ કરે છે. કુરૂક્ષેત્રના મેદાનમાં ભીષ્મ અને દ્રોણને જોઇને અર્જુને શસ્ત્રો મૂકી દીધા.એને ખબર હતી કે સામે પક્ષે પિતામહ અને આચાર્ય છે.તો પછી વિષાદનુ કારણ શુ?કુરૂક્ષેત્રના મેદાનમાં ભ્રાતા,પુત્રો,પૌત્રૌ,સગાઓ અને સખાઓ હતા. બંને પક્ષે અસંખ્ય સૈનિકો હતાં. દરેક યોદ્ધાને માથે લટકતી તલવાર હોય છે.કેટલા જીવશે કેટલા મૃત્યુ પામશે અને ઘાયલ થશે.પણ અર્જુન યુદ્ધ કરતો રહ્યો. પિતામહ અને આચાર્યનો વધ કરવાનું ટાળીને.પોતાના પુત્રનો વધ જોઇને પણ.શ્રીકૃષ્ણે મહાભારતના યુદ્ધ સમયે જ શ્રીગીતાનો ઉપદેશ આપી જગતને ઘણું ઘણું શીખવ્યુ છે.
ગીતા ધર્મમય છે,જ્ઞાનમાત્રની પ્રયોજિકા છે,અને સર્વં શાસ્ત્રમય છે.શ્રીમદ્ ભગવદ્ ગીતાએ જગતમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે.૭૫ભાષાઓમા શ્રીગીતાના અનુવાદ થયા છે.અંગ્રેજીમાં જ ૩૦૦ અનુવાદ થયા છે.in 1785 Charles Wilkins પહેલું અનુવાદ અંગ્રેજીમાં કર્યું.ત્યાર પછી જગતની દરેક ભાષાઓમાં શ્રી ગીતાના અનુવાદ થયા છે.

In 1785 Charles Wilkins પહેલું અંગ્રેજીમાં અનુવાદ કર્યુ

મહાભારતમાં આને પુરાણમાં અન્ય ગીતા મળી આવે છે.

નવરાત્રી અને નારીત્વ

ગુજરાતના ગરબા અને દાંડીયા રાસ,હરિયાળી ત્રીજ બિહારમાં, બંગાળની દુર્ગા પૂજા, દક્ષિણ ભારતમાં ગોલુ અને મહારાષ્ટ્રમાં ભોન્ડલા અને હાદગા આ ઉત્સવ સ્ત્રીઓને એક જ સ્થળે એકત્રિત કરે છે.

નવરાત્રી નારીશક્તિ દર્શાવતો પર્વ.આસો માસની એકમથી નવ સુધી નોરતાનો ઉત્સવ ઉજવાય છે.સામુહિક આનંદનું સર્વોત્તમ માધ્યમ નવરાત્રી ઉત્સવ છે.સ્ત્રીઓને નારીત્વની અનુભૂતિ કરાવતો તહેવાર એટલે નવરાત્રી.

ભારતના દરેક રાજ્યોમાં નવરાત્રીનું મહત્વ છે.નવરાત્રીનો ઉત્સવ અલગ અલગ રીતે ઉજવાય છે અને રાજ્યોની સંસ્કૃતિ પ્રદર્શિત કરે છે.રીત રિવાજ અલગ અલગ હોય છે પણ શક્તિ આરાધના દરેક રાજ્યોમા મુખ્ય હોય છે.નારીત્વની ઝલક દરેક રાજ્યોમાં જોવા મળે છે.

નવ દિવસ માતાજીના નવ સ્વરૂપોની પૂજા આરાધનાનું આ પર્વ નારીના રૂપને નવાજવાનુ અને આદર સન્માન આપવાનું છે.

નવરાત્રી સ્ત્રીઓ માટેનો ઉત્સવ કહી શકાય.ઘરના કામકાજમાં સતત વ્યસ્ત રહેતી સ્ત્રીઓને એક મોકળાશ અને સ્વતંત્રતા આપતો સમય છે.આ ઉત્સવ સામુહિક અને સાર્વજનિક રીતે ઉજવાય છે.ખુલ્લા વાતાવરણમાં ઉજવાતો તહેવાર છે.

મહારાષ્ટ્રમાં નવરાત્રીના પ્રથમ દિવસથી ભોન્ડલાની શરૂઆત થાય છે જે કોજાગરી પૂનમ સુધી ઉજવાય છે.હસ્ત નક્ષત્રમાં વરસાદ આવ્યા પછી ખેતીવાડીમાં સારો પાક થાય છે.પ્રકૃતિનો આભાર માની ભોન્ડલા નૃત્ય કરવામાં આવે છે.નવરાત્રીના પ્રથમ દિવસે ઘટ સ્થાપના કર્યા પછી સાંજે એક પાટ પર હાથીના ચિત્રની રંગોળી કરવામાં આવે છે.હાથી વરસાદનું પ્રતિક છે.દાળ,ચોખા,અન્ય રંગોનો ઉપયોગ કરી રંગોળી કરવામાં આવે છે.પાટ પર લાકડાનો મંડપ મૂકવામાં આવે છે.આ મંડપને ફળો અને ફૂલોથી શણગારે છે.ઘણી જગ્યાએ બે હાથીની આકૃતિ એવી રીતે દીવાલ પર મૂકાય છે જેમાં બંને હાથીની સૂંઢ સામ સામે હોય છે.આ ચિત્રને ફળો અને ફૂલોનો હાર પહેરાવે છે.આ ચિત્ર સમક્ષ ગોળાકારે ફરીને ભોન્ડલા ગીતો ગાવામાં આવે છે.

ભોન્ડલા સજાવટ

ખીરાપતનો પ્રસાદ અર્પણ કરે છે.પૃથ્વીની પ્રદક્ષિણા કરવામાં આવે છે એવી ભાવના સાથે સ્ત્રીઓ અને બાળકીઓ વર્તુળાકારે ફરી લોકગીત સાથે ભોન્ડલાનો આનંદ માણે છે.મોટે ભાગે મહીલા મંડળો દ્વારા રોજ અલગ અલગ ઘરોમાં અને સ્થળોમાં‌ આયોજન થાય છે.સ્ત્રીઓ પોતના ઘરેથી પ્રસાદી બનાવીને લઇ જાય છે.સાથે સાથે આપસમાં આજે કેવી પ્રસાદની વાનગી આરોગવા મળશે એવી અટકળ કરી આનંદ કરે છે.

મહારાષ્ટ્રમાં નવરાત્રીમાં હળદી કુમકુમ કરવાની પ્રથા છે.સૌભાગ્યવતી સ્ત્રીઓ એકબીજાને હળદર કંકુનો ચાંદલો કરે છે.પગે લાગીને આશીર્વાદ આપે છે.આ પ્રસંગ ઘરોમાં વધુ રાખવામાં આવે છે.મહેમાન સ્ત્રીઓને ભેટ સોગાદ આપવામાં આવે છે.

ગોલૂ સજાવટ

ગોલૂ દક્ષિણ ભારતમાં શરદ ઋતુનો ઉત્સવ છે.ગોલૂ,કોલૂ,ગોમ્બે,હમ્બા,બોમ્મા,કોલમ જેવા નામોથી આ નવરાત્રી ઉત્સવ તામીલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, કેરળમાં ઉજવાય છે.કૃષિ અને હસ્ત કારીગરીને પ્રદર્શિત કરતો પર્વ‌ છે.ગોલૂ પૂજાનું આયોજન ઘરોમાં રાખવામાં આવે છે.ઘરની સ્ત્રીઓ અને આસપાસની પડોશની સ્ત્રીઓ ગોલૂની તૈયારી એકસાથે મળીને કરે છે.

પ્રથમ કળશ પૂજન કરી મૂર્તિઓની સજાવટ અને ગોઠવણી કરવામાં આવે છે.
આ ઉત્સવમાં મૂર્તિઓ, ઢીંગલીઓ અને અન્ય આકારની ગોઠવણ મોટા ભાગે કોઇ વિષયને લગતા હોય છે જેમ કે રોજીંદા જીવનના દ્રશ્યો, ધાર્મિક અને સંદેશો આપતી વાર્તાઓ,રસોઇના વાસણો,રમત ગમત, વગેરે વગેરે.માટી અને લાકડામાંથી ઢીંગલીઓ બનાવી ચમકીલા રંગથી રંગવામાં આવે છે.કોઇ એક પ્રસંગ અનુસાર ઢીંગલીઓ અને મૂર્તિઓને ગોઠવવામાં આવે છે.

નવરાત્રીના પ્રથમ દિવસે ગણપતિ પૂજા કરીને દેવી સરસ્વતી, પાર્વતી અને લક્ષ્મીજીનુ કલસા અહવનમ‌ નામનું અનુષ્ઠાન પરિવારના વડીલો કરે છે.લાકડાના આડીયામા ૩,૫,૭,૯,૧૧,૨૧,એવી સંખ્યામાં મૂર્તિઓની ગોઠવણી થાય છે.આ મૂર્તિઓ એક પેઢીથી બીજી પેઢીને વારસામાં મળેલી હોય છે.

પારંપારિક પ્રથામાં વર_કન્યાની લાકડાની ઢીંગલીઓ મૂકવાનો રિવાજ છે.આ જોડાની ઢીંગલીઓ લાકડાની અથવા સૂકા નાળિયેરની હોય છે.દર વર્ષે નવા વસ્ત્રો પહેરાવી ઘરોમાં સ્થાપિત કરે છે.કન્યાને આ લાકડાની ઢીંગલીઓ એના માતા-પિતા દ્વારા ભેટમાં આપવામાં આવે છે.

સાંજના સમયે આંગણમાં રંગોળીઓ કરવામાં આવે છે.વચ્ચે દીપક મૂકે છે.તૈયાર કરેલ ગોલૂને પ્રસાદ અર્પણ થાય છે.શ્લોક અને ભક્તિ ભજનોથી વાતાવરણ આનંદ દાયક હોય છે.

નવમા દિવસે સરસ્વતી પૂજા કરવામાં આવે છે.પુસ્તકો અને વાદ્ય યંત્રો પૂજાના સ્થાને મૂકી પૂજવામાં આવે છે.વિજ્યા દશમીના શુભ દિવસે સમાપન થાય છે.ભગવાનને ધન્યવાદ આપતા ગીતો ગાય છે..સ્થાપના કરેલ કળશને ઉત્તર દિશામાં ફેરવવામાં આવે છે.એક કોલૂ મૂર્તિને સુવાડીને સમાપનનુ પ્રતીકાત્મક રૂપ દર્શાવામાં આવે છે.દેવી દેવતાઓના આભાર માનતા ગીતો ગવાય છે.કોલૂની ઢીંગલીઓ યથાસ્થાને મૂકી દેવામાં આવે છે.

સરસ્વતી પૂજન

દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં નવ દિવસ શક્તિ પૂજા થાય છે પણ સરસ્વતી પૂજાનું મહત્વ છે.બાળકને પ્રથમ વિદ્યા આપવાનો શુભ દિવસ નવરાત્રિમાં સરસ્વતી પૂજાથી કરવામાં આવે છે.નવ દિવસ શક્તિ પૂજામાં વિવિધ નૈવેદ્ય ધરાવી એકબીજાને આપવામાં આવે છે.

દક્ષિણ ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણા રાજ્યમાં બતુકમ્મા નામથી નવરાત્રી ઉત્સવ હોય છે.આનો અર્થ છે માતાજી સજીવ છે.આ રાજકીય પર્વ સ્ત્રીઓના સન્માન માટે અને સ્ત્રીઓ દ્વારા ઉજવવામાં આવે છે.

બતુક્મા

વિવિધ ફૂલો અને રંગોની સાત પરતથી ગોપુરમ મંદિરની આકૃતિ કરી માતા પાર્વતીની આરાધના સ્ત્રીઓ કરે છે.જો કે આ ઉત્સવ અમાસથી શરૂ કરી અષ્ટમીને દિવસે સમાપન કરે છે.ફૂલોની આકૃતિને નદી તળાવમા પધરાવી દેવાય છે.

દુર્ગા પૂજા.

પૂર્વ ભારત બંગાળ, ઓરિસ્સા, આસામમાં દુર્ગા પૂજા નવરાત્રી દરમિયાન ઉજવાય છે.દુર્ગા પૂજાનો તહેવાર માણવા અને જોવા વિદેશથી પણ લોકો આવે છે.નવરાત્રીના છેલ્લા પાંચ દિવસોમાં દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે.દુર્ગા દેવી સિંહ પર બિરાજમાન છે, હાથમાં આયુધો આને શસ્ત્રો છે એવી વિશાળ મૂર્તિઓના પંડાલ સમગ્ર બંગાળમાં જોવા મળે છે.દેવીના હાથમાં શસ્ત્રો નકારાત્મક ઉર્જા દૂર કરે છે અને સિંહ ધર્મનું પ્રતિક છે.

ધુનુચી નૃત્ય દુર્ગા પૂજામાં અતૂટ હિસ્સો ધરાવે છે.માન્યતા છે કે માતા દુર્ગા નવરાત્રીના પાંચમા દિવસે પિયરે આવે છે અને દશમી દશેરાના દિવસ સુધી રહે છે.માતાજીને અનેક પ્રકારના શણગાર,ભોગ, પ્રાર્થના, સ્તુતિઓ કરી પ્રસન્ન કરવામાં આવે છે.દુર્ગા પૂજા સમયે ઘણી પરંપરાઓ જોવા મળે છે.મોટે ભાગે સ્ત્રીઓ સહભાગી થાય છે.આમાનુ એક છે ધુનુચી નૃત્ય.આ પ્રાચીન નૃત્ય છે.આ નૃત્યનો સંબંધ મહિષાસુર વધ સાથે છે.બળવાન મહિષાસુરનો વધુ કરતાં પહેલાં માતા દુર્ગાએ ઉર્જા અને શક્તિ મેળવવા ધુનુચી નૃત્ય કર્યું હતું.આ નૃત્ય સાતમના દિવસે શરૂ કરવામાં આવે છે.ધુનુચી નૃત્ય કરીને જ માતાજીની આરતી થાય છે.એક માટીના વાસણોમા સૂકું નાળિયેર,કોલસા, કપૂર અને અન્ય હવન સામગ્રી રાખીને અગ્નિ પ્રગટાવી ધુનુચીને હાથમાં રાખી ઢોલ નગારા સાથે નૃત્ય થાય છે.પુરૂષો પણ આ નૃત્ય કરે છે.મહિલાઓમા આ નૃત્ય એક સાથે કરવાની પરંપરા છે.મુખમા ધુનુચીનુ પાત્ર પકડી અથવા તો હાથમાં રાખી ગોળ ગોળ ઘુમાવીને નૃત્ય કરવું એક આગવી કળા છે.

ઉલ્લુ ધ્વનિ મહિલાઓના સમુહ દ્રારા એકસાથે એક આવાજ કરવામાં આવે છે..હુલુ કે ઉલોક ધ્વનિ નામથી ઓળખાય છે.આ ધ્વનિ દુષ્ટ આત્માઓને ભગાડી દેશે એવી માન્યતા છે.ઉલ્લુ ધ્વનિની હરિફાઈ પણ રાખવામાં આવે છે.

ઉત્તર ભારતમાં નવરાત્રી ઉત્સવ પ્રભુ રામચંદ્રજીના વિજયનો તહેવાર કહેવાય છે.નવ દિવસ માતાજીની આરાધના કરી શ્રીરામચંદ્રજીએ માતાજીને પ્રસન્ન કરી દસમે દિવસે દશેરાના રાવણ વધ કર્યો હતો.ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન કન્યા પૂજનનું મહત્વ છે.ઘરે ઘરે આ રીતનું પૂજન થાય છે.

કન્યાઓને માતાજી સમાન માની પગના અંગુઠાને પાણીથી ધોઇ કંકુ ચોખા મૂકી કન્યાપૂજાન થાય છે.કન્યાઓને ખીર પૂરી, ચણાનું શાક અને હલવાનું ભોજન અર્પણ કરાય છે.દક્ષિણા આપવામાં આવે છે.માતા દુર્ગાનું એક સ્વરૂપ કુમારી છે.એટલે કુમારી સ્વરૂપ બાળાઓની પૂજા થાય છે.સાથે જ નવ દિવસ હોમ હવનનુ આયોજન કરવામાં આવે છે.આ દરેક કાર્યોમાં સ્ત્રીઓ દ્વારા થાય છે.

ઉત્તર ભારતમાં નવરાત્રી દરમિયાન માતાજીનુ જાગરણ કરવાની પ્રથા છે.માતાજીના મંદિરોમાં, સાર્વજનિક સ્થળોએ અને ઘરોમાં જાગરણ કરી માતાજીના ભજન કીર્તન થાય છે.જેમા મોટે ભાગે સ્ત્રીઓ સાથે મળીને જાગરણ કરે છે.આ જાગરણમા સરસ્વતી, નિદ્રા દેવી અને હનુમાનજીની પૂજા થાય છે.મતા સરસ્વતી જ્ઞાનની દેવી છે.ભક્તોને માતા સરસ્વતીના આશીર્વાદ પામવા નિદ્રાદેવી કસોટી કરે છે.એટલે નિદ્રા પર વિજય મેળવવા જાગરણ કરે છે.હનુમાનજી રૂદ્ર અવતારે માતાજીનુ રક્ષણ કરે છે.શ્રીરામચંદ્રજીના ભક્ત હનુમાનજીના ચાલીસા કરી જાગરણનો પ્રારંભ થાય છે.વહેલી સવારે માતા તારા રાણીની કથા ગાવામાં આવે છે.

મખરોત્સવ‌ ગોવા રાજ્યમાં નવરાત્રી દરમિયાન ઉજવાતો એક આકર્ષક ઉત્સવ છે.માતાજીના મંદિરોમાં આ મખર એટલે કે પાલખીની સજાવટ થાય છે.આ પાલખીને વિવિધ રીતે શણગારવામાં આવે છે જે જોવાનો એક લ્હાવો છે.મંદિરના પ્રાંગણમાં પાલખી મૂકી માતાજીની સ્થાપના કરે છે.આમ અલગ અલગ દિવસે‌ નવદુર્ગાના નવ સ્વરૂપને બેસાડવામાં આવે છે.આરતી કરીને આ પાલખી આખા મંદિરમાં ફેરવવામાં આવે છે.ઢોલ નગારા અને નૃત્ય સાથે આ વિધી કરે છે.નવરાત્રીમા માતાજી જાગૃત અવસ્થામાં હોય છે એવી શ્રદ્ધા સાથે દસ માતૃકા પૂજન કરવામાં આવે છે.

મખરોત્સવ

શાંતાદુર્ગા,આર્ય દુર્ગા,મહાલ્સા, કાત્યાયની,મહામાયા, કામાક્ષી, વિજય દુર્ગા,ભૂમિકા, મહાલક્ષ્મી અને નવદુર્ગા આ દસ માતૃકા પૂજનનો મહિમા નવરાત્રિ દરમિયાન હોય છે.માતાજીની મૂર્તિઓને પૂજા માટે બહાર લાવવામાં આવે છે.મૂર્તીઓના શણગાર આકર્ષક હોય છે.કોલ પ્રસાદ આરોગવાની ભક્તો રાસ જોતા હોય છે જે શિવ અને શક્તિને અર્પણ થાય છે.માતાજીના આયુધોની પૂજા કરવાનું મહત્વ છે.આ દરેક કાર્યમાં મહિલાઓનો ફાળો અધિક રહે છે.

અમુક સ્થળોએ ભરવાડકોમનો સમુદાય ધનગર નૃત્ય કરે છે.સફેદ વસ્ત્ર અને પાઘડી પહેરીને આ નૃત્ય દશેરાને દિવસે ધનગર નૃત્ય ઢોલ નગારા, વાંસળી જેવા લોક વાદ્ય વગાડી ધીમે ધીમે પગલાને તાલ આપવામાં આવે છે.

ગુજરાતના ગરબા

ગુજરાતી પ્રજા દર વર્ષે નવરાત્રીની રાહ જોતી હોય છે.નવરાત્રી ગુજરાતનો માનીતો તહેવાર છે.મહીનાઓ અગાઉ નવરાત્રિની તૈયારી થાય છે વિદેશથી વસતા લોકો ખાસ નવરાત્રિ ઉત્સવ મનાવવા આવે છે.પ્રથમ દિવસે સ્ત્રીઓ ગરબાની સ્થાપના કરે છે.છિદ્રો વાળા માટીના રંગબેરંગી સજાવટ કરેલા ઘટને ઘરમાં પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે છે.ઘટમા ધાન અને સીક્કા મૂકીને દીવો દસ સુધી પ્રગટાવે છે.આ ગરબો વિશ્વનું પ્રતિક છે.ગર્ભદીપ આસપાસ તાળીઓના તાલે ફરીને ગરબા ગાવામાં આવે છે.ગરબા નૃત્ય લોક સંસ્કૃતિ છે.પ્રાચીન કાળમાં ગરબો માથે મૂકીને નારીઓ ઘેર ઘેર જઈને ગરબામાં તેલ પૂરાવતી.ઘરના સભ્યો આંગણામાં આવીને ગરબા ગાવાનું કહેતા.ગરબાના દીવામાં તેલ પૂરી સાથે નાની નાની ભેટ પણ આપતા.મોટેભાગે નાની બાળાઓ ગરબો માથે મૂકીને ફરતી.દશેરાને દિવસે ગરબાનું વિસર્જન ધામધુમથી કરવામાં આવે છે.

ગરબા એટલે પગની ઠેસ અને તાળીઓને તાલે વર્તુળાકારે ઘુમીને માતાજીની આરાધના કરાતું નૃત્ય.

ગુજરાતના માતાજીના ગરબા, દાંડીયા રાસ આજે બીન ગુજરાતીઓમાં પણ માનીતા છે.ગરબા અને ગરબી સમૂહમાં પગના તાલે અને તાલીઓ સાથે કરાય છે.પુરૂષો ગરબી ગાય છે અને સ્ત્રીઓ ગરબા ગાય છે.ગરબીમા માત્ર ગાયન જ હોય છે.સાર્વજનિક સ્થળોએ રાત્રે ગરબા દાંડીયા રાસનુ આયોજન થાય છે.સ્થાનના મધ્યભાગમાં માતાજીની છબી સમક્ષ માટીનો ગરબો મૂકવામાં આવે છે.દીવો પ્રગટાવી આરતી સ્તુતિ કરી વર્તુળાકારે ફરીને ગરબા નૃત્ય ગાયન સાથે કરવાનો અનેરો આનંદ આપે છે.

સ્ત્રીઓ પણ પુરૂષોની જેમ એક સામાન્ય મનુષ્ય છે.પણ નારીના સ્વરૂપને પૂજનીય માનવામાં આવ્યું છે.દેવોને મહિષાસુરનો વધ કરવા દુર્ગા શક્તિના શરણે જવું પડ્યું હતું.નારીના વ્યક્તિત્વમાં રહેલી અસીમ શક્તિ આદર્શ સૃષ્ટિનું સર્જન કરી શકે છે.

અન્નપૂર્ણા, લક્ષ્મી અને સરસ્વતી સ્વરૂપા દરેક સ્ત્રી સશક્ત જ હોય છે.પ્રકૃતિ અને પુરુષનો વિષય આપણને સાંખ્ય દર્શનમાં જાણવા મળે છે.આ વિશ્વ પ્રકૃતિની દેન છે.ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રી શક્તિ સ્વરૂપા છે એમ પ્રાચીન કાળથી માનવામાં આવે છે.પોતાની અંદર રહેલી દુર્ગા શક્તિ સ્ત્રીએ જાતે જ ઓળખવાની છે.ચેતના અને નિર્ણાયક શક્તિ એ જ સ્ત્રીનું સશક્તિકરણ છે.

શિવ પંચાક્ષર સ્તોત્ર.શિવજીના સ્વરૂપનું વર્ણન.

ભગવાન શિવજીની આરાધના કરતાં એક છબી માનસ પટ પર પ્રગટ થાય છે.એક વૈરાગી યોગી, હાથમાં ત્રિશૂળ,,બીજા હાથમાં ડમરૂ, ગળામાં સર્પની અને રૂદ્રાક્ષની માળા, ભસ્મનું લેપન, મસ્તકમાંથી ગંગાજીની ધારા,અર્ધ ચંદ્ર,નંદી વાહન,વાઘનું ચર્મ વસ્ત્ર અને ધ્યાન કરનાર .ૐ નમઃ શિવાય મંત્ર એટલે મહાદેવજી.

દેવી દેવતાઓના આગવા સ્વરૂપમાં દૈવત્વ પ્રગટ થતું હોય છે.આ સ્વરૂપ દ્રારા દેવી દેવતાઓની માનવ આકૃતિનું વર્ણન મળે છે.આ વર્ણન પરથી સ્તોત્રોની રચનાઓ થાય છે.સ્તોત્ર એટલે સ્વરૂપના ગુણગાન ગાવા.સ્તોત્ર ઇશ્વરના તત્વને પ્રગટ કરે છે.આ તત્વ એટલે મહાત્મ્ય.મહાત્મયથી જ્ઞાન પ્રાપ્ત થાય છે.મહાત્મય જાણ્યા વગરની ભગવદ ભક્તિ ઘેટાં પ્રવૃત્તિ છે.જ્ઞાન જેટલું વધશે એટલી ભક્તિ તીવ્ર થશે.ચિત્ત શુદ્ધ થશે.

ૐ નમઃ શિવાય.

ભારતમાં શ્રાવણ માસ એટલે મહાદેવજીની મહિમા આરાધના કરવાના દિવસો.ભક્તો અનેક રીતે મહાદેવજીને પ્રસન્ન કરવા પ્રયત્ન કરે છે.શિવજીની આરાધના કરવા ઘણા સ્તોત્ર મંત્રો છે.

આ સૃષ્ટિ પંચતત્વોથી બની છે.પંચાક્ષર સ્તોત્રમાં પાંચ તત્વ સમાયેલ છે.ૐ બ્રહ્માંડ નો નાદ છે.પંચાક્ષર સ્તોત્રમાં નમઃ શિવાય શિવના પાંચ તત્વો છે.આ પાંચ તત્વો શિવ સ્વરૂપનું વર્ણન કરે છે.

આદિગુરૂ શંકરાચાર્યે શિવ પંચાક્ષર સ્તોત્રની રચના કરી ભગવાન શિવજીના સ્વરૂપનું વર્ણન કર્યું છે.

પાંચ અક્ષર નમઃ શિવાય . પ્રત્યેક શ્લોક ક્રમશઃ ન,મ,શિ,વા,ય થી શરૂ થાય છે.‘ન’ પૃથ્વી,’મ’ પાણી,’શિ’અગ્નિ,’વા’ વાયુ, ‘ય’ આકાશ.

નાગેન્દ્રહારાય ત્રિલોચનાય
ભસ્માઙ્ગરાગાય મહેશ્વરાય |
નિત્યાય શુદ્ધાય દિગમ્બરાય
તસ્મૈ “ન” કારાય નમઃ શિવાય || 1 ||

નાગેન્દ્ર હારાય એટલે ગળામાં નાગનો હાર ધારણ કર્યો છે.
ગરૂડ જ્યારે દરેક સર્પ જાતિનું ભક્ષણ કરતો હતો ત્યારે શિવજીએ સર્પજાતિને ઘરેણાં તરીકે અપનાવી રક્ષા કરી હતી.સમુદ્ર મંથન વખતે ભગવાન શિવજીએ હળાહળ વિષ ધારણ કર્યું.ત્યારે વાસુકી નાગે વિષ ગળાથી નીચે ઉતરવા ન દીધું.પણ શિવજીના ગળામાં દાહ ઉત્પન્ન થવા લાગી.વાસુકી નાગ ગોળ વીંટળાઈ ગયો.વાસુકીનાગ શિવજીનો પરમ ભક્ત છે.શિવજીના વરદાનથી નાગલોકનું રાજ્ય મેળવ્યું છે.

સર્પ ઠંડા લોહી વાળું પ્રાણી છે.વાસુકી નાગ ગળામાં ત્રણ વીટ કરી વીંટળાઈ ગયો છે જે ભૂત,વર્તમાન અને ભવિષ્યનું,.જન્મ મૃત્યુના અનંત ચક્રનું સૂચન કરે છે.સર્પ કુંડલિની શક્તિ, અભિમાન અને ભયનું પ્રતિક છે.અભિમાન ઝેર સમાન છે.જીવ ભયમુક્ત થઈને અવિનાશી નાગેશ્વર સ્વરૂપને પ્રણામ કરે.


ત્રિલોચનાય.ત્ર્યંબક એટલે ત્રિનેત્ર.શિવજીનુ જમણું નેત્ર સુર્ય છે, ડાબું નેત્ર ચંદ્ર છે અને ત્રીજું નેત્ર અગ્નિ છે.ત્રીજુ નેત્ર જ્ઞાન ચક્ષુ કહેવાય છે.બુદ્ધિ,જ્ઞાન અને જાગૃતિ સૂચવે છે.શિવજી મહાયોગી છે.ત્રિનેત્ર એટલે છઠ્ઠું ચક્ર છે બંને ભ્રમરોની વચ્ચે હોય છે.અલૌકિક શક્તિ બતાવે છે.બૌદ્ધ ધર્મમાં ત્રીજું નેત્ર પ્રબોધન પ્રાપ્તિનુ પ્રતિનિધિત્વ કરે છે.

ભસ્મ.ભસ્મ એટલે વિભૂતિ.ભગવાન શિવજીની શોભા અને વૈભવ ભસ્મ છે.પરમ સત્ય દર્શાવે છે.નશ્વર દેહનું અભિમાન કરવું નહીં.એક વાર માટીમાં મળી જશે.ભૌતિક સંસારમાંથી સંપૂર્ણ મુક્ત રહેવું.શિવજીના કપાળ પર ત્રણ ભસ્મની રેખાઓ ત્રણ લોકનું ચિન્હ છે.
વસ્ત્ર.દિશાઓ ભગવાન શિવનું વસ્ત્ર છે.દિગંબર અર્થાત નગ્ન.અંબર એટલે આકાશ.ભગવાન શિવજી સમગ્ર સૃષ્ટિમાં સમાયેલા છે.સર્વભૂત સ્વરૂપ છે.વિશાળ અનંત આકાશ ભગવાન શિવજીનું વસ્ત્ર છે.

મન્દાકિની સલિલ ચન્દન ચર્ચિતાય
નન્દીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય |
મન્દાર મુખ્ય બહુપુષ્પ સુપૂજિતાય
તસ્મૈ “મ” કારાય નમઃ શિવાય || 2 ||

ગંગા નદી પૃથ્વી અને સ્વર્ગનો સેતૂ કહેવાય છે.સમુદ્ર મંથન વખતે હળાહળ વિષ ધારણ કર્યું ત્યારે દેવોએ પવિત્ર ગંગાજળ થી ભગવાન શિવજીનો અભિષેક કરી અર્ચના કરી હતી.ગંગાજળ નકારાત્મક ઉર્જા દૂર કરે છે.મસ્તકને શીતળ રાખે છે.

ચંદન.ચંદન શીતળતા બક્ષે છે.ગંગાજળથી અભિષેક કરી ભગવાન શિવજીને ચંદન અર્પિત કરાય છે.

મંદાર પુષ્પ એટલે આંકડના ફૂલ ભગવાન શિવજીને પ્રિય છે. આંકડો ઝેરી હોય છે.રાગ,દ્રેષ, ઇર્ષ્યા,નફરત પણ આપણા જીવનમાં ઝેર ઘોળે છે.જેનાથી દૂર રહેવું

મહાદેવજીના શણગાર અને પૂજામાં જંગલમાંથી મળતી વસ્તુઓ અર્પણ થાય છે.વનના ફૂલો,ધતુરો, બીલીપત્રો, રૂદ્રાક્ષ,ભસ્મ,સર્પોની માળા, પોષાકમાં વાઘનું ચર્મ

શિવાય ગૌરી વદનાબ્જ બૃન્દ
સૂર્યાય દક્ષાધ્વર નાશકાય |
શ્રી નીલકણ્ઠાય વૃષભધ્વજાય
તસ્મૈ “શિ” કારાય નમઃ શિવાય || 3 ||

કલ્યાણ સ્વરૂપ ભગવાન શિવજી માતા પાર્વતીના મુખ કમળને પ્રસન્ન કરે છે.જગદંબાના સ્નેહને શિવજીએ અર્ધનારીશ્વર રૂપે ધારણ કર્યો છે.શિવ _પાર્વતી એકબીજાના પ્રતિક છે.શિવ આત્માના કારક છે તો પાર્વતી બુદ્ધિના કારક છે.
ભગવાન શિવજીને સુર્ય સ્વરૂપાય કહે છે.સુર્ય સમાન તેજસ્વી,સુંદર,વરદાન આપનાર છે.ઋગવેદમા અગ્નિદેવને રૂદ્ર કહ્યાં છે.રૂદ્ર દેવ રોગ શામક છે.
દક્ષરાજાએ યજ્ઞમાં શિવજીનું અને સતીમાતાનુ અપમાન કર્યું.સતીમાતાએ અગ્નિ ધારણ કર્યો.ભગવાન શિવજીએ દક્ષના યજ્ઞનો નાશ કર્યો હતો.નીલકંઠાય ભગવાન શિવજીના રથ પર વૃષભનુ ચિન્હ છે.કંઠમા વિષ ધારણ કરવાથી શ્રી નીલકંઠાય મહાદેવ કહેવાયા.

દરેક દેવતાઓના યુદ્ધ સમયે રથ પર ધવ્જ હોય છે.શ્રી વિષ્ણુના રથ પર ગરૂડ,શિવજીના રથ પર વૃષભ, શ્રી ગણપતિના રથ પર મૂષક,દેવી દુર્ગાના રથ પર સિંહ.

વશિષ્ઠ કુમ્ભોદ્ભવ ગૌતમાર્ય
મુનીન્દ્ર દેવાર્ચિત શેખરાય |
ચન્દ્રાર્ક વૈશ્વાનર લોચનાય
તસ્મૈ “વ” કારાય નમઃ શિવાય || 4 ||

વશિષ્ઠ ઋષિ, અગસ્ત્ય ઋષિ, ગૌતમ ઋષિ અને ઇન્દ્ર આદિ દેવતાઓએ ભગવાન શિવજીના મસ્તકની ગંગાજીને જટામાં સમાવી લીધા ત્યારે આરાધના કરી હતી.સુર્ય, ચંદ્ર અને અગ્નિ જેમના નેત્ર છે એવા મહાદેવને નમસ્કાર.

યક્ષ સ્વરૂપાય જટાધરાય
પિનાક હસ્તાય સનાતનાય |
દિવ્યાય દેવાય દિગમ્બરાય
તસ્મૈ “ય” કારાય નમઃ શિવાય || 5 ||

સમુદ્ર મંથન કરીને દેવતાઓએ અમૃત કુંભમાંથી અમૃતપાન કર્યું હતું.અસુરોને પરાજિત કરી દેવતાઓને અભિમાન આવી ગયું હતું.દેવતાઓ એમ માનવા લાગ્યા અમે અમર થઈ ગયા છે.
મહાદેવજીએ યક્ષ સ્વરૂપ ધારણ કર્યું.યક્ષમા અપ્રાકૃતિક શક્તિ હોય છે.દેવતાઓ જેવી જ અર્ધશક્તિ ધારણ કરી શકે છે.
મહાદેવજીએ યક્ષ અવતાર ધારણ કરી દેવતાઓ સમક્ષ તણખલું મૂક્યું અને તણખલાંને બાળી નાખવા કહ્યું.દેવતાઓએ પૂરી શક્તિ લગાડી પણ તણખલું હલાવી શક્યા નહીં.ત્યારે આકાશવાણી થઇ કે યક્ષ સ્વરૂપે શિવજી છે.
દેવતાઓએ મહાદેવને વંદન કર્યું.
‘ હું જ કરૂં છું’ એવો અહંકાર આસુરી ભાવ છે.તણખલાના દ્રષ્ટાંતથી શીખ મળે છે કે મહાદેવની આજ્ઞા વગર સંસારમાં એક તણખલું પણ આઘુંપાછું કરી શકાતું નથી.

ભગવાન શિવજી જટાધારી સ્વરૂપ છે.વ્યોમકેશ કહેવાય છે.વ્યોમ એટલે આકાશ.કેશ એટલે વાળ.જટા જેવા કેશ ઉચ્ચત્તમ ચેતના,આત્મ જાગૃતિ અને ઉચ્ચ શક્તિઓનો સંયોગનુ પ્રતિક છે.બુદ્ધિ,દેહ આને આત્માનું સામંજસ્ય જીવનમાં કાંઇ પણ હાંસિલ કરવા માટે જરૂરી છે.
જટા વાયુના પ્રવાહનું પ્રતિનિધિત્વ કરે છે.જીવોના સ્વામી એવા શિવજી જીવોના શ્વાસમાં વસે છે.
ત્રિશુળ એટલે પિનાક.ત્રણ ગુણોનું આને ત્રણ નાડીઓનુ પ્રતિક છે.સત્વ,રજ,તમે.ઇડા,પિગંલા અને સુષુમ્ણા નાડી.ત્રિશુળ મન, બુદ્ધિ અને અહંકારનું ચિન્હ છે.રાગ,દ્રેષ, અહંકારથી વ્યક્તિ અનુચિત કાર્ય કરવા પ્રેરાય છે.જે પોતે તો દુઃખી થાય છે આસપાસના લોકોને કષ્ટ આપે છે.આવી નકારાત્મક ભાવનાઓથી દૂર રહી ભગવાન શિવજીની આરાધના ત્વરિત ફળ આપે છે.ભગવાન શિવજી ત્વરિત ફળ આપનાર દેવ છે.


શિવજી એટલે મહેશ્વર.મૃત્યુ લોકના દેવતા શિવજી ખૂબ દૂર હિમાલયના ઠંડા પહાડોમાં વસે છે.જ્ઞાન, ઇચ્છા અને ક્રીયાની ઉર્જા છે.મહાદેવ નથી ઇચ્છતા કે ભક્તો કઠોર આરાધના કરી શિવજીને રીઝવે.શિવસૂત્ર, “આપણી અંદર બંને તત્વો છે.કાળ અને શક્તિ.બંને જાગૃત થાય તો શક્તિ મહાકાળના દર્શન કરાવે છે.શિવ તત્વનો પ્રકાશ થતાં શક્તિ પ્રગટ થાય છે.

દેવશયની એકાદશી. પૌરાણિક, આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ.

ધર્મ એટલે પરમાત્માના અસ્તિત્વમાં વિશ્વાસ, ભક્તિ અને મત.

દરેક ધર્મમાં ત્રણ ભાગનું વર્ણન મળે છે.દર્શન એટલે કે તત્વજ્ઞાન, ધર્મ સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ અને અનુષ્ઠાન, વ્રત,જપ,તપ અને ધાર્મિક ક્રિયાઓ.તત્વજ્ઞાન ધર્મનો સાર છે, પૌરાણિક કથાઓ ધર્મના સારનુ વર્ણન કરે છે અને ધાર્મિક ક્રિયાઓ ધર્મનું યથાર્થ પૂર્ણ ચિત્રણ કરે છે.એક ઠોસ સ્વરૂપ બતાવે છે.ધાર્મિક ક્રિયાઓ વિધી અને અનુષ્ઠાન સાથે જોડાયેલી છે.

હિંદુ ધર્મ અદ્રિતીય છે જે તત્વજ્ઞાન અને પરંપરાઓનું સંકલન છે.સનાતન ધર્મ છે.સર્વેશ્વરવાદી છે.બ્રહ્મવાદી છે.આસ્થા, દર્શન અને પૌરાણિક જ્ઞાનનું વર્ણન સવિસ્તાર કરે છે.

ભારતીય સંસ્કૃતિમાં ઋષિમુનિઓએ મનુષ્યોને સારા કર્મો કરવા,જપ,તપ, વ્રત ઉપવાસ કરવાનું વર્ણન પુરાણમાં કર્યું છે.આપણા ગ્રંથો અને પુરાણોમાં રોજ બરોજના જીવનને ધર્મ સંગત રાખવાનું માર્ગદર્શન મળે છે.આપણો આહાર વિહાર ઋતુ મુજબ હોય છે.સાથે ઉત્સવ અને પર્વ પણ ઋતુ અનુસાર આવે છે.

પદ્મ પુરાણ, ભવિષ્ય પુરાણ અને નારદ પુરાણમાં એકાદશી વ્રતનું માહત્મ્ય છે.એક વર્ષમાં ૨૪ એકાદશી હોય છે.અધિકમાસના વર્ષમાં ૨૬ એકાદશી આવે છે.એકાદશી અલગ અલગ નામથી ઓળખાય છે.

દરેક એકાદશી શ્રીવિષ્ણુ ભગવાનના અલગ અલગ અવતારનુ વર્ણન કરે છે.અષાઢ માસમાં દેવપોઢી એકાદશીનું મહત્વ છે.અષાઢ સુદ અગિયારસના દિવસે દેવ શયની એકાદશી આવે છે.ભગવાન વિષ્ણુ ચાર મહિના શયન કરે છે.જગન્નાથ પૂરીની રથયાત્રા પછી દેવશયની એકાદશી આવે છે.

જય જગદીશ.

પુરાણો અનુસાર શ્રીવિષ્ણુની યોગ નિદ્રાને હરિ શયન કહે છે.હરિ શબ્દ સુર્ય, ચંદ્ર,વાયુ માટે પણ કહેવાય છે.હરિ શયન દરમ્યાન વર્ષાઋતુ હોય છે.સુર્યનો તાપ અને પ્રકાશ ક્ષીણ થાય છે.ચંદ્ર વાદળો વચ્ચે ઢંકાઈ જાય છે.સુર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરે છે.કર્ક એટલે કરચલો.ધીમી ગતિએ ચાલે છે.સુર્યનો પ્રકાશ ઓછો થતો જાય છે.દિવસો નાના થતાં જાય છે.પૃથ્વી પર જળ વધે છે અને તાપ ઘટે છે.એટલે આ સમય દરમ્યાન વ્રત,જપ,તપ, અનુષ્ઠાન કરવામાં આવે છે.

શિવ પુરાણ અનુસાર શંખાસુર નામના દૈત્ય સાથે શ્રીવિષ્ણુ ભગવાને લાંબા સમય સુધી યુદ્ધ કર્યુ અને અંતે વધ કર્યો હતો.શ્રીવિષ્ણુ ભગવાન ખૂબ જ થાકી ગયા અને ક્ષીર સાગરમાં વિશ્રામ કર્યો.સૃષ્ટિનો સઘળો કારભાર ભગવાન શિવજીને સોંપી દીધો.શ્રાવણ માસમાં ભગવાન શિવજીની આરાધના કરવામાં આવે છે.ત્યાર પછી શિવ પુત્ર શ્રીગણેશની આરાધના ભરપૂર ઉત્સાહથી કરવામાં આવે છે.પંદર દિવસ આપણા પુર્વજોને યાદ કરી શ્રાધ્ધ કાર્ય થાય છે.માતાજીના આર્શિવાદ નવરાત્રિમાં મળે છે.આમ શિવ પરિવારની આરાધના આસો મહીના સુધી થાય છે.

વામન અવતાર.

વામન પુરાણ અનુસાર રાજા બલિએ ત્રણેય લોકનું આધિપત્ય મેળવવા અશ્વમેઘ યજ્ઞ પ્રારંભ કર્યા.૯૯ યજ્ઞ સંપૂર્ણ કર્યા.૧૦૦ મા યજ્ઞમાં શ્રી વિષ્ણુ ભગવાન વામન અવતારમાં પ્રગટ થયા.ઇન્દ્રદેવની વિનંતીથી માતા અદીતી અને ઋષિ કશ્યપે તપ કર્યું અને શ્રી નારાયણ બટુક સ્વરૂપે પધાર્યા.વામન અવતાર ધારણ કરી બલિ રાજાના યજ્ઞમાં ગયા.રાજા બલિએ સિંહાસન અર્પણ કર્યું.શ્રી વિષ્ણુ ભગવાને પોતાના ત્રણ પગલાં સમાન દક્ષિણ માંગી.રાજા બલિએ સંકલ્પ કરી પ્રભુની ઇચ્છા પૂરી કરી.શ્રીનારાયણે પોતાનું વામન સ્વરૂપ વધારી એક પગમાં પૃથ્વી,બીજા પગમાં આકાશ અને સ્વર્ગ મેળવી લીધા.ત્રીજો પગ રાજા બલિએ પોતાના મસ્તક પર ધારણ કરવા કહ્યું.મસ્તક પર શ્રી વિષ્ણુભગવાને પગ મુકતાં રાજા બલિ પાતાળ લોકમાં પહોંચી ગયા.શ્રીનારાયણ રાજા બલિની ભક્તિથી ખુશ થયા અને ચાર મહિના રાજા બલિના પાતાળ લોકમાં દ્રારપાળ તરીકે રહ્યા.દેવપોઢી એકાદશીથી ચાતુર્માસ શરૂ થાય છે.સાધુ સંતો ચાર મહિના એક જ સ્થાને રહે છે.કહેવાય છે કે સાધુ-સંતો ચલતા ભલા.સાધુ સંતો હંમેશા વિહાર કરતાં રહે છે અને સમાજને આધ્યાત્મિક વાસ્તવિકતાનું જ્ઞાન આપે છે.પણ આ ચાતુર્માસમાં સાધુ સંતો એક જ સ્થાને રહે છે.

દેવપોઢી એકાદશીના દિવસે સંત સમાજ શ્રી વિષ્ણુ ભગવાનને પોઢી જવાની વિનંતી કરે છે.શ્રીપ્રભુ પૂછે છે કે જો હું પોઢી જાઉ તો આ સૃષ્ટિનું સંચાલન કોણ કરશે? સાધુ સંતો કહે છે કે અમે કરશું.શ્રીપ્રભુ સાધુ સંતો પર કૃપા કરી પોઢી જાય છે.દેવપોઢી એકાદશી પછી ગુરૂ પુર્ણિમા આવે છે.ભારતમા ગુરૂપૂર્ણિમા શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે.

તુમ પૂર્ણ પરમાત્મા,તુમ અંતર્યામી,

પારબ્રહ્મ પરમેશ્વર,પારબ્રહ્મ પરમેશ્વર

તુમ સબ કે સ્વામી.

જગત બ્રહ્મનો ગુણ છે.બ્રહ્મ વિશ્વમાં છે અને વિશ્વથી પર છે.શ્રી વિષ્ણુ બ્રહ્મ છે.જગતના પાલન કર્તા છે.પાલન કર્તા એટલે પર્યવેક્ષક (supervisor).પાલન કર્તા નિરીક્ષણ કરે.જગતનુ પર્યવેક્ષણ  કરે છે.બ્રહ્મ ઇશ્વરનું વિરાટ સ્વરૂપ છે.બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત_ઉપાદન કારણ છે.જગત રૂપે પ્રગટ થાય છે ત્યારે તેનો ‘આવિર્ભાવ’ થયો કહેવાય છે.પ્રલય સમયે તેના તત્વો છુપાઇ જાય છે ત્યારે તેનો’તિરોભાવ’ થયો કહેવાય છે.એક માંથી અનેકની ઉત્પત્તિ.અને પ્રલય સમયે પુનઃએક માં જ વિલીન થવું.

તુમ હો એક અગોચર,સબ કે પ્રાણપતિ

શ્રીવિષ્ણુ ભગવાન નિદ્રાધીન હોય છે ત્યારે વર્ષાઋતુ હોય છે.પૃથ્વી જળથી તરબોળ થઇ જાય છે જે વાર્ષિક પ્રલય કહેવાય છે.પૃથ્વીની ક્ષમતા ઘટી જાય છે.ભગવાન વિષ્ણુના દસ અવતાર સાગરમાં જડીબુટ્ટી બનાવે છે.વર્ષાઋતુ પછી પૃથ્વી ઉપજાઉ થાય છે.પૃથ્વી પર લીલીછમ હરિયાળી છવાઈ જાય છે.

દેવપોઢી એકાદશી દેવશયની છે.શ્રીનારાયણની નિદ્રા વિશ્વના વિલોપનનું પ્રતીક છે.વિશ્વનુ અસ્તિત્વ રહે છે.શ્રી નારાયણનું જાગવું એટલે દેવ ઉઠી એકાદશી છે વિશ્વનું સૃજન દર્શાવે છે.

શ્રીવિષ્ણુ ભગવાન ક્ષીર સાગરમાં શેષનાગની શૈયા પર નિદ્રાધીન થાય છે.ક્ષીર એટલે દૂધ.ક્ષીર સાગર અનંત છે.શેષનાગ શ્રીવિષ્ણુ ભગવાનના મસ્તક પર સ્થિર રહે છે.શેષનાગ કાળ સમાન છે.કાળ એટલે સમય.સમગ્ર સૃષ્ટિ નાશ પામ્યા પછી પણ શેષનાગનુ અસ્તિત્વ રહે છે.એટલે ‘શેષ’ કહેવાય છે.મૂળમા નાગ પાતાળ લોકમાં નિવાસ કરે છે.ભૌતિક સંપત્તિ પાતાળ લોકથી મળે છે.વટવૃક્ષના મૂળ પૃથ્વીની તળે હોય છે,ખનીજ સંપતિ,જળના સ્તોત્ર દરેક જમીનની અંદરથી પ્રાપ્ત થાય છે.પાતાળ લોકમાં પ્રકૃતિની ઉર્જા ગૂઢ રૂપે હોય છે.શેષનાગ પૃથ્વીને ધારણ કરે છે.શ્રીવિષ્ણુ ભગવાન પાલન કરે છે.

તુમ કરૂણા કે સાગર,તુમ પાલન કર્તા, સ્વામી તુમ પાલન કર્તા.

વિષ્ણુ પુરાણમાં અને માર્કડેય પુરાણમાં એકાદશીના વ્રતનું માહત્મ્ય છે.પદ્મ પુરાણ અનુસાર ‘એકાદશી’ શ્રી વિષ્ણુ ભગવાનની શક્તિ છે.એકાદશી એટલે અગિયારસ.૧૧ ઇન્દ્રીયો.૫ જ્ઞાનેન્દ્રિય,૫ કર્મેન્દ્રિય અને ૧ અંત:કરણ.

ચાતુર્માસમાં આત્મન,અધ્યયન, ઉપાસના કરવાથી ઉર્જા પ્રાપ્ત થાય છે.શારિરીક અને માનસિક આરોગ્યની જાળવણી કરવાનો સમય હોય છે.વર્ષાઋતુમા હવા અને પાણી ભારે થાય છે.જંતુ કીટાણુઓને લગતી બિમારીઓ વધી જાય છે.જળ વધે છે અને તાપ ઘટે છે .આવા સમયે આહાર વિહારનો બદલાવ જરૂરી છે.

પુરાણોમા દિવસમાં એક વખત ભોજન કરીને એકાદશી કરવાનું કહે છે.આ પર્વ દરમિયાન વ્રત,જપ તપથી શરીરમાં રહેલા હાનિકારક તત્વો નાશ પામે છે લોહીનું શુદ્ધીકરણ થાય છે અને ચયાપચયની ક્રિયા એક સરખી થાય છે.ઉપવાસમા લેવાતો આહાર યોગ્ય હોવો જોઈએ.

પુરાણો અનુસાર શ્રીવિષ્ણુભગવાને પાતાળ લોકમાં બલિરાજાના મહેલમાં ચાર માસ દ્રારપાળ તરીકે રહેવાનું વરદાન બલિરાજાને આપ્યું.માતા લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી ભાઈ બનાવ્યો અને શ્રીહરિને મુક્ત કરવા વિનંતી કરી.ત્યારથી શ્રી વિષ્ણુ ભગવાનના આપેલ વરદાનનુ પાલન ત્રણેય દેવતાઓ કરે છે.

શ્રીવિષ્ણુ ભગવાન દેવશયની એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી, ભગવાન શિવજી મહાશિવરાત્રી સુધી અને શ્રીબ્રહ્માજી શિવરાત્રીથી દેવ શયની સુધી.

દીનબંધુ દુઃખ હર્તા, ઠાકુર તુમ મેરે,સ્વામી રક્ષક તુમ મેરે

આપને હાથ ઉઠાઓ,અપને શરણ લગાઓ, દ્રાર પડે તેરે

ઓમ જય જગદીશ હરે.